હિમાચલ પ્રદેશમાં : અંદાજે 50 ટકા દલિત, પછાતવર્ગના લોકો હોવા છતાં રાજપૂતો કેમ મુખ્ય મંત્રી બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી
- 12 નવેમ્બરના રોજ મતદાન થશે
- 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે
- 17 ઑક્ટોબરે ચૂંટણી અંગે ગૅઝેટ નૉટિફિકેશન જાહેર થશે
- એક તબક્કામાં મતદાન થશે

હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ છ મુખ્ય મંત્રી થયા છે, જેમાં પાંચ રાજપૂત અને એક બ્રાહ્મણ છે. ડૉ. યશવંતસિંહ પરમાર 1952માં હિમાચલ પ્રદેશના પહેલા મુખ્ય મંત્રી બન્યા અને સતત ચાર કાર્યકાળમાં સત્તામાં રહ્યા.
વીરભદ્રસિંહ છ વાર મુખ્ય મંત્રી બન્યા અને 22 વર્ષથી પ્રદેશના અધ્યક્ષ રહ્યા. ડૉ. યશવંતસિંહ પરમાર, વીરભદ્રસિંહ સહિત ઠાકુર રામલાલ, પ્રેમકુમાર ધૂમલ અને વર્તમાન મુખ્ય મંત્રી જયરામ ઠાકુર પણ રાજપૂત જાતિમાંથી આવે છે. ભાજપના શાંતાકુમાર બે વાર મુખ્ય મંત્રી બન્યા, પણ ક્યારેય પાંચ વર્ષ પૂરા કરી શક્યા નહીં. શાંતાકુમાર 1977થી 1980 અને 1990થી 1992 સુધી મુખ્ય મંત્રી રહ્યા. શાંતાકુમાર બ્રાહ્મણ જાતિમાંથી આવે છે અને હિમાચલ પ્રદેશના પ્રથમ બિનકૉંગ્રેસી, બિનરાજપૂત મુખ્ય મંત્રી હતા.
તેઓ હિમાચલમાં રાજપૂત મુખ્ય મંત્રીઓ વચ્ચે એક અપવાદ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હિમાચલ પ્રદેશના બ્રાહ્મણ નેતા છે. કૉંગ્રેસના આનંદ શર્મા પણ હિમાચલના બ્રાહ્મણ નેતા છે, પરંતુ વીરભદ્રસિંહના હોવાથી તેઓ પ્રદેશમાં હાંસિયામાં જ રહ્યા.
આંકડાઓમાં હિમાચલ પ્રદેશ
- હિમાચલ પ્રદેશ ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ નાનું રાજ્ય છે.
- 2011ની વસ્તીગણતરી અનુસાર, હિમાચલ પ્રદેશની વસ્તી 70 લાખથી ઓછી છે. ભારતની કુલ વસ્તીમાં હિમાચલનો હિસ્સો 0.57 ટકા છે.
- અહીં સાક્ષરતાનો દર 80 ટકાથી પણ વધુ છે.
- 2011ની વસ્તીગણતરી અનુસાર, હિમાચલ પ્રદેશની 50.72 ટકા વસ્તી સવર્ણોની છે. તેમાંથી 32.72 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણો છે. 25.22 ટકા અનુસૂચિત જાતિ, 5.71 ટકા અનુસૂચિત જનજાતિ, 13.52 ટકા ઓબીસી અને 4.83 ટકા અન્ય સમુદાયના છે.
હિમાચલ પ્રદેશમાં મુસ્લિમોની વસ્તી બહુ ઓછી છે, તેથી અહીં હિંદુત્વની રાજનીતિનું જોર નથી.
છેલ્લાં 45 વર્ષથી હિમાચલ પ્રદેશનું રાજકારણ કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપનું રહ્યું છે. નવેમ્બર 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની કુલ 68 વિધાનસભા બેઠકમાંથી 44 બેઠક જીતી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નવા ચહેરા જયરામ ઠાકુરને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
જયરામ ઠાકુરનું મુખ્ય મંત્રી બનવું એ એક મહત્ત્વની ઘટના હતી, કારણ કે હિમાચલના રાજકારણમાં છેલ્લા ત્રણ દાયકાથી વીરભદ્રસિંહ અને પ્રેમકુમાર ધૂમલના પરિવારનો દબદબો રહ્યો છે. જોકે ભાજપે ધૂમલ પરિવારના વર્ચસ્વને પડકાર્યું, પરંતુ તેણે રાજપૂતોનું વર્ચસ્વ જાળવી રાખ્યું.
અહીં નોંધનીય છે કે કેટલાક અપવાદોને બાદ કરતા ભાજપ સામાન્ય રીતે વધુ વસ્તીવાળા અથવા વર્ચસ્વ ધરાવતી જાતિમાંથી કોઈ વ્યક્તિને મુખ્ય મંત્રી બનાવતો નથી. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં મરાઠા કે હરિયાણામાં જાટ નેતાઓને મુખ્ય મંત્રી નહોતા બનાવ્યા, પરંતુ ભાજપ આ નીતિ હિમાચલમાં લાગુ ન કરી શકી અને તેણે રાજપૂતને મુખ્ય મંત્રી બનાવવા પડ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

દલિત-પછાતોની વસ્તી કેટલી છે?

ઇમેજ સ્રોત, ANI
હિમાચલ પ્રદેશના રાજકારણમાં ભ્રષ્ટાચાર, વિકાસ અને ગુનાખોરી એક મુદ્દો બને છે, પરંતુ જાતિના નામે કોઈ ગતિશીલતા જોવા મળતી નથી. તેનું મોટું કારણ હિમાચલ પ્રદેશની ભૌગોલિક રચના પણ માનવામાં આવે છે. ભૌગોલિક અને પર્યાવરણની અસર સામાજિક સંબંધો પર સ્પષ્ટ છે.
પહાડો પર નાની નાની વસાહતો હોય છે. પહાડો પરનાં શહેરો પણ વધુ વસ્તી હોતી નથી. જેઓ ગામડાંમાંથી સ્થળાંતર કરીને શહેરોમાં સ્થાયી થયા હોય તેઓ પણ ગામ અને તેમના સમુદાય સાથે સંપર્ક જાળવી રાખે છે. હિમાચલ પ્રદેશના એક ગામમાં સરેરાશ 25થી ઓછા પરિવારો છે.
કેટલાંક ગામો એવાં પણ જોવાં મળે છે જ્યાં માત્ર પાંચથી છ ઘર હોય. બીજી તરફ સમથળ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકસાથે રહે છે. પહાડોમાં એવો પ્લૉટ મળવો મુશ્કેલ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકસાથે રહી શકે.
હિમાચલ પ્રદેશમાં ચૈલના મેદારમ માળીકામ કરે છે. તેમનું કહેવું છે કે પહાડોમાં જે પ્લૉટ મળે છે તેમાં માત્ર ચાર-પાંચ કે દસ-વીસ મકાનો બનાવી શકાય છે.
હિમાચલ યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના પ્રોફેસર નારાયણસિંહ રાવ કહે છે કે આ રીતની વસ્તીની અસર જાતીય સંબંધો અને સંપર્કો પર પણ નોંધપાત્ર પડે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર નારાયણસિંહ કહે છે કે મોટી સંખ્યામાં લોકો ક્યાંય પણ એકસાથે સારી રીતે રહી શકતા નથી, કારણ કે એકબીજા અંગે પૂર્વગ્રહ પણ લાંબા સમય સુધી રહે છે, પરંતુ હિમાચલમાં ઓછા લોકો હોવાથી આંતરિક મતભેદ પણ ઓછો છે.
જે રીતે 90ના દાયકામાં ઉત્તર ભારતમાં દલિતો અને પછાત જાતિઓ ચૂંટણીના રાજકારણમાં જે રીતે ઊભરી આવી તેનાથી હિમાચલ પ્રદેશ હજુ કેમ અસ્પૃશ્ય છે? અહીં પણ દલિત, ઓબીસી અને અનુસૂચિત જનજાતિ લગભગ 50 ટકા છે.
આ સવાલના જવાબમાં પંજાબ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર આશુતોષકુમાર કહે છે, "મને આના માટે મુખ્યત્વે ચાર કારણ સમજાય છે. પ્રથમ, અહીં ઠાકુર અને બ્રાહ્મણો 50 ટકાથી વધુ છે. જો અહી યાદવો, કુર્મીઓ, જાટ અને ગુર્જરો જેવી મધ્યમ જાતિઓ હોત તો પરિસ્થિતિ જુદી હોત. અહીં દલિતો ચોક્કસપણે 25 ટકા છે. મધ્યમ જાતિઓ રાજપૂતો અને બ્રાહ્મણોના એકાધિકારને પડકારત. ત્રીજું કારણ એ છે કે બિહાર અને યુપીમાં થયાં એવાં સામાજિક આંદોલન અહીં થયાં નથી. ચોથું કારણ એ છે કે હિમાચલમાં દલિતો પાસે જમીન નથી."
હિમાચલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. જગમીત બાવા કહે છે, "એ વાત સાવ સાચી છે કે જો મધ્યમ જાતિઓ હિમાચલમાં હોત તો પરિસ્થિતિ ચોક્કસ અલગ હોત. મને લાગે છે કે હિમાચલમાં સરકારી નોકરીઓ કે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ માટે સૌથી ઓછી સ્પર્ધા ઓબીસી ક્વોટામાં છે. એટલા માટે કે તેમની સંખ્યા ઓછી છે. દલિતો અહીં 25% છે, પરંતુ તેની ઘણી પેટાજાતિઓ છે. ઠાકુરો એકજૂથ થાય છે, બ્રાહ્મણો પણ એક થાય છે, પરંતુ અહીં દલિતો વહેંચાયેલા છે. ઠાકુર ભાજપ સાથે જાય છે. બ્રાહ્મણો કૉંગ્રેસ સાથે છે પણ દલિતો બંને વચ્ચે રહે છે."
ડૉ. જગમીત બાવા કહે છે કે જ્યાં સુધી અહીંના રાજકારણમાં કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપ રહેશે ત્યાં સુધી અહીં ભાગ્યે જ કોઈ દલિત મુખ્ય મંત્રી બનશે. ડૉ. જગમીત કહે છે કે ત્રીજા પક્ષના ઉદયથી જ આ શક્ય બનશે, કેમ કે પહેલા દલિતોમાં નેતૃત્વ ઊભું કરવું પડશે. હિમાચલમાં દલિતોનો કોઈ નેતા જ નથી.

કઈ પાર્ટીઓ નિષ્ફળ રહી?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, હિમાચલમાં ત્રીજી પાર્ટી બનાવવાનો વિચાર સફળ થયો નથી. 1967માં ઠાકુર સેન નેગી અને જેબીએલ ખાચીએ હિમાચલ લોગ રાજ પાર્ટીની રચના કરી હતી. વિજય મનકોટિયાએ 1990માં જનતા દળનું નેતૃત્વ કર્યું હતું. 1997માં પંડિત સુખરામે હિમાચલ વિકાસ કૉંગ્રેસની રચના કરી. 2012માં મહેશ્વરસિંહે લોકહિત પાર્ટી બનાવી.
તો બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, સીપીઆઈએમ, ટીએમસીએ પણ હિમાચલમાં નસીબ અજમાવ્યું, પરંતુ કોઈને સફળતા ન મળી. અહીં વામપંથી પાર્ટીને થોડી સફળતા મળી છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં સીપીઆઈએમએ 14 અને સીપીઆઈએ 3 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમનો વોટ શેર 2.09 ટકા હતો.
પ્રોફેસર નારાયણસિંહ કહે છે, "અમે હિમાચલ પ્રદેશને યુપી અને બિહારના અરીસામાં ન જોઈ શકીએ. ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવી સમસ્યા હિલ સ્ટેશનમાં નથી. અન્ય રાજ્યોની જેમ અહીં અસ્પૃશ્યતા નથી. અહીંની સામાજિક સંરચના અલગ છે." અહીં વરરાજાને ઘોડી પરથી ઉતારવામાં આવતો નથી. જાતિ આધારિત હિંસા નથી. જ્યાં લોકો પર અત્યાચાર થાય છે, ત્યાં જ વિરોધ થાય પણ અહીં એવું નથી. અહીં સમરસતા છે. પહાડી રાજ્યનું આગવું આચરણ છે. હિમાચલના ઠાકુરોની તુલના યુપીના ઠાકુરો સાથે ન કરી શકાય."

ઇમેજ સ્રોત, Ani
હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષ સુરેશકુમાર કશ્યપ દલિત છે અને શિમલાના લોકસભા સાંસદ છે. તેમને પૂછ્યું કે ભાજપ રાજપૂતો અને બ્રાહ્મણોથી આગળ કેમ નથી જોતો? ભાજપ હોય કે કૉંગ્રેસ- બંને દલિતોને પ્રદેશની માત્ર 17 અનામત બેઠક પર જ ટિકિટ આપે છે, શું ભાજપ અહીં કોઈ દલિતને મુખ્ય મંત્રી બનાવશે?
સુરેશકુમાર કશ્યપ કહે છે કે, "હું પ્રદેશ પ્રમુખ છું અને દલિત છું. અમારી પાર્ટી ક્યારે કોને જવાબદારી સોંપી દે એ કોઈને ખબર નથી. અહીં અત્યાર સુધી માત્ર રાજપૂતો અને બ્રાહ્મણો જ મુખ્ય મંત્રી બન્યા છે, પણ મને આશા છે કે ભવિષ્યમાં દલિત પણ મુખ્ય મંત્રી બનશે."
નવી દિલ્હીસ્થિત સેન્ટર ફૉર સોશિયલ સાયન્સ ઍન્ડ હ્યુમનિટીઝના સીનિયર ફેલો સુરિન્દર એસ જોધકાએ હિમાચલમાં જાતિપ્રથા પર એક સંશોધન પેપર લખ્યું છે.
પોતાના સંશોધનપત્રમાં જોધકાએ લખ્યું છે, "હિમાચલમાં રાજપૂતોની સરખામણીમાં બ્રાહ્મણોનો સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય દબદબો ઓછો છે. તેની અસર સ્થાનિક અને ક્ષેત્રીય સ્તરના રાજકારણમાં પણ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો બ્રાહ્મણો બિલકુલ નથી. જેમ કે કિન્નૌર જિલ્લો. રાજપૂતો પ્રદેશના લગભગ તમામ વિસ્તારોમાં છે. જોકે, બધાં ગામડાંમાં નથી."
ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં પંજાબ પછી હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ દલિતો છે. અહીં દલિતો 56 પેટાજાતિમાં વહેંચાયેલા છે. પાંચ ટકા પણ અહીં અનુસૂચિત જનજાતિ છે. એસટી મુખ્યત્વે કિન્નૌર, લાહૌલ, સ્પીતિ અને ચંબામાં છે. હિમાચલ પ્રદેશમાં રાજપૂતો ન માત્ર મુખ્ય મંત્રી બને છે, પણ ધારાસભ્યો પણ 40 ટકા રાજપૂત છે.

શું હિમાચલમાં કોઈ જાતિગત ભેદભાવ નથી?

ઇમેજ સ્રોત, Ani
સુરિન્દર એસ જોધકાએ તેમના સંશોધન પેપરમાં એક બ્રાહ્મણ મહિલા સાથે વાત કરી છે જે પોતાની બી.એડ કૉલેજ ચલાવે છે.
તેમણે હિમાચલમાં જાતિ અંગે કહ્યું કે, "અહીં ઠાકુરો અને બ્રાહ્મણોની જાતીય શ્રેષ્ઠતાની વ્યાપક સ્વીકૃતિ છે. અહીં જાતિ-વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે, પરંતુ જાતિગત હિંસા નથી. તેને સમજવું બહુ સરળ છે. અહીં જાતિ નિયમની જેમ સ્વીકાર્ય છે. દરેક સ્વીકારે છે, તેથી કોઈ ઘર્ષણ નથી. જો કોઈ ધારાસભ્ય હોય તો પણ તે મારા ઘરમાં પ્રવેશતો નથી. તે બહાર રાહ જુએ છે. જો તે અમને આમંત્રણ આપે તો પણ બેસવાની અલગ વ્યવસ્થા કરે છે. તેમના મગજમાં પણ જાતીય વિભાજનનાં મૂળ ઊંડાં છે. એટલે સુધી કે મારી કૉલેજમાં પણ વિદ્યાર્થીઓ જાતિના આધારે વહેંચાયેલા છે."
કાંગડાના એક વિદ્યાર્થીએ પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું, "કાંગડામાં લગભગ 30 ટકા દલિતો છે. અહીંનું રાજકારણ સંપૂર્ણપણે સ્થાનિક રાજપૂતોના નિયંત્રણમાં છે. દલિત ધારાસભ્યનો કોઈ દરજ્જો નથી હોતો. અહીંના રાજપૂતો જ ચલાવે છે. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર પણ ભેદભાવ રાખે છે. તેઓ પણ અનુસૂચિત જાતિના ધારાસભ્યને મહત્ત્વ આપતા નથી. જ્યારે રાજપૂત નેતાઓ સક્રિય થાય ત્યારે વહીવટીતંત્ર પણ સાંભળે છે. પ્રદેશમાં દલિતોમાં કોઈ નેતૃત્વ નથી. આ હજુ પણ ઉચ્ચ જાતિ પર આધાર રાખે છે."
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે સિરમૌર જિલ્લામાં હાટી સમુદાયને એસટીનો દરજ્જો આપ્યો છે. ઉત્તરાખંડના જૌનસારી વિસ્તારમાં હાટી સમુદાય પહેલેથી જ અનુસૂચિત જનજાતિમાં હતો.

ઇમેજ સ્રોત, Ani
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હાટી સમુદાયના 1.6 લાખ લોકોને ફાયદો થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો અનુસૂચિત જાતિના લોકોએ વિરોધ કર્યો હતો. હાટી સમુદાયના અનુસૂચિત જનજાતિમાં આવ્યા બાદ હવે દલિતો પર અત્યાચારના મામલે એસસી/એસટી ઍૅક્ટ હેઠળ નહીં ચાલે. દલિતો આ વાતથી નારાજ છે.
વિનયકુમાર દલિત છે અને હિમાચલ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ છે. તેમનું કહેવું છે કે હાટી સમુદાય દલિતો પર અત્યાચારમાં સામેલ રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે તેમને એસટી કૅટેગરીમાં મૂક્યો છે, આથી તેમની સામે એસસી/એસટી ઍક્ટ લાગુ થશે નહીં. વિનયકુમારનું કહેવું છે કે ભાજપ પ્રત્યે સિરમૌરના દલિતોમાં ભારે નારાજગી છે.
વિનયકુમારને પૂછવામાં આવ્યું કે શું હિમાચલ પ્રદેશમાં કોઈ દલિત મુખ્ય મંત્રી બનશે?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "હિમાચલના દલિતો એકજૂથ નથી. જાગરૂકતાનો પણ અભાવ છે. પરંતુ ધીમે ધીમે બધું બદલાઈ રહ્યું છે. હિમાચલમાં દલિતોનો ઉદય હજુ બાકી છે. ઘણા લોકોએ એવી છાપ ઊભી કરી છે કે અહીં દલિતો સાથે અન્યાય અને ભેદભાવ નથી, જોકે આ સફેદ જુઠ્ઠાણું છે. તમે સિરમૌરના વિસ્તારમાં આવીને જુઓ તો તમને ખબર પડશે. હું માનું છું કે બંને પક્ષો દલિતોને લાંબા સમય સુધી રોકી નહીં શકે."
કૉંગ્રેસની કમાન હાલમાં વીરભદ્રસિંહનાં પત્ની પ્રતિભાસિંહના હાથમાં છે. તેઓ ખુદને સીએમનાં દાવેદાર તરીકે પણ રજૂ કરી રહ્યાં છે. ભાજપ પણ જયરામ ઠાકુરના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે પણ હિમાચલનું સુકાન રાજપૂતો સિવાયના હાથમાં જાય એવું લાગતું નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













