ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

12 બોર્ડ પરિણામ જાહેર, 12 બોર્ડ પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના બન્ને પ્રવાહોનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે.

સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ 3 લાખ 78 હજાર 268 વિદ્યાર્થીઓમાંથી 3 લાખ 47 હજાર 738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારા કુલ 1 લાખ 30 હજાર 650 વિદ્યાર્થીઓમાંથી 98 હજાર 056 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું કુલ પરીણામ 82.45 ટકા છે.

રાજ્યમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા 502 કેન્દ્રો પર અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 147 કેન્દ્રો પર લેવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જોવા મળતું વલણ કે જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં સફળ રહેતી હતી, તે વલણ આ વર્ષના પરિણામમાં બદલાયું છે. આ વર્ષે પાસ થવામાં વિદ્યાર્થિનીઓ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારાં 59,162 વિદ્યાર્થીઓમાંથી 48,827 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે કુલ 51,970 વિદ્યાર્થિનીઓમાંથી 42,798 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.

જોકે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા કુલ 1 લાખ 87 હજાર 217 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 1 લાખ 67 હજાર 471 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 1 લાખ 91 હજાર 51 નિયમિત વિદ્યાર્થિનીઓમાંથી કુલ 1 લાખ 80 હજાર 267 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કેવું રહ્યું?

12 બોર્ડ પરિણામ જાહેર, 12 બોર્ડ પરિણામ

વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષય (એ ગ્રૂપ) રાખનારા કુલ 38,761 વિદ્યાર્થીઓમાંથી 90.11 ટકા એટલે કે 34,928 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે જીવવિજ્ઞાન વિષય (બી ગ્રૂપ) રાખનારા કુલ 72,352 વિદ્યાર્થીઓમાંથી 56,684 વિદ્યાર્થીઓ એટલે કે 78.34 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. એબી ગ્રૂપ રાખનારા 19 વિદ્યાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ (ભૌતિક વિજ્ઞાન)માં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને આ વિષયનું કુલ પરિણામ ગણિત, જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની સાપેક્ષે સૌથી ઓછું એટલે કે 83.17 ટકા આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં, વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠાનું કુમ્ભારીયા ગામ છે, જ્યાં 98.97 ટકા વિર્દ્યાર્થિ પાસ થયા છે. જયારે, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે છોટા ઉદેપુરનું બોડેલી.

જિલ્લાવાર વાત કરીએ તો, મોરબી જિલ્લામાં સૌથી વધુ, 92.80 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જયારે છોટા ઉદેપુર 51.36 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો રહ્યો છે.

વિજ્ઞાન પ્રવાહમાં, અંગ્રજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 81.92 ટકા છે, જયારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 82.94 ટકા છે.

સામાન્ય પ્રવાહનું પરિણામ કેવું રહ્યું?

12 સાયન્સ પરિણામ, 12 જનરલ પરિણામ

સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગાંધીનગરનું છાલા (99.61 ટકા) ગામ છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કચ્છનું ખાવડા (51.11 ટકા) છે.

બોટાદ જિલ્લો 96.40 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જયારે, 84.81 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ છે.

સામાન્ય પ્રવાહમાં, ગુજરાતી માધ્યમમાં, 3,29,984 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 91.98 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં 37,588 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 92.80 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા.