ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : અશોક ગેહલોત 'રાજસ્થાન મૉડલ'ની વાત કેમ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા

- આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે, પ્રચાર માટે કૉંગ્રેસે પણ જોર લગાડવાનું શરૂ કરી દીધું છે
- કૉંગ્રેસના નેતાઓ દ્વારા ચૂંટણીલક્ષી સભાઓમાં 'રાજસ્થાન મૉડલ'નો પ્રચાર કરાઈ રહ્યો છે
- પરંતુ રાજસ્થાન મૉડલ શું છે અને શું છે તેની ખાસિયતો?
- શું રાજસ્થાન મૉડલની ઉપલબ્ધિઓ દર્શાવીને ગુજરાતમાં કૉંગ્રેસને રાજકીય લાભ થઈ શકશે?

હાલમાં જ રાજસ્થાનના મુખ્ય મંત્રી અને ગુજરાત કૉંગ્રેસના સિનિયર ઑબ્ઝર્વર અશોક ગેહલોતે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને પડકારતાં કહ્યું હતું કે "તેમણે ગુજરાત મૉડલ અને રાજસ્થાન મૉડલનો એક પદ્ધતિસર સર્વે કરાવવો જોઈએ, જેથી ખબર પડે કે રાજસ્થાન મૉડલ પણ કંઈ ઓછું નથી, ગુજરાત રાજસ્થાનથી ઘણું શીખી શકશે, તેવી જ રીતે રાજસ્થાન પણ ગુજરાત મૉડલથી શીખી શકશે."
માત્ર અશોક ગેહલોત જ નહીં પરંતુ ગુજરાત કૉંગ્રેસના ઘણા નેતાઓ જુદી જુદી સભાઓમાં અવારનવાર રાજસ્થાન મૉડલની વાત કરી તેની પ્રશંસા કરતા જોવા મળે છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી અને ભાજપે રાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડવામાં ગુજરાત મૉડલને પ્રોજેક્ટ કર્યું હતું. પરંતુ પાછલા ઘણા સમયથી ભારતનાં વિવિધ રાજ્યો આવાં જ મૉડલ રજૂ કરીને એકબીજાથી જાણે સ્પર્ધા કરી રહ્યાં છે.
પાછલા કેટલાક સમયથી કૉંગ્રેસ પણ રાજસ્થાન મૉડલને રજૂ કરીને મતદારોને આકર્ષવા પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
ગુજરાતમાં દરેક જગ્યાએ વાત કરતાં અશોક ગેહલોત અચૂકપણે કહેતા હોય છે કે રાજસ્થાન મૉડલ ગુજરાત મૉડલથી ચઢિયાતું છે અને ગુજરાતની સરકારે રાજસ્થાનની સરકારથી ઘણું શીખવાની જરૂર છે.
શું આ પ્રચારનો ગુજરાતની ચૂંટણીમાં કોઈ લાભ થશે?
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી વારંવાર આગળ કરાઈ રહેલા રાજસ્થાન મૉડલની ખાસિયતો શું છે? ઉપરોક્ત બંને પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ આ મુદ્દાના જાણકારો સાથે વાત કરી હતી.

રાજસ્થાન મૉડલ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં અનેક સભાઓમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અવારનવાર ગુજરાતમાં રાજસ્થાનની કેટલીક જાહેર સુવિધાઓ અને યોજનાઓની પ્રશંસા કરતા જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે તો 'રાજસ્થાન મૉડલ'ને ધ્યાને રાખીને તૈયાર કરાયેલી નવી યોજનાઓ સમાજના અનેક વર્ગો માટે શરૂ કરાશે, તેવી જાહેરાતો પણ કૉંગ્રેસની સભામાં સામાન્ય બનતી જઈ રહી છે.
પરંતુ રાજસ્થાનની એ કઈ યોજનાઓ છે જે ગુજરાતમાં શરૂ કરવાનું જણાવીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કૉંગ્રેસ કરી રહી છે?
રાજસ્થાન સરકારે તાજેતરમાં જ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ કરી છે. જો ગુજરાતમાં પાર્ટીની જીત થાય તો અહીં પણ સરકારીકર્મીઓને લાભ કરતી આ યોજના લાગુ કરી શકાય છે, તેવી વાત ગુજરાત કૉંગ્રેસના નેતાઓ કરી ચૂક્યા છે.
આ સિવાય અનેક કર્મચારીઓને વધારાનું બોનસ અને 30 હજાર જેટલા કૉન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય પણ રાજસ્થાન સરકાર દ્વારા લેવાયો છે.
કૉંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ગુજરાતમાં પણ આવી જ પહેલ આદરવાની વાત કરાઈ રહી છે.
ગેહલોતના મતે રાજસ્થાનની ચિરંજીવી યોજના એ 'સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુરક્ષા માટેની યોજના' છે. તેઓ અવારનવાર આ યોજનાનાં વખાણ કરતાં જોવા મળે છે. જે અંતર્ગત અમુક રકમ વસૂલીને નાગરિકોને દસ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં રાજસ્થાનની આ યોજનાનો ઉપયોગ પક્ષ દ્વારા મતદારોને વિચારતાં કરવા માટે કરાઈ રહ્યો છે.
આ સિવાય શહેરી ગરીબોને પણ 100 દિવસની રોજગારી ગૅરંટી માટેની રાજસ્થાન સરકારની પહેલ, મજૂરવર્ગના લોકો માટે આઠ રૂપિયામાં ઇંદિરા રસોઈની થાળીની યોજના વડે રાજસ્થાન સરકાર મધ્યમવર્ગ ઉપરાંત ગરીબોને પણ સુરક્ષા પૂરી પાડવાનો દાવો કરી રહી છે. આવી જ યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવાની પણ વાત કૉંગ્રેસની નેતાગીરી દ્વારા કરાઈ છે.
આ સિવાય રાજસ્થાનમાં સરકાર ગામેગામે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની યોજના ચલાવી રહી છે, આ યોજનાને આગળ ધરીને ગુજરાત કૉંગ્રેસના નેતાઓ ગુજરાતનાં ગામોમાં પણ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની વાત કરી રહ્યા છે.

શું કહે છે રાજસ્થાનના નેતાઓ?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરોક્ત તમામ યોજનાઓના લાભ દર્શાવી ગુજરાત રાજસ્થાન કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ પ્રવક્તા સુરેશ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજસ્થાન મૉડલની પ્રશંસા કરતાં જનતાને મળતા તેના લાભ ગણાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "રાજસ્થાન મૉડલની વાત કેમ ન કરવી જોઈએ. ગુજરાતમાં એક સમયે મેડિકલ સુવિધા ખૂબ સસ્તી હોવાનું મનાતું હતું અને લોકો ત્યાં જતા હતા, હવે રાજસ્થાનમાં જ એટલી સારી અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ થઈ ચૂકી છે અને કોઈને ગુજરાત જવું પડતું નથી."
રાજસ્થાન મૉડલને દેશ માટે ઉદાહરણરૂપ ગણાવતાં તેઓ કહે છે કે, "રાજસ્થાન સરકારે કૉન્ટ્રેક્ટ પર કામ કરતાં 30 હજાર કર્મચારીઓને કાયમી કર્યા છે, જ્યારે ગુજરાતમાં 15 હજાર કૉન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ હજુ સુધી કાયમી થવાની રાહ જોઈ રહ્યા છે."
"રાજસ્થાન સરકારની લોકકલ્યાણની અનેક યોજનાઓ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે છે."
રાજસ્થાનમાં પોતાની સરકારે કરેલાં કામો અંગે માહિતી આપતાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, "એક સમય હતો કે જ્યારે ગુજરાતથી રાજસ્થાન આવતા લોકો રાજસ્થાનના ખરાબ રસ્તાઓને કારણે ઊંઘમાંથી જાગી જતા હતા, પરંતુ હવે ઊંધું થઈ ગયું છે, હવે ગુજરાતના રસ્તા બિસમાર થઈ ગયા છે અને રાજસ્થાનના રસ્તા સારા થયા છે."
એક તરફ ગુજરાત અને રાજસ્થાન કૉંગ્રેસના નેતાઓ રાજસ્થાનના વિકાસ મૉડલની પ્રશંસા કરતા રહે છે તો બીજી બાજુ ભાજપના નેતાઓ આ દાવાને પોકળ ગણાવે છે.
રાજસ્થાન સરકારની ફ્લૅગશિપ યોજનાઓથી સામાન્ય લોકો ખુશ હોવાના કૉંગ્રેસના દાવાને હકીકતથી દૂર ગણાવતાં રાજસ્થાન ભાજપના સિનિયર નેતા અને પ્રદેશ સમિતિના સદસ્ય સુરતારામ દેવાસીએ કહ્યું હતું કે, "રાજસ્થાન સરકારની ચિરંજીવી યોજનાએ પ્રાઇવેટ હૉસ્પિટલ માટે કૌભાંડનો નવો રસ્તો ખોલી દીધો છે."
"એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકોના વીમો હોવા ઉપરાંત પણ હૉસ્પિટલને પૈસા ચૂકવવા પડ્યા છે."
ચિરંજીવી યોજનાને "ભ્રષ્ટાચાર માટે મોકળો માર્ગ કરી આપતી યોજના" ગણાવી તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારતની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "ચિરંજીવી યોજના કરતાં કેન્દ્ર સરકારની આયુષ્માન કાર્ડ યોજના વધુ સારી રીતે ચાલી રહી છે."
આ ઉપરાંત તેમણે રાજસ્થાન સરકારની 'લોકોને ઉપયોગી' જાહેરાતો પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "રાજસ્થાન સરકારે ખેડૂતને દેવામાફીની માત્ર વાતો કરી છે, તેમની દેવામાફીની જાહેરાતમાં કોઈ તથ્ય નથી, કારણે કે હજી સુધી લોકોને ખબર જ નથી કે તેમનું દેવું માફ થઈ ગયું છે કે નહીં, કારણ કે સરકારે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી."

શું કહે છે ગુજરાતના નેતાઓ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ચૂંટણી આડે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસ તરફથી રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અનેક વખતે જાહેર સભાઓમાં સંબોધન વખતે રાજસ્થાન મૉડલની પ્રશંસા કરી ચૂક્યા છે અને ગુજરાતમાં જીત હાંસલ થતાં કૉંગ્રેસની સરકાર આ જ મૉડલને અનુસરીને ગુજરાતમાં કામ કરશે તેવી વાત અવારનવાર કૉંગ્રેસી નેતાઓએ કરી છે.
પરંતુ શું આ વાતો અને કૉંગ્રેસનું રાજસ્થાન મૉડલ ગુજરાતની જનતાનો મિજાજ કૉંગ્રેસની તરફેણમાં વાળી શકશે?
આ પ્રશ્નનો જવાબ આપતાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "રાજસ્થાનની પ્રજા માટે ઘણાં પ્રજાલક્ષી કામો થયાં છે અને તે જ રીતે જો ગુજરાતની જનતાને ફાયદો થાય તો કૉંગ્રેસ તે કરવા માટે કટિબદ્ધ છે."
"ગેહલોતજી, રાજસ્થાન મૉડલની જે વાત કરે છે, તેનાં પરિણામો તેમણે પોતે હાસલ કર્યાં છે. જે રીતે કેજરીવાલ પોતાના દિલ્હી મૉડલની વાત કરે છે, તે જ રીતે ગેહલોતજી રાજસ્થાન મૉડલની વાત કરે છે."
તેઓ રાજસ્થાન મૉડલની પ્રશંસા કરતાં કહે છે કે, "હાલમાં ગુજરાતમાં અનેક મુદ્દાઓ છે, બેરોજગારી, સ્વાસ્થ્ય સમસ્યાઓ વગેરે મુખ્ય છે, રાજસ્થાન મૉડલે આવી સમસ્યાઓનું સમાધાન આપી દીધું છે, જેની હાલમાં ગુજરાતની પ્રજાને જરૂર છે."
ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લાંબા સમય સુધી રાજસ્થાનનાં સહપ્રભારી રહેલાં ભારતીબહેન શિયાળે રાજસ્થાન મૉડલ અને તે અંતર્ગત રાજ્ય સરકારે કરેલાં કામોની વાતોને જૂઠાણું ગણાવ્યું છે.
રાજસ્થાન મૉડલની ટીકા કરતાં તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતની ચૂંટણીમાં રાજસ્થાન મૉડલની ઉપલબ્ધિઓ ગણાવવાથી કોઈ લાભ નહીં થાય.
તેઓ કહે છે કે, "અશોક ગેહલોતે ગુજરાતની રાજનીતિની ચિંતા કર્યા વગર રાજસ્થાનની સરકાર વિશે વાત કરવી જોઈએ. તેઓ રાજસ્થાનની પ્રગતિની વાતો કરીને ગુજરાતમાં સદંતર જૂઠાણું ફેલાવી રહ્યા છે."
"ગુજરાતનું મૉડલ વિકાસનું મૉડલ છે, જેને દેશનાં અનેક રાજ્યોએ અપનાવ્યું છે. હાલમાં રાજસ્થાનમાં દલિતો પરના અત્યાચારોના કિસ્સા ખૂબ વધ્યા છે, કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ થઈ ચૂકી છે, આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં રાજસ્થાન મૉડલની વાત કરવાથી કૉંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય."
તેમણે વધુમાં કહ્યું કે, "રાજસ્થાનની કૉંગ્રેસની સરકાર 'મફતની રેવડી' વહેંચીને લોકોને એક વખત મૂરખ બનાવી શકે. રાજસ્થાન રાજ્યે કેન્દ્ર સરકારની અનેક વિકાસની યોજનાઓને અમલ કરવાનો ઇનકાર કરી દીધો છે અને તેઓ ખેડૂતોનાં દેવાં માફ કરવાની વાત કરે છે. આ પ્રકારની મફતની રેવડીથી ગુજરાતની જનતા નહીં ભરમાય, કારણ કે ભાજપની વિકાસની રાજનીતિ તેઓ સમજે અને માને છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













