મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના માટે ગુજરાત સરકારની કોઈ જવાબદારી નથી?

મોરબી

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, પારસ કે. જ્હા
    • પદ, બીબીસી ગુજરાતી

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં સરકારે આપેલા આંકડા અનુસાર 135 લોકોનાં મોત થયાં છે.

આ સમગ્ર ઘટનામાં જે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બ્રિજના બે કૉન્ટ્રેક્ટર, બે ટિકિટ કલેક્ટર અને પુલની જાળવણી માટે જે ઓરેવા ગ્રૂપ સાથે નગરપાલિકા અને કલેક્ટર દ્વારા ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો તેના બે મૅનેજરનો સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે, દુર્ઘટનામાં આ પુલની માલિકી જેની છે તે નગરપાલિકા કે રાજ્ય સરકારના કોઈ પણ અધિકારીના નામનો સમાવેશ નથી.

જોકે, સરકારી વહીવટી પ્રક્રિયા અને કાયદાના જાણકારોના મતે આ દુર્ઘટના માટે સરકાર પણ એટલી જ જવાબદાર છે. સરકાર પોતાની પ્રક્રિયાઓ અને નિર્ધારિત નિયમોના પાલન વિના જ આ પુલને ઓરેવા ગ્રૂપને ઍગ્રીમેન્ટ હેઠળ સોંપી દેવામાં આવ્યો હતો.

line

શું કહ્યું હતું નગરપાલિકાના ચીફ ફિસરે?

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપ ઝાલા આ દુર્ઘટના વિશે વાત કરતાં જણાવે છે કે, "આ પુલ અત્યંત જીર્ણ હાલતમાં હતો, તેથી લોકો માટે તેનો વપરાશ બંધ કરાવ્યો હતો. આ પુલના સમારકામ અને મેન્ટનન્સના કામ માટે અજંતા ઓરેવા ગ્રૂપે તૈયારી દર્શાવી હતી."

તેમણે આગળ જણાવ્યું હતું કે, "આ મામલે કલેક્ટર સાહેબે મિટિંગ પણ યોજી હતી. તેમાં સમારકામના દર નક્કી કરી તે અંગે કરાર કરી તેનું સમારકામ કર્યા બાદ ફરીથી ખુલ્લો મૂકવાનું નક્કી કરાયું હતું. આ અંગે સાત માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી કરાર પણ કરવામાં આવ્યા હતા. આ કરાર અંતર્ગત 15 વર્ષ સુધી મેન્ટનન્સની જવાબદારી હતી."

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં મોરબી મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, "માર્ચ મહિનામાં આ પુલ રિનોવેશન માટે બંધ કરાયો હતો. 26 ઑક્ટોબરે નવ વર્ષની ઉજવણી નિમિત્તે તે ખુલ્લું મુકાયું. પરંતુ સ્થાનિક મ્યુનિસિપાલિટીએ રિનોવેશન માટે કોઈ ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કર્યાં નહોતાં."

લાઇન

મોરબી ઝૂલતા પુલ અકસ્માત મામલે સરકારને જવાબદાર ઠેરવી શકાય?

લાઇન
  • ગત રવિવારે મોરબી ઝૂલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા
  • સ્થાનિક પોલીસે આ મામલે નવ લોકોની ધરપકડ કરી હતી
  • રાજ્ય અને કેન્દ્રના સત્તાધારી પક્ષના નેતાઓ 'જવાબદારો સામે કડક' પગલાં લેવાશે તેવી વાત કરતા આવ્યા છે
  • પરંતુ આ મામલે સરકાર પક્ષની જવાબદારી છે કે નહીં?
  • અત્યાર સુધી કોઈ સરકારી અધિકારી કે જાહેર હોદ્દા પર બિરાજમાન વ્યક્તિની ધરપકડ કરાઈ નથી કે તેમની જવાબદારી નક્કી કરાઈ નથી
લાઇન

આ સમગ્ર ઘટનામાં વહીવટી ચૂક ક્યાં થઈ?

મોરબી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ગુજરાતમાં જે કોઈ પણ જાહેર સ્થળ છે, તેની માલિકી ગુજરાત સરકારની કહેવાય છે. આ સ્થળોની જાળવણી અને મરામતનું કામ સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને પ્રક્રિયાઓ થકી થતી હોય છે. આ પ્રક્રિયાઓનું મોરબીના ઝૂલતા પુલના મૅનેજમૅન્ટ માટે ઓરેવા ગ્રૂપ સાથે કરવામાં આવેલા ઍગ્રીમેન્ટ માટે પાલન કરવામાં નથી આવ્યું.

એમ. એ. પટેલ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેર છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે આ પ્રકારની ઘટનાઓમાં સરકારી સમિતિઓમાં કામગીરી કરી છે.

એમ. એ. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પુલ એ જાહેર માળખું છે અને તેની માલિકી સરકારની એટલે કે આ કિસ્સામાં મોરબી નગરપાલિકાની છે. એટલે તેને જાળવવાની જવાબદારી નગરપાલિકા અને કલેક્ટરની છે. આ બ્રિજમાં કેવા સમારકામની જરૂરિયાત છે, તેનું સમારકામ કેવી રીતે કરવાની જરૂર છે, આવી કામગીરી માટે ટેકનિકલ ઇવેલ્યુએશન કરીને લોડ બિયરિંગનો અભ્યાસ કરવાનો રહે છે. આ ઉપરાંત આઈએસ કોડ્સ (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ્સ) પ્રમાણે તેના બાંધકામનું આયોજન કરવાનું હોય છે. આ બધી પ્રક્રિયાઓ મોરબીના ઝૂલતા પુલ માટે કરવામાં આવી કે નહીં તે તપાસનો વિષય છે."

તેમના જણાવ્યા અનુસાર જ્યારે પુલનું માળખું તૈયાર કરવા માટે ઇજનેરીમાં લાઇવ લોડની ગણતરી કરવામાં આવે છે. જેમાં એ નિર્ધારિત પુલ પર તેની સંભવિત ક્ષમતાના માણસો ઊભા હોય, એ સમયે જે-તે વિસ્તાર ભૂકંપના જે ઝોનમાં હોય તેની ઉચ્ચ તીવ્રતાનો ભૂકંપ આવે અને એ જ સમયે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડે એવી પરિસ્થિતિની ગણતરી કરીને એ સમયે પણ પુલ ટકી રહે તે પ્રકારે તેની ક્ષમતા નિર્ધારિત કરવામાં આવે છે.

મોરબી

ઇમેજ સ્રોત, AFP

આ લોડ નિર્ધારિત કર્યા બાદ કૉન્ટ્રેક્ટરને એ પ્રકારે બાંધકામ અથવા સમારકામ કરવાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવે છે.

એટલું જ નહીં, જ્યારે એ કામ પૂર્ણ થાય ત્યારે પણ તેના બાંધકામની ગુણવત્તા ચકાસવા માટે ત્રીજા પક્ષ દ્વારા તેની ચકાસણી (થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન) કરાવવાની હોય છે.

એમ. એ. પટેલે કહ્યું, "આ બધી પ્રક્રિયાઓનું પાલન મોરબી નગરપાલિકા દ્વારા થયું હોય તેવું જણાતું નથી. આ એક માનવસર્જીત ભૂલ છે અને તેની જવાબદારી સરકારી તંત્રની હોય છે. જો નગરપાલિકા પાસે આ પ્રકારની કામગીરી માટે કોઈ સક્ષમ અધિકારી ન હોય ત્યારે તેમણે માર્ગ અને મકાન વિભાગ અથવા અન્ય કોઈ સંલગ્ન સરકારી વિભાગ પાસેથી આ કામગીરી માટેના ઇજનેરોની સેવા લેવી પડે."

મોરબી

અન્ય એક નિવૃત્ત સરકારી અધિકારી જે હાલમાં સરકારમાં ટેકનિકલ ઍક્સપર્ટ તરીકે સેવાઓ આપે છે તેમણે બીબીસી ગુજરાતીને તેમનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે, "જ્યારે મુખ્ય મંત્રી કે વડા પ્રધાન જેવા મહાનુભાવોના કાર્યક્રમોનું આયોજન થાય એ સમયે તૈયાર કરવામાં આવતા મંચ જે બિલકુલ હંગામી સ્ટ્રક્ચર હોય છે, તેની ક્ષમતા માટે પણ સરકારી ઇજનેરનું પ્રમાણિત સર્ટિફિકેટ સુરક્ષા એજન્સીઓને આપવું પડે છે."

તેમણે કહ્યું, "મંચ જેવું ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવાનું હોય અને તેના પર 25 લોકો બેસવાના હોય ત્યારે તેના પર 100 જેટલા લોકોને કૂદકા મરાવીને પણ તેની મજબૂતાઈ ચકાસવામાં આવે છે. સરકારની મિલકતનું મૅનેજમૅન્ટ કોઈ પણ સંસ્થાને આપવામાં આવતું હોય પણ તેનાથી સ્ટાન્ડર્ડ પ્રોસિજર્સ (નિર્ધારિત પ્રક્રિયાઓ)નું પાલન કરાવવાની સરકારની જવાબદારી ઘટી નથી જતી."

તેમણે કહ્યું, "ખાનગી કંપનીઓને વિમાન ઉડાવવાની મંજૂરી આપવામાં આવે કે ખાનગી કંપનીને ઍરપૉર્ટનું મૅનેજમૅન્ટ સોંપવામાં આવે ત્યારે તેઓ નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરે તે જોવાની જવાબદારી સરકારની જ રહે છે. કારણ કે ઍરપૉર્ટ છેવટે તો સરકારની જ માલિકીની જાહેર મિલકત છે."

line

સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે ખરી? કાયદો શું કહે છે?

પુલની મુલાકાત લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, @narendramodi

ઇમેજ કૅપ્શન, પુલની મુલાકાત લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતની નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપાલિટીઝ ઍક્ટ 1964 હેઠળ કામ કરવાની સત્તા આપવામાં આવી છે.

મોરબીની ઘટના વિશે સરકારની કાયદેસર જવાબદારી કેવી રીતે નક્કી થાય તે વિશે બીબીસી સાથે વાત કરતાં ગુજરાત હાઈકોર્ટના ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિક કહે છે, "વર્ષ 1990-91 દરમિયાન પી. વી. નરસિંહારાવની સરકારે 73 અને 74મા બંધારણીય સુધારા કરીને પંચાયતો અને નગરપાલિકાઓ વિરુદ્ધ મૂળભૂત અધિકારોના હનન બદલ કોર્ટમાં કેસ કરી શકાય તેવું ઠેરવ્યું છે."

તેમણે મોરબી દુર્ઘટના વિશે કહ્યું, "આ દુર્ઘટના માટે રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકની સહિયારી જવાબદારી છે એમ કહી શકાય. નદી પરના પુલની જવાબદારી મ્યુનિસિપાલિટીની ન હોય એ સરકારની જવાબદારી હોય છે. સરકાર કે નગરપાલિકા એમ કહીને છટકી નથી શકતા કે આ પુલની જાળવણીમાં ભૂલ કૉન્ટ્રેક્ટરની કે બીજી કોઈ એજન્સીની છે. કારણ કે સરકારી માલિકીના એ માળખાની જવાબદારી સરકારે જ જે-તે એજન્સીને આપી છે."

આનંદ યાજ્ઞિકે આ વાતને ઉદાહરણથી સમજાવતાં કહ્યું, "સરકાર પોતાને કરવાની કામગીરી એ પોતાના કર્મચારીઓ દ્વારા કરાવે છે કે કૉન્ટ્રેક્ટ આપીને કરાવે છે એનાથી તે કામગીરીમાં આવતી ક્ષતિ માટે સરકારની જવાબદારી મટી નથી જતી. જો સરકાર સિવિલ હૉસ્પિટલને ખાનગી કંપનીને ચલાવવા માટે આપી દે તો, તે હૉસ્પિટલમાં મળતી નબળી સારવાર મળતી હોય તો તેની જવાબદારી સરકારની જ છે કારણ કે સિવિલ હૉસ્પિટલમાં સારવાર આપવાની જવાબદારી સરકારની છે, પછી તે પોતાના ડૉક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા આપે કે ખાનગી કંપની દ્વારા અપાવે."

તેમણે કહ્યું, "પુલ જેવા બાંધકામમાં નગરપાલિકાએ તેને ખુલ્લો મૂકતા પહેલાં સર્ટિફિકેટ રજૂ કરવું જ પડે. અને જો નગરપાલિકાની જાણ બહાર પુલને ખુલ્લો મૂકી દેવામાં આવે તો ત્યાં લોકોની અવરજવરને પોલીસ મારફતે બંધ કરાવવાની અને ખુલ્લો મૂકનાર સામે પોલીસ કેસ કરવાની પૂરી સત્તા નગરપાલિકા પાસે હોય છે. આવી દુર્ઘટનાઓ માટે સરકારે નૈતિક અને કાયદાકીય જવાબદારી સ્વીકારીને માફી માગવી જોઈએ."

line

"મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને પ્રમુખ સામે નામજોગ ફરિયાદ થવી જોઈએ"

મોરબીનો તૂટી પડેલો પુલ
ઇમેજ કૅપ્શન, મોરબી ઝૂલતો પુલ અકસ્માતમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં

ગુજરાત હાઈકોર્ટના ઍડ્વૉકેટ અમરીષ પટેલ આ ઘટનામાં સરકાર એટલે કે મોરબી નગરપાલિકાને સીધી જવાબદાર માને છે અને તેમના નામ પોલીસ ફરિયાદમાં ઉમેરવા જોઈએ.

તેમણે કહ્યું, "આ ઘટનામાં સરકારની ક્રિમિનલ લાયેબિલિટી (ગુનાહિત જવાબદારી) છે. કોઈ પણ જાહેર સ્થળ કોઈને ચલાવવા આપો છો ત્યારે ત્યાંની વ્યવસ્થા સરકારે એટલા માટે જોવી જરૂરી છે કારણ કે એ જાહેર સ્થળની માલિકી સરકારની હોય છે."

તેમણે કહ્યું, "માર્ગ અકસ્માતમાં જો તમને ઇજા કે મૃત્યુ થાય તો પણ સરકાર સામે દાવો કરીને વળતર માગી શકાય છે. હવે જ્યારે લોકોને પુલ પર જવાની મંજૂરી આપે તો ભીડને નિયત્રિંત કરવાની વ્યવસ્થાન કરવાની જવાબદારી પણ સરકારની છે.

પુલ અને નગરપાલિકાના તાબામાં આવતાં વિવિધ માળખાની મજબૂતીની તપાસ કરવા માટે સરકાર ગુજરાત મ્યુનિસિપાલિટી ઍક્ટ હેઠળ દરેક નગરપાલિકા માટે મંજૂર કરવામાં આવેલા મહેકમમાં ઇજનેરની પોસ્ટ પણ હોય છે.

જેનું કામ આ પ્રકારના માળખાની મજબૂતીની યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે."

મોરબીનો તૂટી પડેલો પુલ

તેમણે વધુમાં જણાવ્યું, "આ પુલ જૂનો છે એટલે તેમાં પુરાતત્ત્વ વિભાગ પણ આવે એટલે સમારકામ માટે તેમની મંજૂરી લેવી જરૂરી છે. આ ઘટનામાં એ લેવામાં આવી હતી કે નહીં તે પણ જાણવું જરૂરી છે.

આ સમગ્ર ઘટનામા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઑફિસર અને ઇજનેરનું નામ પોલીસ ફરિયાદમાં ગુનાહિત બેદરકારી માટે ઉમેરવું જોઈએ. હાલમાં મોરબી પુલ તૂટી પડવાની પોલીસ ફરિયાદમાં ક્રિમિનલ નેગ્લિજન્સની કલમ પણ નથી ઉમેરવામાં આવી."

આ કિસ્સામાં નગરપાલિકાની કથિત 'જાણ બહાર' 26 ઑક્ટોબરથી ખુલ્લા મૂકી દેવાયેલા પુલ માટે 30 ઑક્ટૉબર સુધીમાં નગરપાલિકાએ પોલીસને જાણ કરી હોય અને લોકોની અવરજવર બંધ કરાવી હોય તેની માહિતી નથી.

એટલું જ નહીં આ પ્રકારના બાંધકામની મજબૂતી અને ક્ષમતા ચકાસવા માટેના ઇજનેરને પણ માત્ર 15 દિવસ પહેલાં જ નિમણૂક આપવામાં આવી હોવાનું બીબીસીના સહયોગી પત્રકાર રાજેશ આંબલિયાએ જણાવ્યું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન