રાજકોટ : ‘હું જઉં છું, બાને પણ લઈ જઉં છું', માતાને ઝેર પાઈ યુવકે આપઘાત કર્યો, રડતાં વીડિયો બનાવ્યો

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
‘હું જઉં છું, સાથે બાને પણ લઈ જઉં છું, મને માફ કરજો’, રાજકોટના યુવકે રડતાં-રડતાં બનાવેલા વીડિયોમાં આ વાત કરી અને યુવક તથાં તેમનાં માતાના મૃતદેહ મળી આવ્યા.
રાજકોટમાં રહેતા સિકંદર લિંગડિયાએ કથિત રીતે પહેલાં માતાને ઝેરી દવા આપી અને પછી પોતે એ પીને આપઘાત કરી લીધો.
સિકંદરે આત્મહત્યા કરતાં પહેલાં વીડિયો બનાવી પોતાની બહેન રેશમાને મોકલી આપ્યો હતો.
આ યુવકે રડતાં-રડતાં બનાવેલા વીડિયોમાં શું કહ્યું અને કયા કારણોસર પોતાનાં 80 વર્ષીય માતાને ઝેર આપી દીધું અને પોતે પણ આત્મહત્યા કરી લીધી? આ અંગે પોલીસ શું કહે છે?

નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.

યુવકે રડતાં-રડતાં અંતિમ વીડિયોમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
વીડિયોમાં યુવકે રડતાં-રડતાં કહ્યું હતું કે, “રેશમા, હું તારો ભાઈ, હું જઉં છું બહેન. મને માફ કરજો, હું બાને પણ સાથે લઈ જઉં છું. અમે મા-દીકરો હવે જીવી શકીએ તેમ નથી.”
“હું કોઈ માટે કંઈ કરી શક્યો નથી, મને માફ કરી દેજો. ભાઈ, ભત્રીજા માટે કંઈ કરી શક્યો નથી. બધા મને માફ કરજો.”
યુવકે રડતાં-રડતાં આગળ કહ્યું કે, “હું મારી માને એકલો મૂકીને જઈ શકું તેમ નથી, એનું કોણ ધ્યાન રાખશે. તેથી હું તેને સાથે લઈ જઉં છું. હવે એ જીવીને શું કરશે. એના વગર હું જીવી શકું તેમ નથી, એ મારા વગર જીવી નહીં શકે. એટલે હું ઝેરી દવા લઈ આવ્યો છું, માને દવા આપીને હું પણ પી જઉં છું. મને માફ કરી દેજો બધા. હું જઉં છું મને માફ કરી દેજો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“ભાભી મને માફ કરી દેજો, તમારો દિયર તમારા માટે કઈ કરી શક્યો નહીં, એની ભત્રીજી માટે પણ કઈ કરી ન શક્યો.”

શું છે સમગ્ર મામલો?
રાજકોટના ઘનશ્યામનગરમાં રહેતા યુવક સિકંદર તેમનાં 80 વર્ષીય માતા અમીનાબહેન ગનીભાઈ લિંગડિયા સાથે રહેતા હતા. 25 માર્ચના રોજ તેમણે કથિત રીતે આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.
રાજકોટના ભક્તિનગર પોલીસસ્ટેશનના ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનાં બહેન રેશમા પાસેથી ભાઈએ આત્મહત્યા પહેલાં બનાવેલો વીડિયો પોલીસને મળી આવ્યો હતો.
જે બાદ પોલીસે આત્મહત્યા કરનાર યુવક વિરુદ્ધ માતાની હત્યાનો ગુનો પણ દાખલ કર્યો હતો.
ઝેરી દવા પી લીધા બાદ યુવક અને તેમનાં માતાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન અમીનાબહેન અને તેમના દીકરાનું મૃત્યુ થયું હતું.

યુવકના બનેવીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
સિકંદરભાઈના બનેવી બરકતભાઈ જુસબભાઈ કપડવંજીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “સિકંદરભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા.”
બરકતભાઈના જણાવ્યા પ્રમાણે સિકંદરનાં માતા 80 વર્ષનાં હતાં, તેઓ બીમાર હતાં એટલે તેમણે 15 દિવસથી અન્નનો દાણો પણ લીધો ન હતો.
બરકતભાઈને આશંકા છે કે “એ કારણથી જ સિકંદરે આ પગલું ભર્યું હોય, એવું શક્ય છે.”
બરકતભાઈએ જણાવ્યું હતું કે “તેમના પરિવારમાં દીકરો અને માતા બે જ હતાં. સિકંદર રિક્ષા ચલાવાની સાથે કારખાનામાં પણ કામ કરતો હતો, જોકે ત્યારબાદ એ પણ બંધ કરી દીધું હતું.”
“તેઓ બંને એક ટિફિન મંગાવીને જમી લેતાં હતાં. સિકંદર કોઈના ઘરે પણ જતો ન હતો અને અમે બોલાવીએ તો પણ આવતો ન હતો.”

પોલીસે શું કહ્યું?
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મયૂરસિંહ સરવૈયાએ બીબીસીના પ્રતિનિધિ બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “25 માર્ચે માતા અને દીકરા બંનેએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.”
“જોકે ઘટનાના બે-ત્રણ દિવસ પછી યુવકે તેમનાં બહેનને મોકલેલો વીડિયો મળ્યો હતો. તે વીડિયો પરથી તપાસ કરતાં અમે મૃત્યુ પામનાર સિકંદર સામે માતાની હત્યાનો ગુનો નોંધ્યો છે.”
પોલીસનું કહેવું છે કે આ મામલે પોલીસ દ્વારા સિકંદરના વીડિયો સંદર્ભે હજી તપાસ કરાઈ રહી છે.














