કોરોના વાઇરસ વૅક્સિન : આખી દુનિયાને ઇંતેજાર છે પણ હજી કેટલી વાર છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શું તમને ખ્યાલ છે કે દુનિયામાં પહેલી સૌથી ઝડપી વૅક્સિન કંઈ બિમારીની શોધવામાં આવી હતી. ટાઇમ મૅગેઝિન પ્રમાણે તે મમ્પસની બિમારીની હતી, જેની રસી તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને ચાર વર્ષનો સમય લાગ્યો હતો.
પરંતુ કોરોના મહામારી જે ઝડપથી ફેલાઈ રહી છે અને જે ઝડપે લોકોના જીવ લઈ રહી છે, તેને જોતાં તેની વૅક્સિન વિક્સિત કરવાનું કામ ઐતિહાસિક રીતે ખૂબ ઝડપે ચાલી રહ્યું છે.
આ સમયે કોરોના મહામારી સામે દુનિયાભરમાં વૅક્સિન વિક્સિત કરવાની લગભગ 23 યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.
પરંતુ આમાંથી કેટલાંકના જ ટ્રાયલ ત્રીજા અને અંતિમ ચરણમાં પહોંચી ગયા છે અને હાલ સુધી કોઈપણ વૅક્સિન સંપૂર્ણ રીતે સફળ થવાની રાહ જોવામાં આવી રહી છે.
આમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી, મોડેરના ફાર્માસ્યુટિકલ્સ, ચીનની દવા કંપની સિનોવૈક બાયૉટેકના વૅક્સિન ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ મહત્ત્વના છે.
આવો આપણે જાણીએ કે આમાંથી કંઈ રસી ક્યા ચરણમાં છે.

ઑક્સફર્ડ કોવિડ વૅક્સિન

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્સફર્ડ યુનિવર્ટીના વૅક્સિનના પ્રૉજેક્ટમાં સ્વીડનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાનો પણ સામેલ છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ વૅક્સિનના ટ્રાયલનું કામ દુનિયાના વિવિધ દેશમાં ચાલી રહ્યું છે.
મે મહિનામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા વિશ્વનાથને ઑક્સફર્ડના પ્રૉજેક્ટને દુનિયાનો સૌથી એડવાન્સ કોવિડ વૅક્સિન કહ્યો હતો. ઇંગ્લેન્ડમાં એપ્રિલ મહિના દરમિયાન આ વૅક્સિનના પ્રૉજેક્ટના પહેલાં અને બીજા તબક્કાના ટ્રાયલ પર એકસાથે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
8 થી 55 વર્ષના એક હજારથી વધારે વોલંટીઅર પર કરવામાં આવેલા ટ્રાયલમાં વૅક્સિનની સુરક્ષા અને લોકોની પ્રતિરોધક ક્ષમતાની તપાસ કરવામાં આવી હતી. ઑક્સફર્ડ યુનિવર્સિટીનો આ વૅક્સિન પ્રૉજેક્ટ હવે ટ્રાયલ અને ડેવલપમૅન્ટના ત્રીજા અને છેલ્લાં ચરણમાં છે.
ઑક્સફર્ડની કોવિડ વૅક્સિન ટ્રાયલના આ તબક્કામાં કદાચ 50 હજાર વોલંટીઅર સામેલ થવાની સંભાવના છે. દક્ષિણ આફ્રિકા, અમેરિકા, બ્રિટન અને બ્રાઝિલ જેવા દેશ ટ્રાયલના છેલ્લાં તબક્કામાં ભાગ લઈ રહ્યા છે.
ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પણ ઑક્સફર્ડની કોવિડ વૅક્સિનના ભારતમાં મનુષ્ય પર પરીક્ષણ કરવાની સરકાર પાસે મંજૂરી માગી છે.
જો છેલ્લાં તબક્કાના પરિણામો હકારાત્મક રહ્યા, તો ઑક્સફર્ડ યુનિવર્સિટીની રિસર્ચ ટીમ વર્ષના અંત સુધીમાં બ્રિટનની નિયામક સંસ્થા ‘મેડિસિન્સ ઍન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી’ (એમએચઆરએ)ની પાસે રજિસ્ટ્રેશન માટે વર્ષના અંત સુધીમાં આવેદન આપશે.

મોડેરના કોવિડ વૅક્સિન

ઇમેજ સ્રોત, Reuters
માનવામાં આવી રહ્યું છે કે મોડેરના વૅક્સિન પ્રૉજેક્ટ પોતાના છેલ્લાં ચરણની શરૂઆતના તબક્કામાં છે. મોડેરના ટ્રાયલના આ ચરણમાં 30 હજાર લોકો પર આ વૅક્સિનનું પરીક્ષણ કરાશે. બોસ્ટનની આ કંપનીએ સોમવારે આની જાણકારી આપી.
નિષ્ણાતોનું કહેવું છે કે આટલા મોટા પ્રમાણમાં કોઈપણ નવી પ્રોડ્કટનું પરીક્ષણ ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે તે નિયામક સંસ્થા પાસે મંજૂરી માટે દાખલ કરી શકવાના છેલ્લાં તબક્કામાં હોય. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના વાઇરસ માટે તેને હાલનો સૌથી ઝડપી વૅક્સિન પ્રૉજેક્ટ કહ્યો છે.
મોડેરનાના ક્લિનિક્લ ટ્રાયલમાં અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ હેલ્થ (એનઆઈએચ) પણ સામેલ છે. એનઆઈએચના ડિરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સનું કહેવું છે કે વર્ષ 2020ના અંત સુધીમાં વૅક્સિન બનાવી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મોડેરનાના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીફન બાંસેલે કહ્યું, “મને આશા છે કે મોડેરનાની વૅક્સિન અમેરિકાની એજન્સી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનના માપદંડ પર 75 ટકા જેટલી ખરી ઉતરશે. અમને આશા છે કે ટ્રાયલમાં અમારી વૅક્સિન કોરોનાને રોકવામાં સફળ રહેશે. અને આનાથી અમે મહામારીને ખતમ કરી શકીશું.”
કોવિડ-19ની બીમારી માટે જવાબદાર વાઇરસ Sars-Cov-2ની જેનેટિક સંરચનાને મેળવવામાં મોડેરનાને માત્ર 42 દિવસ લાગ્યા હતા. મોડેરના વૅક્સિનના પહેલા તબક્કાના આંકડા હકારાત્મક જોવા મળ્યા હતા અને બીજા ચરણમાં આંકડા ઑગસ્ટના અંત સુધી સપ્ટેમ્બરમાં જાહેર થવાની આશા છે.

ચીનની કોવિડ વૅક્સિન

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની ખાનગી ફાર્મા કંપની સિનોવૈક બાયૉટેક જે કોવિડ વૅક્સિન પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે, તે ટ્રાયલના ત્રીજા અને છેલ્લાં તબક્કામાં પહોંચ્યો છે. સરકારી મંજૂરી પહેલા કોઈપણ વૅક્સિને માણસો પરના પ્રયોગોમાં યોગ્ય સાબિત થવું પડશે.
મોડેરના અને ઑક્સફર્ડ પછી ટ્રાયલના છેલ્લા તબક્કામાં પહોંચનારો આ દુનિયાનો ત્રીજો વૅક્સિન ડેવલપમૅન્ટ પ્રૉજેક્ટ છે. CoronaVac નામની આ વૅક્સિનનું પરીક્ષણ હાલમાં બ્રાઝિલમાં નવ હજાર વોલિઅંટર પર ચાલી રહ્યો છે.
કોરોના મહામારી માટે જે ઝડપે વૅક્સિન ડેવલપમૅન્ટનું કામ ચાલી રહ્યું છે, તેને જોતા એવું કહી શકાય છે કે જો તમામ વસ્તુઓ યોગ્ય દિશામાં રહી તો આગામી વર્ષની શરૂઆત સુધી સિનોવૈક બાયૉટેકની વૅક્સિન સરકારની મંજૂરી માટે તૈયાર થઈ શકે છે.
વર્ષ 2002-03ની વચ્ચે જ્યારે સાર્સની મહામારી ફેલાઈ હતી, આનાથી દુનિયામાં 774 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે સિનોવૅકે પહેલાં તબક્કાના ટ્રાયલ શરૂ કર્યા હતા પરંતુ તે મહામારી અચાનક ખતમ થઈ ગઈ. જોકે ત્યારે કંપનીએ વૅક્સિન પ્રૉજેક્ટ બંધ કરતા તેને ઘણું મોટું નુકશાન થયું હતું, પરંતુ આ સંપૂર્ણ યોજના બેકાર નથી ગઈ.
17 વર્ષ પછી જ્યારે કોરોના વાઇરસની મહામારી દુનિયાની સામે આવી, તો સિનોવૈકે પોતાના જૂના સંશોધનનને ફરીથી શરૂ કર્યું, કારણ કે કોરોના વાઇરસ સાર્સ મહામારી સમાન છે.

ભારત બાયૉટેકની કોવૅક્સિન

ઇમેજ સ્રોત, Getty Images
હાલના સમયમાં ભારતમાં માત્ર બે વૅક્સિન પ્રૉજેક્ટને માનવીઓ પર પરીક્ષણની મંજૂરી આપવામાં આવી છે. ફાર્મા કંપની ભારત બાયૉટેકની કોવૅક્સિન આમાંથી એક છે.
બીજો વૅક્સિન પ્રૉજેક્ટ ઝાયડ્સ કેડિલા હેલ્થકેર લિમિટેડનો છે.
કોવૅક્સિનના ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં સરકારી એજન્સી ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજિ પણ સામેલ છે.
આના માનવીય પરીક્ષણ માટે દેશભરમાં 12 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ સામેલ છે.
આઈસીએમઆરના ડિરેક્ટર ડૉક્ટર બલરામ ભાર્ગવે ગત દિવસોમાં આ 12 સંસ્થાઓના પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર્સને કોવૅક્સિનના માનવીય પરીક્ષણના ક્લિનિકલ ટ્રાયલની ઝડપ વધારવા માટેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલી પ્રાથમિક્તાવાળી યોજનામાંથી એક છે, જેના પર સરકાર ઉચ્ચ સ્તરેથી ધ્યાન રાખી રહી છે.

ફાઇઝર અને બાયૉએનટેકની વૅક્સિન

ઇમેજ સ્રોત, PA Media
અમેરિકાની ફાર્મા કંપની ‘ફાઈઝર’ અને જર્મનીની કંપની ‘બાયૉએનટેક’ મળીને એક કોવિડ વૅક્સિન પ્રૉજેક્ટ BNT162b2 પર કામ કરી રહી છે. સોમવારે બંને કંપનીઓએ ભેગા થઈને જાહેર કરેલાં એક નિવેદનમાં કહ્યું કે વૅક્સિન પ્રૉજેક્ટ માનવ પર પરીક્ષણના છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે.
જો આ પરીક્ષણ સફળ રહેશે, તો ઑક્ટોબરના અંત સુધીમાં સરકારની મંજૂરી માટે આવેદન કરી શકશે. કંપનીની આ યોજના વર્ષ 2020ના છેલ્લા તબક્કામાં વૅક્સિનની 10 કરોડ અને વર્ષ 2021ના અંત સુધી 1.3 અરબની ઘટને સુનિશ્ચિત કરવાની છે.
પ્રતિરોધક ક્ષમતા વધારવાનો દાવો કરનારી આ વૅક્સિનના બે ડોઝ આપવામાં આવશે. દુનિયામાં 120 જગ્યા પર ટ્રાયલ ચાલી રહ્યા છે. અને આમાં 30 હજાર વોલિઅંટર સામેલ થવાની સંભાવના છે.
અમેરિકાની સરકારે ફાઈઝરની સાથે દસ કરોડ ડોઝ ખરીદવાનો કરાર પહેલાંથી જ કરીને રાખ્યો છે. કરાર હેઠળ જરૂર પડે તો 50 કરોડ ડોઝની આપૂર્તિ પણ કરવામાં આવશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












