ડિપ્રેશન લાવી દે તેવા સંઘર્ષ વચ્ચે ધોરણ 12માં સફળ થયેલા અસામાન્ય વિદ્યાર્થીઓની કહાણી

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ડૉક્ટર બનવા માગું છું, પણ મારી આર્થિક સ્થિતિ સારી નથી. ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં પાસ થયો છું. આ સફળતા પાછળ મારાં માતાપિતાનો સંઘર્ષ મહત્ત્વનો છે. મારાં માતાપિતા વિકલાંગ છે, પિતા રિક્ષાચાલક છે. મજૂરી કરે છે પણ મને સફળ થતો જોવા માગે છે, આ મારા જીવનનું સૌથી મોટું મોટિવેશન છે."
આ શબ્દો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગાંધીવાસ નામે ઓળખાતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પ્રદીપ મકવાણાના છે. તે ધોરણ 12ના વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં 79.99 પર્સેન્ટાઇલ સાથે 68 ટકાથી ઉત્તીર્ણ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે 9 મેના દિવસે જાહેર કરેલા રિઝલ્ટમાં લાખો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સફળતા મેળવી છે. દરેકની સફળતા એમના માટે અમૂલ્ય અને સંઘર્ષમય જ હોય છે.
જોકે, પ્રદીપ ધોરણ 12માં સફળ થયેલાં એવા હજારો વિદ્યાર્થીઓમાંથી એક છે, જેમણે બોર્ડના મેરિટ લિસ્ટમાં ટોચનું સ્થાન પ્રાપ્ત નથી કર્યું, પણ એમણે મેળવેલું પરિણામ જીવનની અસામાન્ય અને નકારાત્મક પરિસ્થિતિઓ વચ્ચે પણ હિંમત હાર્યા વિના કરેલા સંઘર્ષનું ફળ છે.
ગુજરાતનું ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 સામાન્યપ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરાયું છે. જ્યારે વિજ્ઞાનપ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાતભરમાં વિજ્ઞાનપ્રવાહમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 11 માર્ચના દિવસથી ધોરણ 12ની પરીક્ષા યોજવામાં આવી હતી. જે તા. 26 માર્ચ 2024 સુધી ચાલી હતી. ધોરણ 12ની પરીક્ષામાં કુલ 6, 30, 352 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં, ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના 1,32, 073 અને ધોરણ 12 સામાન્યપ્રવાહના 4, 98, 279 વિદ્યાર્થીઓ હતાં. ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં.
દિવ્યાંગ માતાપિતા અને દીકરાની મહેનત રંગ લાવી

ઇમેજ સ્રોત, Pradeep Makwana
પ્રદીપ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "મારાં માતાપિતા બન્ને દિવ્યાંગ છે. મારા પિતા ઑટોરિક્ષા ચલાવે છે અને મારી માતા ઘર કામ કરે છે. મારા પિતા મને ભણાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે. એ ઠંડી, ગરમી કે વરસાદમાં પણ સવારે 8 વાગે ઘરેથી નીકળી જાય છે અને રાત્રે 12 વાગ્યા સુધી રિક્ષા ચલાવે છે. તેમ છતાં અમારે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સંજોગો સામે ઝઝૂમવું પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ધોરણ 12ના અભ્યાસ માટે મને એક સંસ્થાએ આર્થિક મદદ કરી હતી. જેથી હું લોકલ ટ્યુશનમાં જઈ શક્યો હતો. ધોરણ 12માં હું સાયન્સમાં હતો. મેં બી ગ્રૂપ (બાયૉલૉજી) પસંદ કર્યું હતું. મારે ડૉક્ટર બનવું છે. નીટની પરીક્ષાના પરિણામની રાહ જોઈએ છીએ. હું શાળા અને ટ્યુશન બાદ દિવસમાં 5 કલાક કરતાં વધારે સમય વાંચતો હતો. હું રાત્રે વાંચતો હોય ત્યારે મમ્મી પણ મારી સાથે જ જાગતાં હતાં."
મજૂરના દીકરાએ મેળવ્યા 99.82 પર્સેન્ટાઇલ

ઇમેજ સ્રોત, VIVEK SUDANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા વિવેક સુદાણીએ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના કોમર્સમાં 93.57 ટકા મેળવ્યા છે અને તેઓ પર્સેન્ટાઇલ 99.82 ટકા સાથે પાસ થયા છે.
વિવેક સુદાણી બીબીસી ગુજરાતીને કહે છે, " મારા પિતા હીરા ઘસવાનું કામ કરે છે. મારા પિતા અમને ભણાવવા માટે સામાન્ય મજૂરી કરે છે. મારે ટ્યુશન ક્લાસ નહોતા. ટ્યુશન ક્લાસ રાખવું મને પોષાય તેમ જ નહોતું, પરંતુ અમારી શાળા સહજાનંદ સ્કૂલમાં મને ખૂબ જ સપોર્ટ મળ્યો.”
“અમને સ્કૂલમાં તા. 1 જાન્યુઆરીથી 5 માર્ચ સુધી પેપર લખવાની પ્રૅક્ટિસ કરાવવામાં આવતી હતી. જે મને ટાઇમ મૅનેજમૅન્ટ માટે ખૂબ જ કામ લાગી. હું આખું વર્ષ સવારે 4 વાગે જાગીને વાંચતો સાથે હું સ્કૂલમાં જે ભણ્યો હોઉં તેનું રિવિઝન કરતો હતો. મારા પરિવારમાં મારા પિતા, બહેન અને દાદી છે. મારા ધોરણ 10માં બોર્ડની પરીક્ષાના થોડા સમય પહેલાં જ મારાં માતાનું મૃત્યુ થયું હતું. હું આગળ વધુ અભ્યાસ કરીને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માગું છું."
અમદાવાદના ક્રિશ સોલંકીએ ધોરણ 12 સાયન્સમાં 72 ટકા અને 92.66 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. ક્રિશ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેનાં માતા મૃત્યુ પામ્યાં હતાં અને જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું પણ મૃત્યુ થયું હતું. માતાનાં મૃત્યુ બાદ ક્રિશને વટવામાં રહેતાં તેના ફોઈ વીણાબહેન પોતાના ઘરે લઈ જઈને ભણાવ્યો હતો.
વીણાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "હું આંગણવાડીમાં નોકરી કરું છું અને મારા પતિ ચાની કિટલી ચલાવે છે. હું ક્રિશને કે. જી.થી જ મારા ઘરે લઈ આવી હતી. મેં તેને પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણાવ્યો છે. મારાં બે બાળકો છે. બંને કૉલેજમાં ભણે છે. ક્રિશ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. જેથી અમે તેને ભણાવ્યો છે, હવે આગળ અમે તેને વધુ ભણાવવા માગીએ છીએ."
"લોકો મજાક બનાવતા હતા, પણ મેં મહેનત કરવાનું નક્કી કર્યું હતું."

ઇમેજ સ્રોત, DILIP DATNIYA
અમદાવાદના શાહપુરમાં રહેતા દિલીપ દાતણીયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમર્સના વિષયો સાથે 89 ટકા અને 98.34 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
દિલીપ દાતણીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "અમે શાહપુરમાં રહીએ છીએ. મારાં મમ્મી જૂના કપડાંની ફેરી કરે છે અને મારા પપ્પા મજૂરી કરે છે. મારાં મમ્મી અને પપ્પાએ 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ મને ભણાવવા માટે તેઓ વધારે કલાક મજૂરી કરે છે અને તેઓ તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા નથી.”
“મારા ઘરમાં આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે મારે ઘણું સહન કરવું પડ્યું છે. મને બોલતાં-બોલતાં અટકી જવાની તકલીફ છે. જેને કારણે પણ ક્યારેક લોકો મજાક બનાવતા હતા. પરંતુ મેં કોઈની વાતો ધ્યાને લેવાને બદલે મહેનત કરવાનું નક્કી કર્યું હતું."
"મારી ભણવાની ધગશ જોઈને મારા શાળાના શિક્ષકે મારી ફી પણ ઓછી કરાવી હતી. હું સિવિલ સર્વિસમાં જવા માગું છું, UPSCની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનવા માગું છું. મારા મમ્મી પપ્પાને સારી જિંદગી આપવ માગું છું."
તો બાપુનગરમાં રહેતાં હેપ્પી પાનસુરીયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 81 ટકા સાથે પાસ કરી.
હેપ્પી પાનસુરીયાના મમ્મી વિમુબહેન પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું, "7 વર્ષ પહેલાં હાર્ટ ઍટેકના કારણે મારા પતિનું મૃત્યુ થયું હતું. હાલ અમે મારાં માતા સાથે તેમનાં ઘરમાં રહીએ છીએ. મારે ત્રણ બાળકો છે. મોટા બે દીકરા કૉલેજમાં અભ્યાસ કરે છે. હેપ્પી મારી નાની દીકરી છે.
“હું હીરા ઘસવાનું કામ કરું છું. હાલ તો અમારા કામમાં પણ બહુ જ મંદી છે. ઘરનું પણ ગુજરાન માંડ ચાલે છે. બાળકોની ફી ભરવા માટે મારે કોઈ પાસેથી માંગવા પડે છે. મેં બાળકોને ભણાવવા માટે વ્યાજે પણ પૈસા લીધા છે. મારી દીકરીનાં ટ્યુશનનાં ત્રણ વર્ષ સુધી પૈસા ભર્યા નહોતા. પરંતુ તે હોશિયાર છે એટલે આ વર્ષે અમારા સંબંધીએ ટ્યુશન માટે મદદ કરી હતી."
આ અંગે હેપ્પી પાનસુરીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "મારાં મમ્મીને વધુ કામ કરવાને કારણે હંમેશાં ઘૂંટણમાં દુખાવો રહે છે. છતાં તે પીડાની પણ ચિંતા કર્યા વગર મહેનત કરે છે. હું આગળ અભ્યાસમાં એમબીએ કરવા માગું છું."












