મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને 'રાજકીય કાવતરું' ગણાવવાના ભાજપના દાવા અંગે આપ નેતાઓએ શું કહ્યું?

ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી સામે રાજકીય કાવતરાનો આક્ષેપ મૂકવનો પ્રયત્ન કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી સામે રાજકીય કાવતરાનો આક્ષેપ મૂકવનો પ્રયત્ન કર્યો હતો
લાઇન
  • મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં રાજકીય કાવતરા તરફ આંગળી ચીંધવાના ભાજપ નેતાઓના પ્રયાસ
  • આ દુર્ઘટનામાં અત્યાર સુધી 134 લોકોએ જીવ ગુમાવ્યા છે
  • આ આંકડો વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે
  • ભાજપના નેતાઓ આપના નેતાઓનાં ટ્વીટ વાઇરલ કરીને દુર્ઘટના મામલે તેમના પર આક્ષેપ કરી રહ્યા છે
  • આની સ્પષ્ટતા આપતાં આપના નેતાઓએ શું કહ્યું?
લાઇન

મોરબી ખાતે ઝૂલતો પુલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે.

કુલ મૃતાંક 140ને આંબી ગયો છે, જે વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

એક તરફ ગુજરાત સાથે સમગ્ર દેશ આ ઘટનાને કારણે સ્તબ્ધ છે, ત્યારે રાજકીય પક્ષો ઘટનાનો દોષનો ટોપલો એકબીજા પર ઢોળવાના પ્રયાસમાં લાગી ગયા હોવાનું જણાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતાઓના અમુક ટ્વીટને વાઇરલ કરી ભાજપના નેતાઓ દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે રાજકીય કાવતરા તરફ આંગળી ચિંધાઈ રહી છે.

ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર આ દુર્ઘટના મામલે આક્ષેપ કરી રહ્યા છે.

સામે પક્ષે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપની આ વ્યૂહરચનાને 'પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટેના પ્રયાસો' ગણાવી રહ્યા છે.

જોકે ઉલ્લેખનીય છે કે પોલીસે આ અંગે એફઆઈઆર દાખલ કરીને અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરી છે. અને ઘટનાની તપાસના આદેશ પણ સરકારે આપ્યા હતા.

line

શું હતો મામલો?

ભાજપના નેતા પંકજ શુક્લે સવાલ ઉઠાવતું ટ્વીટ કર્યું હતું

ઇમેજ સ્રોત, Dr. Pankaj Shukla/Twitter

ઇમેજ કૅપ્શન, ભાજપના નેતા પંકજ શુક્લે સવાલ ઉઠાવતું ટ્વીટ કર્યું હતું

ભાજપના ડૉ. પંકજ શુક્લ અને કપિલ મિશ્રા જેવા નેતાઓએ આમ આદમી પાર્ટીના નેતાઓ નિખિલ સવાણી અને નરેશ બાલિયાનનાં ટ્વીટને રિટ્વીટ કર્યાં હતાં.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તેમણે આ ટ્વીટ શૅર કરીને મોરબી પુલ દુર્ઘટનામાં આમ આદમી પાર્ટીની ભૂમિકા શંકાસ્પદ હોવાના સંકેત આપ્યા હતા.

ભાજપના નેતા પંકજ શુક્લે ટ્વીટ આ મામલે ટ્વીટ કર્યું હતું.

તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓનાં ટ્વીટના સ્ક્રીનશૉટ સાથે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "જે પ્રકારે આપના નેતાઓ ગુજરાતમાં કોઈ મોટા ધમાકાની વાત કરી રહ્યા હતા અને મોરબી અકસ્માત પહેલાં તરત રાજનીતિ કરવા લાગ્યા તે સંયોગ છે કે પ્રયોગ."

જોકે, બાદમાં આ ટ્વીટ હઠાવી દેવાયું હતું.

ભાજપના અન્ય એક નેતા કપિલ મિશ્રાએ પણ આ મામલે ટ્વીટ કરીને આપ પર આક્ષેપ કરવાના પ્રયાસ કર્યા હતા.

તેમણે લખ્યું હતું કે, "મોરબી ભયાનક હત્યાકાંડના એક દિવસ પહેલાંનાં આ ટ્વીટનો શો અર્થ છે?"

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આ ટ્વીટના કારણે સર્જાયેલ શંકાના વાતાવરણ અંગે સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા નિખિલ સવાણી સાથે વાત કરી હતી.

તેમણે ભાજપના નેતાઓ અને સોશિયલ મીડિયા ટીમ દ્વારા આ અંગે કરાઈ રહેલ ટ્વીટને ગેરમાર્ગે દોરનારાં અને 'પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેના પ્રયાસ' ગણાવ્યા હતા.

નિખિલ સવાણીએ પોતે કરેલા ટ્વીટનો સંદર્ભ જણાવતાં કહ્યું હતું કે, "અમે કરેલાં ટ્વીટોમાં રાજકારણનો સંદર્ભ હતો. અમે રાજકીય પરિપ્રેક્ષ્યમાં આવનારા બદલાવ અંગે આ ટ્વીટ કર્યાં હતાં."

તેમણે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, "આ ટ્વીટ કર્યાં તેના બીજા દિવસે ભાવનગર ખાતે રાજુભાઈ સોલંકી જેઓ કોળી સમાજનું મોટું નામ છે, આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, સાથે જ તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી પણ પાર્ટીમાં સામેલ થવાના હતા. તેમજ પટેલ સમાજનું મોટું નામ એવા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક કથિરિયા, જેઓ સુરત અને સૌરાષ્ટ્રમાં ખૂબ લોકપ્રિય છે, આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. આને લઈને આ ટ્વીટ કરાયાં હતાં. તેનો મોરબીની દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી."

તેમણે ટ્વીટને લઈને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "ભાજપની સોશિયલ મીડિયા આર્મી અને તેમના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવા અને પોતાનું કર્યું છુપવવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓનાં ટ્વીટનો ઉપયોગ કરી તેનો ખોટા સંદર્ભમાં ઉપયોગ કરી રહ્યા છે."

નિખિલ સવાણીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "ગમે તે પક્ષ બીજા પક્ષની સરકારને હચમચાવી નાખવા માટે આટલા બધા લોકોના જીવન સાથે ચેડાં કરવાનું ના વિચારી શકે."

line

દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી

એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા

ઇમેજ સ્રોત, GUJARATTOURISM

ઇમેજ કૅપ્શન, એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા

એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા.

મીડિયા સાથે વાત કરતાં આઈજી અશોક યાદવે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 134 લોકોનાં મોત થયાં છે અને બે લોકોનો હજી પણ પત્તો નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.

આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

line

ઝૂલતા પુલનો ઇતિહાસ

આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું

ઇમેજ સ્રોત, GujaratTourism

ઇમેજ કૅપ્શન, આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું

આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.

આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.

1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.

મોરબી જિલ્લાની વેબસાઇટ અનુસાર ઝૂલતો પુલ મોરબીના રાજવીની 'પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ'ને પ્રદર્શિત કરતો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન