‘દીકરીને હૉસ્પિટલ લઈ ગયા અને સરકારે કબજામાં લઈ લીધી’ : ગુજરાતી માતાની કહાણી

ઇમેજ સ્રોત, DHARA SHAH
- લેેખક, પ્રાજક્તા પોળ
- પદ, બીબીસી સંવાદદાતા
"મારી નાનકડી દીકરીએ, તેનાં માતા-પિતા હોવા છતાં એક અનાથની જેમ જીવન જીવવું પડે છે. હું બે વર્ષથી તેનાથી દૂર છું. તેને ભૂખ લાગતી હશે ત્યારે કોઈ ખવડાવતું હશે?"
"તેને કોણ સાચવતું હશે? સ્તનપાન માટે રડતી હતી ત્યારે તેને મારી પાસેથી ખેંચી લેવામાં આવી હતી."
"હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરીને પાછી લાવવામાં મદદ કરો."
ધારા શાહ તેમની અઢી વર્ષની દીકરી અરિહાને મળવા માટે તલપાપડ છે. જર્મન સરકારે છેલ્લાં દોઢ વર્ષથી અરિહાને બર્લિનના એક અનાથાલયમાં રાખી છે.
અરિહાનાં માતા ધારા અને પિતા ભાવેશ શાહ તેને પાછી લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ એ લડાઈ બે વર્ષથી ચાલુ છે.
અરિહાને માતા-પિતાથી અલગ કરીને અનાથાલયમાં શા માટે રાખવામાં આવી છે? વાસ્તવમાં શું થયું હતું?

ડૉક્ટર પાસે લઈ ગયાં અને...

ઇમેજ સ્રોત, DHARA SHAH
મૂળ અમદાવાદના ભાવેશ શાહ કામકાજ અર્થે જર્મનીમાં તેમનાં પત્ની સાથે રહેતા હતા. તેમની સાત મહિનાની દીકરી અરિહાને કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો.
સપ્ટેમ્બર, 2021માં ભાવેશ અને ધારા અરિહાને ડૉક્ટર પાસે લઈ ગયા હતા, કારણ કે તેની યોનિમાં રક્ત જોવા મળ્યું હતું. ડૉક્ટરે તેની સારવાર કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીજા દિવસે ફરી લોહી જોવા મળતાં ડૉક્ટરે તેમને મોટી હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.
ભાવેશ અને ધારાને ખબર ન હતી કે અરિહાને મોટી હૉસ્પિટલમાં લઈ જવાથી તે માતા-પિતાથી દૂર થઈ જશે.
અરિહાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાંના ડૉક્ટરે ચાઇલ્ડ પ્રોટેક્શન ટીમને જણાવ્યું હતું કે આ તો જાતીય શોષણનો કેસ છે. ચાઇલ્ડ પ્રોટેક્શન ટીમે તરત પગલાં લીધાં હતાં અને સાત મહિનાની અરિહાનો કબજો લઈને તેને બર્લિનના અનાથાલયમાં મોકલી આપી હતી.
ભાવેશ શાહ કહે છે, "કોઈ માતા-પિતા તેમની સાત મહિનાની દીકરીનું જાતીય શોષણ કરે? અરિહાના ઇલાજ માટે અમે પોતે તેને હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંંતુ અમારા પર આવો આરોપ મૂકવામાં આવ્યો હતો."
"ભારતથી દૂર રહેતા હોવાને કારણે આ પરિસ્થિતિથી અમને આઘાત લાગ્યો હતો."
એ ઉપરાંત ભાષાની સમસ્યા પણ હતી. ભાવેશ તથા ધારાએ એક પાકિસ્તાની અનુવાદક શોધી કાઢ્યો હતો.
તેની મારફત તેમણે જર્મન સત્તાવાળાઓ સમક્ષ હકીકત રજૂ કરી હતી, પરંતુ તેમને અરિહાનો કબજો મેળવવામાં તેમને નિષ્ફળતા મળી હતી.
એ પછી જર્મન સત્તાવાળાઓએ ભાવેશ અને ધારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એ કેસ પ્રત્યક્ષ લડવાને બદલે સરકારી વકીલ મારફત લડવામાં આવ્યો હતો.
અરિહાની કોઈ પણ રીતે જાતીય સતામણી ન થઈ હોવાનો રિપોર્ટ પાંચ મહિના પછી રજૂ કરવામાં આવ્યો હતો.
તેના કારણે ધારા અને ભાવેશને ક્લિનચીટ મળી હતી. ભાવેશ અને ધારાને આશા હતી ત્યાં સુધીમાં એક વર્ષની થઈ ગયેલી અરિહાનો કબજો ફરી તેમને મળશે, પરંતુ એવું બન્યું નહીં.

તમે માતા-પિતા બનવાને લાયક છો?
જર્મન સરકારના કાયદા મુજબ, "ધારા અને ભાવેશ પાસે પેરન્ટલ એબિલિટી રિપોર્ટની માગણી કરવામાં આવી હતી."
માતા-પિતા તેમના સંતાનની સંભાળ લેવાની પાત્રતા ધરાવે છે કે નહીં તેનું આ પ્રમાણપત્ર મનોચિકિત્સક દ્વારા આપવામાં આવે છે.
ધારા અને ભાવેશે એ પ્રમાણપત્ર મેળવવાની એક વર્ષની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
ધારા કહે છે, "મનોચિકિત્સક ઘણા અંગત સવાલો કરે છે. જેમ કે તમારો જન્મ ક્યાં થયો હતો? તમારા પરિવારમાં કોણ-કોણ છે?"
"તમારો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે? તમારા લગ્ન કેવી રીતે થયાં હતાં?"
"બાળકને જન્મ આપતા પહેલાં ઘરમાં તેના ઉછેર બાબતે કોઈ વિચાર કર્યો હતો? આવા અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા."
ધારા ઉમેરે છે, "જર્મનીમાં બાળકોને ટેબલ મેનર્સ શીખવવી જરૂરી હોય છે. શું ખાવું જોઈએ એ પણ બાળકને શીખવાડવું જરૂરી હોય છે. આવી અનેક બાબતની નોંધ કરવામાં આવી હતી."
ભાવેશ અને ધારાને મહિનામાં બે વખત અરિહાને મળવાની પરવાનગી આપવામાં આવી છે.
અરિહા સાથેની મુલાકાતને યાદ કરતાં ભાવેશ કહે છે, "અમે તેને જ્યારે મળીએ છીએ ત્યારે અમારો સંબંધ પહેલાં જેવો જ ગાઢ હોવાની અનુભૂતિ થાય છે. તેમાં કોઈ ફરક પડ્યો નથી."
"અમે તેને મળવા જવાની રાહ જોતાં હોઈએ છીએ. સવારે કંઈ પણ ખાતી નથી, પણ અમે જે લઈ જઈએ છીએ એ ખાવાનું તેને ગમે છે. ચાઈલ્ડ કેર સેન્ટરના લોકો પણ કહે છે કે અરિહાને ભારતીય ભોજન પસંદ છે."
"તે તમને સતત યાદ કરે છે. તમે કાલે આવશો એવું કહીએ ત્યારે અરિહા બહુ રાજી થાય છે."
પેરન્ટલ એબિલિટી રિપોર્ટ પ્રક્રિયા દરમિયાન મહિનાઓ સુધી અરિહા સાથેનો સંબંધ ચાલુ રહ્યો હોવા બાબતે જણાવવામાં આવ્યું હતું કે "લાંબો સમય દૂર રહ્યા પછી પણ છોકરી તેનાં માતા-પિતા સાથે પહેલાંની માફક જ ભાવનાત્મક રીતે જોડાયેલી છે."
ધારા શાહે જણાવ્યું હતું, "અન્ય લોકોની સાથે પણ તે ઝડપથી હળીમળી જાય છે. એ કારણે તેને અટૅચમેન્ટ ડિસઑર્ડર હોવાનું તારણ મનોચિકિત્સકે કાઢ્યું હતું,"
તેમણે સવાલ કર્યો હતો કે,"ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણાં સંતાનો શરૂઆતથી જ પરિવાર તથા સગા-સંબંધી સાથે રહેવાં ટેવાયેલાં હોય છે. એમાં અટૅચમેન્ટ ડિસઑર્ડર જેવું શું છે?"
એક વર્ષની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ, ભાવેશ અને ધારા શાહ અરિહાને અનેક બાબતો શીખવી ન શક્યા હોવાનું પેરન્ટલ એબિલિટી રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.
બાળકોને ભોજન પીરસવાનું શીખવવું જોઈએ. તેમને ગમે ત્યાં રમવા છોડવા ન જોઈએ, એવી અનેક બાબતો નોંધવામાં આવી હતી, પરંતુ રાહતદાયક વાત એ હતી કે માતા-પિતા પૈકીને એકને આ બધું પેરન્ટ ચાઇલ્ડ ફેસિલિટીમાં રાખીને શીખવી શકાય છે.
તેથી ધારા કે ભાવેશ બેમાંથી એકને અરિહા સાથે રહેવાની તક મળી શકે છે, પરંતુ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે. ચુકાદાનો આધાર તે રિપોર્ટ પર છે. જૂનના બીજા સપ્તાહમાં ચુકાદો અપેક્ષિત છે.

ભારત સરકારને વિનંતી
ધારા અને ભાવેશ શાહે અરિહાને ભારતમાં પેરન્ટ ચાઇલ્ડ ફેસિલિટીમાં લાવવાના પ્રયત્ન કરવાની વિનંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીબીસીના માધ્યમથી કરી છે. એ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેને વિદેશ મંત્રાલય પાસેથી મદદ મેળવવાની વિનંતી પણ કરી છે. તેમને આશા છે કે અરિહા ટૂંક સમયમાં તેનાં માતા-પિતા પાસે પાછી ફરશે.
મિસિસ ચેટરજી વર્સેસ નૉર્વે

ઇમેજ સ્રોત, Getty Images
દરેક કથાની શરૂઆતની માફક અહીં પણ એક સુખી કુટુંબ છે.
અનુપમ અને સાગરિકા ભટ્ટાચાર્ય પતિ-પત્ની છે. અનુપમ કામકાજ અર્થે 2007માં નૉર્વેં ગયા હતા.
સાથે પત્નીને પણ લઈ ગયા હતા. થોડાં વર્ષોમાં તેમને ત્યાં પુત્ર અભિજ્ઞાન અને પુત્રી ઐશ્વર્યનો જન્મ થયો હતો.
કેટલાક અહેવાલો મુજબ, "અભિજ્ઞાન બાળપણથી થોડો ઑટિસ્ટિક હતો. તેથી તેને એક બાળમંદિરમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ નૉર્વેના બાળકલ્યાણ વિભાગે ભટ્ટાચાર્ય દંપતી પર નજર રાખવાનું શરૂ કર્યું હતું."
"મે, 2011માં બાળકલ્યાણ વિભાગના અધિકારીઓ તેમના ઘરે આવ્યા હતા અને બન્ને બાળકોને માતાથી દૂર લઈ ગયાં હતાં."
ભટ્ટાચાર્ય દંપતી પર તેમના સંતાનો સાથે સારો વ્યવહાર ન કરવાનો, તેમનું શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
એ સમયના અહેવાલો અનુસાર, નૉર્વેના બાળકલ્યાણ વિભાગના અધિકારીઓએ આરોપ મૂક્યો હતો કે એ બાળકોને બળજબરીથી ખવડાવવામાં આવે છે, તેમને મોકળાશ આપવામાં આવતી નથી અને તેમને યોગ્ય વસ્ત્રો પહેરાવવામાં આવતાં નથી.
તેથી તેમને માતા-પિતા પાસેથી લઈ જવામાં આવ્યાં છે. બાળકોની સલામતી પર જોખમ હોવાનું અમને સમજાયા બાદ જ તેમને તેમનાં માતા-પિતાથી દૂર લઈ જવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ અનુપમ અને સાગરિકા એવું કહેતાં હતાં કે નૉર્વેના સત્તાવાળાઓએ, તેમને ભારતીય સંસ્કૃતિની જાણકારી ન હોવાથી આ પગલું ભર્યું છે.
તેમના મતે, બાળકો સાથે સારો વ્યવહાર ન કરવાનો, તેમનું શોષણ કરવાનો અર્થ "બાળકોને જમાડવા, તેમની બાજુમાં સૂવું અને તેમને ભારતીય વસ્ત્રો પહેરાવવાં" એવો હતો.
ભટ્ટાચાર્ય દંપતિ તેમનાં બાળકોને મારતા હોવાનો આક્ષેપ અધિકારીઓએ કર્યો ત્યારે સાગરિકાએ જણાવ્યું હતું કે એક વખત મેં બાળકોને હળવી ટપલી મારી હતી.
નૉર્વેના અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે સાગરિકાએ તેમની પુત્રી ઐશ્વર્યને ચોક્કસ સમયે સ્તનપાન કરાવવું જોઈએ. દિવસમાં ગમે ત્યારે સ્તનપાન કરાવવું તે બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
ઐશ્વર્યા રડતી ત્યારે સાગરિકા તેમને સ્તનપાન કરાવતાં હતાં. ભારતમાં આવી જ પદ્ધતિ છે. નાનાં બાળકોના કિસ્સામાં આવું જ કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના મોટાભાગના દેશોની તુલનાએ નૉર્વેમાં બાળસુરક્ષા સંબંધી કાયદાઓ બહુ જ કડક છે અને તેનો ચુસ્તીપૂર્વક અમલ કરવામાં આવે છે.
તેનો અર્થ એ છે કે તમે ભલે ગમે તે ધર્મ, જાતિ કે સંસ્કૃતિના હો, પરંતુ તમે નૉર્વેમાં હો તો તમને આ કાયદા લાગુ પડે છે. તમે તેનું પાલન નહીં કરો તો તમને સજા કરવામાં આવશે.
ત્રણ વર્ષનો પુત્ર તથા એક વર્ષની પુત્રી આ રીતે તેમનાંથી અલગ થઈ ગયાં હતાં, પરંતુ સાગરિકાએ તે કાયદા સામે કોર્ટમાં લડવાનો નિર્ણય કર્યો હતો.
અદાલતી લડાઈ લાંબી ચાલી હતી. એ દરમિયાન અનુપમ અને સાગરિકા વચ્ચે પણ મતભેદ સર્જાયા હતા.
તેથી સાગરિકાએ એકલપંડે અદાલતી લડાઈ ચાલુ રાખી હતી.
નૉર્વેના બાળકલ્યાણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાગરિકા માનસિક રીતે અસ્થિર છે અને સંતાનોની સંભાળ રાખી શકે તેમ નથી.
આ કિસ્સો ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ ગાજ્યો હતો.
ભારતીય મીડિયાએ તેને ‘સરકારી અપહરણ’ ગણાવ્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે એ સમયે જણાવ્યું હતું કે "ભારતીય માતા-પિતાને તેમનાં સંતાનોથી અલગ કરવામાં આવ્યાં હોવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવી ત્રણ ઘટના બની છે."
"વળી નૉર્વેનું ન્યાયતંત્ર કાયમ ત્યાંના બાળકલ્યાણ વિભાગની જ તરફેણ કરે છે અને સત્તાવાળાઓ મનફાવે તે કરે છે. પ્રત્યેક કેસમાં માતા-પિતાને મનોરોગી ઠેરવે છે."
આ કેસ બહુ ગાજ્યો અને ભારતમાં લોકો નારાજ થયા ત્યારે ભારત સરકારે પોતાના ખાસ પ્રતિનિધિને નૉર્વે મોકલ્યા હતા. ભારત સરકારે પણ આ મામલે મધ્યસ્થીના પ્રયાસ કર્યા હતા.
વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવક્તા સઈદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે વિશેષ દૂત મધુસૂદન ગણપતિ નૉર્વે ગયા છે અને તેઓ નૉર્વેના સમકક્ષ પ્રધાનો તથા અધિકારીઓને મળશે.
ભારત સરકારે આ મામલે પારસ્પરિક સહમતિ તથા શાંતિપૂર્ણ ઉકેલની આશા વ્યક્ત કરી હતી.
ભારત સરકારે નૉર્વે સરકારને એ પણ જણાવ્યું હતું કે "બાળકોને તેમનાં માતા-પિતાથી દૂર રાખવાથી તેમનો ભાષા તથા સંસ્કૃતિ સાથેનો સંબંધ તૂટી જાય છે. એ બાળકોને શક્ય તેટલા વહેલા ભારત પરત મોકલવાના પગલાં લેવા જરૂરી છે."
અનુપમ તથા સાગરિકાના ભારતમાંના સગા-સંબંધીઓએ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને મળ્યા હતા અને આ મામલે તેમની દરમિયાનગીરીની માગ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, થોડા સમય પછી ભારત સરકારે આ મામલે મધ્યસ્થીના પ્રયાસ બંધ કર્યા હતા. એ વખતે અનુપમ તથા સાગરિકા વચ્ચે મતભેદ હોવાનું બહાર આવ્યું હતું.
તે સમયે ભારત સરકારે કહ્યું હતું કે "મતભેદ એ પતિ-પત્ની વચ્ચેનો અંગત મામલો છે. અમે બાળકોની કસ્ટડી વિશેના કોર્ટના નિર્ણય પર નજર રાખી રહ્યા છીએ."
કોર્ટમાં લાંબા સમયથી ચાલતા કેસ, તેમાં ભારત સરકારની આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નૉર્વેની અદાલતે બન્ને બાળકોને ભારતમાં તેમના કાકા પાસે મોકલવાનો નિર્ણય આખરે લીધો હતો.
બન્ને બાળકોની કસ્ટડી તેમના કાકાને આપવામાં આવી હતી.
એ પૂર્વે અધિકારીઓની દેખરેખ હેઠળ માતા-પિતાને તેમનાં સંતાનોને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
નૉર્વેના બાળઅધિકાર વિભાગે કહ્યું હતું કે "અમે બાળકોના કાકા સાથે વાત કરી છે. અમને લાગે છે કે બાળકોની કસ્ટડી તેમના કાકાને આપવી જોઈએ. એ વિશેની દસ્તાવેજી કામગીરી અમે પૂર્ણ કરી રહ્યા છીએ."
ભારતે એ બાળકોને સ્વદેશ મોકલી આપવાની માગણી અગાઉ જ કરી હતી.
બાળકોને ભારત મોકલવામાં આવ્યા પછી પણ પોતાનાં સંતાનોની કસ્ટડી માટેની સાગરિકાની લડત ચાલુ રહી હતી. તેમણે ભારતીય અદાલતમાં ન્યાય મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
બાળકો ભારત આવ્યાં પછી સાગરિકા પણ ભારત પરત આવ્યાં હતાં. એ વખતે અનુપમ અને સાગરિકા અલગ થઈ ગયાં હતાં.
પશ્ચિમ બંગાળમાં પોતાના ઘરે પાછા ફર્યાં બાદ સાગરિકાએ બુરવદાન બાળ કલ્યાણ સમિતિ સમક્ષ તેમનાં બાળકોની કસ્ટડીની માગણી કરી હતી.
સમિતિએ સાગરિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. છતાં બાળકોનો કબજો સાગરિકાને મળ્યો ન હતો.
પોલીસે સહકાર ન આપ્યો હોવાનો અને બાળકોના કાકા તથા દાદાએ બાળકોનો કબજો ન આપ્યો હોવાનો આક્ષેપ સાગરિકાએ કર્યો હતો.
સાગરિકા પાસેથી તેમનાં સંતાનો છીનવી લેવાયાને ત્યાં સુધીમાં બે વર્ષ થઈ ગયાં હતાં.
સાગરિકાએ ફરી કોલકાતા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોલકાતા હાઈકોર્ટે 2013માં સાગરિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ‘મિસિસ ચેટરજી વર્સેસ નૉર્વે’ ફિલ્મ આ કેસ પર આધારિત છે.














