ગુજરાતનાં બે મહિલા પોલીસકર્મીની એકબીજા સાથે પ્રેમ અને લગ્ન સુધીની કહાણી

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP via Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું અને કંચન પહેલીવાર પોલીસતાલીમમાં મળ્યાં ત્યારે અમને ખબર પણ નહોતી કે અમે પ્રેમમાં પડીશું અને લગ્ન પણ કરી લઈશું. સમય જતાં અમે એકબીજાના પ્રેમમાં પડી ગયાં અને જીવનભર સાથે રહેવાના કોલ લીધા. ત્રણ વર્ષ સુધી એકબીજાને સમજ્યાં અને લગ્ન કર્યાં પણ અમે બંને છોકરીઓ છીએ એટલે અમારાં ઘરના લોકો નારાજ હતા. અમને ધમકીઓ આપતા. અમે છેવટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી કે અમને પોલીસરક્ષણ આપો."
આ શબ્દો છે ગુજરાતમાં સજાતીય લગ્ન કરનારાં બે મહિલા પોલીસ કૉન્સ્ટેબલના.
ગુજરાતના મહીસાગર જિલ્લાના એક નાનકડા પોલીસ સ્ટેશનમાં કામ કરતાં આ બન્ને મહિલા પોલીસ કૉન્સ્ટેબલોની જિંદગી અજબની છે.
આ બંને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં ગામોમાંથી આવે છે. ગામમાં એમણે પુરુષોનું વર્ચસ્વ જ જોયું હતું. ત્યારથી એમણે વિચાર્યું કે પુરુષો કરે એવું કામ મહિલા કેમ ના કરી શકે? એટલે એમણે નાનપણથી પોલીસવિભાગમાં જવાનું નક્કી કર્યું. બન્નેએ ખૂબ મહેનત કરી અને પોલીસકર્મી બન્યાં પણ ખરાં.
સંતરામપુરનાં છેવાડાનાં ગામથી આવતાં પાયલ અને સૌરાષ્ટ્રનાં છેવાડાનાં ગામમાંથી આવતાં કંચન પોલીસની નોકરીમાં જોડાયાં સુધી એકબીજાથી અજાણ હતાં.

તાલીમમાં થઈ મુલાકાત

એમની તાલીમ વર્ષ 2017માં સુરતમાં હતી ત્યારે બીજી મહિલાઓની સાથે તેઓ બંને પણ ટ્રેનિંગમાં આવ્યાં હતાં. શરૂઆતમાં બંનેને ગામડાંનાં ગણી બીજાં કર્મીઓ તેમની નજીક આવતાં અચકાતાં.
બન્નેને તાલીમ દરમિયાન એક જ ઓરડો મળ્યો હતો. દિવસભરની તાલીમ બાદ બન્ને રૂમમાં ભેગાં થતાં અને એ રીતે ધીમેધીમે બંનેની દોસ્તી થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એકબીજાનાં પરિચય અંગે વાત કરતાં પાયલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,
"તાલીમ દરમિયાન રાત્રે અમે ભેગાં થતાં ત્યારે એકબીજાનાં શોખની, પસંદ- નાપસંદની વાતો કરતાં. એમાં અમે બંને સારા મિત્રો બની ગયાં. કંચન મારી કાળજી રાખતી અને હું એની કાળજી રાખતી. એ વખતે અમને એકબીજા માટે કોઈ આકર્ષણ નહોતું, માત્ર દોસ્તી હતી."
"એ મારાં કપડાં ધોઈ આપે તો હું રસોઈ કરી નાખું. એમ દોસ્તી ગાઢ બનતી ગઈ. તાલીમ પછી અમે એકબીજાને મળતાં રહેવાનું નક્કી કર્યું. અને એકબીજાને ફોનનંબરની આપ-લે કરી. તાલીમ પૂરી થઈ અને પોસ્ટિંગ થવાનું હતું, અમે બંને પ્રાર્થના કરતાં હતાં કે અમારું પોસ્ટિંગ એક જ ગામમાં થાય તો સારું અને બન્નેનું સુરતમાં પોસ્ટિંગ થયું."

સુરતમાં થયો પ્રેમ

વાતમાં વચ્ચેથી જ જોડાઈને કંચને ઉમેર્યું, "અમે બંનેએ એક જ કવાર્ટરમાં રહેવાનું નક્કી કર્યું. જો એની નાઇટ ડ્યૂટી હોય તો હું ઘરનું બધું કામ સાંભળું અને મારી નાઈટ ડ્યૂટી હોય તો એ ઘરનું બધું કામ સાંભળી લેતી."
"એક દિવસ અમે વાત-વાતમાં પુરુષો વિષે વાત કરતાં હતાં ત્યારે પાયલે કહ્યું કે આપણને નાનપણથી શિખવાડવામાં આવ્યું છે કે પુરુષ વગર ન જિવાય. પણ આપણે તો પુરુષ વગર જીવી શકીએ છીએ. આપણે બંને સ્ત્રી હોવા છતાં એકબીજાનો સહારો બની શકીએ છીએ. મને પણ વાતમાં દમ લાગ્યો કારણ કે અમે બંનેએ સમાજમાં નાનપણથી પુરુષોની જોહુકમી જોઈ હતી."
"રાત્રે બહાર નહીં નીકળવાનું, અમુક કપડાં પહેરવાનાં તો અમુક નહીં પહરેવાનાં. કેટલીય છૂટાછેડા લીધેલી બહેનોને અમે જોઈ હતી, જેઓ એકલું જીવન જીવતી હતી. અમને થયું કે લગ્ન નથી કરવાં, એકબીજાના સહારે જીવીશું, એકલાં જીવીશું. મારા ઘરેથી લગ્ન કરવા માટે દબાણ થતું હતું."
"એક દિવસ મેં પાયલ ને વાત કરી. એણે કહ્યું કે થનારા પતિ જોડે નાઇટ ડ્યૂટીની વાત કર. પોલીસની નોકરીની વાત કર અને એ છોકરાએ ના પાડી દીધી. આવુ જ એની સાથે પણ થયું હતું. અમે અમારાં કામથી સુખી હતાં. અમારા માટે અમારી દુનિયા ધીમે-ધીમે સંકોચાઈને એકબીજા પૂરતી સીમિત બનવા લાગી હતી. અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં."
"વર્ષ 2017ના ડિસેમ્બરમાં નવવર્ષના અભિનંદન પાઠવતી વખથે અમે પહેલીવાર એકબીજાને ભેટ્યાં અને કોઈ અલગ જ આનંદ અનુભવ્યો. દિલનાં ઊંડાણથી એક સંતોષ થયો. અમારું એ પહેલું આલિંગન હતું. અમે પહેલાં મનથી નજીક હતાં અને હવે તનથી પણ નજીક આવી ગયાં હતાં."

ઘરમાં હોબાળો
પાયલે વાતચીતમાં કહ્યું, "લોકો અમારા વિશે એ વખતે બહુ વાતો કરતા નહોતા. પોલીસ ક્વાર્ટરમાં પણ અમારી બહુ ચર્ચા થતી નહોતી. પણ મેં લગ્નની ના પાડવાનું શરૂ કર્યું એટલે અમારા ઘરમાંથી દબાણ આવવાનું શરૂ થયું અને અમારા પર વૉચ રાખવામાં આવી."
"આ અરસામાં અમારી બંનેની બદલી નવા બનેલા મહીસાગર જિલ્લામાં થઈ. મેં કંચનને કહ્યું કે જો આપણે પુરુષ વગર જીવી શકીએ છીએ અને આપણે સ્ત્રી તરીકે એકબીજાની લાગણીને વધારે સારી રીતે સમજીએ છીએ તો આપણે સાથે જીવવા-મરવાના કોલ કેમ ના લઈએ? એમ કહી ને મેં એને પ્રપોઝ કર્યું. કંચન માની ગઈ. ત્યારથી અમે પતિ-પત્નીની જેમ સાથે રહીએ છીએ."
"પોલીસ કવાર્ટરમાં અમારા સંબંધોની ખબર પડી ગઈ. કંચને એના ઘરે વાત કરી લીધી. એના ઘરમાં મોટો હોબાળો થયો. એના કુટુંબમાં એના પિતા માટે એની દીકરી કરતાં સમાજમાં મોટું નામ હોવું અગત્યનું છે. દીકરીની લાગણીઓની એમને કંઈ પડી નથી. એના પિતાએ મારા ઘરે જઇને ઝઘડો કર્યો. વાત વણસી ગઈ અને મારા ઘરમાંથી પણ વિરોધ શરૂ થઈ ગયો."

મૈત્રી કરાર

"અમને ખબર હતી કે વર્ષ 2018માં સજાતીય લગ્નને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે એટલે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. અમારાં બંનેનાં ઘરનાં લોકોનો વિરોધ જોઈ અમે 10 જૂને કોર્ટમાં મૈત્રીકરાર કરી લીધો."
કંચન કહે છે, "મારા ઘરનાં લોકોએ માની લીધું કે હું હવે પરત નહીં આવું એટલે એમણે મને પરેશાન કરવાનું ઓછું કર્યું. ફોન પર ગુસ્સો કરીને વાત કરતા પણ બીજી કોઈ ધાકધમકી આપતા નહોતા. પણ પાયલના ઘરવાળાઓએ એનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. એને ધમકાવતા હતા. ઘરના લોકો સામે કેવી રીતે લડવું?"
"પણ એમણે અમને બદનામ કરવાનું, વારંવાર ઝઘડો કરવાનું શરૂ કર્યું. અમે છેવટે પોલીસમાં મદદ માગી અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. કોર્ટે અમને રક્ષણ આપવાના આદેશ આપ્યા છે એટલે હવે શાંતિ છે. અમે કોરોના પતે એટલે રજા મૂકીને દક્ષિણ ભારતમાં હનીમૂન પર જઈશું."

અનાથ બાળકને દત્તક લઈ ઉછેરીશું

ઇમેજ સ્રોત, Manjunath Kiran/AFP via Getty Images
પાયલે જણાવે, "ભલે અમે સજાતીય લગ્ન કર્યાં પણ સમય જતાં એક બાળક દત્તક લઈ એને ઉછેરીશું. અત્યારે અમારી ઉંમર 24 વર્ષ છે. થોડી બચત કરી અનાથ બાળકને દત્તક લઈશું અને એને ભણાવીશું."
ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ લડી રહેલા પાયલ અને કંચનના વકીલ પી.પી. મજમુદાર જણાવે છે :
"ગુજરાતમાં આ પ્રકારે સજાતીય લગ્ન કરીને જાહેરમાં આવનારી આ બંને મહિલા કૉન્સ્ટેબલની કોર્ટમાં અરજી કરી ત્યારે માનસિક તણાવ ખૂબ હતો, કારણ કે એમની માતા-પિતા પ્રત્યેની લાગણી ઓછી નહોતી. ઘરનાં લોકો સામે લડવાનું હતું પણ હવે હાઈકોર્ટનો આ બંને મહિલાઓને રક્ષણ આપવાનો ઑર્ડર આવ્યા પછી કદાચ એમનાં પરિવારજનો પણ સમજી શકશે કે એમણે કોઈ ગેરકાયદે કામ નથી કર્યું. આમ એમને રાહત પણ મળશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













