'સાત વર્ષથી રાહ જોઉં છું, ઉંમર વધી રહી છે', ગુજરાતમાં શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો

કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાનસહાયક, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કાયમી ભરતી મુદ્દે શિક્ષકોએ થોડાં મહિના પહેલાં પણ પ્રદર્શન કર્યું હતું
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"જિતુ વાઘાણી શિક્ષણમંત્રી હતા ત્યારે પણ શિક્ષકોની ભરતી અંગેની વાત કરાઈ હતી. આ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આથી અમને આ સરકાર પર ભરોસો નથી.”

આ શબ્દો શિક્ષકોની ભરતી કરવા મુદ્દે આંદોલન કરી રહેલાં અને શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલાં ટ્વિન્કલ સોલંકીના છે.

તેમનું કહેવું છે કે, “સરકારે કહ્યું હતું કે જ્ઞાનસહાયક તો માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે. પરંતુ તેમ છતાં આ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનસહાયકોના કૉન્ટ્રેક્ટ રીન્યૂ કરવામાં આવી રહ્યા છે. જેથી સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરશે કે નહીં તે અંગે અમને શંકા છે."

છેલ્લા બે દિવસથી ગુજરાતનું પાટનગર ગાંધીનગર ફરી શિક્ષકોની ભરતી માટે છેડાયેલા આંદોલનથી ચર્ચામાં છે. 18 જૂન, 2024ના દિવસે ગાંધીનગર ખાતે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે સંતાકૂકડી જેવો ખેલ ચાલ્યો હતો.

પરંતુ શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરી રહેલાં નોકરીવાંછુઓ પોતાની રજૂઆત ધરણાં યોજીને કરવામાં સફળ રહ્યાં હતાં. ત્યાર બાદ પોલીસ દ્વારા ભરતીની માગ સાથે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોને ટીંગાટોળી કરીને કે પછી જબરદસ્તી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા.

આ દરમિયાન શિક્ષકોની ભરતીનું આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલાં રાજ્ય સરકારે પીછેહઠ કરવી પડી હતી. ગુજરાત સરકારની કૅબિનેટની બેઠકમાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ચર્ચાયો હતો અને રાજ્ય સરકારે ટૂંક સમયમાં 7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી.

જાહેરાત બાદ પણ શિક્ષકો શું માગણી કરી રહ્યા છે?

કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાનસહાયક, બીબીસી ગુજરાતી
શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલાં ટ્વિન્કલ સોલંકી

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલાં ટ્વિન્કલ સોલંકી

હજુ આંદોલન કરી રહેલાં ઉમેદવારોને આ જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર પર ભરોસો બેસી રહ્યો નથી. રાજ્ય સરકારની કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાતને તેઓ આવકારી રહ્યાં છે પરંતુ તેઓ સાથે કેટલીક અન્ય માગણી પણ કરી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત સત્તાવાર રીતે પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી તેઓ સમાધાન કરવાના નથી. એ સિવાય ક્રમિક ભરતી અને તમામ વર્ગ તથા તમામ વિષયોના શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે.

ભરતીની રાહ જોઈ રહેલાં ઉમેદવાર ટવિંકલ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી ઑફિશિયલ નોટિફિકેશન નહીં આવે ત્યાં સુધી અમને સરકારની જાહેરાત અંગે કોઈ ભરોસો નથી. અમે ઑફિશિયલ નોટિફિકેશન માટે દોઢ મહિના જેટલી રાહ જોઈશું. જો ત્યાં સુધીમાં ઑફિશિયલ નોટિફિકેશન નહીં આવે તો અમે ફરીથી આંદોલન શરૂ કરીશું."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "રાજ્ય સરકાર દ્વારા 6,390 જ્ઞાનસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો જ્ઞાનસહાયકની વ્યવસ્થા એ વૈકલ્પિક હોય તો ફરીથી જાહેરાત કેમ કરવામાં આવી? આનાથી સરકારની કાયમી ભરતી કરવાની નિયત પર અમને શંકા ઊપજે છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "મારે શિક્ષક બનવું છે. તેથી મેં વર્ષ 2012થી વર્ષ 2014માં પીટીસીનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ મેં માસ્ટર્સ અને બી.એડ.નો અભ્યાસ કર્યો છે. મેં ટેટ-2 અને ટાટ-1 બંને પરીક્ષા વર્ષ 2023માં પાસ કરી છે. અમે ખૂબ મહેનત કરી છે. રાત-દિવસ મહેનત કરીને અમે ભણીએ તેમજ પરીક્ષા પાસ કરીએ છીએ. પરંતુ સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં ન આવે તો અમે નાસીપાસ થઈ જઈએ છીએ."

'અમારી ઉંમર વધી રહી છે'

કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાનસહાયક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, ચેતન ધામેલિયા

શિક્ષકની ભરતીની રાહ જોતાં અન્ય ઉમેદવાર ચેતન ધામેલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હું છેલ્લાં સાત વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યો છું. વર્ષ 2008માં મેં પીટીસીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ મેં અત્યાર સુધી ત્રણ ટેટની પરીક્ષા આપી છે. અત્યાર સુધી ત્રણ ટેટની પરીક્ષા અને ટાટની પણ પરીક્ષા પાસ કરી હતી. પીટીસીના અભ્યાસ બાદ મેં ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યાર બાદ મેં બી.એડ.નો અભ્યાસ કર્યો હતો. બી.એડ.માં પણ મેં ટાટની પરીક્ષા પાસ કરી છે. પ્રિલીમ અને મેઇન્સ પરીક્ષા હતી તે પણ પાસ કરી છે પરંતુ કાયમી શિક્ષકોની ભરતી આવતી નથી."

તેઓ વધુમાં જણાવે છે કે, "એક તરફ અમે મહેનત કરીને પરીક્ષા પાસ કરી રહ્યા છીએ. બીજી તરફ અમારી ઉંમર પણ વધી રહી છે, પણ સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી નથી.”

“અમારી માગ છે કે, ધોરણ 1થી 12 સુધીમાં દરેક ધોરણ માટે, દરેક વિષય અને દરેક માધ્યમની ક્રમિક ભરતી કરવામાં આવે. આ ઉપરાંત વ્યાયામ શિક્ષક, ચિત્રના શિક્ષક, કમ્પ્યુટરના શિક્ષક વગેરેની કાયમી ભરતી વર્ષોથી કરવામાં આવી નથી. તો આ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે. સરકારી આંકડાઓ જ બતાવી રહ્યા છે કે ગુજરાતમાં હજારો શિક્ષકોની ઘટ છે. જેના કારણે શિક્ષક બનવા માગતા વિદ્યાર્થીઓને તો નુકસાન છે પરંતુ ભણી રહેલા વિદ્યાર્થીઓને પણ નુકસાન થઈ રહ્યું છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "હું સુરત રહું છું. પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરું છું તેમજ વીમા એજન્સીનું કામ કરું છું. મારે આંદોલન માટે સુરતથી ગાંધીનગરના ધક્કા ખાવા પડે છે. હું મારો કામધંધો બગાડીને આટલા સમયથી આવું છું."

‘આંદોલનકર્તાઓ સાથે ખરાબ વર્તન’

કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાનસહાયક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAXMI PATEL

ઇમેજ કૅપ્શન, ભરતીની રાહ જોઈ રહેલા હર્ષ પટેલ

ચેતન ધામેલિયા કહે છે, “મંગળવારે અમારી સાથે ખૂબ જ અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. અમે માત્ર અમારી રજૂઆત કરવા માટે ગયા હતા તેમ છતાં અમારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવે છે. પોલીસ અમને ડીટેઇન કરીને ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. ત્યાર બાદ પણ અમે અમારું આંદોલન ચાલુ રાખ્યું હતું. બુધવારે સવારે અમે સચિવાલયમાં શિક્ષણ મંત્રીશ્રીને મળવા 17 જેટલા લોકો ગયા હતા, પરંતુ અમને મળવા ન દેવાયા અને અમને ફરીથી ડીટેઇન કર્યા હતા."

તેઓ વધુમાં જણાવે છે કે, "રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તે ખૂબ જ સારી બાબત છે. અમારી વિનંતી છે કે સરકાર દ્વારા ક્રમિક ભરતી કરવામાં આવે. જે હજારો શિક્ષકોની ઘટ છે, તેની પણ ભરતી કરવામાં આવે. જેથી જે હજારો વિદ્યાર્થીઓ ડિગ્રી અને પરીક્ષા પાસ કરીને બેઠા છે, તેઓ કાયમી નોકરી મેળવી શકે."

શિક્ષકની ભરતીની રાહ જોતાં ઉમેદવાર હર્ષ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું હાલ જ્ઞાનસહાયક તરીકે નોકરી કરું છું. જ્યારે જ્ઞાનસહાયકની ભરતી કરાઈ ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે આ થોડા સમય માટેની વ્યવસ્થા છે અને ત્યાર બાદ કાયમી ભરતી કરાશે, પરંતુ હાલ જ્ઞાનસહાયકના શિક્ષકોનાં પદ રીન્યૂ કરવામાં આવ્યાં, તેમજ નવા શિક્ષકો માટેની પણ જાહેરાત કરાઈ છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "અમે આંદોલન માટે ગાંધીનગર ગયા હતા ત્યારથી જ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. અમે જાણે કે આતંકવાદી હોઈએ તે રીતે અમારી સાથે વર્તન કરવામાં આવ્યું હતું. અમે ચાલતાં ચાલતાં નીકળ્યા ત્યારે અમને અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા હતા.”

તેઓ જણાવે છે કે, “પહેલાં અમે જીવરાજભવને એકઠા થવાના હતા પણ ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. જેથી લોકો પહોંચી શકતા ન હતા. પછી અમે પથિકાશ્રમમાં મળવાનું નક્કી કર્યું હતું. અમે જીવરાજભવન પહોંચી ગયા હતા. ત્યાંથી નીકળીને અમને પથિકાશ્રમ પહોંચતાં બે કલાક કરતાં પણ વધારે સમય થયો હતો. અમારી રસ્તામાં ગુનેગારોની જેમ ટીંગાટોળી કરવામાં આવી હતી."

હર્ષે પણ વર્ષ 2020માં બી.એડ. પાસ કર્યું હતું. તેઓ કહે છે, “ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ટેટ અને ટાટની પરીક્ષા લેવામાં આવતી ન હતી. તેથી બે વર્ષ તો મેં માત્ર પરીક્ષાની રાહ જોવામાં પસાર કર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2023માં ટેટ-2 અને ટાટ-1ની પરીક્ષા આવી હતી. હું બંને પરીક્ષામાં પાસ થયેલો છું અને છેલ્લા એક વર્ષથી ભરતી માટે રાહ જોઈ રહ્યો છું."

‘આ મોટી વહીવટી ખામી છે’

કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાનસહાયક, બીબીસી ગુજરાતી

આ અંગે શિક્ષણ કર્મશીલ સુખદેવ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "શિક્ષકોની ઘટ કેમ ઊભી થાય છે? એ જ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. રાજ્ય સરકારમાં જે શિક્ષકોની વૃદ્ધિ થવાની હોય છે તે નક્કી હોય છે. તેની તારીખ પણ પહેલેથી જ નક્કી હોય છે તો સરકારે એ અંગે આગોતરું જ આયોજન કરીને ભરતીપ્રક્રિયા પૂર્ણ કરી દેવી જોઈએ. જે શિક્ષકો નિવૃત્ત થતા હોય તેની સામે બીજા શિક્ષકને ચાર્જ આપવો જોઈએ. વહીવટી ખામીના કારણે આ પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું નથી.”

તેઓ આ અંગે વધુ સમજાવતાં કહે છે કે, “જે શિક્ષકો નિવૃત્ત થાય છે તે રેગ્યુલર ગ્રેટ ધરાવતા શિક્ષકો હોય છે, તો સરકાર દ્વારા બજેટમાં તેની જોગવાઈ કરેલી જ હોય છે. આથી સરકારે એ શિક્ષકના બદલે જ બીજા શિક્ષકની ભરતી કરવાની હોય છે. જે અંગે સરકારે અલગથી બજેટ ફાળવવાની જરૂર રહેતી નથી."

સુખદેવ પટેલ વધુમાં જણાવે છે કે, "રાજ્ય સરકાર દ્વારા કૉન્ટ્રેક્ટ પદ્ધતિથી ભરતી કરવામાં આવે તો તેના માટે અલગ બજેટની ફાળવણી કરવામાં આવે છે. સરકાર દ્વારા જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવી હતી. જે અંગે અલગ હેડ હેઠળ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. જેને બદલે તેઓ કાયમી ભરતી કરી શક્યા હોત."

"સામાન્ય રીતે વહીવટી સાદી સમજ એવી છે કે, કોઈ એક કર્મચારી નિવૃત્ત થાય તેના બદલે બીજા કર્મચારી આવા જોઈએ પરંતુ આ ન થવાના કારણે નોકરીવાંછુઓને તો નુકસાન થાય જ છે, પરંતુ સૌથી મોટું નુકસાન વિદ્યાર્થીઓના ભણતરને થાય છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી ન થવાને કારણે દેશના ભવિષ્ય ગણાતાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય નબળું પડે છે. વધુમાં તેનો સીધો ફાયદો ખાનગી શાળાઓને જ થાય છે."

સરકારે શું જાહેરાત કરી?

કાયમી શિક્ષકોની ભરતી, જ્ઞાનસહાયક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, irushikeshpatel/X

ઇમેજ કૅપ્શન, રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ

અહીં ઉલ્લેખનીય છે કે, 19મી જૂન, 2024ના દિવસે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કૅબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટેટ-સેકન્ડરી અને ટેટ-હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. ટેટ-1 અને ટેટ-2 ઉમેદવારોની પણ ભરતીપ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે."

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, "માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 ટેટ-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ-11 અને ધોરણ-12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3250 એમ મળીને ટાટ-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં કરવામાં આવી છે."

રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, "રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે."

રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર શિક્ષકોની ભરતીનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે અને આંદોલનો થતાં રહે છે.

જુલાઈ 2023માં રાજ્ય સરકારે જ્ઞાનસહાયક યોજના હેઠળ કામચલાઉ ધોરણે શિક્ષકોની ભરતી બહાર પાડી હતી. જ્યાં સુધી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી તેમના બદલે જ્ઞાનસહાયકોની ભરતી કરવાનું સરકાર નક્કી કર્યું હતું.

આ ભરતી કૉન્ટ્રેક્ટ આધારિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના પાછળ રાજ્ય સરકારે તર્ક આપ્યો હતો કે શાળામાં બાળકોનું ભણતર ન બગડે તેના માટે આ કામચલાઉ વ્યવસ્થા છે.

વર્ષ 2022-23માં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની પ્રથા બંધ કરીને જ્ઞાનસહાયકોની નિમણૂક કરી હતી. તે સમયે 6700 પદો પર ભરતી કરવામાં આવી હતી.

ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે કૉન્ટ્રેક્ટ પર ભરતી કરવામાં આવેલા જ્ઞાનસહાયકોને 26 હજારનો પગાર આપવામાં આવે છે.