મોહન દાંડીકર : એ સર્જક જેમણે મન્ટોને ગુજરાતીઓ સુધી પહોંચાડ્યા

ઇમેજ સ્રોત, Vijay Patel
- લેેખક, શરીફા વીજળીવાળા
- પદ, બીબીસી ગુજરાતી માટે
મોહન દાંડીકરને ગુજરાત ગાંધીવાદી લેખક - વિચારક તરીકે ઓળખે છે, પણ ગુજરાતી વાચક તો એમને એક ઉત્તમ અનુવાદક તરીકે જ ઓળખે.
મોહન દાંડીકરનો જન્મ 9 નવેમ્બર, 1932ના રોજ નવસારી જિલ્લાના દાંડી ગામમાં થયો હતો. લોકભારતી, સણોસરામાંથી સ્નાતક થયા બાદ દાંડીકરે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ.ની પદવી મેળવી હતી.
23 વર્ષ શિક્ષક તરીકે કામ કરનાર મોહનભાઈએ 10 વર્ષ શાળાના આચાર્ય તરીકે કામ કર્યું હતું.
વર્ષો સુધી તેઓ પાઠ્યપુસ્તક મંડળના હિન્દી વિષયના પરામર્શક પણ રહ્યા હતા. શિક્ષણ અને સાહિત્ય જ એમની ગમતી પ્રવૃત્તિ રહી મૃત્યુની ક્ષણ સુધી.
તેમના ઘડતરમાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકર ભટ્ટ, અને યશવંત શુક્લનો વિશેષ ફાળો હતો, એવું તેઓ સ્વીકારતા અને કહેતા.

મંટોનો પરિચય કરાવનારા લેખક

ઇમેજ સ્રોત, GURJAR SAHITYA BHAVAN
નોકરીના સ્થળે નિવાસ કર્યા પછી નિવૃત્તિ બાદ તેઓ ફરી વતન દાંડીમાં સ્થાયી થયા હતા. દાંડી જેવી જગ્યાએ રહીને સતત લેખન તથા અનુવાદકાર્યમાં રત રહેનારા મોહનભાઈ દાંડીકરે ગુજરાતને મન્ટોની વાર્તાઓનો સૌ પહેલાં પરિચય કરાવ્યો હતો.
રાજેન્દ્રસિંહ બેદીની ‘એક ચાદર મૈલી સી’નો ગુજરાતી અનુવાદ કરનારા મોહનભાઈએ કમલેશ્વરની ‘કિતને પાકિસ્તાન’ જેવી દળદાર નવલકથાનો પણ અનુવાદ કર્યો છે. અજિત કૌરની આત્મકથા ‘ખાનાબદોશ’ તથા દલિપ કૌર ટિવાણાની આત્મકથાનો ‘ખુલ્લા પગે યાત્રા’ શીર્ષકથી અનુવાદ કર્યો. ‘એક બીજી કુંતી’ શીર્ષકથી વિભાજન વિષયક વાર્તાઓનો પણ એમણે અનુવાદ કર્યો.
ઘણાં વર્ષોથી કાને ઓછું સંભળાય. મોહનભાઈએ ‘કિતને પાકિસ્તાન’નો અનુવાદ કરતાં પહેલાં મને પૂછેલું. છેલ્લાં પંદરેક વર્ષથી હું મન્ટો ઉપરાંતના વિભાજન વિષયક સાહિત્ય પર કામ કરતી હતી. એથી એ વિષયનું કોઈ પુસ્તક હોય તો શરૂ કરતાં પહેલાં અચૂક પૂછી લેતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું કાયમ એક જ જવાબ આપતી, ‘મોહનભાઈ, દરેકને પોતાનાં ગમતાં પુસ્તકોનો અનુવાદ કરવાની છૂટ હોય છે. હું મન્ટોની વાર્તાઓ કરતાં પહેલાં તમને પૂછવા આવી હતી ખરી? જેને જે ગમે તે કરે...’
વિભાજન વિષયક વાર્તાઓનો મારો અનુવાદ ‘એક બીજી કુંતી’ પછી દસ વર્ષે આવ્યો. પણ મોહન દાંડીકરમાં એક ગુણ હતો - ‘મારા કરતાં તે સારો અનુવાદ કર્યો’ એવું કહી શકવાનો ગુણ. આવું સ્વીકારવું જરાય સહેલું નથી.

છેલ્લે સુધી અનુવાદો કર્યાં
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પંદરેક વર્ષ પહેલાં કૉલેજની વિદ્યાર્થિનીઓને દાંડી - તીથલના પ્રવાસે લઈને હું ગઈ હતી. રવિવારને કારણે દાંડી મ્યુઝિયમ બંધ. મને યાદ આવ્યા મોહન દાંડીકર.
નાના ગામમાં વ્યક્તિને શોધવી અઘરી હોતી નથી. એમને સ્થિતિ સમજાવી તે સાથે જ ચંપલ પહેરીને અમારી સાથે નીકળી પડ્યા.
મ્યુઝિયમ બતાવ્યું; વિદ્યાર્થિનીઓ સાથે ઉત્સાહભેર, મોટા અવાજે દાંડી સત્યાગ્રહ, ગાંધીજી વગેરે વિશે વાતો પણ કરી. એમની અંદરનો શિક્ષક 75 વર્ષે પણ એવો ને એવો જ જીવંત હતો!
ગુજરાત સાહિત્ય અકાદમીના ત્રણેક પુરસ્કારો તો એમને મળ્યા હતા, પણ હું રાહ જોતી હતી મોહન દાંડીકરને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર મળે તેની.
અંતે 2004માં ગિરિરાજ કિશોરની દળદાર નવલકથાના અનુવાદ ‘પહેલો ગિરમીટિયો’ને સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર મળ્યો ને અમારા જેવાં દાંડીકરપ્રેમી રાજી થયાં.
મોટા ભાગે આપણે ત્યાં પુરસ્કાર પછી, અમુક ઉંમરે પહોંચ્યા પછી, લોકો કામ કરતા બંધ થઈ જાય છે. દાંડીકર અનુવાદો કરતા કદી બંધ ન થયા.

મોહન દાંડીકરનું અનુવાદસાહિત્ય

ઇમેજ સ્રોત, Navbharat Sahitya Mandir
એક નજર નાખો તેમના અનુવાદો પરઃ ‘શ્રેષ્ઠ ઉર્દૂ વાર્તાઓ’ (1990), વિમલા ઠકારનું ‘ગાંધી જીવનદર્શન’, દલિપ કૌર ટિવાણાની લઘુનવલો ‘ગોરજટાણે’ અને ‘ફિનિક્સપંખી’ તથા એમની નવલકથા કથા 'કહો ઉર્વશી.'
અહમદ નદીમ કાસમીના વાર્તાસંગ્રહ ‘પરમેશ્વરસિંહ’નો અનુવાદ કરનાર દાંડીકરે કમલેશ્વરની આત્મકથાનો ‘મારી સંઘર્ષકથા’ શીર્ષકથી અનુવાદ કર્યો હતો.
ગાયત્રી કમલેશ્વરના પુસ્તક ‘કમલેશ્વર - મેરે હમસફર’નો 2008માં અનુવાદ કર્યો. બ્રિગેડિયર અરુણ વાજપાઈની ‘એક યુદ્ધકેદીની આત્મકથા’ તથા નરેન્દ્ર મોહનલિખિત ‘મન્ટો જિંદા હૈ’નો ‘મન્ટો જીવે છે’ શીર્ષકથી અનુવાદ કર્યો.
‘લોકનાયક જયપ્રકાશ ભાગ-1, 2’, ‘આદિવાસીઓ અને આશ્રમશાળાઓ’, ‘દાંડીની વાતો’, ‘નાનાભાઈનું જીવનદર્શન’, ‘ગામ સુખી તો સૌ સુખી’, ‘આપણું ઈશાન ભારત’ ઉપરાંત અનેક પુસ્તકો લખ્યાં.

એક અચ્છા અનુવાદકની ખોટ

ઇમેજ સ્રોત, Vijay Patel
‘ભૂમિપુત્ર’ સામયિકનાં સંપાદક પારુલ દાંડીકર મોહનભાઈનાં દીકરી થાય.
આજે આપણી ચોપાસ ગાંધીમૂલ્યોનો શતમૂખ વિનિપાત દેખાઈ રહ્યો છે, ત્યારે મોહનભાઈ જેવા અણિશુદ્ધ ગાંધીવાદીના જવાથી મૂલ્યોનો જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
દરેક ગાંધી મેળામાં એ હોય. હું જાઉં તો મળીએ. એક પક્ષી વાતો થાય. એ બોલે ને હું સાંભળું. હું પણ ઉત્સાહમાં થોડું ઘણું બોલું, પણ એ શબ્દો હવામાં વેરાઈ જાય...
મોહનભાઈ કશું નો’તા સાંભળતા એટલે જ કદાચ આટલી હદે સ્વસ્થ હતા.
અનુવાદ અને લેખન ક્ષેત્રે ધૂણી ધખાવીને બેસનાર મોહનભાઈના જવાથી ગુજરાતી સાહિત્યને પણ એક અચ્છા અનુવાદકની ખોટ પડી છે.
કોઈ જાતની અપેક્ષા વગર, સાહિત્ય કે શિક્ષણના રાજકારણમાં આંગળી પણ બોળ્યા વગર, એક ખૂણે બેસીને આપણા સૌ માટે આટલો સમૃદ્ધ વારસો મૂકી જનાર કલમના આ સિપાઈને સાદર વંદન.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













