છોટુભાઈ પુરાણી : માયકાંગલા હોવાનું મહેણું ખાતા ગુજરાતીઓમાં અખાડાપ્રવૃત્તિથી પરાક્રમ પ્રગટાવનાર ગુજરાતી

છોટુભાઈ પુરાણીઃ મૃત્યુના થોડા દિવસ પહેલાં

ઇમેજ સ્રોત, 'Kumar'

ઇમેજ કૅપ્શન, છોટુભાઈ પુરાણી : મૃત્યુના થોડા દિવસ પહેલાં
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

બીબીસી ગુજરાતી

સાત ધોરણ ગુજરાતી ભણવાનું અહોહો ગણાતું, તે જમાનામાં છોટુભાઈ પુરાણી વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર જેવા વિષયો સાથે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આગળ જતાં એમ.એ. પણ થયા. છતાં, તેમનો જીવ જેટલો અભ્યાસમાં એટલો જ વ્યાયામમાં અને શરીરની સુદૃઢતા કેળવવામાં હતો.

તેમનો જન્મ મોસાળ ડાકોરમાં 1885માં. નાનપણથી તેમને ખેલકૂદમાં ઘણો રસ. સાવ નાની વયે માતાના અવસાન પછી શરૂઆતનાં વર્ષો ડાકોરમાં અને પછી પિતા સાથે જામનગરમાં વીત્યાં. ત્યાંથી મેટ્રિક થઈને અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યારે ક્રિકેટ અને ટેનિસ જેવી કૉલેજિયનોની રમતોમાં તે પાવરધા બન્યા. તેનો છંદ એવો લાગ્યો કે કૉલેજમાં એક વર્ષ બગડ્યું. પછી ચેત્યા અને અભ્યાસમાં ધ્યાન આપીને ડિગ્રી મેળવી. દરમિયાન વર્ષ 1902માં ચંચળલક્ષ્મી સાથે તેમનાં લગ્ન થયાં.

અઢાર-ઓગણીસ વર્ષની વયે, 1903-04માં તેમણે વ્યવસ્થિત રીતે દંડ, બેઠક, દોડ અને લાંબા અંતર સુધી ફરવાનું નિયમિત રીતે શરૂ કર્યું. એ બે વર્ષોમાં તેમનું શરીર એવું બંધાયું કે તેમને દેશી વ્યાયામ પર વિશ્વાસ બેઠો. વડોદરામાં સમરસિયા મિત્રો પણ મળી રહ્યા, એટલે સાહસ તથા શરીરબળની કસોટી કરે એવા પ્રવાસો, કાર્યક્રમો તે યોજવા લાગ્યા. પરંતુ તેમના જીવનની દિશા બદલનાર હતા તેમના અંગ્રેજીના અધ્યાપક (આગળ જતાં ‘મહર્ષિ’ તરીકે ઓળખાયેલા) અરવિંદ ઘોષ.

ગ્રે લાઇન

વડોદરામાં ક્રાન્તિની દીક્ષા

યુવાન અધ્યાપક અરવિંદ ઘોષ, 1903માં

ઇમેજ સ્રોત, sriaurbindoashram.org

ઇમેજ કૅપ્શન, યુવાન અધ્યાપક અરવિંદ ઘોષ, 1903માં

લોર્ડ કર્ઝને 1905માં બંગાળના ભાગલા પાડ્યા, તેના પગલે બંગાળમાં અને ભારતમાં પણ રાષ્ટ્રીય ચળવળનો જુવાળ ઉઠ્યો. અંગ્રેજીના અધ્યાપક અરવિંદ ઘોષે પણ તેમાં ઝંપલાવ્યું. છોટુભાઈ તેમના એ પગલાથી બહુ પ્રભાવિત થયા. બીજા વર્ષે સુરતમાં ભરાયેલાં કૉંગ્રેસનાં અધિવેશનમાં નરમ અને ગરમ જૂથ વચ્ચે તોફાન થયાં પછી અરવિંદ ઘોષ વડોદરા આવ્યા. ત્યારે છોટુભાઈએ ખાનગી રાહે તેમની મુલાકાત લીધી.

શ્રી અરવિંદ સાથે અધ્યાત્મ માર્ગે જોડાતાં પહેલાં વ્યાયામ પ્રવૃત્તિના અગ્રણી રહેલા છોટુભાઈના સાવકા ભાઈ અંબુભાઈ પુરાણીએ નોંધ્યું છે, “(છોટુભાઈ સાથેની મુલાકાતમાં) શ્રી અરવિન્દે સ્વહસ્તે, એમને...એક ક્રાંતિકારી મંડળની યોજના પેન્સિલથી એક કાગળ ઉપર આલેખી સમજાવી.” જુદાં જુદાં ત્રણ પ્રકારનાં વર્તુળો રચવાની તે યોજના છોટુભાઈને ગમી. શ્રી અરવિંદના નાના ભાઈ અને ક્રાંતિકારી બારીન્દ્રકુમાર ઘોષ વડોદરા આવ્યા, ત્યારે છોટુભાઈ તેમને પણ મળ્યા.

અંબુભાઈએ નોંધ્યું છે, “ત્રણ દિવસ સુધી રોજ નવ નવ કલાક સુધી વાતો થઈ. વિશ્વામિત્રી સ્ટેશન અને વડોદરા સ્ટેશન વચ્ચેના રેલવેના પાટા પાસે તેઓ ફરતા અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાની યોજનાઓની ચર્ચા કરતા હતા.” આખરે, બારીન્દ્રકુમારે છોટુભાઈ પાસેથી ક્રાંતિકારી દળ ઊભું કરવાનું વચન માગ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ગુજરાત એ બંગાળ નથી...પણ આ દેશની સેવા કરે, તેને મુક્ત કરવામાં પોતાનું સર્વસ્વ આપે એવા ઓછામાં ઓછા દસ યુવાન તૈયાર કરીશ.” અને એ વચન તેમણે પાળ્યું.

રેડ લાઇન

છોટુભાઈ પુરાણી : ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ અને કેળવણીક્ષેત્રે અદ્વિતીય પ્રદાન કરનાર આજીવન શિક્ષક

બીબીસી ગુજરાતી

વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રમાં ડિગ્રીઓ મેળવનાર છોટુભાઈ પુરાણીનો જીવ વ્યાયામપ્રવૃત્તિમાં પણ અભ્યાસને સમાંતર પરોવાતો

નાનપણથી રમતગમતના શોખીન છોટુભાઈને કૉલેજકાળમાં રમતોનું એવું તો ઘેલું લાગ્યું કે અભ્યાસનું એક વર્ષ બગડ્યું

ખૂબ નાની વયે વ્યાયામ થકી શરીર બંધાયું અને દેશી વ્યાયામનો જાણે ચસકો લાગી ગયો

‘મહર્ષિ’ તરીકે ઓળખાતા અરવિંદ ઘોષના સાંનિધ્યમાં જીવનને નવી દિશા મળી

બંગભંગ ચળવળ બાદ શ્રી અરવિંદની પ્રેરણા અને બારીન્દ્રકુમાર ઘોષની સમીપતા બની દેશને મુક્ત કરાવવા માટે યુવાનો તૈયાર કરવાના વચનનું નિમિત્ત

વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં જન્મેલા અખાડાપ્રવૃત્તિ શરૂ કરવાના વિચારને હકીકતનું સ્વરૂપ આપ્યું

છોટુભાઈ અને અંબુભાઈના પ્રયત્નો અને આ દિશામાં ખંતપૂર્વકના પ્રયાસોને જોતાં ગુજરાતમાં અનેક ઠેકાણે પુરાણી બંધુઓની પદ્ધતિએ વ્યાયામશાળાઓ ઊભી થઈ

વ્યાયામપ્રવૃત્તિ ઉપરાંત છોટુભાઈને કેળવણીમાં પણ બહુ રસ હતો, તેમની આગેવાની હેઠળ 1919માં રાષ્ટ્રીય કેળવણી માટે ‘ભરૂચ કેળવણી મંડળ’ સ્થપાયું

બીબીસી ગુજરાતી

અડચણો-અપમાનો વચ્ચે અખાડાનો આરંભ

ડિગ્રીધારી છોટુભાઈ પુરાણી

ઇમેજ સ્રોત, 'Kumar'

ઇમેજ કૅપ્શન, ડિગ્રીધારી છોટુભાઈ પુરાણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એમ.એ. થયા પછી છોટુભાઈ વડોદરાના કલાભવનમાં પુરુષ અધ્યાપન મંદિરમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં એક ઉત્સાહી વિદ્યાર્થી લક્ષ્મીનાથ સાથે તેમનો પરિચય થયો. તેના ઘરે દર રવિવારે યુવાનો મળીને અવનવા વિષયો પર ચર્ચા કરતા હતા. છોટુભાઈને તે ચર્ચામાં એક વાર પ્રમુખ બનાવ્યા, ત્યારે તેમણે કહ્યું કે, “મને ભાષણમાં રસ નથી… કામ કરવાના વિચાર અને યોજના… તમે કહેતા હો તો મૂકું.”

દેશ માટે મરી ફીટવાની કે ફના થઈ જવાની મોટી વાતોને બદલે તેમણે, સરકાર કે માબાપ કોઈ ન નડે અને છતાં દેશની સેવા થઈ શકે એવી અખાડાપ્રવૃત્તિ સૂચવી. લક્ષ્મીનાથે તેના ઘરની પાછળનો વાડો અખાડા માટે આપ્યો. ત્યાં કાટમાળ, ઝાડીઝાંખરાં સાફ કરીને સમથળ થયેલી જમીન પર રામનવમીના દિવસે, મે 1, 1909ના રોજ, અખાડાની શરૂઆત કરી. લંગોટભેર કસરત કરતા યુવાનોનો આસપાસના લોકોએ ઘણો વિરોધ કર્યો. તેમને અપશબ્દો કહ્યા. એંઠવાડનું પાણી રેડ્યું, ગંદકી નાખી ગયા. છતાં, યુવાનોએ વિવેકપૂર્વક અને મક્કમતાથી કસરત ચાલુ રાખી અને પ્રસંગોપાત તેમને મદદરૂપ થઈને તેમનો પ્રેમ જીત્યો.

વડોદરામાં તે સમયે અખાડાની અને અખાડામાં ગુરુપરંપરાની બોલબાલા હતી. એટલે, ગુરુ રૂપિયા લે, પણ દાવપેચ બધાને શીખવે નહીં. છોટુભાઈને દંડબેઠક સિવાય કુસ્તી અને મલખમ જેવી કસરતો આવડતી નહીં. દક્ષિણી અખાડાવાળાએ તેમને એ શીખવવાનો ઇન્કાર કર્યો. છેવટે, બાબુરાવ ફણસલકર નામના એક સ્નેહીએ તૈયારી બતાવી અને એ રીતે અખાડાની પદ્ધતિસરની તાલીમ શરૂ થઈ. દર શનિવારે કસરતને બદલે બહાર ફરવાની, દોડવાની કે પગપાળા પ્રવાસોની પરંપરા શરૂ કરી.

બીબીસી ગુજરાતી

પુરાણીબંધુઓની પહેલથી વ્યાયામશાળાઓનો પ્રસાર

વ્યાયામપ્રવૃત્તિમાં મોટા ભાઈની હારોહાર ગળાડૂબ અંબુભાઈ પુરાણી

ઇમેજ સ્રોત, Gujarati Sahitya Parishad

ઇમેજ કૅપ્શન, વ્યાયામપ્રવૃત્તિમાં મોટા ભાઈની હારોહાર ગળાડૂબ અંબુભાઈ પુરાણી

વડોદરામાં લક્ષ્મીનાથ વ્યાયામશાળા સ્થપાઈ તેના બીજા વર્ષે છોટુભાઈને લાહોરની એંગ્લોવૈદિક કૉલેજમાં જીવવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાવાનું નિમંત્રણ મળ્યું. લાહોરમાં છોટુભાઈએ થોડાં વર્ષ વિતાવ્યાં, પણ તેમના સંતાન સહિત કેટલાક સ્નેહીજનોના આકસ્મિક અવસાનથી તેમનું મન ઊઠી ગયું વર્ષ 1916માં તે પાછા વડોદરા આવી ગયા અને થોડા વખતમાં ભરૂચ કેળવણી મંડળના કામ માટે ભરૂચ ગયા.

દરમિયાન તેમના વતન ભરૂચમાં 1913માં બટુકનાથના મંદિરમાં વ્યાયામશાળા સ્થપાઈ હતી. જાહેર જીવનના અગ્રણી ડૉ. સુમંત મહેતાએ લાહોર રહેલા છોટુભાઈને પત્ર લખીને ગુજરાતમાં વ્યાયામ પ્રસાર માટે તેમના નાના ભાઈ અંબુભાઈની સેવાઓની માગણી કરી. તેના પગલે અંબુભાઈ 1917માં નડિયાદ રહેવા આવી ગયા અને હિંદુ અનાથાશ્રમમાં વ્યાયામશાળા શરૂ કરી. ઇંદુલાલ યાજ્ઞિક સાથે મળીને તેમણે ‘ગુજરાત વ્યાયામ મંડળ’ પણ ઊભું કર્યું. ત્યાર પછી અમદાવાદ, ભાદરણ, સોજીત્રા, ધર્મજ, વીરસદ, અંકલેશ્વર, જંબુસર, હાંસોટ સહિત અનેક ઠેકાણે પુરાણી બંધુઓની પદ્ધતિએ વ્યાયામશાળાઓ ઊભી થઈ. તેના દ્વારા યુવાનોમાં સાહસ અને રાષ્ટ્રીયતાના સંસ્કારોના સિંચનનો પ્રયાસ થયો.

અંબુભાઈ પુરાણી અધ્યાત્મ માર્ગના પ્રવાસી બનીને 1924માં શ્રી અરવિંદ સાથે જોડાવા પોંડિચેરી ગયા. ત્યાર પછી પણ છોટુભાઈનો ઉત્સાહ મોળો પડ્યો નહીં. તેમના પ્રયાસોથી નડિયાદમાં પહેલી અખિલ ગુજરાત વ્યાયામ પરિષદની બેઠક 1928માં યોજાઈ, જેમાં બેએક હજાર પ્રતિનિધિઓ હાજર રહ્યા. તેના જ વિસ્તારરૂપે 1936માં વડોદરામાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપના થઈ, જેનું પ્રમુખપદ છોટુભાઈએ આજીવન શોભાવ્યું. મંડળ તરફથી ‘વ્યાયામ’ માસિક ઉપરાંત રમતો અને પ્રવૃત્તિઓને લગતાં બીજાં પ્રકાશનો પણ થયાં.

અમદાવાદ મ્યુનિસિપાલિટીએ વર્ષ 1937માં છોટુભાઈનાં મદદ-માર્ગદર્શનથી વ્યાયામ વિદ્યાલયની સ્થાપના કરી અને વ્યાયામ શિક્ષકો માટે એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો. યુવાનોની શારીરિક પરીક્ષા માટે ‘કાયા કૌશલ્ય કસોટી’ની પણ શરૂઆત 1944-45 આસપાસ થઈ. આમ, ગુજરાતમાં પહેલી વાર વ્યાયામ એક સુઆયોજિત અને શૈક્ષણિક શિસ્ત ધરાવતી છતાં રાષ્ટ્રીય ચેતના સાથે જોડાયેલી પ્રવૃત્તિ બન્યું.

બીબીસી ગુજરાતી

અખાડાની સમાંતરે સમાજસેવા અને દેશસેવા

છોટુભાઈ પુરાણીની સહીનો સિક્કો ધરાવતું પ્રમાણપત્ર

ઇમેજ સ્રોત, Urvish Kothari Personal Collection

ઇમેજ કૅપ્શન, છોટુભાઈ પુરાણીની સહીનો સિક્કો ધરાવતું પ્રમાણપત્ર

‘સેવા માટે શરીર’ એ છોટુભાઈનો જીવનમંત્ર હતો અને ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળનો મુદ્રાલેખ હતો, ‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉચ્ચતમ આદર્શ માટે’. તેને સેવતાં છોટુભાઈ અને તેમના સાથીઓએ યથાશક્તિ ગામડાંનું સ્વાવલંબન, સહકારી પ્રવૃત્તિ, ભણેલા યુવાનો દ્વારા ખેતી, શિક્ષણ જેવાં કામ દ્વારા લોકસેવાના પ્રયાસ કર્યા. છોટુભાઈના સૂચનથી તેમના ભણેલાગણેલા સાથીઓ ઉજ્જવળ કારકિર્દીને બદલે ગ્રામસેવાના કામમાં જોડાયા. નડિયાદમાં ભરાયેલી વ્યાયામ પરિષદમાં નાતજાતના ભેદભાવ વિના સૌને એક પંગતે જમાડવામાં આવ્યા હતા.

વ્યાયામપ્રવૃત્તિ ઉપરાંત છોટુભાઈને કેળવણીમાં પણ બહુ રસ હતો. તેમની આગેવાની હેઠળ 1919માં રાષ્ટ્રીય કેળવણી માટે ‘ભરૂચ કેળવણી મંડળ’ સ્થપાયું. બીજા વર્ષે એ જ હેતુથી ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરતાં મંડળની રાષ્ટ્રીય શાળા વિદ્યાપીઠ સાથે જોડાઈ ગઈ અને છોટુભાઈ વિદ્યાપીઠના સેનેટ સભ્ય બન્યા. મોન્ટેસરી પદ્ધતિ પ્રમાણેનાં કેટલાંક પુસ્તકો પણ તેમણે તૈયાર કર્યાં અને બાળકોને દબાણ કે જોરજુલમને બદલે રમતાં રમતાં ભણાવવાની વાત કરી.

વ્યાયામ જ્યોત સાથે છોટુભાઈ, 1948

ઇમેજ સ્રોત, 'Krantiveer Chhotubhai Purani'

ઇમેજ કૅપ્શન, વ્યાયામ જ્યોત સાથે છોટુભાઈ, 1948

આઝાદીની ચળવળની મુખ્ય ધારા જેવાં ગાંધીજીનાં અહિંસક આંદોલનો સાથે છોટુભાઈનો વિચારમેળ ખાતો ન હતો. સાથોસાથ, એ પણ નોંધવું જોઈએ કે યુવાનોને બહાદુર-સાહસિક બનાવવા માટેના તેમના પ્રયાસોમાં, તે સમયની કોમવાદી સંસ્થાઓની માફક, ધર્મદ્વેષનું-સાંપ્રદાયિકતાનું ઝેર ભળ્યું ન હતું. 1930ની ચળવળ હોય કે 1942ની હિંદ છોડો ચળવળ, છોટુભાઈ અને તેમના સંખ્યાબંધ સાથીઓનું વલણ અહિંસક ન રહ્યું. ભાંગફોડની અનેક પ્રવૃત્તિઓમાં તે સક્રિય રહ્યા. તેમની મંડળીએ તે સમયમાં કરેલાં પરાક્રમ રાજકીય કે વૈચારિક દૃષ્ટિએ વાજબી ન લાગે તો પણ, તેની પાછળ રહેલાં દેશદાઝ અને હિંમત બિરદાવવાં પડે.

છેલ્લાં વર્ષોમાં છોટુભાઈ કૉંગ્રેસના રાજકારણથી નિરાશ થઈને સમાજવાદી પક્ષમાં ભળ્યા અને તેની ગુજરાત શાખાના મંત્રી બન્યા. આઝાદી મળી ત્યાર પછીના વર્ષે તેમણે અખાડાપ્રવૃત્તિની જ્યાંથી શરૂઆત કરી હતી તે વડોદરાના લક્ષ્મીનાથ અખાડાથી સુરત સુધી વ્યાયામ જ્યોત સાથે યાત્રા કરી. ડિસેમ્બર 22, 1966ના રોજ મુંબઈમાં હાર્ટ ઍટેક આવતાં તેમનું અવસાન થયું. તેમની સ્મૃતિમાં રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, જ્યાં દાયકાઓથી વ્યાયામ શિક્ષણનું કામ ચાલી રહ્યું છે. તે મહાવિદ્યાલયના ધ્યેયમંત્ર તરીકે કાલિદાસના ‘કુમારસંભવ’ના શ્લોકનું એક ચરણ લેવામાં આવ્યું છેઃ ‘શરીરમાદ્યં ખલુ સાધનમ્’ (શરીર એ ધર્મ કરવાનું પહેલું સાધન છે), જે છોટુભાઈની જીવનફિલસૂફીને પણ સચોટ રીતે વ્યક્ત કરે છે.

(માહિતીનો એક મુખ્ય આધારઃ ક્રાન્તિવીર છોટુભાઈ પુરાણી, લેખકઃ પ્રા. નરોત્તમ વાળંદ, પ્રકાશકઃ શ્રી છોટુભાઈ પુરાણી જન્મશતાબ્દિ સમિતિ, શ્રી બટુકનાથ વ્યાયામશાળા, ભરૂચ)

રેડ લાઇન
રેડ લાઇન