'હું મારું નામ બોલી શકતી નથી', માતૃભાષા ગુમાવવાની પીડા કેવી હોય?

ઇમેજ સ્રોત, CAROLIN WINDEL
“જો મને બુંદેલખંડી આવડતી હોત તો અમ્મી અને અબ્બા સાથે વાત કરવાની મજા જ કંઈ ઓર હોત.”
દિલ્હીમાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનીમાં કામ કરતા ઇમરાન રઈસ આ વાત કરતાં ભાવુક થઈ ગયા હતા.
ઇમરાનના મનમાં માત્ર એ વસવસો રહી ગયો છે કે તેઓ તેમનાં માતાપિતા સાથે તેમની માતૃભાષા બુંદેલખંડીમાં વાત ન કરી શક્યા.
ઇમરાનના પિતાનું પૈતૃક ઘર ગ્વાલિયર ખાતે હતું પરંતુ નોકરી માટે તેઓ સપરિવાર ઝાંસી આવીને વસી ગયા હતા. ત્યાં જ ઇમરાન અને તેમનાં ભાઈ-બહેનોનાં જન્મ થયાં.
ઘરે બધા હિંદીમાં વાત કરતા પરંતુ કૉલેજકાળ દરમિયાન ઇમરાનને એ વાતનો અહેસાસ થયો કે તેમનાં માતાપિતાને જો કોઈ બુંદેલખંડીમાં વાત કરનાર મળે ત્યારે તેઓ ખૂબ ખુશ થઈ જતાં હતાં.
એ સમયે ઇમરાનને પણ લાગ્યું કે તેમણે પોતાનાં માતાપિતાને ખુશ કરવા માટે બુંદેલખંડી શીખવી જોઈએ. પરંતુ તેમને લાગે છે કે કદાચ તેમણે થોડું મોડું કરી દીધું. કોરોના મહામારી દરમિયાન તેમણે તેમનાં અમ્મી-અબ્બાને ગુમાવી દીધાં.
માતાપિતાની માતૃભાષા વારસામાં ન મળવાનું દર્દ માત્ર ઇમરાનને એકલાને જ છે એવું નથી, મોટાં શહેરો, ખાસ કરીને મહાનગરોમાં રહેતી એ પેઢી માટે પણ આ વાત સત્ય છે જેમનાં માતાપિતા રોજગાર કે બીજી અન્ય જરૂરિયાતો માટે બીજે ક્યાંક જઈને વસી ગયાં છે.

પોતાની ભાષા ભુલાવતા જતા પરિવાર

ઇમેજ સ્રોત, MITHU SANYAL
જર્મનીમાં જન્મેલાં અને ત્યાં જ ઊછરેલાં લેખિકા મિટ્ઠૂ સાન્યાલને એ વાતનું દુ:ખ છે કે તેઓ પોતાનું નામ યોગ્ય રીતે ઉચ્ચારી નથી શકતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ જણાવે છે કે, “મારા પિતા ભારતમાં બંગાળી ભાષા બોલીને મોટા થયા અ પછી જર્મની આવી ગયા. ત્યાં તેઓ પોતાના મિત્રો સાથે તો બંગાળી બોલતા, પરંતુ મારી સાથે જર્મન ભાષામાં જ વાત કરતા.”
આવું જ કંઈક ઇમરાન રઈસ સાથે પણ થયું. તેઓ કહે છે કે, “અબ્બા-અમ્મીને બુંદેલખંડી આવડતી પરંતુ તેઓ હિંદીમાં જ વાત કરતાં. તેથી અમે ભાઈ-બહેનો સારી રીતે બુંદેલખંડી ન શીખી શક્યાં.”
એનિક ડિ હાવર જર્મનીના એફર્ટ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર છે.
તેમણે એ વિષય પર ગહન સંશોધન કર્યું છે કે કેવી રીતે અમુક પરિવારો પોતાની ભાષાને ભુલાવી દે છે.
તેમણે ઘણા દેશોમાં કરાયેલ અધ્યયનમાંથી તારણ મેળવ્યું કે જે ઘરોમાં બાળકો બે કે વધુ ભાષા સાંભળીને મોટાં થાય છે તેમાંથી એવાં બાળકોની સંખ્યા 12થી 44 ટકા હોય છે જેઓ બાદમાં માત્ર એક જ ભાષા અપનાવે છે.
પ્રોફેસર હાવર જણાવે છે કે, “શરૂઆતમાં બાળકો બંને ભાષાના શબ્દો શીખે છે. મારાં બાળકોએ પણ બંને ભાષા શીખી પરંતુ પ્રી-સ્કૂલ ગયા બાદ તેઓ એક જ ભાષા બોલવા લાગ્યાં. અને આવું કેમ થયું? કારણ કે બધું એક જ ભાષામાં કેન્દ્રિત હતું અને બાળકો ટૂંક સમયમાં જ સમજી ગયાં કે બીજી ભાષા શીખવું નિરર્થક છે.”

માતા-પિતાના વિચારો

ઇમેજ સ્રોત, MITHU SANYAL
દરેક માતાપિતા ઇચ્છે છે કે તેમનાં બાળકો જીવનમાં પ્રગતિ સાધે. તેથી પોતાની માતૃભાષા માટે ગાઢ લાગણી હોવા છતાં તેમનું જોર બાળકોને પોતાની માતૃભાષા શીખવવાને સ્થાને એવી ભાષા શીખવવા પર રહે છે જે આગળ જઈને તેમને કામ લાગે.
હાલ અમેરિકામાં રહેતાં રશિયાનાં કથ્થક નૃત્યાંગના સ્વેતલાના તુલસીનાં માતા રશિયન હતાં અને પિતા ભારતના હતા.
તેઓ જણાવે છે કે પિતાની માતૃભાષા તેલુગુ હતી પરંતુ તેમણે ક્યારેય સ્વેતલાનાને તેલુગુ શીખવવાની કોશિશ ન કરી.
સ્વેતલાના જણાવે છે કે, “રશિયામાં બધા રશિયન જ બોલે છે. પાપાએ અમને બધાં ભાઈ-બહેનોને તેલુગુને સ્થાને અંગ્રેજી શીખવી, કારણ કે એ આંતરરાષ્ટ્રીય ભાષા છે, આજે અંગ્રેજી મને ઘણી કામ લાગી રહી છે.”
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાન કેન્દ્રમાં સહાયક પ્રોફેસર ડૉ. હરિ માધબ રાય કહે છે કે, “જ્યારે માતાપિતાની ભાષામાં તક ન હોય તો મુશ્કેલી પડે એ સ્વાભાવિક છે. જે ભાષામાં રોજી-રોટી દેખાશે, તેનો જ વધુ પ્રભાવ રહેશે.”
તેઓ ઉદાહરણ આપે છે, “લાંબા આંદોલન બાદ આસામની બોડો ભાષાને વર્ષ 2003માં આઠમી અનુસૂચિમાં ઉમેરવામાં આવી. શરૂઆતમાં ભારે સંખ્યામાં લોકોએ પોતાનાં બાળકોનાં ઍડમિશન બોડો માધ્યમની સ્કૂલોમાં કરાવ્યાં. પછી તેમણે જોયું કે અસમિયા, હિંદી અને અંગ્રેજીનો પ્રભાવ વધુ છે, તેથી તેઓ પરત ફરવા લાગ્યા.”
ડૉ. રાય પ્રમાણે, ઘણી વાર લોકો ભાષાને લઈને વિશ્વ કે દેશના માહોલ અનુસાર આગળ વધે છે. આ સિવાય સાંસ્કૃતિક વર્ચસ્વનો પણ ભાષા પર પ્રભાવ પડે છે.

એક મોટી ગેરમાન્યતા

ઇમેજ સ્રોત, Getty Images
જર્મન લેખિકા મિટ્ઠૂ સાન્યાલ જણાવે છે કે ન તો તેઓ પોતાના પિતા પાસેથી બંગાળી શીખી શક્યાં કે ના માતાની માતૃભાષા પૉલિશ.
તેઓ કહે છે કે, “જ્યારે હું નાની હતી, ત્યારે મારાં માતાપિતાને લોકોએ કહ્યું કે જો બાળકીને એક કરતાં વધુ ભાષા શીખવવાની કોશિશ કરશો તો તે એક પણ ભાષા યોગ્ય રીતે નહીં શીખી શકે. તેથી તેમણે મને માત્ર જર્મન શીખવવા પર ભાર મૂક્યો.”
ઘણાં માતાપિતા આ જ ભયના કારણે બાળકો સાથે એક જ ભાષામાં વાત કરવાની કોશિશ કરે છે.
પરંતુ વિશેષજ્ઞ જણાવે છે કે બાળકો એક કરતાં વધુ ભાષા શીખી શકે છે અને વધુ ભાષા જાણતાં બાળકોની જ્ઞાનપ્રાપ્તિની ક્ષમતા અને યાદશક્તિ પણ સામાન્ય બાળકો કરતાં વધુ હોય છે.
પ્રોફેસર એનિક ડી હાવર જણાવે છે કે પહેલાં કહેવાતું કે બાળકોને એક કરતાં વધુ ભાષા શીખવવાનો પ્રયાસ કરવાથી તેઓ મૂંઝાઈ જાય છે, પરંતુ એવું નથી.
તેઓ કહે છે કે, “બાળકો શરૂઆતમાં બે ભાષાના શબ્દોનો ઉપયોગ કરે તો તેનો અર્થ એ છે કે તેમનું શબ્દજ્ઞાન વધી રહ્યું છે અને તેઓ પોતાની સમજ પ્રમાણે વધુ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી રહ્યાં છે.”

સામાજિક વલણ

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો માને છે કે માતૃભાષા માણસને વારસામાં મળે છે. તેને વ્યક્તિ સૌપ્રથમ શીખે છે. તે તેમાં જ વિચારે તેમજ અભિવ્યક્ત કરે છે. તે તેની ઓળખનો એક ભાગ બની જાય છે.
ડૉ. હરિ માધબ રાય કહે છે કે, “ભારતમાં કેટલાક વાલીઓ બાળકોને એવી ભાષા શીખવવાની કોશિશ કરે છે જે તેમનાં રાજ્ય કે શહેરની મુખ્ય ભાષા હોય છે. પૈતૃક ભાષા કે બોલીમાં વાત કરવા બાબતે બાળકોને ઘરે ટોકાતાં હોવાનાં દૃશ્ય ઘણી વાર જોવા મળે છે.”
તેઓ જણાવે છે કે તેની પાછળ એક મોટું કારણ જવાબદાર છે, એ છે સામાજિક દબાણ. ઘણા લોકોને લાગે છે કે તેઓ કે તેમનાં બાળકો જો પોતાની પૈતૃક બોલીનો ઉપયોગ કરશે તો તેમને પછાત સમજવામાં આવશે.
દેશમાં અવારનવાર એવા પણ મામલા સામે આવતા રહે છે જેમાં બાળકોને સ્કૂલમાં અંગ્રેજીમાં વાત ન કરવાને કારણે કે અન્ય કોઈ સ્થાનિક ભાષામાં વાત કરવાને લઈને સજા આપવામાં આવે છે.
પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો દ્વારા ભાષાના આધારે ભેદભાવ અને હિંસા કરવાની ઘટનાઓ પણ ભારતમાં જોવા મળી છે.
આવી ઘટનાઓ ભાષાકીય લઘુમતીનો આત્મવિશ્વાસ તોડી નાખે છે. તેથી તેમની એવી કોશિશ રહે છે કે તેઓ અને તેમનાં બાળકો હિંદી, અંગ્રેજી કે એ મુખ્ય ભાષા બોલે જેનો પ્રભાવ વધુ છે.
સમાજનું આ વલણ પણ ભાષા શીખવા અને શીખવવાની પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે.

ભાષા પર ખતરો
એક પરિવાર પોતાની ભાષા છોડે એ વાત એ એક મોટી પ્રક્રિયાનો એક નાનકડો ભાગ છે, જેનાથી ભવિષ્યમાં સમયાંતરે ભાષા લુપ્ત થઈ શકે છે.
ડૉક્ટર રાય કહે છે કે, “ભાષાઓને બચાવીને રાખવી જોઈએ. ભાષા માત્ર વાત કહેવાનું માધ્ય પૂરતી નથી. ભાષા ઇતિહાસ, સંસ્કૃતિ, પંરપરા અને લોકકલા વિશે જણાવે છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે એક સામૂહિક જ્ઞાન પણ લુપ્ત થઈ શકે છે.”
વિશેષજ્ઞોનું માનવું છે કે સમાજમાં ઘણી ભાષાઓ બોલવાની વાતને પ્રોત્સાહિત કરવું જરૂરી છે અને તેની શરૂઆત સ્કૂલોથી જ કરી શકાય છે.
સ્કૂલમાં અલગ-અલગ પૃષ્ઠભૂમિથી આવેલાં બાળકોની ભાષાનું સન્માન થવું જોઈએ. આનાથી માતાપિતામાં પણ પોતાની ભાષાને લઈને આત્મવિશ્વાસ વધશે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ડૉ. માધબ રાય જણાવે છે કે, “ભારતમાં નવી શિક્ષણનીતિમાં સ્થાનિક ભાષાઓના મહત્ત્વને સમજવામાં આવ્યું છે. અને ઓછામાં ઓછું પાંચમા કે આઠમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ અપાય એ વાત પર ભાર મુકાયો છે. નીતિના સ્તરે આ એક સારી પહેલ છે પરંતુ તેનો અમલ કઈ રીતે કરાય છે, એ જોવું રહ્યું.”

પરિવારે શું કરવું?
જાપાનની કૅનગાવા યુનિવર્સિટીમાં અંગ્રેજીનાં પ્રોફેસર જેનિસ નાકામુરાએ એવા જાપાની પરિવારનું અધ્યયન કર્યું જેમાં માતા કે પિતામાંથી કોઈ એકની માતૃભાષા જાપાની સિવાય અન્ય કોઈ ભાષા હોય.
આ અધ્યયનમાં જાણવા મળ્યું કે એવાં બાળકોમાં નારાજગી જોવા મળી જે પોતાનાં માતા કે પિતાની બિનજાપાની ભાષા ન શીખી શક્યાં. આવી જ રીતે માતાપિતામાં પણ બાળકો તેમની માતૃભાષા ન હોવાની વાત નિરાશા જોવા મળી.
ભાષા ન શીખી શકવાના આ અફસોસને પ્રોફેસર નાકામુરાએ ‘લૅંગ્વેજ રિગ્રેટ’નું નામ આપ્યું અને તેમને જાણવા મળ્યું કે આનાથી સંબંધોમાં તાણ પણ આવી શકે છે.
તેથી માતાપિતાએ અન્ય ભાષાઓની સાથે બાળકોને પોતાની માતૃભાષા પણ શીખવવી જોઈએ અને જે લોકો બાળપણમાં આવું ન કરી શકે, તેમણે હવે શીખવાની કોશિશ કરવી જોઈએ.
વિશેષજ્ઞો કહે છે કે એવું જરૂરી નથી કે તમને તમારાં માતાપિતાની ભાષા કડકડાટ બોલતા આવડવું જોઈએ. અમુક વાક્ય બોલશો તો પણ તેમને સારું લાગશે.
બીજી તરફ ઇમરાન રઈસ બુંદેલખંડી શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે, “હાલ તો મારું શબ્દભંડોળ મર્યાદિત છે પરંતુ હિંદી અને અંગ્રેજીના શબ્દો સાથે બુંદેલી બોલવાની પણ કોશિશ કરતો રહું છું.”
ઇમરાન આ બધું એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે તેમનાં બાળકો થાય ત્યારે તેઓ પોતાનાં અમ્મી-અબ્બાની સંસ્કૃતિ, તેમની ઓળખ, તેમની ભાષા તેમને શીખવી શકે. એ ભાષા, જે તેઓ ઇમરાનને ઇચ્છતા છતાં નહોતાં શીખવી શક્યાં.














