કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પડકાર ફેંકતા શું વિવાદ થયો?

જવાહર ચાવડા અને મનસુખ માંડવિયા

ઇમેજ સ્રોત, facebook

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત ભાજપમાં લોકસભા ચૂંટણી પછી ભાજપના નેતાઓનો વધુ એક આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે.

ભાજપ નેતા જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સામસામે પ્રહારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

રાજકીય નિષ્ણાતો આ ઘટનાને ભાજપના આંતરિક વિખવાદ તરફ ઈશારો કરે છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, તેમાં કૉંગ્રેસના અરવિંદ લાડાણી પણ હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી અને અરવિંદ લાડાણી ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા.

હવે અરવિંદ લાડાણીએ પોતાના એક જમાનાના ગુરુ જવાહર ચાવડા પર ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને એક પત્ર પણ લખ્યો છે.

વિવાદ શું હતો અને કોણે શું કહ્યું?

જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી મનસુખ માંડવિયાને જવાબ આપ્યો હતો

ઇમેજ સ્રોત, JAWAHAR CHAVDA/FB

ઇમેજ કૅપ્શન, જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં વીડિયોના માધ્યમથી મનસુખ માંડવિયાને જવાબ આપ્યો હતો

ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીમાં માણાવદરથી જીતેલા અરવિંદ લાડાણીએ ભાજપના પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખીને જણાવ્યું હતું કે 'ચૂંટણી દરમ્યાન જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ નૂતન જિનિંગ મિલમાં મિટિંગ કરી ભાજપ વિરુદ્ધ અને કૉંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.'

આ પત્રમાં તેમણે જવાહર ચાવડાના ભાજપના નિકટના કાર્યકર્તાઓના નામનો ઉલ્લેખ કર્યો છે.

તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચૂંટણી જીત્યા બાદ મતદાતાનો આભાર માનતા જાહેર મંચ પરથી જવાહર ચાવડાનું નામ લીધા વગર કહ્યું હતું કે 'ભાજપ વિરુદ્ધ કામ કરનારાએ સમજવું જોઈએ કે એમનું અસ્તિત્વ ભાજપથી છે.'

તો જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોના માધ્યમથી તેમને જવાબ આપ્યો હતો.

તેમણે વીડિયોમાં દાવો કર્યો હતો કે 'ભાજપ સિવાયની મારી એક ચોક્કસ ઓળખ હતી અને મારી ઓળખ પર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ ચીપકાવી દીધી છે.'

WhatsApp

જવાહર ચાવડા અને મનસુખ માંડવિયાનો વિવાદ શું સૂચવે છે?

જવાહર ચાવડા, મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે બે ઉમેદવાર બદલવા પડ્યા હતા અને એ સમયે પણ વિવાદ થયો હતો.

જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જવાહર ચાવડાનું એમના પિતાજી પેથલજી ચાવડાનું સૌરાષ્ટ્રના આહીર સમાજમાં ઘણું વર્ચસ્વ છે. જામનગર જૂનાગઢ પોરબંદર જેવી બેઠકો પર આહીર મતદાતા વધુ છે.

"મૂળ કૉંગ્રેસી જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા જૂનાગઢ અને પોરબંદરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. પેથલજીની શાખને કારણે જવાહર ચાવડા નાની ઉંમરમાં 1990માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા."

તાજેતરના વિવાદ સંદર્ભે તેઓ કહે છે, "2019માં જવાહર ચાવડા ભાજપમાં જોડાતા જ કૅબિનેટ મંત્રી બન્યા. ભાજપમાં જોડાયા પછી 2019ની પેટાચૂંટણીમાં એમના જ ચેલા અરવિંદ લાડાણીએ ટક્કર આપી અને ચાવડા પાતળી બહુમતીથી જીત્યા હતા, પણ 2022માં જવાહર ચાવડાને લાડાણીએ હરાવ્યા. પછી જવાહર ચાવડા ભાજપમાં લગભગ તડકે મૂકાઈ ગયા હતા."

"લાડાણી પણ કૉંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને જવાહર ચાવડાને બદલે લાડાણીને ટિકિટ અપાઈ. આ પેટાચૂંટણીમાં જીત્યા પછી અરવિંદ લાડાણીએ ખુલ્લો પત્ર લખી જવાહર ચાવડા સામે ભાજપ વિરુદ્ધ કામ કર્યાના આરોપ શાંત થયા નહોતા, ત્યાં મનસુખ માંડવિયાના નિવેદને બળતામાં ઘી હોમ્યું."

"જવાહર ચાવડાએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર મનસુખ માંડવિયાને જવાબ આપ્યો કે એમનું અસ્તિત્વ પ્રજાના કામથી છે. આવું જ અમરેલી અને જૂનાગઢ લોકસભામાં થયું છે. બંને જગ્યાએથી ચૂંટાયેલા સાંસદોએ જાહેરમાં કહ્યું છે કે એમને હરાવવા માટે ભાજપના લોકો મેદાનમાં હતા. આ બતાવે છે કે સૌરાષ્ટ્ર ભાજપમાં સંગઠનમાં સબસલામત નથી. અંદરથી ચરુ ઊકળી રહ્યો છે."

કૌશિક મહેતા આ વિવાદને આગામી ચૂંટણી સાથે જોડતા કહે છે, "ભાજપે તાત્કાલિક આ દિશામાં પગલાં લેવાં પડશે. નહીંતર 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027માં વિધાનસભાની ચૂંટણીમાં નુકસાનનો સામનો કરવો પડે અથવા લોકસભામાં વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા પડે એવી જૂથબંધી દેખાય તો નવાઈ નહીં."

'અરવિંદ લાડાણી એક સમયે જવાહર ચાવડાના શિષ્ય'

અરવિંદ લાડાણી તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા છે

ઇમેજ સ્રોત, Arvind Ladani/fb

ઇમેજ કૅપ્શન, અરવિંદ લાડાણી માણાવદરમાં તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા છે

તો વરિષ્ઠ પત્રકાર અને જૂનાગઢના રાજકારણનો ત્રણ દાયકાથી નજીકથી જોનારા વિપુલ વીજપોતારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "માણાવદરની બેઠક પર 30 વર્ષમાં પહેલી વાર 31 હજાર વોટથી કોઈની જીત થઈ છે. અહીં જવાહર ચાવડાને પેથલજી ચાવડાની શાખનો લાભ તો મળી જ રહ્યો હતો. અરવિંદ લાડાણી જવાહર ચાવડા કૉંગ્રેસમાં સાથે હતા. લાડાણી જવાહર ચાવડાના શિષ્ય કહેવાય."

"માણાવદરની બેઠક પર આહીર કરતા વધુ વોટ કડવા પાટીદારના છે એટલે જ 2019માં જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારે એમની સામે પેટાચૂંટણી અરવિંદ લાડાણી લડ્યા હતા. પટેલ વોટ એકતરફી ગયા અને જવાહર ચાવડા પેટાચૂંટણી પાતળી બહુમતીથી જીત્યા હતા. ત્યાર બાદ 2022માં અરવિંદ લાડાણી કૉંગ્રેસમાંથી ફરી લડ્યા અને પોતાના ગુરુ જવાહર ચાવડાની રણનીતિ અપનાવીને જીત્યા હતા."

અગાઉ સોશિયલ મીડિયામાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ કહેતા હતા કે "પોતાની વિરુદ્ધ જેણે જેણે કામ કર્યું છે, એમને હું છોડવાનો નથી."

વિપુલ વીજપોતારે કહ્યું કે "આ ઘટના બાદ માણાવદર અને જૂનાગઢમાં ભાજપના સંગઠન અને શિસ્ત પર અસર પડી છે. એટલે કે હવે કાયમ એક રહેતા ભાજપમાં જૂથબંધી દેખાય છે."

આ અંગે બીબીસી અરવિંદ લાડાણીનો સંપર્ક સાધતા એમણે વધુ કંઈ કહેવાનો ઇન્કાર કરતા કહ્યું કે "મેં ભાજપમાં પક્ષવિરોધી કામ કરનારા સામે નામજોગ ફરિયાદ કરતો પત્ર લખ્યો છે અને મને ખાતરી છે કે ભાજપ હાઈકમાન્ડ પગલાં લેશે."

તો જવાહર ચાવડાનો સંપર્ક સાધતા એમણે કહ્યું કે "મેં મનસુખ માંડવિયાના આરોપનો જવાબ સોશિયલ મીડિયા પર આપ્યો છે એટલે મારે વધુ કઈ કહેવું નથી, પણ ભાજપમાં રહેલા લોકોનું અસ્તિત્વ ભાજપથી જ હોય તો હું કૉંગ્રેસમાં હતો ત્યારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રીએ વિધાનસભામાં મારી કામગીરી વખાણે એ ઘણું બધું કહી જાય છે."

બીબીસીએ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના વર્તમાન સાંસદ મનસુખ માંડવિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમની સાથે વાતચીત થઈ શકી નહોતી.

અરવિંદ લાડાણી અને જવાહર ચાવડાની રાજકીય કારકિર્દી

જવાહર ચાવડા, મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપ

ઇમેજ સ્રોત, JAWAHAR CHAVDA/FB

ઇમેજ કૅપ્શન, જવાહર ચાવડા એક સમયે કૉંગ્રેસમાં હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા

અરવિંદ લાડાણી કડવા પાટીદાર ખેડૂત છે. 1989માં તેઓ કોડવાવ ગામના સરપંચ બન્યા હતા. જવાહર ચાવડા જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે લાડાણી પણ એમની સાથે હતા. લાડાણી અપરિણીત છે. એમની પાસે પોતાની કાર નથી એટલે પોતાના મતવિસ્તારમાં મોટરસાયકલ લઈને ફરે છે.

જવાહર ચાવડા કૉંગ્રેસના દિગ્ગ્જ આહીર નેતા પેથલજી ચાવડાના પુત્ર છે. પેથલજી ચાવડા જૂનાગઢ અને પોરબંદર વિસ્તારમાં એક સમયના જાણીતા નેતા હતા.

જવાહર ચાવડા પિતાના પગલે રાજકારણમાં આવ્યા હતા. 1990માં પહેલી વાર ધારાસભ્ય તરીકે કૉંગ્રેસમાંથી ચૂંટાયા હતા ત્યાર બાદ રતિભાઈ સુત્રેજા સામે સળંગ ચૂંટણી હાર્યા હતા.

2007થી 2017 સુધી કૉંગ્રેસમાંથી જીત્યા હતા. 2019માં ભાજપમાં જોડાયા અને રૂપાણી સરકારમાં કૅબિનેટમંત્રી બન્યા હતા અને ત્યાર બાદ 2022માં અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા.

જવાહર ચાવડા જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પર કરેલી કેટલીક ટિપ્પણી માટે પણ ચર્ચામાં રહેતા હતા.