'ગુજરાત પબ્લિક યુનિવર્સિટી ઍક્ટ-2023' લાગુ થવાથી શિક્ષણક્ષેત્રે કેવા ફેરફારો થશે?

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023

ઇમેજ સ્રોત, GUJARAT UNIVERSITY

ઇમેજ કૅપ્શન, ગુજરાત યુનિવર્સિટી આઝાદી પછી સ્થપાયેલ ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી ગણાય છે
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલો ‘ગુજરાત કૉમન યુનિવર્સિટી ઍક્ટ-2023’ હવે વિપક્ષી દળો અને અધ્યાપકોના વિરોધ વચ્ચે પણ કાયદો બની ચૂક્યો છે.

16મી સપ્ટેમ્બરે આ બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

જોકે, ડ્રાફ્ટમાં થોડા સુધારાઓ સાથે આ બિલનું નામ પણ બદલવામાં આવ્યું હતું અને તે હવે ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટી ઍક્ટ-2023’ તરીકે ઓળખાશે.

આ બિલનો ડ્રાફ્ટ 30 જુલાઈ, 2023ના રોજ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને લોકોને આ બિલ પર સૂચનો કે અભિપ્રાયો મોકલવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

આ બિલનો વિપક્ષો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ કર્યો છે.

અલગ-અલગ જિલ્લાઓમાં પણ અધ્યાપકો, નિવૃત્ત અધ્યાપકો અને શિક્ષણવિદોએ આ બિલનો વિરોધ કર્યો હતો. અનેક શહેરોમાં કલેક્ટરને આવેદનપત્રો પણ આપવામાં આવ્યાં હતાં.

પરંતુ અંતે આ બિલ વિધાનસભામાં પસાર થઈ ગયું છે અને તેણે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

આ અહેવાલમાં જાણીએ કે કાયદો શું છે.

બીબીસી ગુજરાતી

ફેરફાર કઈ યુનિવર્સિટીને લાગુ પડશે?

ડ્રાફ્ટ

ઇમેજ સ્રોત, KCG

ઇમેજ કૅપ્શન, સરકારે આ બિલનો ડ્રાફ્ટ લોકો સમક્ષ રજૂ કર્યો હતો અને સૂચનો મંગાવ્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિલનો જ્યારે ડ્રાફ્ટ આવ્યો ત્યારે તેમાં આ બિલ આઠ યુનિવર્સિટીઓને લાગુ પડશે તેમ કહેવામાં આવ્યું હતું.

પરંતુ કાયદો બનતા સમયે તેમાં વધુ ત્રણ યુનિવર્સિટીને ઉમેરવામાં આવી છે એટલે કે કુલ 11 યુનિવર્સિટીને આ કાયદો લાગુ પડશે.

આ કાયદો ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા (કેટલીક વિશેષ છૂટછાટ સાથે), સરદાર પટેલ યુનિવર્સિટી-આણંદ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી- સુરત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણ, બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી- અમદાવાદ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી- ભુજ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી- જૂનાગઢ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી- ગોધરાને લાગુ પડશે.

આ કાયદાના પસાર થવાની સાથે જ આ તમામ યુનિવર્સિટીઓ હવે એકસરખા નિયમો, સંચાલનપ્રક્રિયા, અભ્યાસક્રમો, સરકારી નિયમન અને સરકારી નિયંત્રણ હેઠળ આવી ગઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ તમામ યુનિવર્સિટીઓ માટે અલગ અધિનિયમો પહેલેથી જ અમલમાં હતા. આ કાયદો લાગુ થતાં સાથે જ આ તમામ અધિનિયમો રદ્દ થઈ ગયા છે.

આ કાયદા હેઠળ એક પણ ખાનગી યુનિવર્સિટીને આવરી લેવામાં આવી નથી.

બીબીસી ગુજરાતી

મહત્ત્વના ફેરફારો શું થશે?

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ હવે રાજ્યપાલ તરીકે આ તમામ યુનિવર્સિટીઓનું ચાન્સેલરપદ સંભાળશે

આ બિલ લાગુ થવાથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અનેક અગત્યના ફેરફારો થશે.

  • રાજ્યની 11 યુનિવર્સિટીઓનાં સંચાલન અને નિયમન માટે હવે એકસરખા નિયમો અમલમાં આવશે.
  • તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર (કુલાધિપતિ) તરીકે હવે રાજ્યના રાજ્યપાલ રહેશે. જોકે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર પદે વડોદરાનાં રાજવી પરિવારના શુભાંગિની રાજે ગાયકવાડ જ રહેશે.
  • વાઇસ ચાન્સેલર (કુલપતિ)ની ટર્મ હવે ત્રણની બદલે પાંચ વર્ષની રહેશે અથવા તો તે 65 વર્ષના થાય ત્યાં સુધી આ પદ પર રહી શકશે.
  • તમામ યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ રીતે હવે રાજ્ય સરકારનું નિયંત્રણ રહેશે. રાજ્ય સરકારને આ કાયદામાં ન ઉલ્લેખિત હોય એવા મુદ્દે પણ જાહેરનામું કે આદેશ બહાર પાડવાની સત્તા મળશે અને તેનું ફરજિયાત રૂપે યુનિવર્સિટીઓએ પાલન કરવાનું રહેશે.
  • યુનિવર્સિટીઓમાં સૅનેટ અને સિન્ડિકૅટ પ્રથાનો અંત આવ્યો છે અને હવે બૉર્ડ ઑફ મૅનેજમૅન્ટ જ સર્વોપરી રહેશે જેના અધ્યક્ષપદે વાઇસ ચાન્સેલર રહેશે.
  • સૅનેટ અને સિન્ડિકૅટ પ્રથાનો અંત આવતા વિવિધ છાત્ર સંઘોની ચૂંટણી થશે નહીં એટલે કે ગુજરાતમાં વિદ્યાર્થી રાજકારણનો અંત આવશે.
  • યુનિવર્સિટીમાં નીતિવિષયક નિર્ણયો લેવા માટે, અંતિમ નિર્ણયો લેવા માટે અને યુનિવર્સિટીના સંચાલન માટે બોર્ડ ઑફ મૅનેજમૅન્ટ જ જવાબદાર રહેશે.
  • બોર્ડ ઑફ મૅનેજમૅન્ટની સાથે જ એકેડમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પણ બીજા અનેક મુદ્દાઓ પર નિર્ણય લેશે અને આ તમામ કાઉન્સિલ અને કમિટીઓમાં 33 ટકા મહિલા સભ્યો રહેશે.
  • આ તમામ કાઉન્સિલો અને કમિટીઓમાં સભ્યોની માત્ર સીધી નિમણૂકો જ થશે અને તેમાં મોટા ભાગના કિસ્સાઓમાં નિમણૂકો વાઇસ ચાન્સેલર જ કરશે તેવી જોગવાઈ છે.
  • યુનિવર્સિટીના તમામ પગારદાર અધિકારીઓ, યુનિવર્સિટીના અધ્યાપકો અને અન્ય કર્મચારીઓ હવેથી ભારતના ફોજદારી અધિનિયમની કલમ 21 અંતર્ગત હવેથી ‘જાહેર સેવકો’ ગણાશે.
  • યુનિવર્સિટીની જમીનની લે-વેચ, જમીન ભાડે આપવી વગેરે બાબતોએ રાજ્ય સરકારનો નિર્ણય અંતિમ રહેશે. યુનિવર્સિટીઓ પોતાની જમીન ગીરવે મૂકીને ફંડ એકત્રિત કરી શકશે.
બીબીસી ગુજરાતી

બિલ લાવવા પાછળ સરકારનો ઉદ્દેશ શું છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે જ આ કાયદો લાવવાની ચર્ચાઓ શરૂ થઈ હતી અને ચાર વખત આ બિલ વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું

આ બિલના ડ્રાફ્ટમાં અને અંતિમ બિલમાં બંનેમાં સરકારે આ બિલ લાવવા માટેના સરકારના ઉદ્દેશો સ્પષ્ટ કર્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર આ બિલ રાજ્યમાં યુનિવર્સિટીઓની શૈક્ષણિક સ્વાયત્તતા અને વહીવટી માળખા માટે એકરૂપ માળખાની જોગવાઈ કરશે. તેનાથી વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરી શકાશે તેમ રાજ્ય સરકારનું કહેવું છે.

રાજ્ય સરકારનો હેતુ યુનિવર્સિટીઓનું વધુ સારું સંચાલન કરવું, વધુ સારા ધારાધોરણો સ્થાપિત કરવા, ગુણવત્તાયુક્ત શિક્ષણની વૃદ્ધિ કરવી અને ઉચ્ચ શિક્ષણને સુદૃઢ બનાવવાનો છે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ બિલથી યુનિવર્સિટીઓનું વધુ સારું અને અસરકારક નિયમન થઈ શકશે.

આ કાયદો નવો નથી

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીની સત્તાઓ પર સરકારી નિયંત્રણ અથવા તો વધુ મજબૂત સરકારી પકડના પ્રયાસો નવા નથી. છેલ્લા લગભગ ત્રેવીસ વર્ષથી આ પ્રયાસો ચાલે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આ પ્રકારનો વિચાર જાહેર માધ્યમોમાં સૌપ્રથમ વખત 2001માં આવ્યો હતો અને તેને અંતિમ ઓપ 2003માં આપવામાં આવ્યો હતો.

ત્યાર પછી સમયાંતરે આ કાયદાને લાવવાના અનેક પ્રયાસો થતા રહ્યા, પરંતુ વિપક્ષ, અધ્યાપકો અને સંપૂર્ણ શિક્ષણજગતના ભારે વિરોધને કારણે તેને લાગુ કરવામાં આવ્યો ન હતો.

2009માં ‘ગુજરાત ગવર્મેન્ટ ઍક્ટ’ને વટહુકમ તરીકે લાવવામાં આવ્યો હતો, પરંતુ યુનિવર્સિટીના પ્રોફેસરોના વિરોધના પગલે તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જો ફરીથી ગુજરાતના મુખ્ય મંત્રીપદે આવે તો આ કાયદો ફરીથી લવાશે એમ મનાતું હતું. તેને 2013માં ચોથી વખત વિધાનસભામાં રજૂ કરવામાં આવશે એમ જાહેર થયું હતું.

પરંતુ યેનકેન કારણોથી આ કાયદો બની શક્યો ન હતો. અંતે રેકૉર્ડ બહુમતીથી 2022ની ચૂંટણીમાં જિતેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે વિપક્ષો અને અધ્યાપકોના વિરોધ વચ્ચે આ કાયદો પસાર કરાવી લીધો છે.

બીબીસી ગુજરાતી

કાયદાનો કેમ થઈ રહ્યો છે વિરોધ?

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શક્તિસિંહ ગોહિલ સહિત કૉંગ્રેસના નેતાઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે

વિપક્ષી પાર્ટીઓના નેતાઓ, વિવિધ છાત્રસંઘોના નેતાઓ, અધ્યાપક મંડળો અને કેટલાક શિક્ષણવિદો આ કાયદાનો ડ્રાફ્ટ આવ્યો ત્યારથી જ તેનો વિરોધ કરી રહ્યા હતા.

ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા હતા.

યુનિવર્સિટીની સ્વાયત્તતા અને અધ્યાપકોના સ્વાતંત્ર્ય પર સરકાર તરાપ મારી રહી છે એમ તેમનું કહેવું છે. આ તેમના વિરોધ પાછળનું મુખ્ય કારણ મનાય છે.

આ સિવાય અનેક કૉંગ્રેસ નેતાઓ યુનિવર્સિટીઓની જમીનના લે-વેચ પર સરકારનાં અંતિમ નિયંત્રણનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે સરકાર તેમના મળતિયાઓને યુનિવર્સિટીની જમીનો આપી દેશે તેવો ભય રહેલો છે.

આ સિવાય યુનિવર્સિટીઓની વિવિધતા પણ કેવી રીતે જળવાઈ રહેશે તે પણ એક સવાલ છે.

લોકશાહી ઢબે થતાં વિદ્યાર્થી સંઘોની ચૂંટણી બંધ થઈ જશે તો વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો યુનિવર્સિટી ફોરમ સુધી કોણ લઈ જશે એ પ્રશ્ન ઘણા લોકો ઉઠાવી રહ્યા છે.

કૉમન અભ્યાસક્રમો અને ફીના ધોરણો વિશે પણ અનેક લોકોનાં મનમાં શંકાઓ છે જેના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ મળ્યું નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી