જયેશ પટેલ ભાજપમાં સામેલ, શું દક્ષિણ ગુજરાતના રાજકારણને કોઈ અસર કરશે?

ઇમેજ સ્રોત, CR Patil Social
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સોમવારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ખેડૂત સમાજ ગુજરાતના જયેશ પટેલ (દેલાડ) અને વસંત પટેલ પાર્ટીમાં સામેલ થઈ ગયા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યા બાદ આ તેમનું પહેલું 'ઑપરેશન' હતું.
પાટીલના કહેવા પ્રમાણે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓથી આકર્ષાઈને તેઓ ભાજપમાં જોડાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોએ આંદોલન હાથ ધર્યું હતું અને પટેલ તેના અગ્રણી નેતાઓમાંથી એક હતા.
આથી અમુક રાજકીય વિશ્લેષકો માટે ચોંકાવનારું નહીં તો આશ્ચર્યજનક હતું.
પટેલનું કહેવું છે કે ભાજપમાં સામેલ થયા બાદ પણ ખેડૂતોને વ્યાજબી વળતર માટેની ચળવળ ચાલુ રહેશે.

સહકાર, પટેલ અને પરિવર્તન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પટેલ દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીના વરિષ્ઠ ડિયરેક્ટરોમાંથી એક છે અને 20 વર્ષથી આ પદ ઉપર છે.
આ સિવાય તેઓ 'ઓલપાડ ચોર્યાસી ખરીદ-વેચાણ સંઘ' તથા 'પરષોત્તમ ફાર્મર્સ મંડળ' સાથે પણ જોડાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપમાં જોડાયા બાદ બીબીસી ગુજરાતીના સંવાદદાતા જયદીપ વસંત સાથે વાત કરતાં દેલાડે કહ્યું, "20 વર્ષથી અમે ખેડૂતો માટે લડત કરી રહ્યા હતા, છતાં અનેક સમસ્યાઓનો ઉકેલ આવતો ન હતો."
"એવું લાગે છે કે આંદોલન કરતાં સંવાદથી ઉકેલી શકાય છે. મારા ભાજપમાં સામેલ થવાથી ખેડૂતો અને સહકારક્ષેત્રને લાભ થશે."
'સુમુલ' ડેરી ઔપચારિક રીતે 'સુરત ડિસ્ટ્રિક્ટ કૉ-ઑપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન' તરીકે ઓળખાય છે અને તે ઔપચારિક રીતે બે લાખ 47 હજાર સભ્ય ધરાવે છે.
દક્ષિણ ગુજરાતના રાજકારણ ઉપર નજીકથી નજર રાખનારા પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિયના કહેવા પ્રમાણે, "જયેશ પટેલ ખેડૂતઆગેવાનની સાથે સહકારીનેતા પણ છે, એટલે 'સુમુલ' ડેરી તથા સહકારીક્ષેત્રમાં નવાજૂની થઈ શકે છે. હાલ ડેરીમાં ભાજપનું પરિવર્તન કરનાર સમૂહ તથા જયેશ પટેલ વર્ષોથી આમને-સામને છે."
"હવે પટેલ ભાજપમાં સામેલ થયા છે, ત્યારે ડેરીમાં પાર્ટીની જ બે આંતરિક ધરી રચાશે."
ક્ષત્રિય માને છે કે પટેલના ભાજપમાં સામેલ થવાથી 'સુમુલ' ડેરીની આગામી ચૂંટણીમાં ફેર પડશે, પરંતુ બુલેટ ટ્રેન વિરુદ્ધના ખેડૂતોના આંદોલનને તેની કોઈ અસર નહીં થાય.
જયેશ પટેલ વિરુદ્ધ જયેશ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images
જયેશ પટેલ ભાજપમાં જોડાયા તે પહેલાં તેમણે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેના બુલેટ ટ્રેનમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જમીન કપાત અને વળતરનો 'ખેડૂત સમાજ ગુજરાત'ના નેજા હેઠળ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના કહેવા પ્રમાણે, "બુલેટ ટ્રેન સામેની ચળવળ હોય, નહેર, ખાતર કે બિયારણ, જયેશ પટેલે અવાજ ઉઠાવ્યો છે, પરંતુ હવે સરકારમાં સામેલ થયા બાદ તેઓ અગાઉની જેમ અવાજ ઉઠાવી શકશે કે કેમ તે સવાલ છે. ખેડૂતોને માટે એક બોલતો નેતા ઓછો થયો છે."
તેઓ ઉમેરે છે કે પટેલ એ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના 'આવેદનપત્રથી માંડીને આંદોલન'ના નેતા છે.
ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ (પાલ)ના કહેવા પ્રમાણે, "જયેશ પટેલ (દેલાડ) ભાજપમાં જોડાયાએ તેમનો અંગત નિર્ણય છે અને દુખદ છે. દેશ-ગુજરાતમાં ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી થયું."
"સંગઠન એ કોઈ વ્યક્તિથી નહીં, પરંતુ સભ્યોથી ચાલતું હોય છે."
"ખેડૂતો અને આગેવાનો 'ખેડૂત સમાજ'ની પ્રવૃત્તિમાં વિશ્વાસ વ્યક્ત કરે છે અને હજુ પણ મક્કમ રીતે પ્રવૃત્તિઓને આગળ વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે."
કૃષક સંગઠન 'ખેડૂત સમાજ ગુજરાત'ના દક્ષિણ ગુજરાત પ્રમુખ જયેશ પટેલ છે અને તેઓ ગુજરાતના સાયન તાલુકાના દેલાડ ગામના હોવાથી તેમના નામ સાથે 'દેલાડ' જોડાઈ ગયું છે અને તેઓ જયેશ દેલાડ તરીકે પણ ઓળખાય છે.
જ્યારે પ્રમુખ જયેશ પાલ તરીકે પણ ઓળખાય છે.

ઇમેજ સ્રોત, T G Patel
જયેશ પટેલ (દેલાડ)ના કહેવા પ્રમાણે, "ગુજરાતના મુખ્ય પ્રધાન તથા મહેસુલપ્રધાનને રજૂઆત બાદ ઓલપાડ તાલુકાના પાંચ ગામની જંતરી સો રુપિયાથી પણ ઓછી હતી, જે સાતસો રુપિયા કરતાં વધી જવા પામી છે."
"આગામી સમયમાં વલસાડ અને નવસારીના ખેડૂતોને પણ વધુ જંતરી મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે."
"આગામી દિવસોમાં પણ જ્યારે ક્યારેય ખેડૂતોને જરૂર પડશે, ત્યારે તેમની પડખે રહીશ."
જયેશ પટેલ (પાલ)ની 'વ્યક્તિગત લાભ'વાળા સવાલ ઉપર જયેશ પટેલ (દેલાડ)એ કોઈ પ્રતિક્રિયા ન આપવાનું વલણ દાખવ્યું હતું.
સાથે ઉમેર્યું હતું કે સંગઠનનો નિયમ છે કે કોઈ હોદ્દેદાર રાજકીયપક્ષ સાથે જોડાઈ ન શકે, એટલે તેમણે રાજીનામું આપ્યું છે.
પાટીલ, પટેલ અને પ્રભાવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગત સપ્તાહે નવસારીની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય ચંદ્રકાંત રઘુનાથ (સી.આર.) પાટીલે પદભાર સંભાળ્યો હતો. તેમણે જયેશ પટેલ (દેલાડ) તથા વસંત પટેલના જોડાવા વિશે કહ્યું :
"વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મજબૂત, નિર્ણાયક અને પ્રજાભિમુખ નેતૃત્વથી પ્રેરાઈને જયેશભાઈ પટેલ અને વસંતભાઈ પટેલ ભાજપમાં જોડાયા છે."
"તેઓ કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારોની ખેડૂતલક્ષી યોજનાઓને વધુ અસરકારક રીતે જનતા વચ્ચે લઈ જઈ લાભાર્થીઓને વધુમાં વધુ લાભ અપાવવા માટે સતત કાર્યરત રહેશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે."
છેલ્લે 1996માં દક્ષિણ ગુજરાતના ભાજપના નેતા કાશીરામ રાણાએ પ્રદેશાધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે પછી પહેલી વખત આ પદ દક્ષિણ ગુજરાતમાં ભાજપના કોઈ નેતાને મળ્યું છે.
જયેશ પટેલ (દેલાડ)ના કહેવા પ્રમાણે તેમના ભાજપમાં સામેલ થવામાં સી.આર. પાટીલની ભૂમિકા રહી છે.
તેમના કહેવા પ્રમાણે, "પાટીલ નવસારીના સંસદસભ્ય છે. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે તેમને રજૂઆતો કરતા હતા અને તેમાં રિઝલ્ટ મળતા હતા."
"હવે જ્યારે તેઓ પ્રદેશાધ્યક્ષ બન્યા તો એવું લાગ્યું કે ખેડૂતોને વધુ લાભ મળી શકે તેમ છે, એટલે નિકટતાને કારણે જોડાવાનો નિર્ણય કર્યો."
બકીલી માને છે કે દક્ષિણ ગુજરાતમાં ભાજપ પાસે સહકારક્ષેત્રના અનેક નેતા હતા, પરંતુ ખેડૂતનેતા કહી શકાય તેવું કોઈ ન હતું. પટેલના આગમનથી ભાજપને દક્ષિણ ગુજરાતમાં 'ખેડૂત ચહેરો' મળશે.
બુલેટ ટ્રેન અને વળતર

ઇમેજ સ્રોત, ASHWIN AGHOR
ખેડૂતોએ ગુજરાત અને કેન્દ્ર સરકાર ઉપરાંત પ્રોજેક્ટ માટે જાપાન તરફથી ફાઇનાન્સ કરનારી JICA (જાપાન ઇન્ટરનેશનલ કૉર્પોરેશન એજન્સી)ને રજૂઆત કરીને પ્રોજેક્ટને અટકાવવા માટે રજૂઆત કરી હતી.
સંગઠને હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને અધિગ્રહણને ગેરકાયદેસર ઠેરવવા વધુ વળતર માટે માગ કરી હતી, જેને નકારતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા જમીન અધિગ્રહણને કાયદેસર ઠેરવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે, જેની ઉપર આગામી સમયમાં સુનાવણી થશે. કોરોનાના કારણે આ પ્રોજેક્ટનું કામ થંભી ગયું હતું, પરંતુ તે ફરી શરૂ થયું હોવાના અહેવાલ છે.
બુલેટ ટ્રેનની યોજનાને કાગળ પરથી વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કેન્દ્ર સરકારે એક કંપની બનાવી છે.
નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) નામે ઓળખાતી આ કંપની ભારત સરકારી અને જે રાજ્યોમાં વિવિધ હાઈ સ્પીડ રેલવેના પ્રોજેક્ટ્સ હાથ ધરાઈ રહ્યા છે, ત્યાંની રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ છે.

ઇમેજ સ્રોત, THE ASAHI SHIMBUN / GETTY IMAGES
- મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈસ્પીડ રેલ કૉરિડૉર બનશે
- 348.04 કિલોમીટર ગુજરાતમાં, 155. 76 કિલોમીટર મહારાષ્ટ્રમાં અને 4.6 કિલોમીટર દાદરા-નગર હવેલીમાંથી પસાર થશે
- કુલ અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
- મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર 2.07 કલાક કાપી શકાશે
- જેના ઉપર હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે
- તેમાં મુંબઈ - અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે
- આ પ્રોજેક્ટ માટે જાપાન અને ભારત સરકાર વચ્ચે કરાર
- જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.
- બાકીના પૈસા ભારતીય રેલ્વે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરવા પડશે.
- 2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટ પાછળનો કુલ સંભવિત ખર્ચ રૂ. 98 હજાર કરોડ
- આઈ.આઈ.એમ. અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જરની મુસાફરી કરવી જરૂરી
- તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂ. 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય
- આ પ્રોજેક્ટ માટે કોઈ ટૅન્ડર પ્રક્રિયા થઈ નથી, પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કૉન્ટ્રેકટ અપાયો છે
- શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જરને એક સમયે લઈ જઈ શકાશે બાદમાં ક્ષમતા 1250ની કરાશે
- દર 20 મિનિટે એક ટ્રેન દોડશે
- નૅશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













