હરિપ્રસાદ વ્યાસ : ગુજરાતી બાળસાહિત્યના અમર પાત્ર 'બકોર પટેલ'ના સર્જકની અજાણી સર્જનકહાણી

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રોનાં નામ પૂછવામાં આવે, તો બહુમતી ગુજરાતીઓ તરફથી બે જ નામ મળશેઃ બકોર પટેલ અને મિયાં ફુસકી.
મિયાં ફુસકીના લેખક જીવરામ જોષી વિશે ઠીક ઠીક લખાયું છે, પરંતુ બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ વિશે લખાવાનું તો બાજુ પર રહ્યું, તેમનું નામ પણ કેટલા જાણતા હશે તે સવાલ.
બકોર પટેલનું નામ પડતાં જ, બકરાનો ચહેરો, એવી જ દાઢી, લાંબા કાન, પણ ખૂબી-ખામીઓ બધી માણસની—એવું એક પાત્ર નજર સમક્ષ તરવરે છે. તે આરામખુરશીમાં બેઠાં બેઠાં 'પ્રાણી સમાચાર' નામનું અખબાર વાંચતા હોય કે પછી હાથમાં તંબૂરો લઈને ટટાર મુદ્રામાં ઊભા હોય, એવાં ચિત્રો અત્યંત જાણીતાં છે. લાખો ગુજરાતી વાચકોની બાળપણની સ્મૃતિમાં બકોર પટેલનાં આ ચિત્રો અંકાયેલાં હશે.
'બકોર પટેલના છબરડા', 'બકોર પટેલનાં પરાક્રમ', 'બકોર પટેલ--આસમાનમાં'—આવાં જુદાં જુદાં 37 પુસ્તકોની વાર્તાઓમાં બકોર પટેલ અને તેમની આસપાસ ઊભી કરાયેલી પાત્રસૃષ્ટિ જીવંત બની છે. બકોર પટેલનાં પત્ની શકરી પટલાણી, પટેલની મિત્રમંડળીમાં ડૉક્ટર ઊંટડીયા, વાઘજીભાઈ વકીલ, હાથીશંકર ધમધમીઆ-ગજરાબહેન, કામ કરનારાં ખુશાલડોશી અને બીજાં અનેક.
નવાઈની વાત એ છે કે લેખક હરિપ્રસાદ વ્યાસ અમદાવાદના, બકોર પટેલની વાર્તાઓ છપાય સુરતના 'ગાંડીવ પ્રકાશન'ના બાળસામયિક 'ગાંડીવ'માં, પણ પાત્રો અને સ્થળો બધાં મુંબઈનાં.

તારક મહેતાના જેઠાલાલ અને બકોર પટેલ

ઇમેજ સ્રોત, EPA
બકોર પટેલ ઉચ્ચ મધ્યમ વર્ગના શેઠિયા. મૂર્ખ બની જાય એવા ભોળા ને મૂર્ખ બનવાનું પોસાય એટલા સમૃદ્ધ. ક્યારેક કાવતરાં કરે તો પણ ભોળા માણસ જેવાં. પેટમાં પાપ નહીં. તરંગતુક્કા લડાવે, તેમાં રમૂજી રીતે નિષ્ફળ જાય ને પાછા હસતાં હસતાં બેઠા પણ થઈ જાય.

હરિપ્રસાદ વ્યાસ : ગુજરાતી બાળસાહિત્યનાં અમર પાત્રો સર્જનાર સર્જક

હરિપ્રસાદ વ્યાસ - એક એવા ગુજરાતી, જેમણે બકોર પટેલ, હાથીશંકર ધમધમીઆ, ભગાભાઈ જેવાં યાદગાર પાત્રોનું સર્જન કર્યું અને લાખો ગુજરાતી બાળકો-વાચકોને મંત્રમુગ્ધ બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઝાદીના એક દાયકા બાદ ખાનગી વીમાકંપનીઓનું રાષ્ટ્રીયકરણ થયું અને હરિપ્રસાદ વ્યાસની નોકરી જતી રહી. લેખનની આવકથી જેમતેમ ગાડું ગબડ્યું પણ પ્રચંડ લોકપ્રિયતા અને વેચાણ ધરાવતાં પુસ્તકો-પાત્રોના સર્જક હરિપ્રસાદ વ્યાસને આર્થિક ભીંસ અનુભવાતી રહી.
સીધાસાદા સર્જકનો ફાયદો પ્રકાશકો-તંત્રીઓએ પણ ઉઠાવ્યો અને ઍડવાન્સ રૂપિયાના બદલામાં એક પ્રકાશકે સર્જક પાસેથી બકોર પટેલની કથાઓના અડધા હક લખાવી લીધા. બકોર પટેલનું પાત્ર કદી મુખ્ય ધારાનાં બીજાં કોઈ પ્રકાશનમાં આવી ન શક્યું એનું એક એ પણ કારણ રહ્યું.
એમ છતાં બકોર પટેલનું પાત્ર એટલું લોકપ્રિય હતું કે એની અસર તારક મહેતાની શ્રેણી 'દુનિયાને ઊંધાં ચશ્માં' ઉપર પણ પડી અને ખુદ તારક મહેતાએ પણ આ વાત સ્વીકારી.
વાંચો કઈ રીતે સર્જાયાં હતાં ગુજરાતી સાહિત્યનાં આ અમર પાત્રો અને કેવી હતી હરિપ્રસાદ વ્યાસની સર્જનકથા...

બકોર પટેલના પાત્રની અસર તારક મહેતાની 'ચિત્રલેખા'માં પ્રગટ થયેલી અતિલોકપ્રિય શ્રેણી 'દુનિયાને ઊંધાં ચશ્માં' ઉપર પણ પડી. આવું બીજું કોઈ કહે તો માનવા-ન માનવાનો સવાલ રહે, પણ ખુદ તારકભાઈએ 'બકોર પટેલની હસતી દુનિયા' (સંપાદકઃ હુંદરાજ બલવાણી, 2011)માં લખ્યું હતું,
"બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઈ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઊતરી ગઈ છે કે મારાં પાત્રો જાણે બકોર પટેલનાં પાત્રોનો માનવ અવતાર ન હોય—એવું બીજાઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે... ડગલે ને પગલે છબરડા વાળતા મારા જેઠાલાલમાં જાણે બકોર પટેલનો પુનર્જન્મ થયાનું મને લાગે છે. દયા શકરી પટલાણીની યાદ અપાવે છે, તો ડૉ. હાથી અનેક રીતે હાથીશંકરની યાદ અપાવે છે..."
"અલબત્ત, આ પાત્રસૃષ્ટિ સર્જતી વખતે મારા મનમાં બકોર પટેલની પાત્રસૃષ્ટિનો પડછાયો સરખો ન હતો. પણ દરેક સર્જકની ચેતનામાં એના પ્રિય લેખક કે પ્રિય પાત્રો કેવી રીતે વ્યાપી જાય છે એનું કદાચ આ ઉદાહરણ છે અને એટલે જ પોતાના યુગનો સમર્થ સર્જક પણ એના પૂર્વસૂરિઓનો ઋણી હોય છે."

90 વર્ષ પહેલાં થયો બકોર પટેલનો જન્મ

બકોર પટેલ જેવું અમર પાત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? લેખક હરિપ્રસાદ વ્યાસને તે કેવી રીતે સૂઝ્યું? તેના જવાબ હરિપ્રસાદ વ્યાસે હાસ્યલેખક મહેન્દ્ર પી. ઠક્કર 'છોટમ'ને આપેલી મુલાકાતમાંથી મળે છે. બકોર પટેલની વાર્તાઓ 1932થી છપાવાની શરૂ થઈ.
મુલાકાતમાં જણાવ્યા પ્રમાણે, હરિપ્રસાદ વ્યાસ અને 'ગાંડીવ' પ્રકાશનના નટવરલાલ માળવી વચ્ચે પ્રાણીઓનાં પાત્રોવાળી બાળકથાઓ ગુજરાતીમાં નથી, એવી વાત થતી હતી. તેમાંથી હરિપ્રસાદને તેમના મોસાળના બકોરભાઈ યાદ આવ્યા. તેમના નામ પરથી બકરાનું નામ બકોર પટેલ રાખ્યું અને બકોર પટેલનાં પત્નીનું નામ, 'બકરી'ના પ્રાસમાં 'શકરી' રાખ્યું.
એ જ મુલાકાતમાં હરિપ્રસાદે જણાવ્યું હતું, "રશિયન બાળસાહિત્યમાં પ્રાણીઓના નિમિત્તે માનવસમાજ પર ટીકા કરનારી કથાઓ છે. તેનો ઉલ્લેખ નટવરલાલ માળવીને Red Virtue by Ella Winter માંથી મળ્યો." તેના વિશેની ચર્ચામાંથી હરિપ્રસાદે બકોર પટેલનું પાત્ર સર્જ્યું.
વર્ષ 2005માં જ્યોતીન્દ્ર દવે વિશેના સંશોધન નિમિત્તે મેં નટવરલાલ માળવીના પુત્ર સુભગ માળવીની મુલાકાત લીધી હતી. તેમની પાસેથી જુદી કથા જાણવા મળી.
સુભગભાઈએ કહ્યું હતું, "(મિયાં ફુસકીના સર્જક) જીવરામ જોષી અને તેમના લેખક મિત્ર યુવાનસિંહ ચાવડા સુરતમાં ખપાટિયા ચકલે સાથે રહેતા હતા. યુવાનસિંહે 'બકરા ભગતનું સપનું' નામે એક વાર્તા લખી. તેના માટે હાથમાં તંબૂરો લઈને ઊભેલા બકરાનું ચિત્ર સુરતી ચિત્રકાર તનસુખભાઈએ બનાવ્યું હતું."
તે ચિત્ર જોઈને તેમના પિતા નટવરલાલને બકોર પટેલના પાત્રનો વિચાર શી રીતે આવ્યો અને તે હરિપ્રસાદ વ્યાસ સુધી શી રીતે પહોંચ્યો, તેનો સુભગભાઈને ખ્યાલ ન હતો. પરંતુ બકોર પટેલનાં દરેક પુસ્તકમાં જોવા મળતા, તંબૂરો લઈને ઊભેલા બકરા ભગતના ચિત્રનું રહસ્ય તેમની વાતમાંથી મળી ગયું.

સીધાસાદા સર્જકની સંઘર્ષકથા

ઇમેજ સ્રોત, AFP
પ્રચંડ લોકપ્રિયતા અને વેચાણ ધરાવતાં પુસ્તકો-પાત્રોના સર્જક હરિપ્રસાદ વ્યાસ માટે લેખન તેમની મુખ્ય આજીવિકા ન હતું—તેમાંથી એટલી આવક થતી ન હતી.
મોસાળના ગામ બોડકા (તા. મીંયાગામ-કરજણ)માં જૂન 16, 1909ના રોજ જન્મેલા હરિપ્રસાદ અમદાવાદમાં 'ઝેનિથ લાઇફ ઍન્ડ જનરલ ઇન્સ્યૉરન્સ કંપની'માં કામ કરતા હતા. અમદાવાદમાં તેમનું સરનામું હતુઃ 2645, શ્રી રામજીની શેરી બહાર, ખાડિયા. ત્યાં ત્રણ માળના મકાનમાં વચલા માળે તે ભાડે હતા અને બકોર પટેલની પ્રચંડ સફળતા પછી પણ, છેક 1976 સુધી તે ભાડાના ઘરમાં જ રહ્યા. તે હકીકત ત્યારના ગુજરાતી પ્રકાશકો અને લેખકોની સ્થિતિ વિશે વિચારતા કરી મૂકે એવી છે. જીવનનાં સાવ છેલ્લાં વર્ષોમાં તે બહેરામપુરાની કમલા નહેરુ પાર્ક સોસાયટીના બંગલામાં રહેવા ગયા.
આઝાદીના એકાદ દાયકા પછી ખાનગી વીમાકંપનીઓનું રાષ્ટ્રીયકરણ થતાં, હરિપ્રસાદની નોકરી ગઈ. થોડો વખત લેખનની આવક પર ગાડું જેમતેમ ગબડ્યું, પણ આર્થિક ભીંસ અનુભવાતી હતી. ઘરની કપરી સ્થિતિ જોઈને હરિપ્રસાદ વ્યાસના મોટા પુત્ર કિરીટભાઈ એસ.એસ.સી. પછી તરત ટેલિગ્રાફ કંપનીમાં નોકરીએ લાગી ગયા. તેમના બીજા પુત્ર દિલીપભાઈ ત્યારે હાઇસ્કૂલમાં હતા.
મારી સાથે થયેલા ઇ-મેઇલ વ્યવહારમાં દિલીપભાઈએ કહ્યું હતું કે એ ઉંમરે પણ તેમને પ્રકાશકો-તંત્રીઓની શોષણવૃત્તિ દેખાઈ આવેલી. એક વાર જરૂર પડી ત્યારે ઍડ્વાન્સ રૂપિયાના બદલામાં પ્રકાશકે 'મોટા' (હરિપ્રસાદનું ઘરનું ઉપનામ) પાસેથી બકોર પટેલની કથાઓના અડધા હક લખાવી લીધા હતા. તેના કારણે બકોર પટેલનું પાત્ર કદી મુખ્ય ધારાનાં બીજાં કોઈ પ્રકાશનમાં આવી ન શક્યું. એ વાતનો વસવસો પણ દિલીપભાઈએ વ્યક્ત કર્યો હતો.

સાચા માણસો પરથી સર્જાયાં પાત્રો

બકોર પટેલના પાત્રનું ફક્ત નામકરણ બકોરભાઈ મુખી પરથી થયું, પણ કેટલાંક આખેઆખાં પાત્રો જ તેમણે જીવંત માણસો પરથી સર્જ્યાં હતાં. તેની વિગતો યાદ કરતાં દિલીપભાઈએ કહ્યું હતું,"અમારા એક સંબંધી હતા. તેમનું નામ મોતીજી. ઠીંગણા અને ગોળમટોળ. એટલા જ હસમુખા. દિવાળીમાં આવે ત્યારે સૌથી પહેલાં મગસની લાડુડી જ ખાય. તેમની પરથી મોટાને ભોટવાશંકરનું પાત્ર સૂઝ્યું. એ પાત્ર ઘણાં વર્ષ સુધી ચાલ્યું."
"બીજા એક પાડોશી અત્યંત ભલા સ્વભાવના. દરેક વાતમાં 'લાવો, હું કરી આપું' કહીને કામ હાથમાં લે. પણ ઘણી વાર કામ આવડતું ન હોય. એટલે છબરડા વાળે. તેમના પરથી મોટાએ પરદુઃખભંજન પશાકાકાનું લોકપ્રિય પાત્ર રચ્યું. તેના ઘણાખરા પ્રસંગ અમારા એ પાડોશીના બનાવો પરથી લખાયા હતા."

"મોટાએ એક વાર્તા લખી હતી. 'તોય ભૂખ્યો ને ભૂખ્યો'. તેમાં એક છોકરો ખાધા જ કરે. પછી એને પેટની તકલીફ થાય. પણ તે જમવા બેઠો હોય ત્યારે પીરસનાર ગભરાઈ જાય એટલું ખાય. અમારાં સગાંમાં એક છોકરો ખરેખર એવો હતો. તે જમવા આવે ત્યારે બેનને (મમ્મીને) રોટલીનો લોટ ડબલ બાંધવો પડે. તેની પરથી મોટાએ વાર્તા લખી. ચોક્કસ યાદ નથી, પણ કદાચ એ જ વાર્તા માટે તેમને એશિયાની ચિલ્ડ્રન લિટરેચર સોસાયટીની સ્પર્ધામાં શ્રેષ્ઠ વાર્તાનું ઇનામ મળ્યું હતું."
હરિપ્રસાદ વ્યાસનાં અમેરિકાસ્થિત દોહિત્રી સોનલ પંડ્યાએ કહ્યું હતું,"એક વાર અમે બધાં લગ્નમાં ગયાં ત્યારે મારાં મામી ઘરની ચાવી ભૂલી ગયાં. તેની પરથી દાદાએ હાથીશંકર ધમધમીઆની એક વાર્તા બનાવી હતી."

અમેરિકામાં અંતિમ દિવસો

હરિપ્રસાદ વ્યાસે બાળવાર્તાઓ ઉપરાંત સુરતથી પ્રગટ થતા 'ગુજરાત મિત્ર'માં 1941થી 1979 સુધી લાગલગાટ 38 વર્ષ સુધી હાસ્યની કોલમ 'પરિભ્રમણ' લખી. તેમના હાસ્યલેખોના ઘણા સંગ્રહ થયા. તેમણે હરિન વેદ, અરુણ, વિનોદી જેવાં વિવિધ ઉપનામે હાસ્યલેખન કર્યું. તે સિવાય 'સંદેશ' દૈનિક, 'સમાજજીવન' સામયિક અને 'સમાજ' માસિકમાં લેખો લખ્યા અને 'મહિલાજગત' માસિકનું સંપાદન કર્યું.
સંતાનો નાનાં હતાં ત્યારે લથડેલી તબિયતે પણ હરિપ્રસાદે કામ ચાલુ રાખવું પડતું હતું. બંને પુત્રો અને પુત્રી દક્ષાબહેન કમાતાં થયાં, ત્યારે બકોર પટેલના લેખકની આર્થિક સ્થિતિ કંઈક ઠેકાણે આવી. ત્યાર પછી દિલીપભાઈ અમેરિકા ગયા અને ભણીને સિલિકોન વૅલીમાં, સાન હોઝેમાં સ્થિર થયા. હરિપ્રસાદ વ્યાસના જીવનનાં છેલ્લાં થોડાં વર્ષ અમેરિકામાં દિલીપભાઈના ઘરે વીત્યાં. જુલાઈ 13, 1980ના રોજ તેમનું અવસાન થયું ત્યારે સાન હોઝે નજીક આવેલા શહેર મિલપિટસમાં તેમની અંતિમ વિધિ થઈ અને પ્રશાંત મહાસાગરમાં તેમનાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું.
હરિપ્રસાદ વ્યાસની ભૌતિક નિશાનીઓ પ્રશાંત મહાસાગરમાં ભળી ગઈ, પણ તેમનાં સર્જનો, ખાસ કરીને બકોર પટેલ, ગુજરાતી સાહિત્યનો ગૌરવપૂર્ણ હિસ્સો છે અને રહેશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













