'સેવા'થી લાખોની જિંદગી બદલનારાં ઈલાબહેને કેમ કહ્યું હતું, ‘સ્વરાજનો અનુભવ નથી થતો’

- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઈલાબહેન ભટ્ટ 2નવેમ્બર, 2022ના રોજ આખરી વિદાય લઈ ગયાં છે તે વાતજ જાણે હૃદય સ્વીકારવા તૈયાર થતું નથી. હજી એકાદ મહિના પહેલાંજ મહાત્મા ગાંધીની પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિનો હોદ્દો તેમણે છોડ્યો અને તેમની જગ્યા આરએસએસના અનુયાયીએ લીધી.
89 વર્ષનાં થઈ ગયેલાં ઈલાબહેન છેલ્લા કેટલાક સમયથી ઉંમરના થાકને કારણે કુલપતિપદ છોડી દેવા માગતાં હતાં. તેમણે એપ્રિલ 2022માં આખરે પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું.
તે પછી વિવાદો જાગ્યા અને ગૂજરાત વિદ્યાપીઠ પર પણ કબજો કરી લેવા માટેના પ્રયાસોની ટીકા થઈ. ઐતિહાસિક સાબરમતી આશ્રમને પણ રિડેવલપમૅન્ટના નામે હસ્તગત કરી લેવાયો છે તેની પીડા ગાંધીવાદીઓની હતી જ.
સાબરમતી આશ્રમમાં પણ એક ટ્રસ્ટી તરીકે રહેલાં ઈલાબહેન ભટ્ટે મને જણાવ્યું કે, “અમે એક બાબતમાં સ્પષ્ટ છીએ કે આશ્રમની સાદગી, તેની સરળતા, તેના સિદ્ધાંતો અને આશ્રમની સ્વાયત્તતાને બિલકુલ અસર થવી જોઈએ નહીં. આ બાબતોને યથાતથ જાળવી રાખવી જરૂરી છે.”
ગયા વર્ષે સ્વાતંત્ર્ય દિનના થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂ માટે હું તેમને મળ્યો હતો. અમદાવાદમાં તેમના સાદગીપૂર્ણ બંગલામાં થયેલી અમારી વાતચીત આજેય મને યાદ આવી રહી છે.
તેમણે મને જણાવ્યું હતું કે કઈ રીતે તેઓ વર્તમાન પરિસ્થિતિને કારણે હતાશા, અસહાયતા અને દુ:ખ અનુભવી રહ્યાં છે. જોકે તેમણે ભૂતકાળમાં જે કાર્યો કર્યા તેની વાત કરી ત્યારે ફરી તેમના ચહેરા પર એક ચમક અને હાસ્ય દેખાયાં હતાં.
એટલું જ નહીં, તેઓ સારાં ગાયિકા પણ હતાં એટલે જૂની યાદોને વાગોળતાં વાગોળતાં તેમણે હલક સાથે ગરબાના ઢાળમાં એક ગીતની કડીઓ સંભળાવી "એ મારી બહેનો, સ્વરાજ લેવું સહેલ છે". આઝાદીની લડાઈ વખતે તેઓ પણ જોડાયાં હતાં અને તે વખતની યાદો પણ આ રીતે તેમણે વાગોળી હતી.
સ્વરાજ માટેનાં સૂત્રો અને કઈ રીતે સત્યાગ્રહીઓ બંદૂકોના અવાજો વચ્ચે પણ લડત આપતા હતા એ તેમણે નજરે જોયેલું હતું. પોલીસ કાર્યવાહી કરે ત્યારે સત્યાગ્રહીઓ તેમના ઘરમાં આવીને આશરો લેતા હતા તે તેમને યાદ હતું. મારી સામે જોઈને તેમણે કહેલું, “તમે લોકો તેને આઝાદી કહો છો, અમારા માટે તે સ્વરાજ હતું. અમે ખરેખર તો પૂર્ણ સ્વરાજ માટે લડી રહ્યાં હતાં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું, “ખબર નહીં, પૂર્ણ સ્વરાજ ક્યારેય આવશે ખરું! બોલો તમને ક્યારેય લાગ્યું છે કે સ્વરાજ આવ્યું છે? જોયું છે તમે? સ્વરાજ!”
“પૂર્ણ સ્વરાજની તો વાત જ જવાદો, સ્વરાજ પણ ક્યાં છે? શું આ સ્વરાજ છે. મને તો લાગતું નથી.” તેમના સ્વરમાં આક્રોશ, પીડા, હતાશા, અસહાયતાની ભાવના દેખાઈ આવતી હતી. તેમની પેઢીએ સ્વરાજ માટે, સ્વતંત્રતા માટે લડત આપી, અનેક લોકોએ જીવ ખોયા એ બધું જાણે તેમની આંખો સામે જીવંત થઈ રહ્યું હતું.
ઈલાબહેન હવે તેમના છેલ્લા દિવસો શાંતિથી વિતાવવા માગતાં હતાં. તેમણે એકલવીર તરીકે સતત સંઘર્ષ કર્યો. તેમના માટે ગૂજરાત વિદ્યાપીઠનો મામલો પણ બહુ પીડાદાયક અને પડકારજનત હતો. આખરે તેમના હાથમાં જ ગૂજરાત વિદ્યાપીઠ હતી અને હવે તેમની જગ્યાએ નવા આવેલા કુલપતિના હાથે શું થશે તેની ચિંતા તેમને હશે.
ઈલાબહેને સેવા નામની સંસ્થા સ્થાપી હતી - સેવાનું પૂરું નામ એટલે સેલ્ફ એમ્પ્લૉઇડ વિમૅન્સ ઑસોસિયેશન. છુટક મજૂરી, રોજમદારી કરીને રોજેરોજનું કમાતા લોકો માટેની એક સંસ્થા, એક સંગઠન ઊભું કરવાનો આ ક્રાંતિકારી વિચાર તેમને ગાંધીજીની પ્રેરણામાંથી મળ્યો હતો. મહાત્મા ગાંધીના પગલે ચાલેલા નેલ્સન મંડેલાએ માનવ અધિકાર અને વિશ્વ શાંતિ માટે એક સંગઠન તૈયાર કર્યું હતું. એલ્ડર્સ નામના વૈશ્વિક અગ્રણીઓના એ મંડળમાં પણ ઈલાબહેન ભટ્ટ સભ્ય તરીકે હતાં.
તેમને સામુદાયિક નેતૃત્વ બદલ 1977માં રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળ્યો હતો. 1984માં તેમણે રાઇટ લાઈવલીહૂડ ઍવૉર્ડ મળ્યો હતા. ભારતના બે સર્વોચ્ચ ખિતાબ પદ્મશ્રી 1985માં અને 1986માં પદ્મભૂષણ મળ્યો હતો.
પથારીવશ હોવાના કારણે 18 ઑક્ટોબરે ગૂજરાત વિદ્યાપીઠમાં પદવીદાન સમરાહો યોજાયો, ત્યારે હાજર રહી શક્યાં નહોતાં. ગુજરાતમાં હાલ રાજ્યપાલ તરીકે રહેલા આચાર્ય દેવવ્રતની પસંદગી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે થઈ છે. તેઓ આરએસએસનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે અને બાબા રામદેવને પોતાના મેન્ટર માને છે. વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધી પોતે પણ આ પદ પર રહી ચૂક્યા છે અને તે પછી અનેક નામાંકિત ગાંધીવાદીઓ આ પદ શોભાવતા આવ્યા છે.

ઈલાબહેનને ભારત સામે કયા પડકારો લાગતા હતા?

કેટલાક લોકોને એવું લાગશે કે જૂના ગાંધીવાદીઓ હંમેશાં રોદણાં રોતા હોય છે, પણ ઈલાબહેને આજે દેશ સામે કેવા પડકારો છે તેની વાતો જણાવી હતી તેની નોંધ લેવી જરૂરી છે. તેમણે પોતાના છેલ્લા ઇન્ટરવ્યૂમાં આ વિશે ચોખ્ખા શબ્દોમાં ચિંતાઓ વ્યક્ત કરી હતી.
મેં તેમને પૂછ્યું કે શા માટે તમારી દૃષ્ટિએ સ્વરાજ અપૂર્ણ છે અને પૂર્ણ સ્વરાજ આવી જ ના શક્યું.
તેમણે જવાબમાં કહ્યું, “અરે, તમે જુઓ વસતિનો મોટો હિસ્સો ગરીબ બની રહ્યો છે, સંપન્ન અને વંચિત વર્ગો વચ્ચેનું અંતર વધતું જઈ રહ્યું છે, પાછળ રહેલા લોકો વધારે પાછળ જઈ રહ્યા છે.”
“ચારે બાજુ અસમાનતા ફેલાઈ છે. ગરીબોનું ભવિષ્ય ડામાડોળ છે, બહુ અનિશ્ચિતતાઓ છે. ખેડૂતોનું શું થઈ રહ્યું છે? ખેડૂતો ઘટી રહ્યા છે અને તે લોકો જમીનો વેચીને ખેતમજૂરો કે કામદારો થઈ રહ્યા છે. કૃષિનું ઔદ્યોગિકીકરણ થઈ ગયું છે, મૉનોપૉલીની વૃત્તિ વધી છે, અમુક લોકોના હાથમાં જમીનોનો કબજો આવી રહ્યો છે.”
“આજે જે થઈ રહ્યું છે તે શોષણ છે”, એમ જણાવીને તેમણે ઉમેર્યું કે, “એક તો, પ્રગતિ સાથે ગરીબી વધી રહી છે; બીજું, અસહિષ્ણુતા વધી રહી છે અને નૈતિકતાનું પતન થયું છે અને ત્રીજું પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, હા, કેમ કે ઑક્સિજનની અછત ઊભી થાય એ કેવું?”

ઈલાબહેને પડકારો સામે લડવાના આપેલા ઉકેલો

ઈલાબહેને આ સમસ્યાઓના ઉકેલની વાત કરતાં કહેલું કે, “પોષણ આપનારા અર્થતંત્રની જરૂર છે, એવી વ્યવસ્થા જ્યાં દરેક સૅક્ટર એક બીજાને સહાયક થાય. લોકોએ જાતે સ્વરાજ હાંસલ કરવું પડશે, કોઈ તે આપણને લાવીને આપવાનું નથી.”
હાલની સ્થિતિમાં સૌથી કફોડી સ્થિતિ મહિલાઓની થઈ છે એમ પણ તેમણે કહેલું. 1972માં શા માટે નારીઉત્થાનના હેતુ સાથે તેમણે સેવાની શરૂઆત કરી તે વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “તે વખતે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી બહેનોને એક કરવાનો હેતુ હતો. તે સ્ત્રીઓને શ્રમિકો પણ ગણવામાં આવતી નહોતી અને તેના કારણે અર્થતંત્રમાં તેમના ફાળાની ગણતરી પણ થતી નહોતી.”
ઈલાબહેનના મતે આજે સૌથી મોટો પડકાર “અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની અને ખાસ કરીને મહિલાઓનો” છે અને તેમના પર ધ્યાન આપવાની જરૂર છે.
તેમણે જણાવેલું કે, “મેં સેવાની શરૂઆત કરેલી ત્યારે અસંગઠિત ક્ષેત્રમાં 89% કામદારો હતા અને તેમાંથી 50% મહિલાઓ હતી. આજે તેનું પ્રમાણ 94% ટકા થઈ ગયું છે અને તેમાં પણ મહિલાઓ 50% છે. તેમના તરફ કોઈનું ધ્યાન જતું નથી. તેમનો કોઈ અવાજ નથી. કોરોના વખતે આપણે જોયું નહોતું કે કેવી રીતે લાખો રોજમદારો પગપાળા કે સાઇકલ લઈને વતન ભણી જવા મજબૂર બન્યા હતા?”

જનજન સુધી સ્વરાજ પહોંચાડવું જરૂરી

ખરેખર સ્વરાજ એટલે શુંએ વિશે વાત કરતાં ઈલાબહેન મહાત્મા ગાંધીના શબ્દોને યાદ કર્યા. હિન્દ સ્વરાજમાં આ શબ્દો નોંધાયેલા છે : “જ્યાં સુધી જનજન સ્વરાજભોગવે નહીં, ત્યાં સુધીસ્વરાજ અધૂરું છે”.
કોઈ શિક્ષિકા પાઠ ભણાવતાં હોયતે રીતે તેમણે મને સમજાવતાં કહેલું કે, “જનજન એટલે કે સમાજનો દરેક માણસ અને તે દરેક જણ સ્વરાજ ભોગવે. ભોગવે, તેને માણે એ શબ્દ છે. મને ભાવે તે ભોજન હું લઉં, મને પસંદ પડેતે વસ્ત્રો પહેરું, મરજી હોય ત્યાં જાઉં, મારે શું કરવું તેનોનિર્ણય હું કરું, મારી ઇચ્છા પ્રમાણે.”

ઈલાબહેનની જીવન યાત્રા

સાત સપ્ટેમ્બર, 1933ના રોજ જન્મેલા ઈલાબહેન રમેશભાઈ ભટ્ટ સેલ્ફ એમ્પ્લૉઇડ વિમૅન્સ ઍસોસિયેશન (SEWA)નાં સ્થાપક હતાં. આ મહિલા કામદારોનું સંગઠન છે, જે મારફતે બહેનોને પગભર કરવાના પ્રયાસો થતા રહ્યા છે. તેમની આ કામગીરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી હતી.
તેઓ સુરતની સાર્વજનિક કન્યા હાઈસ્કૂલમાં ભણ્યાં હતાં અને બાદમાં સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાંથી 1952 ગ્રૅજ્યુએટ થયાં હતાં. એલ. એ. શાહ કૉલેજમાંથી તેમણે કાયદાની ડિગ્રી મેળવી હતી અને ત્યાર બાદ દેશના સૌથી જૂના ટેક્સટાઇલ કામદારોના યુનિયન ટેક્સટાઇલ લેબર ઍસોસિયેશન (TLA)ના લીગલ વિભાગમાં જોડાયાં હતાં. 1920માં કાપડ મીલોમાં હડતાળો પડી હતી તે વખતે મહાત્મા ગાંધીની આગેવાનીમાં આ કામદાર સંઘ તૈયાર થયો હતો.
ગાંધીના આદર્શોથી પ્રેરાઈને જ આગળ જતાં તેમણે 1972માં સેવાની સ્થાપના કરી અને છેક 1996 સુધી તેના મહામંત્રી તરીકે સક્રિય રહ્યાં હતાં. તેમની આગેવાનીમાં જ 1974માં સેવા બૅન્કની પણ સ્થાપના થઈ હતી, જે મહિલાઓને નાની નાની લૉન આપતી હતી, જેથી તેઓ નાના પાયે ધંધો કરીને સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે છે. સંગઠન તરીકે સેવા તરફથી પણ આર્થિક સહાય અને માર્ગદર્શન અપાતું હતું.
વિમૅન્સ વર્લ્ડ બૅન્કિંગની સ્થાપના 1979માં થઈ, ત્યારે તેઓ સહસ્થાપક તરીકે તેમાં હતાં. ગરીબ સ્ત્રીઓને માઇક્રો-ફાઇનાન્સના હેતુ સાથે આ સંગઠન તૈયાર થયું હતું. આ સંસ્થાનાં અધ્યક્ષા તરીકે તેઓ 1984થી 1988 સુધી રહ્યાં હતાં. 1986માં તેમને રાજ્યસભાના સભ્ય નીમવામાં આવ્યાં હતાં. તેઓ નેશનલ કમિશન ઓન સેલ્ફ એમ્પ્લૉઇડ વિમૅનનાં અધ્યક્ષા પણ બન્યાં હતાં. માઇક્રો-ફાઇનાન્સ, બૅન્કિંગ અને ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો માટે વિશ્વ બૅન્કના સલાહકાર મંડળમાં પણ તેઓ જોડાયાં હતાં.
નેલ્સન મંડેલાના સંગઠન એલ્ડર્સમાં પણ 2007માં જોડાયાં હતાં અને 2016માં તેના એમિટરસ મેમ્બર બન્યાં હતાં. તેમને અનેક ખિતાબો અને ઍવૉર્ડ્સ પણ મળ્યા છેઃ રેમન મેગ્સેસે, કૉમ્યુનિટી લીડરશિપ માટે (1977), માનવ પર્યાવરણમાં પરિવર્તન બદલ રાઇટ લાઈવલીહૂડ ઍવૉર્ડ (1984), પદ્મશ્રી (1985) અને પદ્મભૂષણ (1986).














