‘એ 6 વર્ષની નાની બાળકી નથી, પણ યુવતી છે,’ કહીને પાલક માતા-પિતાએ તેને તરછોડી દીધી?

નતાલિયા

ઇમેજ સ્રોત, FACEBOOK/KRISTEN BARNETT

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટીન અને માઈકલ બર્નેટ નામના અમેરિકન દંપતીના ઘરમાં નતાલિયા
    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી

થોડાં વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી. તમને હોરર ફિલ્મ જોવી ન ગમતી હોય તો હું કહીશ કે તમે એ ફિલ્મ જોશો નહીં. ફિલ્મનું નામ હતુઃ ઑર્ફન.

તેની વાર્તા એવી હતી કે એક અમેરિકન દંપતી એક નાની રશિયન છોકરીને દત્તક લે છે, પરંતુ એ છોકરી દેખાય છે તેવી નથી, અને તેને જેમણે દત્તક લીધી છે એ માતા-પિતાને તેમનાં જીવનના અંત સુધી ત્રાસ આપે છે. એ ખરેખર નાની છોકરી નથી હોતી, પરંતુ છોકરીનાં વેશમાં ત્રીસથી વધુ વર્ષની સ્ત્રી હોય છે.

તમે કહેશો કે એમાં શું? ફિલ્મમાં આવી કપોળ-કલ્પિત કથા હોય છે. તેને વાસ્તવિક દુનિયા સાથે શું સંબંધ? જોકે, આ કથામાં ખરેખર એક રહસ્ય છે.

આ ફિલ્મ પ્રદર્શિત થયાના એક વર્ષ પછી એક અમેરિકન દંપતીએ યુક્રેનની છ વર્ષની બાળકીને દત્તક લીધી હતી. બાદમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે દત્તક લીધેલી બાળકી નાની છોકરી નથી, પરંતુ 20-25 વર્ષની યુવતી છે અને તેના કારણે તેમના જીવ પર જોખમ છે. એટલું જ નહીં, અમેરિકન દંપતી યુક્રેનની એ બાળકીને મૂકીને ભાગી ગયું હતું.

GREY LINE

ખરેખર શું થયું હતું?

નતાલિયા

ઇમેજ સ્રોત, FACEBOOK/KRISTEN BARNETT

સત્ય કલ્પના કરતાં પણ વિચિત્ર હોય છે, એવું કહેવાય છે. આવી જ એક વિચિત્ર ઘટનાની આ કહાણી છે. આ ઘટનાની સંપૂર્ણ જાણકારી હજુ સુધી કોઈની પાસે નથી. કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે અને કોર્ટે કેટલીક ચીજો સીલ પણ કરી દીધી છે. આ ઘટના બાબતે જે માહિતી બહાર આવી છે તેના આધારે સર્જાઈ છે ક્યારેય સાંભળવા ન મળી હોય તેવી કથા.

ક્રિસ્ટીન અને માઈકલ બર્નેટ નામના અમેરિકન દંપતીએ 2010માં નતાલિયા નામની એક બાળકીને દત્તક લીધી હતી. નતાલિયાના જન્મના પ્રમાણપત્ર મુજબ, તે છ વર્ષની હતી. તે મૂળ યુક્રેનની હતી અને ઠીંગણાપણાની બીમારીથી પીડાતી હતી.

અમેરિકન દંપતીને પહેલાથી જ ત્રણ પુત્રો હતા. દંપતીનો દાવો છે કે નતાલિયાને દત્તક લીધાના થોડા સમયમાં જ તેમને તેના વર્તન બાબતે શંકા પડી હતી.

દંપતીએ જણાવ્યું હતું કે નતાલિયા તેની ઉંમર કરતાં મોટી હતી અને છ વર્ષની બાળકી કરતાં વધારે સમજ ધરાવતી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ક્રિસ્ટિને 2019માં જણાવ્યું હતું કે નતાલિયા ઘરે આવી ત્યારે નાની છોકરીને બદલે તરુણ વયની છોકરી જેવું વર્તન કરતી હતી. તે રમકડાંથી રમતી ન હતી. તેને અન્ય મોટી છોકરીઓ સાથે સમય પસાર કરવાનું પસંદ હતું. તેનું શરીર પણ તેની વયના પ્રમાણમાં મોટું હતું.

ક્રિસ્ટીને ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે “હું તેને સ્નાન કરાવતી હતી ત્યારે તેની જનનેંદ્રિય પર પુખ્ત વયની સ્ત્રી જેવા વાળ જોયા હતા. હું ચોંકી ગઈ હતી. મને કહેવામાં આવ્યું હતું કે તે છ વર્ષની છે, પરંતુ વાસ્તવમાં તે છ વર્ષની નહોતી.”

તેમણે ઉમેર્યું હતું કે “નતાલિયાને માસિક આવતું હતું અને તેના દાંત પુખ્ત વયની વ્યક્તિ જેવા હતા. તે નાની છોકરી નહોતી, પરંતુ પુખ્ત વયની સ્ત્રી હતી. તેની ઊંચાઈ ક્યારેય વધતી ન હતી. ઠીંગણાપણાની બીમારી હોય તેવાં બાળકોની ઊંચાઈ પણ થોડીક તો વધતી જ હોય છે.”

થોડા મહિના પછી ક્રિસ્ટીન અને માઈકલે દાવો કર્યો હતો કે તેમના પરિવારને નતાલિયાથી જીવનું જોખમ છે.

2021માં એટલે કે નતાલિયાને દત્તક લીધાનાં બે વર્ષ પછી ક્રિસ્ટીન તથા માઈકલ કોર્ટમાં ગયાં હતાં અને નતાલિયાના જન્મ પ્રમાણપત્ર પરની તારીખ બદલવાની માગણી કરી હતી. કોર્ટે તેમની માગણી સ્વીકારી હતી અને નતાલિયાનું જન્મવર્ષ 2003થી બદલીને 1989 કરી નાખ્યું હતું.

સુનાવણી દરમિયાન ક્રિસ્ટીને દાવો કર્યો હતો કે નતાલિયા 16 વર્ષની હતી ત્યારે તેને દત્તક લેવામાં આવી હોવાનું તેનાં હાડકાંનું પરીક્ષણ દર્શાવે છે.

ક્રિસ્ટીનના દાવા મુજબ, નતાલિયાને માનસિક ઉપચાર હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલના કેટલાક ડૉક્ટરોએ જણાવ્યું હતું કે નતાલિયા જણાવે છે તેના કરતાં તેની વય મોટી છે.

નતાલિયાને 2013માં માનસિક ઉપચાર હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ વખતે બર્નેટ દંપતીએ નક્કી કર્યું હતું કે તેઓ હવે નતાલિયાની કાળજી નહીં લે, કારણ કે તે દેખાય છે તેના કરતાં ઘણી મોટી વયની છે તેની તેમને સંપૂર્ણ ખાતરી છે.

તેમણે ઇન્ડિયાના રાજ્યના લાયફેટમાં એક ફ્લેટ ભાડેથી રાખ્યો હતો. આખા વર્ષનું ભાડું ભર્યું, બીજો જરૂરી સામાન ફ્લેટમાં લાવ્યા અને નતાલિયાને તે ફ્લેટમાં મૂકીને બર્નેટ દંપતી કેનેડા ચાલ્યું ગયું હતું.

નતાલિયા એક વર્ષ સુધી એકલી રહી હતી. તે એકલી રહેતી હોવાનું 2014માં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું.

GREY LINE

નતાલિયા શું કહે છે?

નતાલિયા

ઇમેજ સ્રોત, CBS/THE OPRAH WINFREY NETWORK

નતાલિયાએ આ ઘટના બાબતે 2019માં સૌપ્રથમ મુલાકાત આપી હતી. એ સમયે તેણે કહ્યું હતું કે મારી ઉંમર 16 વર્ષ છે અને મારો જન્મ 2003માં થયો હતો. હું 20થી 30 વર્ષની વયની સ્ત્રી નથી. મેં બર્નેટ પરિવારની હત્યાનો પ્રયાસ ક્યારેય કર્યો નથી કે તેમને ત્રાસ પણ આપ્યો નથી.

નતાલિયાએ કહ્યું હતું કે “હું અમેરિકા આવી ત્યારે છ વર્ષની હતી. હું માત્ર એટલું જાણું છું કે એક પરિવાર મને મળવા આવ્યો હતો અને તેમણે મને દત્તક લીધી હતી.”

નતાલિયાને ઠીંગણાપણાનો રોગ છે. અમેરિકા આવ્યા પછી તે અનેક પરિવારો સાથે રહી હતી, પરંતુ કોઈએ તેને દત્તક લીધી ન હતી, પરંતુ ફ્લોરિડામાં રહેતા ક્રિસ્ટીન તથા માઈકલ બર્નેટે તેને 2010માં દત્તક લીધી હતી.

બર્નેટ પરિવારને ટૂંક સમયમાં શંકા પડી હતી કે નતાલિયાની વય તેને કહેવા કરતાં ઘણી મોટી છે. તેમને એવું લાગ્યું હતું કે દત્તક લીધી ત્યારે નતાલિયાની વય 18-19 વર્ષની હશે, કારણ કે એ સમયે તે ઘણી સમજદાર હતી.

બર્નેટ પરિવારે બાદમાં જણાવ્યું હતું કે તેઓ નતાલિયાથી ડરતા હતા. તેમને એમ હતું કે નતાલિયા તેમના પરિવારને નુકસાન પહોંચાડશે. તેથી તેઓ નતાલિયાને છોડીને કેનેડા ચાલ્યા ગયા હતા.

ક્રિસ્ટીન અને માઈકલના હવે છૂટાછેડા થઈ ગયા છે. તેમના પર નાની વયની છોકરી સાથે દુર્વ્યવહારનો અને તેના પ્રત્યે દુર્લક્ષ સેવવાનો કેસ ચાલી રહ્યો છે.

નતાલિયાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “બર્નેટ પરિવારમાં આવ્યા પછી મને એવું લાગ્યું હતું કે મને એક યોગ્ય કુટુંબ મળ્યું છે. તેઓ મારી સંભાળ રાખશે.”

બર્નેટ પરિવારે દત્તક લીધા પહેલાં નતાલિયા જે પરિવાર સાથે રહેતી હતી ત્યાં તેણે બીજા બાળકને ઈજા કરી હતી. તેથી એ પરિવારે તેને પોતાના ઘરમાંથી કાઢીને સામાજિક સંસ્થામાં પાછી મોકલી આપી હતી.

ક્રિસ્ટીન બર્નેટે મીડિયાને જણાવ્યું હતું કે નતાલિયાએ અમારા આખો પરિવાર ઊંઘતો હોય ત્યારે બધાની છરી વડે હત્યા કરવાની ધમકી આપી હતી. નતાલિયાએ કોફીમાં બ્લીચ ભેળવીને અમને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો.

એક વખત તેણે ક્રિસ્ટીનને વીજળીના જીવંત તાર પર ધકેલવાનો પ્રયાસ કર્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ નતાલિયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

નતાલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “એક વખત રસોડું સાફ કરતી વખતે ક્રિસ્ટીનને એવું લાગ્યું હતું કે મેં કોફીમાં બ્લીચ નાખ્યું છે, પરંતુ તે ગેરસમજ હતી. મને ખરાબ સપનાં આવે ત્યારે જ હું તેમના બેડરૂમમાં જતી હતી.”

નતાલિયાએ એમ પણ જણાવ્યું હતું કે બર્નેટ પરિવારે તેને એકલી છોડી દીધી ત્યારે તે આઠ વર્ષની હતી અને એક વર્ષ સુધી એકલી રહી હતી. બર્નેટ પરિવાર જે ડબ્બાબંધ ભોજન લાવ્યો હતો તેનો આહાર કરીને તેણે જીવન ટકાવી રાખ્યુ હતું.

નતાલિયાએ એવો દાવો કર્યો હતો કે તેની વય 22 વર્ષ હોવાનું પોતે લોકોને જણાવ્યાનું ક્રિસ્ટીન બર્નેટે તેને કહ્યું હતું.

નતાલિયાએ સૌપ્રથમ ડૉ. ફિલ નામના અમેરિકન ટીવી ટોક-શો માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એ સમયે એન્ટોન અને સિન્થિયા માન્સ દંપતી તેની સાથે હતું. નતાલિયા છેલ્લા છ વર્ષથી માન્સ પરિવાર સાથે અમેરિકાના ઇન્ડિયાનામાં રહે છે.

માન્સ પરિવારનું કહેવું છે કે તેમને નતાલિયાથી કોઈ ખતરો નથી.

GREY LINE

નતાલિયાની વાસ્તવિક વય કેટલી છે?

આવો સવાલ જરૂર થાય, પરંતુ તેનો ચોક્કસ જવાબ કોઈ આપી શકતું નથી, કારણ કે નતાલિયાને દત્તક લેવાના દસ્તાવેજો કોર્ટે સીલ કર્યા છે. તેથી તેની ચોક્કસ વય વિશેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ હાલ જે માન્સ પરિવાર સાથે નતાલિયા રહે છે તેમણે (2019માં આપેલી મુલાકાતમાં) જણાવ્યું હતું કે તે 16 વર્ષની છે.

આ કિસ્સામાં બર્નેટ પરિવારના ફેમિલી ડૉક્ટરે (જેમનું નામ ક્યારેય જાહેર થયું નથી) લખેલો એક પત્ર મીડિયાના હાથમાં આવ્યો હતો. તેમાં ડૉક્ટરે લખ્યું હતું કે “નતાલિયાનું યુક્રેનિયન જન્મ પ્રમાણપત્ર નિશ્ચિત રીતે ખોટું છે. નતાલિયાની વય તેમાં જણાવ્યા કરતાં ખરેખર મોટી છે.”

બીજી તરફ માઈકલ બર્નેટના વકીલ જેમ્સ મેટ્ઝગરે બઝફીડ ન્યૂઝને કહ્યુ હતું કે “જે પુરાવા બહાર આવ્યા છે તેના પરથી મને ચોક્કસપણે લાગે છે કે નતાલિયા નાની છોકરી નથી. તેની વય 18થી વધુ વર્ષની છે.”

જોકે, કોર્ટમાં કેસ ચાલુ હોવાથી તેમણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટમાં કેસ પેન્ડિંગ છે, પણ આ બાબતે મીડિયા સાથે કોઈ વાતચીત કરવા સામે બર્નેટ્સ પરિવાર પર અદાલતે પ્રતિબંધ મૂક્યો છે.

નતાલિયા બર્નેટ પરિવારના ઘરમાં આવી ત્યારે ખરેખર નાની છોકરી હતી કે પછી વીસથી વધુ વર્ષની વયની યુવતી હતી તે સમજવામાં હજુ થોડો સમય લાગશે.

નાતાલિયા અમેરિકા બીબીસી ગુજરાતી
નતાલિયા અમેરિકા બીબીસી ગુજરાતી