world translation day : વિદેશી કથાનાં પાત્રોને ગુજરાતમાં ઘરેઘરે પરિચિત કરાવનારા ઉત્તમ અનુવાદક મૂળશંકર મો. ભટ્ટ

ઇમેજ સ્રોત, Gujarati Sahitya Parishad
- લેેખક, મનસુખ સલ્લા
- પદ, લેખક અને કેળવણીકાર, બીબીસી ગુજરાતી માટે

- મૂળશંકર મો. ભટ્ટે કિશોર વયના વિદ્યાર્થીઓની સાહસવૃત્તિ અને નવી ભોંય ખેડવાની ઝંખનાને બળ મળે એવી સાહસકથાઓનો અનુવાદ કરી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી
- મૂળશંકરભાઈ દક્ષિણમૂર્તિમાં ગૃહપતિ થયા ત્યારે જાતનું અને વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહ્યા હતા
- શિક્ષક તરીકે વિદ્યાર્થી ઘડતરનું તેમનું મુખ્ય માધ્યમ પ્રેમ હતું. તેમને જીવનમાં ગુસ્સે થતાં કદી કોઈએ જોયા નથી
- મૂળશંકરભાઈ મો. ભટ્ટ ગુજરાતના ઉત્તમ શિક્ષકોની પ્રથણ હરોળમાં અગ્રણી સ્થાનના અધિકારી હતા

કેટલાક માણસોનો જન્મ અર્પણ કરવા માટે જ હોય છે. તેઓ સમાજ પાસેથી લે છે એના કરતાં અનેકગણું યજ્ઞભાવે પરત કરે છે.
મૂળશંકરભાઈ મો. ભટ્ટ ગુજરાતના આવા પ્રથમ પંક્તિના શિક્ષક અને ગુજરાતી સાહિત્યમાં સાહસકથાઓનો પ્રવેશ કરાવનારા પ્રથમ અનુવાદક હતા.
ભાલના રોજકા ગામમાં એમનો જન્મ (તા. 25-06-1907) થયો હતો. પિતા મોહનલાલનું મૂળશંકરભાઈ બાળવયમાં હતા અને અવસાન થયું. તેમનાં માતા રેવાબાએ દૂરના સગપણે દિયર અને મોહનલાલના પરમ મિત્ર તથા નૂતન કેળવણીના અધ્વર્યુ નાનાભાઈ ભટ્ટને મૂળશંકરભાઈની સોંપણી કરી.
નાનાભાઈ ભટ્ટે ભાવનગરની દક્ષિણમૂર્તિ શિક્ષણસંસ્થા દ્વારા એમનું સાચું ઘડતર કર્યું. આ પ્રસંગમાંથી નાના ભાઈની વિદ્યાર્થીને કેળવવાની રીત પણ સમજાય છે.
કિશોર મૂળશંકર મિત્રની સોબતથી ભાવનગરથી ધોળા સુધી રેલવેમાં વગર ટિકિટે, પકડાયા વિના મુસાફરી કરીને પાછા આવ્યા. રાત્રે છાત્રાલયમાં એની વાત બીજા છાત્રોને હોંશભેર કરતા હતા. એ જ વખતે નાનાભાઈ નીકળ્યા અને વાત સાંભળી.
બીજે દિવસે સવારે મૂળશંકરને ઑફિસમાં બોલાવીને રેલવેની ટિકિટના પૈસા, દંડના પૈસા અને રેલવેસ્ટેશનના માસ્તરને લખેલો માફીપત્ર આપ્યો. કહ્યું, 'પહોંચ લેતો આવજે.'
મૂળશંકરભાઈને ઘણું સમજાઈ ગયું. પાછા આવીને ભરેલ રકમની પહોંચ નાનાભાઈને આપી. ત્યારે નાનાભાઈએ જીવનમંત્ર આપતું વાક્ય કહ્યું, 'મૂળશંકર, આપણે અહીં માત્ર ભણવામાં હોશિયાર નથી થવાનું. પણ પ્રામાણિક માણસ બનવા આવ્યા છીએ.'
મૂળશંકરભાઈને હૈયે આ વાક્ય કોતરાઈ ગયું. જીવનભર એને જીવવા પ્રયત્ન કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રથમ પંક્તિના ગૃહપતિ

ઇમેજ સ્રોત, Gujarati Sahitya Parishad
મેટ્રિક પછી વધુ અભ્યાસ માટે તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં ગયા. સંગીત મુખ્ય વિષય રાખવો હતો પરંતુ શંકરાવ પાઠક કહે, 'તારો કંઠ પતરાં ખખડે એવો છે. તું શું સંગીત ભણવાનો હતો?' મૂળશંકરભાઈએ આ પડકાર ઝીલી લીધો.
દરરોજ સવારે ત્રણથી સાત વાગ્યા સુધી વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયની અગાસી પર રિયાજ કરીને એવી નિપુણતા મેળવી અને કંઠ કેળવ્યો કે પછી તો ગુરુને ક્યાંય પ્રોગ્રામ આપવા જવું હોય ત્યારે મૂળશંકરભાઈ વિના તેમને અધૂરું લાગતું.
અંતિમ પરીક્ષામાં પંડિત નારાયણ ખરે માર્ક્સ મૂકતા ગયા. છેલ્લે સરવાળો કર્યો તો માર્ક્સ 110 થયા. સોથી વધુ માર્ક્સ તો આપી ન શકાય. ખૂબ મહેનત કરીને માર્ક્સ કાપ્યા તો પણ 95 આગળ તો અટકી જ ગયા.
સ્નાતક થયા પછી નાનાભાઈ ભટ્ટે એમને દક્ષિણમૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે રાખી લીધા. કવિ પ્રહલાદ પારેખ અને કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા તોફાની વિદ્યાર્થીઓએ સલાહ આપી કે, 'મૂળશંકરભાઈ, સંગીતનું બરાબર છે. ગૃહપતિ થવાનું તમારું કામ નહીં. એ રહેવા દો.' અને મૂળશંકરભાઈએ જાતનું એવું ઘડતર કર્યું, 'બોલવું એ જીવવું'નો મંત્ર એવો સિદ્ધ કર્યો કે તેઓ ગુજરાતના પ્રથમ પંક્તિના ગૃહપતિ બન્યા.

અનુવાદથી એક પેઢીને ઘેલી કરી
મૂળશંકરભાઈના ઘડતરમાં ત્રણ પરિબળોએ નિર્ણાયક ભાગ ભજવ્યો છે :
- નાનાભાઈ ભટ્ટે એમને જીવનદિશા આપી. કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને દૃષ્ટિ આપી.
- સંગીતે તેમને સમત્વ આપ્યું, એમનો એક લેખ બહુ જાણીતો છે : 'શિક્ષણની જિવાળી'. સિતારના તાર જેના ઉપર હોય છે એ પડદામાં તાર નીચે જિવાળી (પાતળી દોરી) રાખવામાં આવે છે. સંગીતકાર જિવાળી આઘીપાછી કરીને તારનો રણકાર મેળવે છે. શિક્ષણમાં વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે શિક્ષકે પોતાની જિવાળીને સમ ઉપર રાખવી પડે છે. જેથી આત્યંતિકતા ન આવે. સ્વસ્થતા અને સમતુલા જળવાય.
- નાનાભાઈનું જીવન સ્વાધ્યાય માટે દૃષ્ટાંતરૂપ હતું. દક્ષિણમૂર્તિમાં ગિજુભાઈ, હરભાઈ, તારાબહેન અને બીજા શિક્ષકો સતત લખતાં હતાં. તેમાંથી પ્રેરણા મેળવીને મૂળશંકરભાઈએ પોતાનો સ્વાધ્યાય અને લેખન ચાલુ કર્યાં. શિક્ષણશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો ગહન અભ્યાસ કરીને તજજ્ઞ બન્યા. સાથે જ કિશોર વયના વિદ્યાર્થીઓની સાહસવૃત્તિ અને નવી ભોંય ખેડવાની ઝંખનાને બળ મળે એવી સાહસકથાઓનો અનુવાદ કરીને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી. એ માટે તેમણે જુલે વર્નની 'સાહસિકોની સૃષ્ટિ', 'પાતાળપ્રવેશ', 'સાગરસમ્રાટ', '80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા', 'ગગનરાજ', 'મહાન મુસાફરો', ફ્રિડ જોફની 'નાનસેન', રૉબર્ટ લુઈ સ્ટીવન્સનની 'ખજાનાની શોધમાં'નો અનુવાદ કર્યો. તથા દેશદેશની લોકકથાઓ અને વાંચવા જેવી વાર્તા ગુજરાતીમાં ઉતારી.
આ કથાઓએ અંગ્રેજોની ઊગતી પેઢીને ખૂબ પ્રેરણા આપી હતી. હકીકતોને સચ્ચાઈ અને માણસની પડકારો સામે ઝૂઝવાની શક્તિનો મહિમા કરતી આ કથાઓએ ગુજરાતની ઊગતી પેઢીને ઘેલી કરી.
અનેક યુવકો માટે આ કથાઓ પ્રેરણાસ્રોતરૂપ બની ગઈ. ત્યાં સુધીમાં ગુજરાતી ભાષામાં સાહસકથાઓ ખાસ લખાઈ ન હતી. એને વિપુલ પ્રમાણમાં મૂળશંકરભાઈએ ગુજરાતીમાં અવતારી.
આ સાહસકથાઓની વિશેષતા એ હતી કે એને આપણે વાંચતાં નહીં, પણ સાંભળતા હોઈએ એવી એની રજૂઆત હતી. એનું ગદ્ય સરળ અને સાહજિક છે. એક એક ઘટના, સ્થળ કે વ્યક્તિ પ્રત્યક્ષ થાય એવી મોહિની લગાડનાર આ સાહસકથાઓ ગુજરાતી ઘરોમાં વ્યાપક સ્વીકાર પામી.
આ સાહસકથાઓ ઉપરાંત મૂળશંકરભાઈએ વિક્ટર હ્યુગોની દીર્ઘ નવલકથા 'લા મિઝરેબલ'નો બૃહત સંક્ષેપ કરીને ગુજરાતી ભાષામાં ઉતારી છે. માનવીય સંવેદના અને સહન કરતાં મનુષ્યોને ઉપસાવતી અને માનવતાનો મહિમા ગાતી આ કથા ફ્રેન્ચ ક્રાંતિની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલી છે. એનાં પાત્રો ગુજરાતી ઘરોમાં પરિચિત બની ગયાં હતાં.
આ નવલકથાનું ગદ્ય એટલું સ્વાભાવિક, તળપદુ અને સબળ છે કે ક્યારેક તો એવું લાગે કે આ કથા જાણે મૂળમાં ગુજરાતી ભાષામાં ન લખાયેલી હોય!

આજીવન બાળમાનસના નિરીક્ષક અને અભ્યાસુ

ઇમેજ સ્રોત, daxinamurtibhavnagar.org
મૂળશંકરભાઈ દક્ષિણમૂર્તિમાં ગૃહપતિ થયા ત્યારે જાતનું અને વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહ્યા હતા. છાત્રાલય સંચાલન એ શાસ્ત્ર છે એમ કળા પણ છે, એ તેમણે નાનાભાઈ ભટ્ટના જીવનમાંથી પારખ્યું હતું. એટલે છાત્રાલય અને વિદ્યાર્થીઓ તેમનો જીવનભરનો રસ રહ્યો. એના અનુસંધાનમાં તેઓ કેળવણીના સાચા સ્વરૂપ વિશે સતત લખતા રહ્યા.
શિક્ષકોને માર્ગદર્શન આપતા રહ્યા. 'શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ' તથા 'કેળવણી અને માનવમૂલ્યો' એ બે પુસ્તકમાં શિક્ષણનું શાસ્ત્ર છે એથીય વધુ અનુભવમાંથી નીતરેલું શિક્ષકનું જીવન છે. એ રીતે ગુજરાતી શિક્ષણજગતમાં આ પુસ્તકો કેળવણીના નવનીતરૂપ છે.
એવું જ એમનું નોંધપાત્ર પ્રદાન બચ્ચોં કી કહાનિયાં છે. વાડીલાલ ડગલીનો આગ્રહ હતો કે દેશવિદેશની, પૌરાણિક અને પ્રચલિત તમામ ધર્મોની, સમાજની-સદ્જીવનની કથાઓ દ્વારા બાળકોમાં મૂલ્યસિંચન કરવું. એવી કથાઓના સંપાદનનું કાર્ય મૂળશંકરભાઈએ કર્યું છે. કથાઓની પસંદગી, બાળકોને અનુકૂળ ભાષા, બહુરંગી ચિત્રોવાળી આ કથાઓ બાળકોના ચિત્તનું ઘડતર કરે એવી માતબર છે.
મૂળશંકરભાઈએ આ ધોરણો જળવાય એ માટે મોટા લેખકો પાસે પણ બબ્બે વાર આ વાર્તાઓ લખાવી છે. 50 વાર્તાઓનો આ સેટ ગુજરાતી અને હિંદી બંને ભાષામાં પ્રગટ થયો હતો. કમનસીબે આ કામની ખાસ નોંધ નથી લેવાઈ. આ વાર્તાઓ, ભાવઘડતર અને મૂલ્યદૃઢીકરણમાં બહુ પ્રેરક બને એવી છે. આજેય એ મૂલ્યવાન પ્રકાશન છે.
મૂળશંકરભાઈ આજીવન બાળમાનસના નિરીક્ષક અને અભ્યાસી રહ્યા હતા. તેમણે લખેલી ત્રણ પરિચય પુસ્તિકા (જે પછી એક પુસ્તકરૂપે પ્રગટ થઈ છે)માં વાલીઓ માટે અદ્ભુત માર્ગદર્શન અપાયેલું છે.
- બાળકો તોફાન કેમ કરે છે?
- તમારાં બાળકને સમજો.
- બાળકોને વાર્તા કેમ કહીશું?
આમાં બાળવાર્તાઓને કહેવાની ખૂબીઓ અને બાળકોને સમજવાનું સરળ-વ્યવ્હારુ-અનુભવસિદ્ધે માર્ગદર્શન અપાયેલું છે.

ઉત્તમ શિક્ષકોની પ્રથમ હરોળમાં અગ્રણી સ્થાનના અધિકારી
મૂળશંકરભાઈ હજારો વિદ્યાર્થીઓના હૃદયમાં જીવંત રહ્યા છે - એમની ધીરજ, ઉદારતા, નિર્વ્યાજ પ્રેમ, બિનપક્ષપાતી વલણ અને ભૂલ કરેલાને ક્ષમા આપવાની હૃદયની મોટાઈને કારણે. એથી વિદ્યાર્થીઓને તેમને માટે કાયમ આદર રહ્યો અને મૂળશંકરભાઈ માટે વિદ્યાર્થી કાયમ ઉપાસ્ય રહ્યો. તેમનાં જીવનનાં સઘળાં મુખ્ય કાર્યો વિદ્યાર્થીઓ માટે જ થયાં છે.
શિક્ષક તરીકે વિદ્યાર્થી ઘડતરનું તેમનું મુખ્ય માધ્યમ પ્રેમ હતું. તેમને જીવનમાં ગુસ્સે થતાં કદી કોઈએ જોયા નથી. તેઓ માનતા કે બધા નિયમો, વ્યવસ્થા, રચના કરતાં વિદ્યાર્થી વધુ મહત્ત્વનો છે.
એમણે પ્રત્યક્ષપણે ભાવનગર, આંબલા અને લોકભારતી એ ત્રણ સંસ્થામાં અર્ધી સદી સુધી કામ કર્યું. એમાં કેન્દ્રમાં એમનું પ્રેરક જીવન રહ્યું. વિદ્યાર્થી પોતાની મર્યાદાઓમાંથી મુક્ત થઈને ઉત્તમ મનુષ્ય બને એ એમનું કાયમનું લક્ષ્ય રહ્યું. એની પાછળ આવી સમજ અને શ્રદ્ધાનું બળ હતું.
વિદ્યાર્થીઓ અને બાળકોનાં મૂલ્યો અને વલણોની ખેવનામાંથી જ મૂળશંકરભાઈએ શિક્ષણચિંતન લખ્યું. બાળવાર્તાઓનું સંપાદન કર્યું અને ગુજરાતી ભાષા ઉછેરતી પેઢીના સ્વસ્થ, ઘડતર માટે અનુવાદ 'દોર' સાહસકથાઓ અને 'લા મિઝરેબલ' જેવી નવલકથા આપીને અવિસ્મરણીય કામ કર્યું છે.
યુવાનવયનાં વિદ્યાર્થીઓનું સહશિક્ષણ ચલાવવું એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું હોય છે. પરંતુ મૂળશંકરભાઈ મો. ભટ્ટ જેવાના નિર્મળ, દૃષ્ટિપૂત વ્યવહારો સિદ્ધાંતો બની જતા હોય છે. મૂળશંકરભાઈએ કરેલા શિક્ષણપ્રયોગો ભલે બધા નોંધાયા નથી, પરંતુ એ કેળવણીનો મહામૂલો ખજાનો છે.
મૂળશંકરભાઈ મો. ભટ્ટ એક વાતાવરણ જેવા હતા. તેમની હાજરી વિશિષ્ટ ભાવાવરણ સર્જતી. એમની પ્રામાણિકતા અને સહજતા વિદ્યાર્થીઓના શુભને જગાડવા માટે પ્રેરક બની રહેતી. કારણ કે આવા શિક્ષકોની અને ઉમદા માનવીઓની ઉપાસના સાચી કેળવણીને મૂર્ત કરવા માટેની હોય છે.
મૂળશંકરભાઈ મો. ભટ્ટ ગુજરાતના ઉત્તમ શિક્ષકોની પ્રથમ હરોળમાં અગ્રણી સ્થાનના અધિકારી હતા. આવા શિક્ષકો એ ગુજરાતની શોભા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ છે.
ગુજરાતના મહાન સારસ્વત કવિ ઉમાશંકર જોશીએ તેમને ભવ્ય અંજલિ આપેલી છે : 'મૂળશંકરભાઈને નાનાભાઈ મળ્યા તે મૂળશંકરભાઈનું સદભાગ્ય હતું. પણ નાનાભાઈને મૂળશંકરભાઈ મળ્યા તે નાનાભાઈનું પણ સદભાગ્ય હતું.'
મૂળશંકરભાઈ અને નાનાભાઈ બંનેને ઓળખનારા સૌ આમાં સહમતિ પૂરાવશે.
(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે. બીબીસીના નહીં.)
(લેખક કેળવણીકાર, ચરિત્રનિબંધલેખક, વાર્તાકાર, વિવેચક છે અને ગુજરાતની પ્રખ્યાત શિક્ષણસંસ્થા લોકભારતી-સણોસરાના આચાર્ય પણ રહી ચૂક્યા છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













