એ માતા જેમણે પોતાના જ પુત્રના બાળકને જન્મ આપ્યો

BBC

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

    • લેેખક, હોલી હોન્ડેરિક
    • પદ, બીબીસી ન્યૂઝ, વોશિંગ્ટન

50 વર્ષની વય વટાવ્યા પછી માતા બનવું એ જ અસામાન્ય ગણાતી વાત છે, ત્યારે આ કહાણી છે 59 વર્ષે પોતાના પૌત્રને જન્મ આપનાર મહિલાની.

61 વર્ષનાં સેસિલ એલેજ અમેરિકાના મિડ-વેસ્ટર્ન પ્રદેશના રાજ્ય નેબ્રાસ્કામાં રહે છે. તેમણે પોતાના પુત્રના બાળકને જન્મ આપ્યો હતો.

તેઓ પોતાના પુત્ર અને તેના પતિ માટે સરોગેટ મધર બન્યાં હતાં. તેમના પુત્ર મેથ્યુ એલેજ અને તેના પતિ એલિયટ ડોગર્ટી સમલૈંગિક કપલ છે.

સેસિલ એલેજને તેમના પુત્ર મેથ્યુ એલેજ અને તેના પતિ એલિયટ ડોગર્ટી પ્રસૂતિ માટે હૉસ્પિટલ લઈ ગયાં હતાં. ત્યાં સેસિલે ઉમા લુઇસને જન્મ આપ્યો હતો.

સેસિલ એલેજે જણાવ્યું હતું કે તેમના પુત્ર અને તેમના પતિ એલિયટ ડોગર્ટીએ પરિવારને વિસ્તારવાની વાત કરી ત્યારે તેમણે સંતાનને જન્મ આપવાની ઑફર કરી હતી.

બીબીસી સાથે વાત કરતાં સેસિલ એલેજે કહ્યું હતું કે "પહેલાં તો તેઓ બધા, ઑફ કોર્સ, હસી પડ્યા હતા."

સેસિલ એલેજ એ સમયે 59 વર્ષનાં હતાં. શરૂઆતમાં પરિવારના લોકો તેમની આ વાતને મજાક જ માનતા હતા, કારણ કે તેઓ સંતાનને જન્મ આપી શકે તે શક્ય જણાતું ન હતું.

સેસિલના પુત્રના પતિ એલિયટ ડોગર્ટીએ કહ્યું હતું કે "સેસિલની લાગણી અત્યંત સુંદર હતી. તેઓ ખરેખર નિઃસ્વાર્થ છે."

BBC

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

તેમના પુત્ર મૅથ્યુ એલેજ અને ડોગર્ટી ઓમાહામાં માતા-પિતાની નજીક જ રહે છે.

મૅથ્યુ અને ડોગર્ટીએ સંતાનપ્રાપ્તિના વિકલ્પોની શોધ શરૂ કરી હતી. એક ફર્ટિલિટી ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે તે સક્ષમ વિકલ્પ હોઈ શકે છે.

59 વર્ષની વયે સેસિલ એલેજ સરોગેટ મધર બનવા સક્ષમ હોવાની ખાતરી કરવા માટે તેમને ડૉક્ટર સાથે મુલાકાત અને શ્રેણીબદ્ધ પરીક્ષણો માટે લઈ જવામાં આવ્યાં હતાં.

સેસિલ એલેજે કહ્યું હતું કે "હું સ્વાસ્થ્ય પ્રત્યે બહુ સભાન રહું છું. હું બાળકને જન્મ આપી શકું તે બાબતે શંકાનું કોઈ કારણ જ ન હતું."

તેમના પુત્ર મૅથ્યુ એલેજે સ્પર્મ પૂરાં પાડ્યાં હતાં અને તેમના પતિ ડોગર્ટીનાં બહેન ઍગ ડોનર બન્યાં હતાં.

હેરડ્રેસર તરીકે કામ કરતા એલિયટ ડોગર્ટીએ જણાવ્યું હતું કે "સજાતીય સંબંધ ન ધરાવતા હોય તેવા (સ્ટ્રેઈટ) યુગલો આઈવીએફનો વિચાર છેલ્લા ઉપાય તરીકે કરે છે, પરંતુ તેમના માટે સરોગસી જૈવિક બાળક મેળવવાની ‘છેલ્લી આશા’ હતી."

ગ્રે લાઇન

અમે વિશિષ્ટ છીએ એટલે અલગ વિચારવું પડ્યું

BBC

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

એક સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરતા મેથ્યુ એલેજે કહ્યું હતું કે "અમે જાણતા હતા કે અમે વિશિષ્ટ છીએ અને આ સંદર્ભે અમારે કશુંક અલગ વિચારવું પડશે."

સેસિલ એલેજે જણાવ્યું હતું કે તેમને સગર્ભાવસ્થા દરમિયાન કોઈ તકલીફ થઈ ન હતી. આગલી ત્રણ ગર્ભાવસ્થાની સરખામણીએ ચોથી વખત લક્ષણો થોડાં તીવ્ર હતાં.

વાસ્તવમાં તેમની વયનો સૌથી સ્પષ્ટ સંકેત તેમના ગર્ભાશયમાં ભ્રૂણ રોપવામાં આવ્યાના એક સપ્તાહથી ઓછા સમયમાં જોવા મળ્યો હતો.

એ સમયે તેમના પતિ અને પુત્રએ, ગર્ભારોપણ સફળ થયું છે કે નહીં તે ચકાસવા માટે હોમ પ્રેગેન્સી ટેસ્ટ કરાવ્યો હતો.

સેસિલ એલેજે સ્મિત કરતાં કહ્યું હતું કે "અમને એવું ન કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ આ છોકરાઓ અધીરા થઈ ગયા હતા."

પરીક્ષણનું નેગેટિવ પરિણામ જોયા પછી તેઓ બહુ દુઃખી થઈ ગયાં હતાં. એ દિવસે મોડેથી તેમના પુત્ર દિલાસો આપવા આવ્યા ત્યારે તેમને કંઈક અલગ જોવા મળ્યું હતું. પરીક્ષણમાંની બીજી ગુલાબી રેખા ગર્ભાવસ્થાની પુષ્ટિ કરતી હતી.

પોતાની કમજોર નજર બાબતે મજાક કરતાં સેસિલ એલેજે કહ્યું હતું કે "તે ખરેખર આનંદની ક્ષણ હતી."

BBC

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

"તેમની દૃષ્ટિ ભલે નબળી હોય, પરંતુ તે સંતાનને જન્મ જરૂર આપશે," એવું તેમના પતિ અને પુત્રએ કહેલી વાતને યાદ કરતાં સેસિલ એલેજે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ગર્ભાવસ્થા સંબંધી શારીરિક પ્રતિસાદ મોટે ભાગે હકારાત્મક રહ્યો હતો. તેમનાં બે અન્ય સંતાન માટે તેમાં થોડી આઘાતજનક વાત પણ હતી.

તેમણે કહ્યું હતું કે "બધાને સંપૂર્ણ હકીકતની ખબર પડી પછી સંપૂર્ણ સહકારનું વાતાવરણ સર્જાયું હતું."

જોકે, આ ઘટનાએ નેબ્રાસ્કામાં એલજીબીટી પરિવારો સામેના ભેદભાવના કેટલાક સંકેતોને ઉઘાડા પાડ્યા હતા.

સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદા પછી નેબ્રાસ્કામાં સજાતીય લગ્ન કાયદેસરના ગણાતા હોવા છતાં રાજ્યમાં જાતીય અભિગમ પર આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરતો કોઈ કાયદો નથી.

ગે અને લેસ્બિયન પાલક માતા-પિતા બનવા પરનો દાયકા જૂનો પ્રતિબંધ રાજ્યમાં 2017 સુધી અમલમાં રહ્યો હતો.

BBC

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

સેસિલ એલેજે જણાવ્યું હતું કે "હું મારા પોતાના સંતાનને જન્મ આપું તો એ માટે થયેલો ખર્ચ વીમામાં આવરી લેવા બાબતે મેં વીમા કંપની સમક્ષ નિષ્ફળ પ્રયાસ કર્યા હતા."

બાળકને જન્મ આપનાર વ્યક્તિને માતા તરીકે નિયુક્ત કરવાના કાયદાને કારણે તેમની પૌત્રી ઉમાના બર્થ સર્ટિફિકેટમાં સેસિલનું માતા તરીકે, જ્યારે તેમના પુત્ર એલેજનું નામ પિતા તરીકે લખવામાં આવ્યું છે, જ્યારે તેના પતિ ડોગર્ટીને બાકાત રાખવામાં આવ્યા છે.

મેથ્યુ એલેજે કહ્યું હતું કે "આપણા માટે અંતરાયો સર્જતી વ્યવસ્થાનું આ એક બહુ નાનું, સૂક્ષ્મ ઉદાહરણ છે."

મેથ્યુ એલેજને સ્કટ કેથલિક સ્કૂલમાંથી ચાર વર્ષ પહેલાં બરતરફ કરવામાં આવ્યા ત્યારે તેઓ અખબારોમાં ચમક્યા હતા. તેઓ અને એલિયટ ડોગર્ટી લગ્ન કરવાના છે, એવું તેમણે સ્કૂલને જણાવ્યું ત્યારે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.

BBC

ઇમેજ સ્રોત, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

એલેજ સાથે સ્કૂલે કરેલા વ્યવહારથી તેમના સમુદાયમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમનાં માતા-પિતા તથા સ્કૂલના વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ "મિસ્ટર એલેજ અને ભાવિ શિક્ષકો સામેના રોજગાર સંબંધી ભેદભાવનો અંત લાવવા" એક ઑનલાઇન પિટિશનનો પ્રારંભ કર્યો હતો. તે અરજીને 1,02,995 લોકોએ સમર્થન આપ્યું હતું.

સેસિલ એલેજના જણાવ્યા મુજબ, એલજીબીટી વ્યક્તિઓ તથા પરિવારો પ્રત્યેની નફરતની આવી ઘટનાઓ સામે વિરોધ વ્યક્ત કરવા માટે તેમજ ‘આશા અમર છે,’ તે પ્રતિપાદિત કરવા પોતાની કથા શેર કરવાનો નિર્ણય લીધો હતો.

મેથ્યુ એલેજે તેમને તથા તેમના પરિવારને મળતા નકારાત્મક પ્રતિસાદ સંદર્ભે કહ્યું હતું કે "હું એવા પ્રતિભાવને અંગત ન ગણવાનું શીખી રહ્યો છું."

"આખરે તો આ અમારો પરિવાર છે, અમારા દોસ્તો છે અને અમારો વિશાળ સમુદાય છે, જે અમને ટેકો આપે છે."

ઉમાના જન્મના એક સપ્તાહ પછી સેસિલ એલેજે જણાવ્યું હતું કે તેઓ અને તેમની પૌત્રી એકદમ મજામાં છે. "આ નાનકડી છોકરી એક પ્રેમાળ પરિવારમાં મોટી થવાની છે."

રેડ લાઇન
રેડ લાઇન