ગુજરાતમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની જરૂર કેમ પડી?

ગુજરાતી ભાષા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • ગુજરાત સરકારે ગત મંગળવારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું હતું
  • જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે
  • રાજ્યમાં આવેલી તમામ બોર્ડ કે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી શાળાઓ માટે ધોરણ એકથી આઠમાં ભણતાં બાળકો માટે ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાની જોગવાઈ કરાઈ છે
  • રાજ્યમાં આ નવી જોગવાઈને લઈને કેટલાક લોકો ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે
  • તો સામેની બાજુએ કેટલાક આ પગલાને સરાહનીય ગણાવી રહ્યા છે
બીબીસી ગુજરાતી

ગુજરાત સરકારે 28 ફેબ્રુઆરી એટલે કે ગત મંગળવારે રાજ્યમાં આવેલી તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવા માટે એક ખરડો પસાર કર્યો હતો.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી એવી ફરિયાદ ઊઠી રહી હતી કે ગુજરાતમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા ભણાવાતી નથી.

આ મામલે માતૃભાષા અભિયાન સંસ્થા નામની એક એનજીઓ અને છ અન્ય અરજદારો મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી.

જેમાં વર્ષ 2018ના ગુજરાત સરકારના ઠરાવ અનુસાર રાજ્યની તમામ શાળાઓમાં પ્રાથમિક કક્ષાએ ફરજિયાતપણે ગુજરાતી ભણાવાય તેવું સુનિશ્વિત કરવાની દિશાનિર્દેશ આપવાની માગણી કરાઈ હતી.

જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકારને આ મુદ્દે ‘કાયદો ઘડવાની ટકોર કરતાં’ વિધાનસભાના ચાલુ સત્રમાં રાજ્ય સરકારે આ અંગે આખરે ખરડો લાવી વિધાનસભામાં પસાર કર્યો હતો.

તો જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા સહિતના સાહિત્યકારોએ અગાઉ સરકારમાં રજૂઆત કરી હતી.

તેમનું કહેવું હતું કે આ અંગે પરિપત્ર તો બન્યો છે, પણ કાયદો નથી બન્યો માટે કાયદો જો બનાવવામાં આવે તો ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવી પડે. અને એ રીતે પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

હવે જ્યારે રાજ્યની તમામ શાળાઓમાં પ્રાથમિક સ્તરે ગુજરાતી ભાષાને એક વિષય તરીકે ભણાવવાની વાત પર મહોર મારવામાં આવી છે ત્યારે સરકારના આ પગલાને લઈને ચર્ચા થઈ રહી છે.

કેટલાક સરકારની કાર્યવાહીની સરાહના કરી રહ્યા છે તો કેટલાક ચિંતા પણ અનુભવી રહ્યા છે.

ગ્રે લાઇન

વર્ષ 2023-24થી લાગુ થશે નવા ખરડાની જોગવાઈઓ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સરકારે આ હેતુસર ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યો હતો.

નવા બિલની જોગવાઈઓ અનુસાર રાજ્યમાં આવેલી તમામ શાળાઓમાં ધોરણ એકથી આઠમાં 2023-24ના શૈક્ષણિક વર્ષથી ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાનું ઠરાવાયું છે.

આ જોગવાઈઓ સીબીએસઈ, આઇબી અને આસીએસઈ સાથે સંલગ્ન શાળાઓમાં પણ લાગુ થશે.

નોંધનીય છે કે ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપ સહિત, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે પણ બિલનું સમર્થન કર્યું હતું.

ગુજરાતના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે આ બિલ રજૂ કરતાં કાયદાની જરૂરિયાત અંગે વિધાનસભામાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં રહેતાં અનેક બાળકોને શાળામાં તેમની જ ભાષા ન શીખવાતી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા શીખવાથી વંચિત રહી જાય છે.”

આ બિલની જોગવાઈ પ્રમાણે એક સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવશે, જે દરેક શાળામાં પ્રાથમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય ભણી રહ્યા છે કે નહીં તે જોશે.

જોગવાઈઓ પ્રમાણે જો કોઈ સ્કૂલ તેનું ઉલ્લંઘન કરશે તો તેને પ્રથમ વખત 50 હજાર બીજી વખત એક લાખ અને ત્રીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરાશે.

જો એક વર્ષ કરતાં વધુ સમય સુધી કોઈ સ્કૂલ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવશે તો રાજ્ય સરકાર જે તે ઇન્સ્ટિટ્યૂટ કે બોર્ડને શાળાની માન્યતા રદ કરવા સૂચન આપશે.

ગ્રે લાઇન

વિદ્યાર્થીઓને તક મળશે કે ભાર વધશે?

ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા જગદીશભાઈ બ્રહ્મભટ્ટના પરિવારનાં બાળકો સીબીએસઇ બોર્ડમાં ભણે છે.

તેઓ રાજ્ય સરકારના નવા બિલ વિશે પ્રતિક્રિયા આપતાં કહે છે કે, “અમે ઘણી વખત વિચારતા કે બાળકને ગુજરાતી ભાષા લખતા-વાંચતા આવડે તે જરૂરી છે, એ અંગે રજૂઆતો પણ કરી હતી પરંતુ બાળકો હંમેશાં કહેતાં હતાં કે બીજા વિષયોની જેમ તેમને ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવવામાં આવતી ન હતી. સરકારના આ નિર્ણય બાદ મને એટલી ખાતરી છે કે મારા પરિવારનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોવા છતાં તેમને ગુજરતી શીખવાની તક મળશે.”

ગુજરાત સરકારના આ નિર્ણયને સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહે પણ આવકાર્યો છે, જોકે તેઓ એ પણ માને છે કે આ નિર્ણય મોડો અને મોળો છે.

પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં તેઓ કહે છે કે, “છેલ્લા અમુક દાયકાઓથી વાલીઓ પોતાનાં બાળકોને, મુખ્યત્વે ગુજરાતનો જે સમૃદ્ધ વર્ગ ગણાય છે, તેમણે પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું શરૂ કર્યું હતું, જેનો પરિણામ એ છે કે હવે કોઈને ગુજરાતી ભાષા ભણવામાં રસ નથી. જોકે સરકારના આ કાયદાથી મને ખુશી છે કે ભલે મોડેથી પણ તેમણે આ નિયમ લાવ્યો છે, જેથી ગુજરાત બોર્ડ સિવાયની શાળામાં ભણતા મૂળ ગુજરાતના વતની એવા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાની સમજણ મળશે. જોકે આ કાયદાને હજી વધારે કડક બનાવવાની જરૂર હતી.”

2018-19ના શિક્ષણ ખાતાના આંકડા પ્રમાણે રાજ્યમાં 12,234 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને 45,315 જેટલી પ્રાથમિક શાળાઓ હતી.

આ શાળાઓ પૈકી કેન્દ્રીય બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંલગ્ન ઘણી સંસ્થાઓમાં બાળકોને ગુજરાતી ભણાવવા સંદર્ભે ઉદાસીનતા જોવા મળી રહી હતી.

ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. એમ. એન. પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાતીના ફરજિયાત શિક્ષણને વધુ આગળ વધારવાની ભલામણ કરે છે.

તેઓ કહે છે કે, “હાલમાં ઘણા પ્રૉફેશનલ કોર્સ અંગ્રેજી માધ્યમાં હોય છે, એક તરફ જ્યારે ગુજરાતી ભાષાને આટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે, ત્યારે વિવિધ પ્રૉફેશનલ કોર્સને પણ ગુજરાતીમાં ભણાવી શકાય તે દિશામાં પણ કામ કરવાની જરૂર હોય તેમ મને લાગી રહ્યું છે.”

બીબીસી ગુજરાતી

શું જરૂર છે આ કાયદાની?

ગુજરાતી ભાષા

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ કેટલાક લોકો માને છે કે આ કાયદાની તાતી જરૂરિયાત હતી, ત્યાં ઘણા એવા લોકો પણ છે કે જેઓ માને છે કે હાલમાં શિક્ષણ ખાતામાં એવાં બીજાં અનેક કામો છે જેને પ્રાથમિકતા આપવાની જરૂર છે.

ગુજરાત સરકારના ગુજરાતી ફરજિયાતપણે ભણાવવાના કાયદાને સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની સરકારની નબળાઈ ગણાવે છે.

તેઓ કહે છે કે, “સૌપ્રથમ તો એ સમજવાની જરૂરિયાત છે કે સરકારે આ પ્રકારનો કાયદો લાવવો જ કેમ પડ્યો? આ પહેલાંના ઠરાવોનું પાલન કેમ વિવિધ સંસ્થાઓ કરતી ન હતી, આ સરકારની નબળાઈ છે.”

તેઓ ગુજરાતી ભાષાને વધુ સબળી બનાવવાનાં સૂચનો આપતાં કહે છે કે, “જો ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો ગુજરાતી પાઠ્યપુસ્તકોને બદલવાની અને ગુજરાતી ભાષાને મજબૂત કરવાની જરૂર છે. અમુક શાળાના સંચાલકો સરકારનું માનતા ન હતા, તેમના કારણે તમામ વિદ્યાર્થીઓ માટે આને લઈને કાયદો લાવવામાં આવે એ યોગ્ય નથી.”

અમુક શાળાનાં સંચાલકો પણ માને છે કે આ પ્રકારની જોગવાઈની જરૂર ન હતી.

આ વિશે વાત કરતાં એક ખાનગી શાળાના પ્રિન્સિપાલ આસીફ પઠાણ કહે છે કે તેમની શાળામાં એવાં અનેક બાળકો છે કે જેઓ આગળનો અભ્યાસ કરવા માટે બીજા રાજ્યમાં જવાનાં છે.

“સરકારનો નિયમ છે એટલે અમે તમામ બાળકોને ગુજરાતી ભણાવીશું, પરંતુ મને એ સમજાતું નથી કે આ કાયદો એ બાળકોને કેવી રીતે મદદરૂપ થશે જેઓ અહીં રહેવાનાં જ નથી. તેમણે એક વધારાની ભાષા શીખવી પડશે. હાલમાં તેઓ અંગ્રેજી શીખે છે અને હિન્દી, ઉર્દૂ જેવી ભાષાઓ ઘરે બોલે છે. આવાં બાળકોને ગુજરાતી ભાષા બોલતા આવડે છે, પરંતુ તેનો અભ્યાસ કરવો એ આવાં બાળકો માટે બોજારૂપ હશે તેવું મને લાગે છે.”

તેઓ આગળ જણાવે છે કે માતૃભાષા ક્યારેય ફરજિયાત ન હોય, એ તો લોકો ખુશી ખુશી બોલે છે, તેના માટે કાયદો લાવવો એ યોગ્ય નથી.

અમદાવાદનાં જાણીતા શિક્ષણવિદ મનન ચોકસી વિવિધ શાળાના ટ્રસ્ટી છે. તેઓ માને છે કે હાલની સ્થિતિમાં સૌથી મોટી સમસ્યા ટ્રાન્ઝિટ પિરિયડની રહેશે.

“જે બાળકો હાલમાં ધોરણ છ કે સાતમાં આવ્યાં છે, તેઓ ક્યારેય ગુજરાતી શીખ્યાં નથી અને હવે તેમણે ફરજિયાત ગુજરાતી ભાષા ભણવી પડશે, જે તેમના માટે એક મોટો પડકાર બની રહેશે. જોકે તેની સાથે સાથે શાળાનો સમય તો નિર્ધારિત છે, અભ્યાસક્રમ પણ તે પ્રમાણે નિર્ધારિત છે, અત્યારે જ્યારે અમુક બાળકોને એક વધારાનો વિષય ભણાવવાનો રહેશે, જે પહેલાં તેઓ નહોતાં ભણતાં તો તેના માટે સમયનું મૅન્જમૅન્ટ કેવી રીતે કરવું, એ શાળાના સંચાલકો માટે એક સમસ્યા બનીને સામે આવશે.”

સ્વપથ નામની સંસ્થા અને ચાઇલ્ડ રાઇટ્સ કવેક્ટિવ ગુજરાત સાથે જોડાયેલા રાજેશ ભટ્ટનું મંતવ્ય પણ સરકારના આ નિયમની વિરુદ્ધ છે.

તેઓ ગુજરાતના ડાંગની પ્રાથમિક શાળાનાં બાળકો સાથે કામ કરે છે.

તેઓ કહે છે કે, “ડાંગ અને બીજા આદિવાસી વિસ્તારોમાં બાળકોને જો તેમની માતૃભાષા એટલે કે ડાંગીમાં ભણાવવામાં આવે તો જ તેઓ સમજી શકે છે, તેવામાં ગુજરાતીને ફરજિયાત કરીને આદિવાસી વિસ્તારનાં અનેક બાળકો સાથે અન્યાય થયો હોય તેવું મને લાગે છે.”

રાજેશ ભટ્ટ આદિવાસી વિસ્તારની વિશેષ જરૂરિયાતો અંગે ધ્યાન દોરતાં આગળ કહે છે કે, “તેમની માતૃભાષામાં તેમને શીખવાની તક મળવી જોઈએ, કારણ કે ગુજરાતી તો તેઓ આગળ જઈને શીખી જ લેતાં હોય છે. તેમના અંગ્રેજી ભાષાના અભ્યાસ ઉપર વધારે ભાર આપવાની જરૂરિયાત છે.”

રેડ લાઇન
રેડ લાઇન