ગુજરાત: નવા કાયદાથી યુનિવર્સિટીઓની સ્વાયત્તતા છીનવાઈ જવાનો ડર કેમ?

વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલો ‘ગુજરાત કૉમન યુનિવર્સિટી ઍક્ટ-2023’ હવે વિપક્ષો અને અધ્યાપકોના વિરોધ વચ્ચે પણ કાયદો બની ચૂક્યો છે.

16મી સપ્ટેમ્બરે આ બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

જોકે, ડ્રાફ્ટમાં થોડા સુધારાઓ સાથે આ બિલનું નામ પણ બદલવામાં આવ્યું હતું અને તે હવે ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટી ઍક્ટ-2023’ તરીકે ઓળખાશે.

આ બિલનો વિપક્ષો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ કર્યો છે.

અલગ-અલગ જિલ્લાઓમાં પણ કેટલાક અધ્યાપકો, નિવૃત્ત અધ્યાપકો અને શિક્ષણવિદોએ આ બિલનો વિરોધ કર્યો હતો. અનેક શહેરોમાં કલેક્ટરને આવેદનપત્રો પણ આપવામાં આવ્યાં હતાં.

જોકે આ બિલને "નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નવયુગનો શુભારંભ" તરીકે ગણાવાઈ રહ્યું છે.

સરકાર અનુસાર, વિદ્યાર્થીઓનાં હિત તથા તેમને ગુણવત્તાયોગ્ય શિક્ષણ પ્રદાન કરવા માટે વિશેષ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઑફ મૅનેજમૅન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ઍકેડૅમિક કાઉન્સિલ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કૅબિનેટ મંત્રી અને સરકારના મુખ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે "આ બિલની તમામ જોગવાઈઓથી આપણી આ યુનિવર્સિટીઓને જરૂરી સ્વાયત્તતા મળશે અને આ સ્વાયત્તતા સ્વચ્છંદતામાં ન પરિણમે તેનું પૂરું ધ્યાન રાખ્યું છે."

બિલના કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે આપણે આ લેખમાં વિગતવાર ચર્ચા કરીશું.

બીબીસી ગુજરાતી

વાઇસ-ચાન્સેલરની સત્તામાં વધારો કે ઘટાડો?

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023

ઇમેજ સ્રોત, Gujarat University

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બિલ પસાર થવાને કારણે તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર(કુલાધિપતિ) તરીકે હવે રાજ્યના રાજ્યપાલ રહેશે. જોકે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલરપદે વડોદરાનાં રાજવી પરિવારના શુભાંગિની રાજે ગાયકવાડ જ રહેશે.

નવા કાયદામાં વાઇસ ચાન્સેલરની ટર્મ ત્રણથી વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે. તેઓ વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી જ આ પદ પર રહી શકશે. નવા કાયદા પ્રમાણે વાઇસ ચાન્સેલરને બીજી ટર્મ મળી શકશે નહીં પરંતુ અન્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરપદે તેમની નિમણૂક થઈ શકે છે.

આ કાયદાના પ્રકરણ-4 ‘યુનિવર્સિટીના અધિકારીમંડળો’ પ્રમાણે સંચાલક મંડળ એ યુનિવર્સિટીની મુખ્ય કારોબારી રહેશે અને અંતિમ નિર્ણય લેનારું સત્તામંડળ એ જ હશે. સંચાલક મંડળના અધ્યક્ષપદે કુલપતિ જ રહેશે અને લગભગ તમામ સભ્યોની નિમણૂકમાં તેમનો જ હાથ ઉપર રહેશે.

આ સિવાય ઍકેડૅમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષપદે પણ કુલપતિ જ રહેશે અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને આ કાઉન્સિલોના મોટા ભાગના સભ્યોની નિમણૂક તેઓ જ કરશે.

પરંતુ આ કાયદા હેઠળ રાજ્ય સરકારે જ નીમેલા કુલાધિપતિ અને કુલપતિઓ હેઠળ જ આ નિમણૂક થશે તો એમાં પારદર્શિતા કઈ રીતે જળવાશે એવા સવાલો વિપક્ષો ઉઠાવી રહ્યા છે.

જોકે ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ કહે છે, “ગુજરાતની યુનિવર્સિટીઓના સંચાલનમાં એકરૂપતા આવે તે માટેનો આ પ્રયાસ છે. સંચાલન, વહીવટી પ્રણાલી અને પરીક્ષા પદ્ધતિ આ ત્રણેયમાં સરળતા અને એકરૂપતા આવે તેના માટે આ બિલ લાવવામાં આવ્યું છે.”

“કુલપતિની ટર્મમાં પણ વધારો કરવામાં આવ્યો છે, કારણ કે જે તે વ્યક્તિની વહીવટી કાર્યક્ષમતા અને અનુભવનો લાભ મળે.”

બીબીસી ગુજરાતી

સેનેટ અને સિન્ડિકેટની જગ્યાએ બોર્ડ ઑફ મૅનેજમૅન્ટ

પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ, ઓમ પ્રકાશ ચૌટાલા અને મેનકા ગાંધી સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ, ઓમ પ્રકાશ ચૌટાલા અને મેનકા ગાંધી સાથે

અત્યાર સુધી ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીમાં દર પાંચ વર્ષે સેનેટની ચૂંટણી થતી હતી. આ સિવાય દર ત્રણ વર્ષે રાજ્ય સરકાર છ સિન્ડિકેટ સભ્યોની નિમણૂક કરતી હતી. એ સિવાય સિન્ડિકેટના સભ્યો ચૂંટણીથી ચૂંટાઈને આવતા હતા.

નિયમો પ્રમાણે યુનિવર્સિટી સેનેટમાં 126 સભ્યો હોય છે.

સેનેટ સભ્યોમાં ચાન્સેલર, વાઇસ ચાન્સેલર, પ્રો-વાઇસ ચાન્સેલર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, સેક્રેટરી, ઉચ્ચ શિક્ષણના ડાયરેક્ટર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ, વિવિધ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષો, યુનિવર્સિટી હેઠળ આવતી કૉલેજોના પ્રિન્સિપાલ, માન્યતાપ્રાપ્ત અન્ય સંસ્થાઓના અધ્યક્ષો, હાઇસ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલ, જે તે વિસ્તારમાં યુનિવર્સિટી આવેલી હોય તે વિસ્તારની મ્યુનિસિપાલિટી કે પંચાયતના સભ્યો અને સરકાર દ્વારા નિમણૂક પામેલા સભ્યો હોય છે. આમ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રના વિવિધ લોકોનું બહોળું પ્રતિનિધિત્વ જોવા મળતું હતું.

હવે આ સેનેટને બદલે એક બોર્ડ ઑફ મૅનેજમૅન્ટની રચના કરવામાં આવી છે જેના અધ્યક્ષ કુલપતિ જ રહેશે. આ બોર્ડમાં કુલપતિ સહિત કુલ 18 સભ્યો હશે. જેમાં કોઈ લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિ, વિભાગોના વડા, ડીન, અધ્યાપકો અને આચાર્યો, કૉલેજ સંચાલકમંડળના પ્રતિનિધિઓ, સ્નાતકો, રાષ્ટ્રીય સંસ્થાના સભ્ય અને યુનિવર્સિટી રજિસ્ટ્રાર વગેરે હશે.

અહીં એ નોંધનીય છે કે આ તમામ સભ્યોની નિમણૂક કે પસંદગી થશે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં વિદ્યાર્થી રાજકારણનો અંત?

નવનિર્માણ આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવનિર્માણ આંદોલન

ગુજરાતની યુનિવર્સિટીઓમાં દાયકાઓથી જ દેશના અન્ય રાજ્યોની જેમ વિદ્યાર્થી સેનેટની ચૂંટણીનું વિશેષ મહત્ત્વ રહ્યું છે.

ભાજપ સમર્થિત વિદ્યાર્થી પાંખ એબીવીપી અને કૉંગ્રેસ સમર્થિત વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ વચ્ચે કાયમ આ ચૂંટણીઓને લઈને રસાકસી રહે છે.

વિદ્યાર્થીઓના હક્ક અને અધિકારો સંદર્ભે પણ આ વિદ્યાર્થી સંગઠનો મહત્ત્વના ગણાય છે. વિદ્યાર્થી સેનેટ વિદ્યાર્થીઓના મુદ્દાઓને યુનિવર્સિટી સુધી પહોંચાડવામાં ઘણી વાર મહત્ત્વના સાબિત થતા હોય છે.

યુનિવર્સિટીઓમાં ચાલતા વિદ્યાર્થી રાજકારણથી રાજ્યને ઘણા નેતાઓ પણ મળ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનના પ્રથમ અધ્યક્ષ હતા.

આ સિવાય ભાજપના નેતા નરહરિ અમીન, પ્રદીપસિંહ વાઘેલા તથા કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા અને મનીષ દોશી પણ વિદ્યાર્થી રાજકારણમાં અગ્રેસર હતા.

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલ ફીમાં 20 ટકા વધારો એ 1973માં ચાલુ થયેલ નવનિર્માણ આંદોલનનું પ્રથમ કારણ બન્યો હતો. આમ, વિદ્યાર્થીઓના પ્રશ્નોથી ચાલુ થયેલ આંદોલનોએ ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિ બદલી નાખી હોવાના પણ દાખલા છે.

આ નવો કાયદો પસાર થયા પછી એ પણ ભીતિ સેવાઈ રહી છે કે ગુજરાતમાં કદાચ વિદ્યાર્થી રાજકારણ માટે સીધી રીતે કોઈ જગ્યા ન બચે.

જોકે, ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ આ મુદ્દે કહે છે કે, “યુનિવર્સિટીઓ એ ભણવાની જગ્યા છે. રાજકારણ રમવાની નહીં. કૉંગ્રેસે હંમેશાં સેનેટનો ઉપયોગ પોતાની રાજનીતિ ચમકાવવા માટે અને સરકારો તોડવા કર્યો છે. વિદ્યાર્થી નેતાઓ ફેક એડમિશન લઈને અહીં જ પડ્યા રહે છે અને જુનિયર વિદ્યાર્થીઓના રેગિંગ કરે છે.”

બીબીસી ગુજરાતી

અધ્યાપકો હવે ‘જાહેર સેવકો’, સ્વાયત્તતાનું શું?

વિરોધ પ્રદર્શનો કરી રહેલા અધ્યાપકો

ઇમેજ સ્રોત, HEMANTKUMAR SHAH/FACEBOOK

ઇમેજ કૅપ્શન, વિરોધ પ્રદર્શનો કરી રહેલા અધ્યાપકો અને અન્ય લોકો

નવા કાયદા પ્રમાણે યુનિવર્સિટીના પગારદાર અધિકારીઓ, અધ્યાપકો, અન્ય કર્મચારીઓ એ ભારતના ફોજદારી અધિનિયમની કલમ 21ના પ્રમાણે ‘જાહેર સેવકો’ ગણાશે.

આ પગલાંને કારણે જો યુનિવર્સિટીના કર્મચારીઓને ‘જાહેર સેવકો’ ગણવામાં આવશે તો તેમને ‘ગુજરાત સર્વિસ(કંડક્ટ) રૂલ્સ-1971’ પણ લાગુ પડી શકે છે.

‘ગુજરાત સર્વિસ (કંડક્ટ) રૂલ્સ-1971’ કાયદા પ્રમાણે કોઈ સરકારી નોકર પોતે તો ઠીક પરંતુ તેના પરિવારનો કોઈ સભ્ય પણ રાજકીય આંદોલનોમાં ભાગ લઈ શકે નહીં. તે કોઈ પણ પ્રકારની હડતાળ પાડી શકે નહીં.

તે સરકારની મંજૂરી વિના કોઈ પુસ્તક પ્રકાશિત કરી શકે નહીં અને રેડિયો કે ટીવી પરની ચર્ચામાં ભાગ લઈ શકે નહીં. તે કોઈ અખબારમાં લેખ લખી શકે નહીં કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈ નીતિ વિશે ટીકા કે અભિપ્રાય આપી શકે નહીં.

કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ આ મુદ્દે કહે છે, “ભાજપે શિક્ષકોને શિક્ષક જ રહેવા દીધા નથી. શિક્ષકો પાસે બધાં કામ કરાવવાં છે અને તેમને જ્ઞાનસહાયક જેવાં મોટાં નામ આપવાં છે. શિક્ષકોને હવે ભાજપ જાહેર સેવકો બનાવી તેમની અભિવ્યક્તિ પર તરાપ મારવા ઇચ્છે છે.”

અમદાવાદની એચ.કે. કૉલેજના ભૂતપૂર્વ અધ્યાપક અને અર્થશાસ્ત્રી પ્રો. હેમન્તકુમાર શાહ કહે છે, “આ કાયદાનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકારની કોઈ પણ નીતિ કે પગલાંની ટીકા અધ્યાપકો કરી શકે નહીં, જો તેઓ સરકારી કર્મચારી ગણાય તો. દા.ત., સરકાર જો દિવસના પાંચ કે છ કલાકને બદલે સાત કલાક કૉલેજ કે યુનિવર્સિટીમાં હાજર રહીને કામ કરવાનું કહે તો અધ્યાપક તે વિશે કશુંક મંતવ્ય અભિવ્યક્ત કરી શકે પરંતુ સરકારે ગરીબી નિવારણ માટે કોઈ કાર્યક્રમ ઘડ્યો હોય તો અધ્યાપક તેના વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે નહીં.”

તેઓ વધુમાં કહે છે કે, “એક બાજુ આ કાયદાના ઉદ્દેશો અને કારણોમાં શૈક્ષણિક સ્વતંત્રતા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે એમ કહેવામાં આવ્યું છે અને બીજી તરફ અધ્યાપકોની સ્વાયત્તતા છીનવી લેવા માટે તેમને સરકારી કર્મચારી બનાવી દેવામાં આવી રહ્યા છે. આમ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવાઈ જશે તે સ્પષ્ટ છે. ભારત સરકારના કર્મચારીઓ માટેના સેવા અંગેના નિયમો અને ગુજરાત સરકારના કર્મચારીઓના સેવા અંગેના નિયમો લગભગ સમાન છે એ તો એક હકીકત છે.”

બીબીસી ગુજરાતી

યુનિવર્સિટીઓ નિયમનથી નિયંત્રણ તરફ?

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, msubaroda.ac.in

ઇમેજ કૅપ્શન, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કે જેની પાસે તમામ યુનિવર્સિટીઓમાં સૌથી વધુ જમીન હોવાનું કહેવાય છે.

આ કાયદાની એક કલમ ‘રાજ્ય સરકારને આદેશો કે જાહેરનામાં જારી કરવાની સંપૂર્ણ સત્તા’ અનુસાર રાજ્ય સરકાર આ કાયદામાં સામેલ ન હોય તેવા વિષયો પર પણ જાહેરનામું કે આદેશ બહાર પાડી શકે છે.

યુનિવર્સિટીઓએ આ જાહેરનામાનું સંપૂર્ણપણે ફરજિયાત પાલન કરવાનું રહેશે.

પ્રૉ. હેમન્તકુમાર શાહ કહે છે, “આ કલમ દર્શાવે છે કે રાજ્ય સરકાર કેવી રીતે અને કઈ કઈ બાબતોમાં યુનિવર્સિટીઓ પર નિયંત્રણ ધરાવશે. અહીં શબ્દ ‘નિયંત્રણ’(control) મૂકવામાં આવ્યો છે, ‘નિયમન’(regulation) નહીં. આ આઘાતજનક બાબત છે.”

તેઓ કહે છે, “ગુજરાત સરકાર ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નિયમન કરવાને બદલે નિયંત્રણ કરવા માગે છે એ ઉદારીકરણના માહોલમાં આશ્ચર્યજનક છે.”

આ સિવાય તેઓ સમજાવતાં કહે છે કે, “ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નિયમન કરવા માટે રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ પરિષદની સ્થાપના કરતો કાયદો કરેલો જ છે. જોકે, એ પરિષદમાં પણ રાજ્ય સરકારનું જ સંપૂર્ણ નિયંત્રણ છે. વિદ્યાજગતના અગ્રણીઓ કે શિક્ષણશાસ્ત્રીઓનો એમાં પણ કોઈ અવાજ ન રહે તેની પૂરતી કાળજી લેવામાં આવી છે. એ કાયદાની જોગવાઈઓ અને આ કાયદાની જોગવાઈઓને એકસાથે જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે ગુજરાત સરકાર ઇચ્છતી જ નથી કે યુનિવર્સિટીઓ સ્વાયત્ત અને સ્વતંત્ર શિક્ષણસંસ્થાઓ તરીકે કામ કરે.”

બીબીસી ગુજરાતી

શું યુનિવર્સિટીઓની વિવિધતા જળવાઇ રહેશે?

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023

ઇમેજ સ્રોત, Getty Images

જે યુનિવર્સિટીઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે તે તમામ યુનિવર્સિટીઓની સ્થાપના અલગ-અલગ ઍક્ટ હેઠળ કરવામાં આવી છે.

જેમ કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા અધિનિયમ- 1949, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ, 1965 વગેરે.

આમ, અલગ-અલગ ઍક્ટ હેઠળ ચાલતી આ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમો, તેની ફી, તેની હેઠળ આવતી કૉલેજો સંબંધે ભારે વિવિધતા છે. વળી, અમુક યુનિવર્સિટીઓ ગ્રામીણ વિસ્તારોમાં છે તો અમુક મેટ્રોસિટીમાં આવેલી છે. પ્રત્યેક યુનિવર્સિટી પોતાની રીતે ખાસ છે અને વિવિધતા ધરાવે છે.

રાજ્ય સરકારે જાહેર કરેલા આ બિલના ડ્રાફ્ટમાં જ દેશની વિવિધતાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ જાણકારોના મતે તો આ બિલથી યુનિવર્સિટીઓની વિવિધતા નષ્ટ થવાનો ખતરો છે.

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે આ બિલને પાછું ખેંચવા માટે રાજ્યપાલને અરજી કરી છે. આ સંસ્થાના પ્રમુખ પ્રો. રાજેન્દ્ર જાદવ કહે છે, “રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી બે અલગ-અલગ કૉલેજમાં પોતાનો અભ્યાસ પૂરો કરી શકે છે. પરંતુ આ નીતિ પ્રમાણે જો હવે કોઈ વિદ્યાર્થી આ 11માંથી કોઈ એક યુનિવર્સિટીમાં ભણ્યો હોય અને પછી તેને કોઇ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું હોય તો એ શક્ય બનશે કે કેમ? આ મોટો સવાલ છે.”

બીબીસી ગુજરાતી

વડોદરાની એમએસ યુનિવર્સિટી માટે કેમ વિશેષ જોગવાઈ?

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

ઇમેજ સ્રોત, msubaroda.ac.in

ઇમેજ કૅપ્શન, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે પરંતુ તેના ચાન્સેલર તરીકે મહારાણી શુભાંગિની રાજે ગાયકવાડને જ રાખવામાં આવ્યાં છે. આ વિશે પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

થોડા ઘણા નિયમોમાં પણ યુનિવર્સિટીને છૂટછાટ આપવામાં આવી છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર ભરત મહેતા કહે છે, “આ યુનિવર્સિટીની જ્યારે રાજાએ સ્થાપના કરી ત્યારે અમારી સાથે કોઈ કૉલેજ જોડાયેલ ન હતી. હવે એવું બની શકે કે તેમાં નવી કૉલેજો જોડાશે. વળી, આ યુનિવર્સિટી એ શહેરી યુનિવર્સિટી છે અને માધ્યમ પણ અંગ્રેજી છે. એ રીતે પણ તે બીજાથી અલગ છે. હવે જો ગામડાંના વિસ્તારો એમાં જોડવામાં આવશે તો ઘણા પ્રશ્નો સર્જાઈ શકે છે.”

“અમારી પાસે જેટલી હૉસ્ટેલો અને જમીન છે તેટલી કોઈની પાસે નથી. એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે અડધા વડોદરા જેટલી જમીન અમારી પાસે છે. આ બધું હવે સરકારને હસ્તક થઈ જશે એટલે ચિંતા થવી સ્વાભાવિક છે.”

તેઓ વધુમાં કહે છે કે, “વળી, આ યુનિવર્સિટીના અભ્યાસક્રમો પણ બીજી યુનિવર્સિટીથી ખૂબ અલગ છે. એકરૂપતા કઈ રીતે લવાશે તે મોટો સવાલ છે.”

“આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે આપણે એવું કહી શકીએ કે આ યુનિવર્સિટી આજ કરતાં તો રાજાશાહીમાં વધુ સ્વાયત્ત હતી.”

યુનિવર્સિટીની જમીનો સંપૂર્ણપણે સરકારને હસ્તક

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023

ઇમેજ સ્રોત, Getty Images

નવા કાયદા હેઠળ યુનિવર્સિટી કોઈ પણ ચલ કે અચલ સંપત્તિ ખરીદી શકે, વેચી શકે કે કોઈને ટ્રાન્સફર કરી શકે છે પરંતુ તેમાં રાજ્ય સરકારની મંજૂરી જ આખરી ગણાશે.

એટલે કે આ બિલ અમલમાં આવતા જ યુનિવર્સિટીની જમીનો આપોઆપ રાજ્ય સરકારને હસ્તક થઈ જશે, જેને સરકાર ગમે ત્યારે કોઈને પણ વેચી શકે છે.

આ સિવાય યુનિવર્સિટી તેની મિલકતો ગીરવે મૂકીને ફંડ એકઠું કરી શકશે. જોકે આ રીતે ફંડ એકઠું કરવાની યુનિવર્સિટીઓને શું જરૂર પડી અને આ ફંડનો ઉપયોગ કઈ રીતે રીતે કરવામાં આવશે તેનું પણ કોઈ સ્પષ્ટીકરણ નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ઘણી યુનિવર્સિટીઓને જમીન દાનમાં મળેલી છે. જેમ કે, ગુજરાત યુનિવર્સિટીની જમીન કસ્તુરભાઈ લાલભાઈ ટ્રસ્ટ અને અન્ય મહાજનો દ્વારા આપવામાં આવી હતી.

કૉંગ્રેસે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે.

કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ આ મુદ્દે કહે છે, “આ સરકારની દાનતથી કોઈ અજાણ નથી. રાજ્ય સરકાર હંમેશાં ખાનગીકરણ પર ભાર મૂકતી રહી છે. આજે સરકારી સ્કૂલોની હાલત અતિશય ખરાબ છે. એવામાં સરકાર યુનિવર્સિટીની જમીનો અંગે કોઈ પણ નિર્ણય લઈ શકે એ વાત શંકા ઉપજાવે તો છે જ.”

બિલ પસાર થઈ ગયા બાદ યોજેલી સંયુક્ત પત્રકારપરિષદમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે, "આ બિલને કારણે તમામ યુનિવર્સિટીઓ હવે એક જ પ્રકારના નિયમો અને બંધારણથી કાર્યરત થશે. શિક્ષણક્ષેત્રના તજજ્ઞો સાથે મેં સાતેક વખત મીટિંગો કરી અને અધિકારીઓએ બારથી તેર વખત મીટિંગો કરી હતી. ત્યારબાદ જ આ બિલ લાવવામાં આવ્યું છે."

તો જમીન અને સંપત્તિ સંદર્ભે તેમણે કહ્યું કે જમીન સંદર્ભે પહેલાં પણ યુનિવર્સિટીઓને રાજ્ય સરકારને પૂછવું જ પડતું હતું. આ કોઈ નવી વાત નથી. આ બિલમાં એ બાબત યથાવત રાખી છે."

ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ કહે છે, “કૉંગ્રેસે યુનિવર્સિટીની જમીનો મુદ્દે કરેલા આરોપો સાવ પાયાવિહોણા છે અને તે આ મુદ્દે રાજકારણ રમી રહી છે. યુનિવર્સિટીમાં સ્કિલ બેઝડ શિક્ષણ આપવા, નવા અભ્યાસક્રમો ઊભા કરવા માટે જમીનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેવો સરકારનો આશય છે. તેનાથી વિદ્યાર્થીઓને જ ફાયદો થશે.”

બીબીસી ગુજરાતી

પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બિલમાં કેમ નહીં?

ગુજરાતમાં આ 11 સરકારી કે ગ્રાન્ટ-ઇન-એઇડ કૉલેજો સિવાય 110થી વધુ બિનકૃષિ અને બિનતબીબી પ્રાઇવેટ કૉલેજો છે.

આ બિલમાંથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને કેમ બાકાત રાખવામાં આવી અથવા તો તેમના વિશે કેમ કોઈ બિલ ન લાવવામાં આવ્યું તેના ઉપર પણ સવાલો ઉઠાવાઈ રહ્યા છે.

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રો. રાજેન્દ્ર જાદવ કહે છે, “રાજ્યના વિદ્યાર્થીઓ માત્ર સરકારી યુનિવર્સિટીઓમાં જ ભણતા હોય અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ જ કરતા ન હોય તેમ વિચારીને જાણે આ બિલ પસાર કરવામાં આવ્યું હોય તેવું દેખાય છે, કારણ કે આ બિલ માત્ર 11 સરકારી યુનિવર્સિટીઓને લાગુ કરવામાં આવ્યું છે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ ખાનગી યુનિવર્સિટી અને સરકારી યુનિવર્સિટી એમ તમામ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવી છે.”

સરકારને શિક્ષણક્ષેત્રેથી પોતાના હાથ અધ્ધર કરી દેવા હોય તેવું તેમને લાગે છે.

બીબીસી ગુજરાતી

અભ્યાસક્રમો અને ફી બાબતે અનિશ્ચિતતા

આ બિલ તમામ યુનિવર્સિટીઓમાં કથિત શૈક્ષણિક અને વહીવટી એકરૂપતા લાવવા માટેનું છે.

આ તમામ યુનિવર્સિટીઓમાં અલગ-અલગ અભ્યાસક્રમો ચાલે છે અને તેની ફી પણ અલગ-અલગ છે. તો નવા કાયદા પછી રાષ્ટ્રીય શિક્ષણનીતિને ધ્યાનમાં રાખીને હવે આગળ કઈ રીતે અભ્યાસક્રમો ઘડાશે કે તેમાં એકરૂપતા લવાશે તેના વિશે અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે.

ઘણા લોકો ફીમાં પણ વધારો થશે તેવી શંકાઓ સેવી રહ્યા છે.

રાજ્ય સરકાર આ નવા કાયદા હેઠળ કોઈ પણ નવી કૉલેજની સ્થાપના કરી શકે છે અને તેનું પ્રથમ વહીવટીમંડળ પણ નક્કી કરી શકવાની સત્તા તેની પાસે છે. વધુમાં આ વહીવટીમંડળ કેટલો સમય કામ કરશે તે પણ રાજ્ય સરકાર નક્કી કરશે.

જરૂરિયાત પડ્યે શિક્ષણનું સ્તર સુધારવા માટે નવા કાયદા હેઠળ સરકારી અધિકારીઓની જેમ જ અધ્યાપકોની પણ બીજા સ્થળે પ્રતિનિયુક્તિ થઈ શકશે.

આ અંગે અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રો. રાજેન્દ્ર જાદવ કહે છે, “આ બિલની જોગવાઈમાં અધ્યાપકોની એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં બદલી કરવાની અને ડેપ્યુટેશન પર મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે. આ તો કાયદાકીય રીતે જ ગેરબંધારણીય છે.”

આ બિલ વિશે ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ તમામ આરોપોને નકારે છે અને કહે છે કે “જમાનો હવે બદલાઈ ગયો છે. આ કારકૂનો પેદા કરવાનો જમાનો નથી. સરકાર હવે આ બીબાંઢાળ પદ્ધતિમાંથી બહાર આવીને વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ આપવા કામ કરી રહી છે અને તેના માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી