યુવરાજસિંહ જાડેજા : બિનસચિવાલયની પરીક્ષા માટે આંદોલનથી હેડ ક્લાર્ક પેપર લીક કેસ ઉજાગર કરવા સુધી
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ચગી રહ્યો છે અને સાથે ચર્ચાઈ રહ્યું છે એક નામ યુવરાજસિંહ જાડેજા.
હાલ હેડ ક્લાર્ક પેપર લીક કેસ રાજ્યમાં સૌથી મોટો મુદ્દો છે જેમાં ગુજરાત સરકાર હાલ ઘેરાયેલી દેખાય છે.
અને આ પેપર લીકનું સંપૂર્ણ કૌભાંડ ઉજાગર કરનારા યુવરાજસિંહ જાડેજા આમ તો આમ આદમી પાર્ટીના નેતા છે પરંતુ તેમનું કહેવું છે કે તેઓ વિદ્યાર્થીનેતા તરીકે આ લડાઈ લડી રહ્યા છે.

“મારી લડાઈ વિદ્યાર્થીઓના હિતમાં શરૂ થઈ હતી અને રહેશે, આ પૂર્ણવિરામ નથી અલ્પવિરામ છે. ફકત આક્ષેપ કે આરોપ કરવા જ યોગ્ય નથી, તેમને સાબિત કરવા પણ જરૂરી છે અને તે કરી પણ બતાવ્યું છે."
"ફકત વિરોધ એ મારો હેતુ ક્યારેય રહ્યો નથી અને રહેશે પણ નહીં. જે મુદ્દો લઈને ચાલુ છું એમાં ન્યાય કઈ રીતે અપાવી શકું એ જોઉં છું.”
આ શબ્દો, યુવરાજસિંહ જાડેજાના એક ટ્વિટર મૅસેજમાં તેમણે લખ્યા છે.
રાજકોટ પાસેના ગોંડલમાં અભ્યાસ કર્યા બાદ સ્ટૉક માર્કેટમાં પોતાનું નસીબ અજમાવીને તેમાં નાપાસ થઈ ચૂકેલા યુવરાજસિંહ 2012 પછીની લગભગ તમામ સરકારી નોકરીઓનાં પ્રિલીમ રાઉન્ડમાં પાસ થયા છે.
જોકે તેઓ જણાવે છે કે તેઓ તેના પછીના રાઉન્ડમાં, જી.પી.એસ.સી સહિત માત્ર ત્રણ જ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એલઆરડી તરીકેની પરીક્ષા પાસ કરીને અરવલ્લીમાં પોલીસ કૉન્સટેબલ તરીકેની પોસ્ટિંગ પણ મેળવી હતી, પરંતુ તેમણે તે નોકરી કરી ન હતી.
તેમના જણાવ્યા પ્રમાણે ત્યાર બાદ તેમણે આસિસટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષામાં સારું પરિણામ મેળવ્યું, પરંતુ તેમને પોલીસ સબ ઇન્સપેક્ટર બનવું હતું, જેમાં તેઓ માત્ર ત્રણ ગુણથી પાછળ રહી ગયા હતા.
એટલા માટે તેમણે એએસઆઈની નોકરી સ્વીકારી ન હતી, અને પોતાની જીપીએસસીની તૈયારી ચાલુ રાખી હતી. તેમણે એક વખત જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરી છે.
જોકે સવાલ એ છે કે, તેમણે આટલી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેમ આપી?
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ પ્રશ્નનો જવાબ આપતાં યુવરાજસિંહ કહે છે કે, "જ્યારે સ્ટૉક માર્કેટમાં હું નિષ્ફળ થયો અને આર્થિક રીતે પડી ભાંગ્યો ત્યારે હું મારા વતન ગોંડલથી ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. મને હતું કે અહીં આવીને મને કોઈ નવા ધંધા-રોજગાર માટે આઇડિયા મળશે અથવા કોઈ નવી તક મળશે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જો કે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવીને તેમને કોઈ નવા ધંધા-રોજગારનો આઇડિયા તો ન મળ્યો, પરંતુ યુવરાજસિંહની મુલાકાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે થઈ.
આ યુવાનો પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહેતા હતા.
“તે લગભગ 2011નો સમય હતો, તેમણે મને કહ્યું કે એ તમામ લોકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે દિવસ-રાત વાંચન કરી રહ્યા છે. હજી સુધી મને મનમાં એવું જ હતું કે સરકારી નોકરી મેળવવા માટે, વ્યક્તિએ કોઈ સરકારી કર્મચારીનો પુત્ર હોવો જરૂરી છે. જોકે અહીં આવીને મને પહેલી વખત ખબર પડી હતી કે હું પણ સરકારી નોકરી મેળવી શકુ છું.”
યુવરાજસિંહના પિતા ગુજરાત ઇલેટ્રિસિટી બોર્ડના કર્મચારી હતા, અને તેઓ એક સંયુક્ત પરિવારમાં 17 પરિવારજનો સાથે રહેતા હતા.
જોકે 2019માં તેમનાં લગ્ન થઈ ગયાં અને તેઓ આજકાલ ગાંધીનગરમાં જ રહે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીથી એક આંદોલકારી સુધીની સફર
યુવરાજસિંહે એક ધોરણ 12ની પરીક્ષાના આધારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની તૈયારી કરી હતી, જોકે જ્યારે તેમણે બિનસચિવાલયની પરીક્ષા પાસ કરી ત્યારબાદ રાજ્ય સરકારે પાછળથી નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી અને પરીક્ષા માટેની લાયકાત ધોરણ 12ને બદલે સ્નાતક કરી દીધી હતી.
તેમણે કહ્યું,“જોકે તે સમયે મેં આ નિયમનો વિરોધ કર્યો હતો,અને ત્યારબાદ સરકારે આ નિયમને ફરીથી બદલાવાની ફરજ પડી હતી.”
“ત્યારબાદ આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું અને અમે તેની સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. અમે સરકારની સામે પડ્યા હતા.”
જોકે તે સમયે પણ યુવરાજસિંહે વિવિધ જિલ્લા કલેક્ટરોને ગૌણ સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ અસિત વોરા સામે પગલાં લેવાની માગ સાથે રજૂઆતો કરી હતી.
બિનસચિવાલયની પરીક્ષા સંદર્ભે તેમણે 2019માં મોટું આંદોલન કર્યું હતું અને ત્યાર બાદ રાજ્ય સરકારે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરીને પોલીસ તપાસ કરાવી હતી.
યુવરાજસિંહ જણાવે છે કે બિનસચિવાલયની પરીક્ષા બાદ તેમણે LRDની મહિલા ભરતી માટે 33 ટકા અનામતને યોગ્ય રીતે લાગુ કરવાની માગ કરી રહેલી મહિલાઓ સાથે આંદોલનમાં ભાગ લીધો હતો. તે આંદોલનનો પણ આંદોલનકારીઓ માટે એક સુખદ અંત આવ્યો હતો.

કેવી રીતે બહાર આવી હેડ ક્લાર્કના પેપર લીકની વાત?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હેડ ક્લાર્કની પરીક્ષા 12મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. અને હજી સુધીની તપાસ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, પેપર એક દિવસ અગાઉ જ અમુક લોકો પાસે આવી ગયું હતું. પરંતુ આ પેપર લીકની વાત યુવારાજસિંહ સુધી કેવી રીતે પહોંચી?
આ વિશે વાત કરતાં તેમણે ક્હ્યું કે, "સૌથી પહેલાં આ વિશે મને ફોન આવ્યો હતો, અને તે ફોન પરીક્ષા પછી આવ્યો હતો. તે ફોન કરનારે એક સ્ક્રીનશૉટ પણ મોકલાવ્યો હતો, જેમાં પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબો હતા."
"ત્યાર પછી એક બીજી વ્યક્તિનો મારા પર ફોન આવ્યો અને તેમણે મને રૂબરૂ મળવાનો આગ્રહ કરીને જ તમામ વિગતો આપવાની વાત કરી."
"હું તેમને રાજકોટમાં મળ્યો અને તે વ્યક્તિએ મને હિંમતનગરના ઉછા ફાર્મહાઉસની વાત કરી. જોકે ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવો જોઈએ.”
યુવારાજસિંહ કહે છે કે આ પર્દાફાશ તેમણે નહીં પણ જે વિદ્યાર્થીઓ આ આખા કૌભાંડનો ભોગ બન્યા છે, તેમણે કર્યો છે.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે, “મેં માત્ર આક્ષેપો નથી કર્યા, પણ તેના સંપૂર્ણ પુરાવાઓ પણ પોલીસ તેમજ ગૌણ સેવા પસંદગી મંડળને યોગ્ય સમયે જ આપી દીધા હતા.”

શું છે તેમનું રાજકીય કનેક્શન?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાત સરકારને આ મુદ્દે ઘેરવામાં આમ આદમી પાર્ટી સૌથી વધારે સક્રિય દેખાય છે.
યુવરાજસિંહ સીધી રીતે તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, પરંતુ આ આંદોલનની વાત કરતાં તેઓ કહે છે કે તેમણે આ મુદ્દો વિદ્યાર્થી નેતા તરીકે ઉઠાવ્યો છે.
હેડ ક્લાર્ક પેપર લીક કેસ સામે આવ્યો અને આમ આદમી પાર્ટીએ ગત અઠવાડિયે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય 'કમલમ્'ને ઘેર્યું હતું. એટલું જ નહીં કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી.
પરંતુ યુવરાજસિંહ આ મુદ્દાને રાજકારણ સાથે જોડવાથી બચે છે.
તેઓ કહે છે કે, "હું જ્યારે વિદ્યાર્થીઓની વાત કરું છું, ત્યારે હું કોઈ પક્ષના પ્રતિનિધિ તરીકે નહીં પણ એક વિદ્યાર્થીનેતા તરીકે જ વાત કરતો હોઉ છું. જ્યારે પક્ષનું કામ કરવાનું હોય ત્યારે હું તે કામ પણ પૂરી નિષ્ઠા સાથે કરું છું."
પરંતુ તેઓ માને છે કે તેઓ વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા બનીને તેમને પ્રોત્સાહન આપવા માગે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













