મહેસાણા : દસ વર્ષે સરોગસીથી સંતાનસુખ મળ્યું તો સરોગેટ માતા કથિત ગૅંગ્સ્ટર નીકળી, પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાયિક સરોગસી ઉપર પ્રતિબંધ મૂકતો ધ સરોગસી (રેગ્યુલેશન) ઍક્ટ 2021 લાગુ કરવામાં આવ્યો છે. આ કાનૂન હેઠળ વ્યવસાયિક સરોગસી ઉપર પ્રતિબંધ મૂકવાની સાથે સરોગસીને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
જોકે સરોગસી ઍક્ટ લાગુ થયાના છ મહિના બાદ ફરી ગુજરાતમાં સરોગસી ઍક્ટની જોગવાઈને લઈને અલગ પ્રકારની ચર્ચા જાગી છે.
જૈવિક માતા-પિતાએ પોતાના નવજાત બાળકની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
કેસ કાયદાકીય આંટીઘૂંટીને લગતો છે.
કેસ અનુસાર, સરોગેટ માતા એક ગુનામાં સાબરમતી જેલમાં બંધ છે અને તેમની સાથે તેમનું બાળક જેલમાં ન જાય અને બાળકનાં જૈવિક માતા-પિતાએ બાળકની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી પિટિશનમાં બાળકનાં જૈવિક માતા-પિતાએ લખ્યું હતું કે "કોઈપણ ગુના વગર બાળકને જેલમાં મોકલવું યોગ્ય ન ગણાય. અમારું બાળક એક સેકન્ડ માટે પણ જેલમાં શું કામ જાય?"
તેમણે બાળકના જન્મ બાદ તેઓ તુરંત બાળકની કસ્ટડી મેળવવા માટેના હકદાર છે તેવી રજૂઆત કરી હતી. જુલાઈ 2022માં ગુજરાત હાઈકોર્ટે છ દિવસના બાળકને જૈવિક માતાપિતાને સોંપી દેવામાં આવે કારણ કે સરોગેટ મધર પર ગુનાહિત કેસ છે અને તે ન્યાયિક કસ્ટડીમાં છે.
નોંધનીય છે કે સરોગસી ઍક્ટના અમલ પહેલાં ગુજરાતનું આણંદ સરોગસી હબ મનાતું હતું. ગુજરાતના અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ સરોગસીનો ધીકતો વ્યવસાય હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરોગસી ક્લિનિક ઉપર ગરીબ મહિલાઓને લાલચ આપી તેમની કૂખ ભાડે લેવામાં આવતી હોવાના અહેવાલો મુદ્દે ટીકા થતી હતી.
તાજેતરના આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શુક્રવારે સુનાવણી કર્યા બાદ આગામી સોમવારે વધુ સુનાવણી રાખી છે.
પરંતુ આ પિટિશનની સુનાવણી દરમિયાન સરોગસી ઍક્ટમાં બાળકની કસ્ટડી આપવાની મુદત શું છે અને સરોગસીથી જન્મેલા બાળકનાં માતાનાં દૂધના ખોરાકનું શું થશે? તેવા મુદ્દા ઉપસ્થિત થયા છે.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
કેસની વિગત અનુસાર, રાજસ્થાનના અજમેરનાં દંપતીને લગ્નનાં દસ વર્ષ પછી પણ કોઈ સંતાન ન હતું. આ દંપતીએ તેઓના અમદાવાદમાં રહેતા સગાના માધ્યમથી 31 વર્ષીય છૂટાછેડા લીધેલ મહિલાનો સંપર્ક કર્યો હતો.
મહેસાણા જિલ્લાના લાખવડ ગામની આ મહિલા સરોગેટ માતા બનવા તૈયાર થયાં હતાં પરંતું જે મહિલા સાથે સરોગસીનો કરાર થયો હતો તે મહિલા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિનો ગંભીર આરોપ હતો.
આરોપ મુજબ, તે મહિલા બાળકોને ઉઠાવી જતી ગૅંગનાં સભ્ય હતાં.
ગત ફેબ્રુઆરી મહિનામાં બાળકીનું અપહરણ કરીને તેને બે લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું અને નારી ગૅંગનો પર્દાફાશ થયો હતો.
કેસની તપાસમાં સરોગેટ માતાનું નામ પણ સામે આવ્યું હતું. બાળકીના અપહરણ કેસમાં આ સરોગેટ માતા પણ સહઆરોપી હતાં.
આ કેસમાં સરોગેટ માતાની સામે આઈપીસીની કલમ 363, 370, 370(એ), 120(બી), 114 તેમજ જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટની કલમ 81, 84, 87 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગત તારીખ 6 એપ્રિલના રોજ સેશન્સ કોર્ટે આ સરોગેટ મહિલાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારથી આ મહિલા સાબરમતી જેલમાં છે.
22 જૂન, 2022ના રોજ સિવિલ હૉસ્પિટલમાં સરોગેટ માતાને પ્રસૂતિ થઈ હતી પછી જૈવિક માતા-પિતાને સરોગસીથી જન્મેલા નવજાત બાળકની કસ્ટડી સોંપણીનો મામલો ઊભો થયો હતો.
કેમ કે, આજે સરોગેટ માતાની સાથે બાળક પણ જેલમાં જ જાય એ આ બાળકની કસ્ટડી મેળવવા અંગે ગૂંચવણ ઊભી થઈ હતી.
સરોગસીના કાયદા મુજબ, બાળકના જન્મ બાદ તરત જૈવિક માતાપિતા બાળકની કસ્ટડી મેળવી શકે છે. પરંતુ આ કેસમાં સરોગેટ માતા જેલમાં હોવાથી જેલ પોલીસ અધિકારીઓ દ્વારા કોર્ટ દ્વારા ઑર્ડર બાદ જ જૈવિક માતા-પિતાને કસ્ટડી આપવાનું કહેવામાં આવ્યું હતું.
જેથી જૈવિક માતાપિતાએ બાળકની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

સંક્ષિપ્તમાં: બાળકોનું અપહરણ કરતી ગૅંગનાં સહઆરોપી જેલમાં બંધ સરોગેટ માતાના નવજાત શિશુની કસ્ટડીનો મામલો શું છે?

- રાજસ્થાનના અજમેરનાં દંપતીને લગ્નનાં દસ વર્ષ પછી પણ કોઈ સંતાન ન હતું
- દંપતીએ અમદાવાદનાં 31 વર્ષીય છૂટાછેડા લીધેલી મહિલાસાથે સરોગસીનો કરાર કર્યો
- સરોગેટ મહિલા બાળકોને ઉઠાવી જતી ગૅંગનાં સભ્ય હોવાના આરોપસર જેલહવાલે થયાં
- 6 એપ્રિલના રોજ સેશન્સ કોર્ટેસરોગેટ મહિલાને જામીન આપવાનો ઇનકાર કર્યો
- ગત તારીખ 22 જૂનના રોજ સિવિલ હૉસ્પિટલમાં સરોગેટ માતાની પ્રસૂતિ થઈ હતી
- જૈવિક માતાપિતાએ બાળકની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે
- જૈવિક માતા-પિતાને સોંપવાની મુદત શું? બાળકના ફીડિંગનું શું? વગેરે કાયદાકીય પ્રશ્નો ઊભા થયા


કોર્ટનો ઘટનાક્રમ
જૈવિક માતા-પિતાના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, "નવજાત બાળકનાં જૈવિક માતા-પિતા બાળકની કસ્ટડી લેવા માટે તૈયાર છે તેમજ સરોગેટ માતા પણ સોગંદનામું કરીને બાળકીની કસ્ટડી આપવા માટે તૈયાર છે. તો બાળકનાં માતા-પિતાને ઝડપથી કસ્ટડી મળવી જોઈએ. સરોગસી ઍક્ટમાં બાળકના જન્મ બાદ કેટલા સમયે બાદ જૈવિક માતા-પિતાને નવજાતનો કબજો સોંપવો તે અંગે કોઈ સમયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
તેઓ વધુમાં કહે છે, "ગુજરાતમાં દેશ બહારથી તેમજ રાજ્ય બહારથી દંપતી સરોગસી માટે આવે છે. બાળક જન્મે છે તે પછી બાળકને લઈને જતાં રહે છે. બાળકના જન્મ બાદ બાળકને સારું વાતાવરણ આપવા માટે જૈવિક માતા-પિતા બંધાયેલાં છે. જેલમાં બાળકને સારું વાતાવરણ ન મળે તેમજ બાળક એક ક્ષણ માટે પણ શા માટે જેલમાં જાય?"
આ ઉપરાંત દંપતીના વકીલે જૈવિક માતા-પિતાને તેમના બાળકને મળવા દેવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી. જે અંગે કોર્ટે તેમને મળવા દેવાનું સૂચના આપી હતી.
જોકે, સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે બાળકના પોષણ માટે માતાનું દૂધ મહત્ત્વનું છે.
આ ઉપરાંત સરકારી વકીલે સરોગસી ઍક્ટ અંતર્ગત સરોગસી પહેલાં ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટનો ઑર્ડર જરૂરી હોવાની રજૂઆત કરી હતી.
બાળકને મંગળવાર સુધી સિવિલ હૉસ્પિટલમાં જ રાખવાની પણ સરકારી વકીલે કોર્ટમાં જાણકારી આપી હતી.
કોર્ટે દંપતીના વકીલ પાસેથી સરોગસી પહેલાં લેવામાં આવેલા મૅજિસ્ટ્રેટના ઑર્ડરની કોપી માંગી છે. જે આગામી સુનાવણી પહેલાં દંપતીના વકીલ દ્વારા રજૂ કરવામાં આવશે.
દંપતીનાં વકીલ પૂનમ મહેતાએ સરોગેટ મધર અને દંપતી વચ્ચેનો કરાર રજૂ કર્યો હતો. જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે, બાળકના જન્મ પછી તત્કાલ તેની કસ્ટડી જૈવિક માતાપિતાને આપી દેવાશે.
જે પ્રમાણે સરોગેટ માતા પણ સ્વેચ્છાએ બાળકની કસ્ટડી તેના જૈવિક માતાપિતાને આપી દેવા તૈયાર હતાં પરંતુ પોલીસે ઉઠાવેલા વાંધાએ 48 કલાકની બાળકી માટે વણજોઈતી મુસીબત ઊભી કરી છે. જેના કારણે તે બાળકે તેના લીગલ ગાર્ડિયનથી દૂર રહેવું પડ્યું છે.
કેસની સુનાવણી બાદ જસ્ટિસ વી.એમ. પંચોળી અને જસ્ટિસ આર.એમ. સરીને હોસ્પિટલના સત્તાધીશો સહિતના લાગતા-વળગતા રાજ્ય સત્તાધીશોને નોટીસ પાઠવી હતી.
જોકે, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલા આ મામલામાં સરોગસી ઍક્ટમાં સરોગસીથી જન્મેલા બાળકને જૈવિક માતા-પિતાને સોંપવાની મુદત શું? નવજાત બાળકના પોષણ માટે આવશ્યક માતાના દૂધ એટલે કે, ફીડિંગ અંગે શું જોગવાઈ છે ? તેવા મહત્વના મુદ્દાઓ ઉપર સરકારનો પક્ષ સ્પષ્ટ થશે અને આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ શું નિરીક્ષણો કરે છે તેના ઉપર સૌની નજર રહેશે.
સરોગસીનો નવો કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, HTTPS://EGAZETTE.NIC.IN
ભાડાની કૂખમાં આઈવીએફથી બાળકને જન્મ આપવા માટે સરોગસીનો સહારો લેવામાં આવે છે. સરોગેટ અને ડૉનર અંગે ગોપનીયતા જાળવવા માટે કરાર કરવામાં આવે છે.
25 ડિસેમ્બર 2021ના રોજ ભારત સરકારે બહુચર્ચિત સરોગસી નિયંત્રણ કાનૂન, 2021 લાગુ કર્યો હતો. હવે સરોગસીથી બાળક ઇચ્છતાં દંપતીના લગ્નને ઓછામાં ઓછાં પાંચ વર્ષ થયાં હોવાં જોઈએ.
વધુમાં, કાયદો વ્યાપારિક સરોગસીને ગેરકાયદેસર બનાવવા માંગે છે અને માત્ર 'પરમાર્થવાદી સરોગસી' અથવા જેમાં સરોગેટ માતાને કોઈ વધારાના નાણાકીય વળતરનો સમાવેશ થતો ન હોય તેવી સરોગસીને મંજૂરી આપે છે.
અન્ય કલમ પ્રમાણે, દંપતી પાસે 'આવશ્યકતાનું પ્રમાણપત્ર' હોવું જોઈએ જે સૂચવે છે કે તેઓ માતાપિતા બની શકતાં નથી.
સરોગસી પરોપકારી હેતુ માટે હોવી જોઈએ, તેમાં વ્યાપારી હેતુનો સમાવેશ ન થવો જોઈએ,
વેચાણ, વેશ્યાવૃત્તિ અથવા અન્ય પ્રકારના શોષણ માટે બાળકો પેદા કરવા માટે સરોગસી ન હોવી જોઈએ.
તેમજ, સરોગસી ધારણ કરનારને નિયમમાં જેનો ઉલ્લેખ કરાયો છે તેવી પ્રતિબંધિત આરોગ્યની સ્થિતિ અથવા બીમારી ન હોવી જોઈએ.
કોઈપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ માતા બની શકશે. આવાં માતાનો 36 મહિનાનો વીમો ફરજિયાત કરી દેવાયો છે.
નિયમ ભંગના કિસ્સામાં દસ લાખનો દંડ અને દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ઈંડાંને કેવી રીતે ફલિત કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, SPL
ભારતમાં અંડકોષ અર્થાત્ ઈંડાં અને સ્પર્મ વેચવાનું ચલણ પણ જોવા મળ્યું છે. આની પાછળ ઘણાં કારણોને જવાબદાર માનવામાં આવે છે.
તેમાં એક તો મોટી ઉંમરે લગ્ન. મા-બાપ બનવામાં મુશ્કેલી પેદા થતી હોવાથી આઈવીએફનો આશરો લેવામાં આવે છે.
સ્પર્મની જેમ અંડકોષ ડૉનેટ કરવા સરળ નથી. આ ઘણી જટિલ પક્રિયા છે જેમાં 15 દિવસ લાગે છે.
ભારતમાં નિયમ અનુસાર, મહિલાઓનાં અંડ લેવામાં આવે છે જે મા બની ચૂકી હોય, જેથી એમને ફરીથી મા બનવામાં કોઈ મુશ્કેલી ના પડે.
અંડબીજને ઇંજેક્શન દ્વારા મહિલાનાં શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. આ અંડબીજની સાથે જે પુરુષને બાળક પેદા કરવાનું હોય તેના સ્પર્મ સાથે મેળવવામાં આવે છે.
અંડબીજ અને સ્પર્મ ભેગા કરીને બેબી (ઍમ્બ્રિયો) બનાવવામાં આવે છે. ઍમ્બ્રિયોને મહિલાઓના ગર્ભમાં પ્રવેશ કરાવવા માટે કોઈ સર્જરી કરવાની જરૂર પડતી નથી.
તેને લાઇન બનાવી મહિલાનાં શરીરમાં દાખલ કરાવવામાં આવે છે. 15 દિવસોની અંદર ખબર પડી જાય છે કે ગર્ભ રહ્યો છે કે નહીં.
આઈવીએફનો સામાન્ય ઉપયોગ અને ફાયદા

ઇમેજ સ્રોત, Science Photo Library
જે લોકો વિવિધ કારણોસર સંતાન પ્રાપ્ત ન કરી શકતા હોય, તેવા લોકો માટે આઈવીએફ બાળકને જન્મ આપવામાં મદદરૂપ થતી પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઉપયોગ 1978થી થઈ રહ્યો છે.
આ પદ્ધતિમાં નહીં વપરાયેલાં ઈંડાંનો ઉપયોગ સંશોધન માટે થાય છે અથવા તે ઈંડાં અન્ય યુગલોને દાનમાં આપી શકાય છે.
સિંગલ મધરમાં પણ આઈવીએફનું ચલણ પ્રચલિત છે.
બ્રિટનમાં સરકારના આંકડા અનુસાર, સિંગલ મધર બનવાનું ચલણ વધ્યું છે. 2014થી તો બ્રિટનમાં આમાં 35 ટકાનો વધારો થયો છે.
ઑક્સફર્ડ ફર્ટિલિટીના જણાવ્યા અનુસાર, "લોકો હવે બાળકને એકલા હાથે જ જન્મ આપવા માગે છે. લોકો કાં તો વીર્ય અથવા અંડાણુ ખરીદી લે છે."
ભારતમાં આ ટ્રેન્ડ હાલના દિવસોમાં જોવા મળ્યો છે. ગયા વર્ષે ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેતા તુષાર કપૂરે આમ જ કર્યું હતું.
જોકે, આઈવીએફની પ્રક્રિયા મોંઘી હોય છે. બ્રિટનમાં લગભગ સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે. આઈવીએફ સફળ રહેશે કે અસફળ એનો આધાર મહિલાઓના અંડાણુ અને સ્પર્મની ગુણવત્તા પર છે.
ઑક્સફર્ડ ફર્ટિલિટીમાં આઈવીએફની સફળતાનો દર 30થી 50 ટકાની વચ્ચે છે.
IVFના ગેરફાયદા

ઇમેજ સ્રોત, SCIENCE PHOTO LIBRARY/GETTY
આ દરમિયાન ઉપયોગમાં લેવાતી દવાઓની આડઅસર થઈ શકે છે, જેમ કે તીવ્ર માથાનો દુખાવો થતો હોય છે.
આમાં એક કરતાં વધારે બાળક જન્મે તેવી શક્યતા પણ હોય છે, જે માતા અને બાળકો માટે જોખમી છે.
ઓવરિયન હાઇપર-સ્ટીમ્યુલેશન સિન્ડ્રોમ એટલે કે, જ્યારે અંડાશયમાં ઘણાં બધાં ઈંડાં વિકસે છે. તે તણાવપૂર્ણ હોય છે અને સાથે જ તેની સફળતાનો દર વધારે નથી.

આણંદ સરોગસીનું હબ બન્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતનું આણંદ સરોગસીના હબ તરીકે જાણીતું બન્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા 2021ના જાન્યુઆરી મહિનામાં સરોગસી ઍક્ટ લાગુ કરાયો તે પહેલાં દેશ-વિદેશથી બાળકની ચાહતમાં મોટા પ્રમાણમાં દંપતિઓ આણંદનાં ફર્ટિલિટી સેન્ટરની મુલાકાત લેતાં હતાં.
ત્યાર બાદ ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આ પ્રકારનાં ક્લિનિક ચાલુ થયાં હતાં. કૂખ ભાડે આપવાના વ્યવસાયમાં ગરીબ મહિલાઓનું શોષણ થતું હોવાની ફરિયાદો ઊઠી હતી.
જે સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા સરોગસીના કડક નિયમો સાથે કાયદો બનાવ્યો હતો. આ કાયદો બનાવતાં પહેલાં રાજ્યસભાની સિલેક્ટ કમિટીના સભ્યોએ આણંદની મુલાકાત પણ લીધી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













