યુવરાજસિંહ જાડેજા: કથિત ‘ડમી પરીક્ષાર્થી કાંડ’માં અત્યાર સુધી શું શું થયું? શું છે સમગ્ર મામલો?

યુવરાજસિંહ જાડેજા

ઇમેજ સ્રોત, TWITTER/YAJADEJA

ઇમેજ કૅપ્શન, યુવરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક સમયે તમામ પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારમાં હલચલ મચાવી દીધી હતી.

આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે ભાવનગર પોલીસે કથિત ‘ડમી પરીક્ષાર્થી કાંડ’ના આરોપીઓનાં નામ છતાં ન કરવા માટે ‘ખંડણી વસૂલ્યા’ના આરોપસર ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજા અગાઉ ઘણી વખત સરકારી નોકરી માટેની ‘સ્પર્ધાત્મક પરીક્ષા’માં કથિત ગેરરીતિ અંગે ખુલાસા કરીને ચર્ચામાં આવતા રહ્યા છે.

અમુક દિવસ પહેલાં કથિત ‘ડમી પરીક્ષાર્થી કાંડ’ને લઈને યુવરાજસિંહે પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને કેટલાંક નામો જાહેર કરીને સ્પર્ધાત્મક અને બોર્ડની પરીક્ષામાં મૂળ ઉમેદવારના સ્થાને પૈસા લઈને ‘ડમી પરીક્ષાર્થી’ પૂરા પડાતા હોવાનો આરોપ કર્યો હતો.

આ મામલામાં યુવરાજસિંહે કથિતપણે સ્પર્ધાત્મક કેટલાક પરીક્ષાના ઉમેદવારોના સ્થાને ‘ડમી વિદ્યાર્થી’ તરીકે હાજર રહેનાર અને આ માટે કથિતપણે લાખો રૂપિયા વસૂલનાર કેટલાક આરોપીઓનાં નામ જાહેર કર્યાં હતાં.

યુવરાજસિંહના આક્ષેપો બાદ ભાવનગર ખાતેના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેમાં આરોપીઓ કથિતપણે ‘ડમી પરીક્ષાર્થી’ પૂરા પાડવા માટે પાંચથી દસ લાખ રૂપિયા વસૂલતા હોવાનો આરોપ મુકાયો હતો.

જોકે, બાદમાં ભાવનગર પોલીસે કથિત ‘ડમી કાંડ’ મામલે કેટલાક આરોપીની ધરપકડ કર્યા બાદ યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવાયા બાદ ‘બળજબરીથી પૈસા વસૂલવા’ના આરોપસર તેમની પણ ધરપકડ કરાઈ હતી.

યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 386, 388 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંધાયો હતો.

ભાવનગર પોલીસના જણાવ્યાનુસાર ‘પૂછપરછ દરમિયાન યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપ્યા હતા’ અને ‘પ્રાપ્ત માહિતી અને ભેગા કરેલા સાંયોગિક પુરાવાને આધારે’ તેમની રાત્રે 11 વાગ્યે ધરપકડ કરાઈ હતી.

યુવરાજસિંહ પર ‘ડમી પરીક્ષાર્થી કાંડ’ મામલે એક કરોડ રૂપિયા સ્વીકારી બે આરોપીઓનાં નામ ખુલ્લાં પાડ્યાં ન હોવાનો આરોપ છે.

યુવરાજસિંહની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ દ્વારા સમગ્ર મામલાને ‘રાજકીય ઇશારે રચાઈ રહેલો કારસો અને પક્ષપાતભરી તપાસ આધારિત’ ગણાવ્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે આ કેસ સંદર્ભે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયા હતા જે બાદ શનિવારે તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

રવિવારે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે યુવરાજસિંહની ધરપકડ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “કાયદો બધા માટે સમાન છે, કાયદો કાયદાનું કામ કરશે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે સરકારે કડક પગલાં લેવાં જોઈએ.”

યુવરાજસિંહ સામે થયેલા કેસમાં તેમના સાળા કાનભા ગોહિલની પણ સુરત ખાતેથી ગત શનિવારે ધરપકડ કરાઈ હતી.

સ્થાનિક અહેવાલો અનુસાર આ મામલે નોંધાયેલી ફરિયાદમાં અન્ય ચાર આરોપીઓનાં પણ નામ છે.

ગ્રે લાઇન

‘ડમી પરીક્ષાર્થી કાંડ’ અંગે યુવરાજસિંહની પ્રેસ કૉન્ફરન્સ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગત પાંચ એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ ‘ડમી પરીક્ષાર્થી કાંડ’ અંગે ખુલાસો કરવાના નામે એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હતી.

આ દરમિયાન તેમણે રાજ્યમાં સ્પર્ધાત્મક તથા ધોરણ દસ-12ની બોર્ડની પરીક્ષાઓ માટે ‘મસમોટી’ રકમ વસૂલી ‘ડમી પરીક્ષાર્થી’ પૂરા પડાતા હોવાનો આરોપ કર્યો હતો.

જે બાદ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

તમામ પર સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ બોર્ડની પરીક્ષાઓમાં પૈસા સ્વીકારી અસલી ઉમેદવારો વતી પરીક્ષા આપવા માટે ‘ડમી વિદ્યાર્થીઓ’ ગોઠવી આપવાના આરોપ છે.

પોલીસના જણાવ્યાનુસાર રાજ્યમાં તાજેતરમાં લેવાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ આરોપીઓએ બે ડમી વિદ્યાર્થીઓ ગોઠવ્યા હતા.

ભાવનગર પોલીસ દ્વારા નોંધાયેલ ફરિયાદ અનુસાર ભાવનગરના રહેવાસી શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પી. કે. દવે અને બલદેવ રાઠોડ વર્ષ 2012થી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ ધો. દસ-12ની બોર્ડની પરીક્ષાઓમાં ડઝનો વિદ્યાર્થીઓ માટે ‘ડમી પરીક્ષાર્થી’ ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે. તેમજ ઘણાને આ પ્રક્રિયાથી નોકરીઓ પણ મળી ચૂકી છે.

ફરિયાદ અનુસાર આ ત્રિપુટી વિદ્યાર્થીઓ પાસેથી ડમી પરીક્ષાર્થી માટે પાંચથી દસ લાખ રૂપિયાની માતબર રકમ વસૂલતી. જે બાદ ઍક્ઝામિનેશન હૉલમાં ડમીને ગોઠવવા માટે હૉલ ટિકિટ સાથે ચેડાં કરવામાં આવતાં.

પોલીસ અનુસાર આરોપીઓ ડમી પરીક્ષાર્થીને દરેક પરીક્ષા માટે 25 હજાર રૂપિયા ચૂકવતા.

ફરિયાદ અનુસાર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કરેલા દાવા અનુસાર તાજેતરમાં લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મિલન બારૈયા નામની વ્યક્તિએ ભાવેશ જેઠવા નામની વ્યક્તિ બદલ પરીક્ષાર્થી બનીને કૉલ લેટર મેળવ્યાનો આરોપ લગાવાયો હતો.

તેમજ વિમલ જાની નામની વ્યક્તિએ અંકિત લકુમ નામની વ્યક્તિ માટે ‘ડમી પરીક્ષાર્થી’ તરીકે કૉલ લેટર સાથે ચેડાં કરીને હાજર થશે તેવો આરોપ કરાયો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે "આમ આદમી પાર્ટીના નેતાએ પ્રેસ કૉન્ફરન્સમાં ચાર નામો જાહેર કર્યાં છે, બધા આરોપીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે."

આ કાર્યવાહી બાદ 19 એપ્રિલે ગત બુધવારે યુવરાજસિંહને ભાવનગર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવાયા હતા. પરંતુ યુવરાજસિંહ પહેલાં પોલીસ સમક્ષ હાજર રહ્યા નહોતા.

શુક્રવારે યુવરાજસિંહ પૂછપરછ માટે હાજર રહ્યા હતા, ત્યાર બાદ ભાવનગર પોલીસે જણાવ્યું કે તેમની સામે થયેલા આક્ષેપોને લઈને ‘ગોળ ગોળ જવાબ’ આપી રહ્યા હતા.

રેન્જ આઇ. જી. ગૌતમ પરમારે જણાવ્યાનુસાર, “યુવરાજસિંહ ડમી પરીક્ષાર્થી કાંડમાંથી પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામની વ્યક્તિઓનાં નામ બાકાત રાખવા માટે એક કરોડ રૂપિયા સ્વીકાર્યા હતા.”

અંતે યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી અને આગળની પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ હતી.

સ્થાનિક અહેવાલો અનુસાર યુવરાજસિંહ દ્વારા કરાયેલા આક્ષેપો બાદ નોંધાયેલી ફરિયાદ અને પોલીસ તપાસને આધારે છ લોકોની ધરપકડ કરાઈ હતી.

શનિવારે આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા બાદ ચારના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

કથિત ‘ડમી પરીક્ષાર્થી કાંડ’માં મિલ ધુધા, વીરમદેવ, શરદ, પ્રકાશ ઉર્ફે પી. કે., પ્રદીપ અને બળદેવ એમ કુલ છ આરોપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર યુવરાજસિંહ સામે કથિત ‘ખંડણી માગવાનો’ સમગ્ર મામલો ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. ભરવાડની ફરિયાદને આધારે નોંધાઈ હતી.

આ ફરિયાદમાં લખાયું હતું કે, “ડમી કાંડના એક આરોપી પ્રકાશ દવેની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે જાડેજાને ડમી કાંડમાં સામેલ લોકો વિશે માહિતી છે.”

એફઆઇઆરમાં પ્રમાણે 25 માર્ચના રોજ દવેનાં પત્ની ઈલાએ તેમને જણાવ્યું હતું કે યુવરાજસિંહે દવે રિશિત નામના વિદ્યાર્થી માટે ડમી પરીક્ષાર્થી તરીકે હાજર રહ્યા હોવાનો વીડિયો તેમના મિત્ર ઘનશ્યામ લાધવાને બતાવ્યો હતો અને કહ્યું હતું કે યુવરાજસિંહ દવેની પોલ ખોલવાના છે.

યુવરાજસિંહ સામેની એફઆઇઆરમાં તેમના શાળા શિવુબા, કાનભા, લાધવા, બિપીન ત્રિવેદી અને રાજુ નામના શખ્સને પણ આરોપી બનાવાયા છે.

બીબીસી ગુજરાતી
  • યુવરાજસિંહ સહિત આ મામલામાં તેમના સાળા અને અન્ય ચાર આરોપીઓનાં નામ ફરિયાદમાં સામેલ કરાયાં હતાં
  • યુવરાજસિંહને શનિવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા
  • કૉંગ્રેસ અને આપ આ સમગ્ર કાર્યવાહીને ‘પક્ષપાતભરેલી તેમજ રાજકીય ઈશારે રચાયેલ કારસો’ ગણાવી રહી છે
  • સામે પક્ષે ભાજપ ‘કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની’ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો દેખાઈ રહ્યો છે
બીબીસી ગુજરાતી

રાજકીય પક્ષોએ શું કહ્યું?

હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, HARSH SANGHAVI/FB

ઇમેજ કૅપ્શન, ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

યુવરાજસિંહ સામે ‘ખંડણી’નો કેસ દાખલ કરી પોલીસ કાર્યવાહી કરવા મામલે રાજકીય પક્ષો દ્વારા પણ પ્રતિક્રિયા અપાઈ રહી છે.

શુક્રવારે યુવરાજસિંહ સામે દાખલ થયેલી ફરિયાદની વિગતો જાહેર કરવા માટે ભાવનગર પોલીસના રેન્જ આઇ. જી. ગૌતમ પરમારે પત્રકારપરિષદ સંબોધી હતી.

યુવરાજસિંહ સામે કેસ નોંધાયાના સમાચાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ સમગ્ર કાર્યવાહીની ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “રાજ્યમાં 156 બેઠકો મેળવનાર સરકારની આ પહેલી ગિફ્ટ છે. હવે યુવરાજસિંહને જેલમાં નાખી દેવાય અને તેમની ધરપકડો કરીને તેને ગભરાવી દેવાય જેથી આગામી સમયમાં ક્યારેય કોઈ પેપરલીકના મામલા જાહેર ન થાય, આ સરકારની એક ગિફ્ટ છે. જે યુવાનો અને તેમનાં માતાપિતાએ ભાજપની વાતોમાં આવીને તેના માટે કામ કર્યું તેમને મતો આપ્યા એમને આ પ્રથમ ગિફ્ટ સરકારે આપી છે.”

“જો આ મામલામાં ધરપકડ કરવી હોય તો જે મંત્રીઓ આમાં સંડોવાયેલા છે, જેમના પર આક્ષેપ છે તેમની કરો. આ લોકોની તો પૂછપરછ પણ નથી કરાઈ. તેમની સામે ફરિયાદ પણ દાખલ નથી કરાઈ. યુવરાજસિંહ સામે આ મામલો ઊભો કરવા માટે રાજકીય ઇશારે કારસો રચાઈ રહ્યો હોય તેવી આશંકા છે.”

તેમણે આ સમગ્ર મામલાની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પાસેથી કરાવવાની વાત કરી.

જોકે ઈસુદાને પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે, “સરકાર આ મામલે આવું નહીં કરે, મને લાગે છે કે પોલીસ જ તપાસ કરશે.”

તેમજ કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ યુવરાજસિંહ મામલે સરકારને ઘેરી હતી.

તેમણે કહ્યું હતું કે, “ડમી પરીક્ષાર્થી કાંડના એક આરોપીના નિવેદનને આધારે યુવરાજસિંહ અને અન્યોની ધરપકડ કરાઈ પરંતુ આ કાંડ પાછળ જવાબદાર લોકોને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. આ મામલે રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની કેમ પૂછપરછ નથી કરાઈ. ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ અસિત વોરાની પણ પૂછપરછ ક્યારેય કરાઈ નથી.”

નોંધનીય છે કે યુવરાજસિંહે તેમની ધરપકડ પહેલાં આ સમગ્ર મામલામાં ઉચ્ચ કક્ષાએ વિરાજમાન લોકો અને રાજ્યના મંત્રીની સંડોવણી હોવાના આરોપ લગાવ્યા હતા.

સાથે જ તેમણે ભરતીપ્રક્રિયામાં ચાલતા કૌભાંડો અંગે તેમની પાસે ઘણી માહિતી હોવાની તેમજ પોતાના જીવ પર ખતરો હોવાની વાત પણ કરી હતી.

સ્થાનિક મીડિયામાં છપાયેલા અહેવાલોમાં ભાવનગરના રેન્જ આઇ. જી. ગૌતમ પરમારને ટાંકીને લખાયું છે કે, “યુવરાજસિંહે આ તમામ આરોપો પોતાની ધરપકડથી બચવા માટે કર્યા હોવાનું એસઆઇટીની તપાસમાં બહાર આવ્યું છે.”

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં ‘ડમી કાંડ’ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, “અમે આ મુદ્દે સાચી માહિતી આવકારી છે, પરંતુ ગુનેગારોનાં નામ છુપાવવાં એ પણ એટલું જ મોટું પાપ છે. અમે ડમી કાંડમાં જેટલા પણ લોકો સંકળાયેલા છે તેમની સામે કડક પગલાં ભરીશું.”

હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે રાજકારણ ન ખેલાઈ રહ્યું હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે, “હું વિશ્વાસ અપાવું છું કે આ મામલામાં ક્યાંય રાજકારણ જોડાયેલું નથી. તેઓ આપના નેતા છે છતાં અમે ઘણી વાર અગાઉ પણ તેમની માહિતીના અનુસંધાને પગલાં લીધાં છે. જો આગળ પણ આ સિવાય કોઈ પણ સાચી માહિતી ગમે તે વ્યક્તિ દ્વારા અપાશે અમે એ સાંભળીને તેના પર કાર્યવાહી કરવા તૈયાર છીએ”

રેડ લાઇન
રેડ લાઇન