ગુજરાત : સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર લીક થતાં રોકવાનો કેન્દ્રનો પ્રસ્તાવિત કાયદો કેટલો અસરકારક?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સરકારી ભરતી પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ, છેતરપિંડી કરતી વેબસાઇટો વગેરે જેવી અનિયમિતતાઓ સામે કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ પસાર કર્યું છે.
મંગળવારે 6 ફેબ્રુઆરીના રોજ લોકપરીક્ષા (અયોગ્ય માધ્યમોનું નિવારણ) વિધેયક, 2024ને લોકસભાએ પસાર કરી દીધું છે. આ બિલમાં ત્રણથી દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ અને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાનો દંડ વગેરે જેવી જોગવાઈ છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે લોકસભામાં કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ કે ઉમેદવારો આ કાયદા હેઠળ આવતા નથી અને આ કાયદા દ્વારા ઉમેદવારોને પરેશાન કરવામાં આવશે એવો સંદેશો ન જવો જોઈએ.”
તેમણે કહ્યું હતું કે, “આ બિલ એવા લોકોની વિરુદ્ધમાં લાવવામાં આવ્યું છે, જેઓ પરીક્ષાની સિસ્ટમ સાથે ચેડાં કરે છે. આ બિલ રાજકારણથી પર છે અને દેશના યુવાધનના ભવિષ્ય સાથે જોડાયેલું છે.”
વિપક્ષે લોકસભામાં આ બિલની ચર્ચા સમયે એવી માગ કરી હતી કે પરીક્ષા સંબંધિત અનિયમિતતાઓને કારણે પરીક્ષા રદ થાય તો ફરીથી પરીક્ષા કેટલા સમયમાં લેવી તે અંગે પણ સરકારે નિયમો બનાવવા જોઈએ.
પરંતુ જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, “અમુક કેસોમાં સીબીઆઇની તપાસ અથવા અન્ય પ્રકારની તપાસ શરૂ થઈ જતી હોય છે, એટલે સમયગાળો નક્કી કરવો સંભવ નથી.”
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેપર ફૂટવાના અને પરીક્ષાઓ રદ થવાના અઢળક મામલા સામે આવ્યા છે, જેના કારણે રાજ્યમાં સતત વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને આંદોલન કરવા પડે છે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે પણ ગત વર્ષે પેપરલીકની ઘટનાઓ રોકવા માટે કાયદો લાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત કાયદામાં શું જોગવાઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરીક્ષાવ્યવસ્થા, પેપરલીક સાથે જોડાયેલી કઈ વાતોને ગુનો ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
તે અંતર્ગત પ્રશ્નપત્ર અથવા આન્સર-કીનો કોઈ ભાગ લીક કરવો, સત્તા ન હોવા છતાં ઓએમઆર શીટ અથવા તો પ્રશ્નપત્રને જોવું, પરીક્ષા દરમિયાન ઉમેદવારોને સીધી કે આડકતરી રીતે મદદ કરવી કે કરાવવી, ઉત્તરવહીઓ સાથે છેડછાડ કરવી, સરકારે જે તે પરીક્ષા માટે બનાવેલા નિયમોનો ભંગ કરવો, ઉમેદવારની પાત્રતા, લાયકાત કે પરિણામ નક્કી કરી શકે તેવા કોઈ પણ ડૉક્યુમેન્ટ સાથે છેડછાડ કરવી, કમ્પ્યૂટર નેટવર્ક કે સિસ્ટમ સાથે ચેડાં કરવાં સહિતની જોગવાઈઓ કરાઈ છે.
ઉપરાંત આ પ્રસ્તાવિત કાયદા અંતર્ગત પરીક્ષાની તારીખો કે બેઠકવ્યવસ્થામાં ચેડાં કરવાં, પરીક્ષાવ્યવસ્થા સાથે જોડાયેલા લોકોને ધમકી આપવી કે દુર્વ્યવહાર કરવો, છેતરપિંડી માટે અથવા તો નાણાકીય ફાયદા માટે નકલી વેબસાઇટ બનાવવી, ખોટાં પ્રવેશપત્રો કે ઑફર લેટર આપવા, નકલી પરીક્ષા લેવી વગેરે બાબતોને ગુનો ગણવામાં આવશે.
બિલમાં આ ગુના માટે વિવિધ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
- જો કોઈ વ્યક્તિ આ કાયદા હેઠળ આવરી લેવાયેલ ગુનો કરશે તો તેને ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની સજા અને દસ લાખ સુધીનો દંડ, દંડ ન ભરવામાં આવે તો વધુ સજાની જોગવાઈ
- પરીક્ષાની વ્યવસ્થા કરનાર પરીક્ષા એજન્સી અથવા તો કંપની જો આ પ્રકારનો ગુનો કરે તો તેને એક કરોડ સુધીનો દંડ, પરીક્ષાખર્ચની રિકવરી, ચાર વર્ષ સુધી જાહેર પરીક્ષાનું વ્યવસ્થાપન કરવા પર પ્રતિબંધની જોગવાઈ
- તપાસ દરમિયાન પરીક્ષાનું આયોજન કરનાર જે-તે એજન્સી કે કંપનીના ડિરેક્ટર, ટૉપ મૅનેજમૅન્ટની સંડોવણી સાબિત થાય તો તેને ઓછામાં ઓછી ત્રણથી દસ વર્ષ સુધીની સજા અને એક કરોડ સુધીનો દંડ, દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ
- પરીક્ષાના આયોજન મંડળ, વ્યવસ્થા કરનાર એજન્સી કે અન્ય કોઈ સંસ્થા સાથે મળીને આ પ્રકારનો સંગઠિત ગુનો કરે તો ઓછામાં ઓછી પાંચથી લઈને દસ વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછા એક કરોડનો દંડ, દંડ ન ભરે તો વધુ સજાની જોગવાઈ
- જો કોઈ સંસ્થાની સંડોવણી બહાર આવે તો તેની મિલકત જપ્ત કરવાની અને પરીક્ષા ખર્ચની રીકવરી કરવાની જોગવાઈ
આ તમામ પ્રકારના ગુના કરનાર વ્યક્તિની પોલીસ વૉરંટ વગર ધરપકડ કરી શકશે અને તેને બિનજામીનપાત્ર ગણવામાં આવશે.
ઓછામાં ઓછા ડીએસપી અથવા તો એસીપી કક્ષાના અધિકારી જ આ પ્રકારના ગુનાની તપાસ કરશે અને જરૂર પડે કેન્દ્ર સરકાર તેની તપાસ કેન્દ્રીય એજન્સીઓને પણ સોંપી શકે છે.
કઈ પરીક્ષાઓને પ્રસ્તાવિત કાયદા હેઠળ આવરી લેવાશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુપીએસસી દ્વારા લેવામાં આવતી સિવિલ સેવા અને અન્ય પરીક્ષાઓ, સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, રેલવે ભરતી બોર્ડ અને આઇબીપીએસ દ્વારા લેવામાં આવતી રેલવે અને બૅન્કની ભરતીની પરીક્ષાઓ, કેન્દ્ર સરકારનાં મંત્રાલયો અને વિભાગો સાથે જોડાયેલી ભરતી પરીક્ષાઓ, નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી જેઈઈ, નીટ વગેરે પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
જોકે, રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી અને તે રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ આવશે.
સતત પેપર ફૂટવાની ઘટનાઓને પરિણામે રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત સહિત અનેક રાજ્યોએ તેને રોકવા માટે કાયદાઓ પણ બનાવ્યા છે.
અમદાવાદની એચ. કે. કૉલેજના નિવૃત્ત પ્રોફેસર અને જાહેર હિતના મુદ્દા પર કામ કરનાર હેમન્તકુમાર શાહે આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે, “ભારત સરકારે રજૂ કરેલું આ બિલ દેશની તમામ પરીક્ષાઓને લાગુ પડતું નથી. તે મોટે ભાગે ભારત સરકાર જે પરીક્ષાઓ લે છે તેને જ લાગુ પડે છે. અત્યાર સુધીની ઘટનાઓને ધ્યાનમાં લઈએ તો ભારત સરકારની પરીક્ષાઓમાં ભાગ્યે જ પેપર લીક થયાં છે. મોટા ભાગની ઘટનાઓ તો ગુજરાત, રાજસ્થાન, બિહાર જેવાં રાજ્યોની પરીક્ષાઓમાં બની છે. તો આ લાવવામાં આવેલા કાયદો કેટલો મહત્ત્વનો એ મોટો સવાલ છે.”
ગુજરાત સરકારે પણ બનાવ્યો હતો કાયદો

ઇમેજ સ્રોત, INC Gujarat/X
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં દેશનાં 16 રાજ્યોમાં 48 જેટલી પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં સૌથી વધુ પેપર રાજસ્થાન અને બિહારમાં ફૂટ્યાં છે.
પેપરલીકની અલગ અલગ ઘટનાઓને કારણે દેશના 1.51 કરોડ ઉમેદવારોના જીવન પર અસર પડી છે જેમણે અંદાજે 1.2 લાખ પદો માટે પરીક્ષા આપી હતી.
ગુજરાતમાં 2014થી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા નવ વખત રદ કરવામાં આવી હતી. એ સિવાય ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં દસ વર્ષમાં 11 પેપર ફૂટ્યાં છે.
ગુજરાત સરકારે ફેબ્રુઆરી, 2023માં જ પેપરલીકની ઘટનાઓને રોકવા માટે ‘ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, 2023’ રજૂ કર્યું હતું અને તેને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
આ કાયદામાં પણ અલગ-અલગ ગુના માટે ત્રણથી લઈને દસ વર્ષની સજાની જોગવાઈ તથા એક લાખથી લઈને એક કરોડ સુધીના દંડની જોગવાઈ છે.
લાંબા સમયથી પેપર ફૂટવાની ઘટનાઓને લઈને ઉમેદવારો સાથે આંદોલનો અને વિરોધપ્રદર્શન કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું, “આ કાયદાઓ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાં જેવી વાત છે. લાંબા સમયથી સતત લડત અને આંદોલનોને પગલે સરકાર પર દબાણ બની રહ્યું હતું. તેમણે કૌભાંડીઓ, ગેરરીતિ આચરનારાઓ પર કોઈ પગલાં ન લીધાં એટલે અમે સતત પ્રદર્શનો ચાલુ રાખ્યાં, જેના કારણે ના છૂટકે સરકારોએ આ કાયદા બનાવવા પડ્યા. ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે પેપરલીકની ઘટનાઓથી અસહ્ય ચેડાં થઈ રહ્યાં હતાં. દસેક જેટલી પેપર ફૂટવાની ઘટનાઓ તો અમે સરકારની સમક્ષ લાવ્યા હતા, પણ સરકાર કોઈ નક્કર પગલાં લેતી ન હતી.”
સરકાર કેવી રીતે પેપર ફૂટવાની ઘટના રોકી શકશે?

યુવરાજસિંહ કહે છે, “ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકાર કાયદો તો લાવી પરંતુ સામે પક્ષે તેમણે ઑફલાઇન પરીક્ષાઓ લેવાનું જ બંધ કરી દીધું અને હવે ઑનલાઇન પરીક્ષાઓ લે છે. ઑનલાઇન પરીક્ષાઓમાં અલગ પ્રકારના પડકારો હોય છે અને તેના માટે અલગ નિયમો બનાવવાની જરૂર છે, જેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોઈ વ્યક્તિ કે સંગઠિત સમૂહ સિસ્ટમ હેક કરીને પરીક્ષા આપી દે તો એ પેપર ફૂટ્યું ગણાય કે નહીં? તેવા સંજોગોમાં સરકાર શું કરશે તેની કોઈ સ્પષ્ટતા નથી. સરકાર પેપરલીકનો કાયદો માત્રને માત્ર દેખાવ કરવા માટે લાવી છે.”
આ સિવાય તેઓ કોચિંગ સંસ્થાઓ પર નિયંત્રણો લાદવાની વાત પણ કરે છે. તેઓ કહે છે, “અમુક કોચિંગ સંસ્થાઓ તો માત્રને માત્ર ગેરરીતિઓ કરવાનું જ કામ કરે છે. કોચિંગ સંસ્થાઓ આ પ્રકારના કૌભાંડોનું મૂળ છે. બિનસચિવાલયનું પેપર ફૂટ્યું તેમાં પણ ઘણી બધી સંસ્થાઓનાં નામ આવ્યાં હતાં. એ સિવાય તેમના પર ફી બાબતે પણ કમિટી થકી નિયંત્રણ લાવવાની જરૂર છે.”
તેઓ કહે છે, “કાયદામાં તો અનેક જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. પેપરલીક જેવી ઘટનાઓનું માત્ર જોગવાઈઓ કરી દેવાથી નિવારણ થતું નથી. જ્યારે કાયદાનો ચુસ્ત અમલ થશે અને ગુનો કરનારાઓમાં ડર બેસે તો જ આ પ્રશ્નનું સમાધાન શક્ય છે.”
હેમન્તકુમાર શાહ કહે છે, “ગુજરાતમાં પણ આપણને એવું જોવા મળ્યું છે કે પેપરલીકની ઘટનાઓમાં સરકારે તાત્કાલિક પગલાં લીધાં નથી. ગુનેગારોને પકડીને સજા આપ્યાનો દાખલો બેસાડવામાં આવ્યો નથી. તો પછી કોઈ પણ સરકાર કાયદો લાવે તેનું મહત્ત્વ રહેતું નથી. હકીકતમાં તો એવી પરિસ્થિતિ જોવા મળે છે જ્યાં જાણે કે કાયદાનું શાસન જ ન હોય.”
સરકારનું શું કહેવું છે?
લોકસભામાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, “ભારતની યુવાશક્તિને હું આ બિલ સમર્પિત કરું છું. ગત દસ વર્ષોમાં યુવાનો કેન્દ્રિત અમે અનેક કામ કર્યાં છે. યુવાનોને સરકારી નોકરી મળી રહે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તેમની પસંદગી થાય, એ માટે તમામ પ્રક્રિયાઓમાં પારદર્શિતા લાવવા માટે અને સૌને સમાન તક મળી રહે તે માટે અમે જે પ્રયત્નો કર્યા છે, તે દિશામાં જ આ બિલ વધુ એક ડગલું છે.”
વિપક્ષના અન્ય સભ્યોએ સરકારને ટેકનૉલૉજી સંબંધિત ચેડાંને કેવી રીતે રોકવામાં આવશે એ અંગે પૂછ્યું હતું. પરંતુ જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, “એ આ બિલનો ભાગ નથી પણ અમે એક વિશેષજ્ઞોની કમિટી બનાવવાનું વિચારી રહ્યા છીએ જે સમયાંતરે તેના પર દેખરેખ રાખે.”
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકાર પેપરલીકની ઘટનાઓ રોકવા માટે જે નવો કાયદો લઈને આવી છે તેનું અમે સ્વાગત કરીએ છીએ."
"ગુજરાત સરકાર પણ આ જ પ્રકારનું બિલ 2023માં લાવી હતી અને વિધાનસભામાં પસાર કર્યું હતું. હાલમાં ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓ રોકતો કાયદો પહેલેથી જ લાગુ છે. કેન્દ્ર સરકારના આ કાયદાથી પેપરલીકની ઘટનાઓ રોકવા માટે ગુજરાત સરકાર જે પ્રયત્નો કરી રહી છે તેને વેગ મળશે."












