તિસ્તા સેતલવાડ રિમાન્ડ પર, UNનાં અધિકારીએ શું કહ્યું?
અમદાવાદ શહેર મૅટ્રોપોલિટન કોર્ટે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને 1 જુલાઈ સુધી રિમાન્ડ પર મોકલી દીધાં છે. જેની ભારે ટીકા થઈ રહી છે અને આ ટીકામાં હવે સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારી પણ જોડાયાં છે.
સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના રક્ષણની બાબતનાં વિશેષ દૂત મૅરી લૉવલોરે તિસ્તાને 'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ' ગણાવ્યાં છે. મુંબઈ પ્રેસ ક્લબે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
લૉવલોરે ટ્વિટર પર લખ્યું, "ગુજરાત પોલીસ દ્વારા ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા તિસ્તા સેતલવાડની અટકાયત કરાતાં ચિંતિત છું. તિસ્તા નફરત અને ભેદભાવ સામેનો મજૂબત અવાજ છે. માનવાધિકારનું રક્ષણ કરવું એ ગુનો નથી. હું એમની મુક્તિની અને ભારત સરકાર અત્યાચાર બંધ કરે એની માગ કરું છું."

ઇમેજ સ્રોત, ANI
તિસ્તાની ધરપકડની મુંબઈ પ્રેસ ક્લબે પણ નિંદા કરી છે.
જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફતીએ જણાવ્યું છે કે, "પીડિત સાથે ઊભા રહેવાને ગુનો ગણવામાં આવી રહ્યો છે અને ન્યાયની માગ કરવીએ કાવતરા ઘડવા સમાન ગણાવા લાગી છે, જેને લઈને હું ભયભીત છું."
આ દરમિયાન માનવાધિકાર માટે કામ કરતાં સગઠનોએ નવી દિલ્હીના જંતરમંતર ખાતે વિરોધપ્રદર્શનનો કોલ આપ્યો છે.
નોંધનીય છે કે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે મુંબઈથી અટકાયત કરી હતી અને બાદમાં તેમની ધરપકડ કરાઈ હતી.
તિસ્તા સહિત રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને બરતરફ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે પણ ગુજરાત પોલીસ દ્વારા 'નિર્દોષોને ફાંસીની સજા થાય તેવા કેસમાં ફસાવવાના' આરોપસર ફરિયાદ દાખલ કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ બાદ અમદાવાદ શહેર મૅટ્રોપોલિટન કોર્ટ નંબર 11માં રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં કેસની તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગવા અરજી કરી હતી.
જોકે કોર્ટે તિસ્તા અને આરબી શ્રીવાસ્તવના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
નોંધનીય છે કે ગુજરાત રમખાણ મામલે SITના રિપોર્ટ વિરુદ્ધની ઝકિયા જાફરીની અરજી નકારી સુપ્રીમ કોર્ટે એવાં અવલોકન કર્યાં હતાં કે આ કેસ 'અન્ય દ્વારા પ્રેરિત' હતો. તેમજ તેમાં ભૂમિકા ભજવનાર તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
જે બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ જેમ કે અમિત શાહ અને રવિશંકર પ્રસાદે પણ સંબંધિત મામલે ટીકા કરી હતી અને આ કેસમાં તિસ્તાનો હાથ હોવાનું નિવેદન આપ્યું હતું. જેના અમુક કલાકોમાં જ ગુજરાત પોલીસે આ કાર્વયાહી કરી હતી.
નોંધનીય છે કે તિસ્તા સેતલવાડ વર્ષોથી ઝકિયા જાફરી સાથે આ કેસ મામલે ઊભાં હતાં. તેઓ ઉપરોક્ત અરજીમાં કોપિટિશનર પણ હતાં.
તેમજ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે આ મામલે રચાયેલ SIT સમક્ષ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય નેતાઓ, આગેવાનો અને અધિકારીઓ સામે 'મોટા ષડ્યંત્ર'માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ સિવાય સ્થાનિક મીડિયા અનુસાર ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ તિસ્તા અને અન્યો સામે થયેલ સમગ્ર કેસની તપાસ માટે એક SITની રચના કરી છે. જેમાં તપાસ અધિકારી તરીકે પોલીસ અધિકારી બી. સી. સોલંકી પર પસંદગી ઉતારવામાં આવી છે.
નોંધનીય છે કે તિસ્તા સેતલવાડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી, જેમાં કેટલીક વિગતો આપવામાં આવી હતી.
મીડિયાએ કેટલાક સવાલો કર્યા હતા, પણ અધિકારીએ તપાસ ચાલુ છે એમ કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું.
ક્રાઇમ બ્રાંચે કહ્યું કે તપાસમાં બંનેનો સહયોગ મળતો નથી. ક્રાઇમ બ્રાંચ અનુસાર, તિસ્તા સેતલવાડના મુંબઈના ઘરેથી કંઈ જપ્ત કરવામાં આવ્યું નથી. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે પત્રકારોને સંબોધતા તિસ્તા અને આર. બી. શ્રીકુમારની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી ફરિયાદ વિશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે નોંધ્યું હતું તેના આધારે આ ત્રણ વ્યક્તિઓએ અરાજકતા ફેલાવવા અને નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું. જેથી આ ફરિયાદ કરવામાં આવી છે.
પત્રકારો દ્વારા જ્યારે આ કેસમાં અત્યાર સુધી મળેલા પુરાવા તેમજ સંભવિત કનૅક્શનો વિશે પૂછવામાં આવતા ચૈતન્ય માંડલિકે હાલમાં તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાથી કંઈ કહી શકાય નહીં, તેમ જણાવ્યું હતું.
તિસ્તા સેતલવાડને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદમાં આવેલી એસ.વી.પી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
તિસ્તા સેતલવાડે અટકાયત બાદ પહેલી વાર મીડિયા સામે નિવેદન આપ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તિસ્તા સેતલવાડે રવિવારે મીડિયાને કહ્યું કે "તેમણે મારું મેડિકલ કરાવ્યું છે. મારા હાથમાં મોટો ડાઘ પડી ગયો છે. એટીએસે મારી સાથે આવું જ કર્યું છે. હવે તેઓ મને મૅજિસ્ટ્રેટ અદાલતમાં લઈ જઈ રહ્યા છે."
તિસ્તા સેતલવાડની ધરપકડ કરવા ગયેલી ટીમના સભ્ય અને ફરિયાદી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર બારડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "તિસ્તા સેતલવાડ, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે SIT તથા જુદાં જુદાં કમિશનો સમક્ષ ખોટી રજૂઆતો કરી અને નિર્દોષ લોકોને કાનૂની સજા થાય એવું ષડ્યંત્ર રચવાના પ્રયાસના ગુના હેઠળ આ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે."
બારડે કહ્યું કે, "આ ત્રણ સામે IPCની છ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે."
આ સમગ્ર મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 486, 471, 194, 211, 218 અને 120 (બી) અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે.

ઇમેજ સ્રોત, Gujarat Police
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકરપ્રસાદે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, "પાછલાં 20 વર્ષથી મોદીને બદનામ કરનારાઓની દુકાન હવે બંધ થવી જોઈએ."
રવિશંકરપ્રસાદે પોતાના નિવેદનમાં આ સમગ્ર મામલો તિસ્તા સેતલવાડ પ્રેરિત હોવાની વાત કરી હતી.
તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે નિવેદન આપતાં વર્ષ 2002નાં હુલ્લડોમાં રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની છબિ ખરાબ કરવા મામલે તિસ્તા અને અન્યો દ્વારા નિરાધાર આક્ષેપો કરાયા હોવાની વાત કરી હતી.
તેમણે આ અંગેના આરોપ લગાડનાર તમામ અંગે કહ્યું હતું કે આ લોકોએ મોદીજીની માફી માગવી જોઈએ.

તિસ્તા સેતલવાડે પણ ફરિયાદ નોંધાવી

ઇમેજ સ્રોત, ANI
તિસ્તા સેતલવાડ તરફથી મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેની અટકાયત ગેરકાયદેસર હતી અને તેના જીવને જોખમ છે.
તિસ્તા સેતલવાડની ફરિયાદમાં આરોપ છે કે ગુજરાત પોલીસે તેમના પરિસરમાં ઘૂસણખોરી કરી અને એફઆઈઆરની નકલ બતાવ્યા વિના તેમને કસ્ટડીમાં લીધાં હતાં. તેમના વતી નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન તેમને હાથમાં પણ ઈજા થઈ છે. તેણે ફરિયાદમાં પોતાના જીવને ખતરો ગણાવ્યો છે.

અમિત શાહે ઇન્ટરવ્યૂમાં સેતલવાડ વિશે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, TWITTER
અમિત શાહે શનિવારે સવારે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ તિસ્તા સેતલવાડ અને તેમની સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો.
અમિત શાહે કહ્યું હતું કે સેતલવાડ અને તેની એનજીઓએ 2002નાં રમખાણો અંગે પોલીસને આધાર-પુરાવા વિનાની માહિતીઓ આપી હતી.
અમિત શાહના આ ઇન્ટરવ્યૂના કલાકો બાદ જ મુંબઈથી સેતલવાડની અટકાયત કરવામાં આવી હતી.
અમિત શાહે ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મેં ચુકાદાને ખૂબ ધ્યાનથી વાંચ્યો છે. ચુકાદામાં સ્પષ્ટ રીતે તિસ્તા સેતલવાડનું નામ લખેલું છે. તેમના દ્વારા ચલાવવામાં આવતી એનજીઓએ, મને તે એનજીઓના નામની ખબર નથી, પોલીસને રમખાણો વિશે આધાર પુરાવા વિનાની માહિતી આપી હતી."
તેમણે એક બીજા સવાલના જવાબમાં કહ્યું, "સુપ્રીમ કોર્ટે એ પણ કહી દીધું કે ઝકિયા ઝાફરી બીજા કોઈના નિર્દેશ પર કામ કરતાં હતાં. ઘણા પીડિતોનાં સોગંદનામાં પર એનજીઓએ સહી કરી હતી. પીડિતોને તો ખબર પણ ન હતી."
"બધા જ જાણે છે કે તિસ્તા સેતલવાડની એનજીઓ આ બધું કરી રહી હતી. એ સમયની યુપીએની સરકારે તિસ્તા સેતલવાડની એનજીઓને ખૂબ મદદ કરી છે. બધાને ખબર છે. માત્ર અને માત્ર મોદીજીને ટાર્ગેટ બનાવીને આ કરવામાં આવ્યું."

ફરિયાદમાં શું છે?

- તિસ્તા, આર. બી. શ્રીકુમાર અને બરતરફ IPS ઑફિસર સંજીવ ભટ્ટ પર બનાવટી દસ્તાવેજો, ગુનાહિત કાવતરા સહિતની ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
- ત્રણેય આરોપીઓએ કાયદાની પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવવા માટે નિર્દોષ વ્યક્તિઓ સામે ખોટા પુરાવા ઊભા કરવાનું કાવતરું રચ્યું હતું. આ નિર્દોષ વ્યક્તિઓને એવા ગુનામાં ફસાવવા માટે પ્રયત્ન કરાયા હતા કે જેમાં તેમને ફાંસીની સજા પણ થઈ શકતી હતી.
- આ સિવાય SITની તપાસમાં એ બહાર આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ ઈજા પહોંચાડવાના ઇરાદે નિર્દોષ વ્યક્તિઓ પર નિરાધાર કાયદાકીય કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.
- આ સિવાય આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ગુનો બન્યો તે સમયે સરકારી અધિકારી હતા અને તેમણે આ હોદ્દા પર હતા તે દરમિયાન નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા માટે ખોટી માહિતીને સાચા પુરાવા તરીકે રજૂ કર્યા હતા.
- 'મોદી 18-19 વર્ષ સુધી દુખોને વિષપાનની જેમ ગળામાં રાખીને વેઠતા રહ્યા'- અમિત શાહ

ઝકિયા જાફરી મામલે કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝકિયા જાફરી મામલે આપેલ ચુકાદામાં કહ્યું હતું કે આ ફરિયાદનો દોરીસંચાર કરવામાં સામેલ તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
ફરિયાદમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવાયું છે.
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને પ્રોત્સાહિત અને અન્ય દ્વારા સૂચવાયેલું પગલું ગણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, "પ્રોટેસ્ટ પિટિશનના નામે અરજદારે અન્ય પણ ઘણા કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે, જેનું કારણ તેમને જ ખબર હશે. તેઓ આવું અન્ય કોઈની દોરવણી અંતર્ગત જ કરી રહ્યાં છે."
"ઝકિયા જાફરી દ્વારા કરાયેલ દલીલો SITના સભ્યોની નીતિમતા અને પ્રામાણિકતા સામે પ્રશ્નો ઉઠાવે છે. તેમજ SIT દ્વારા કરાયેલ તમામ મહેનતને વ્યર્થ બનાવવાનો પ્રયાસ છે. આ અરજી મામલાને શાંત ન પડવા દેવાનો પ્રયાસ છે, જેનો હેતુ ગૂઢ છે. આ મામલામાં વધુ તપાસ ત્યારે જ શક્ય બની હોત જ્યારે કોર્ટ સમક્ષ મોટા ષડ્યંત્રને લગતી યોજના અંગેના પુરાવા રજૂ કરાયા હોત. જે ફરિયાદ પક્ષ દ્વારા કરાયા નથી. તેથી કોર્ટ SITનો અંતિમ રિપોર્ટ મંજૂર રાખે છે."
કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુલ્લડમાં 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ આ અને અન્ય મામલે નરેન્દ્ર મોદી તથા અન્ય કથિત કાવતરાખોરોની ભૂમિકા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારી મામલાની પુન:તપાસ માટે અરજી કરી હતી.
નોંધનીય છે કે અગાઉ સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ SITના ક્લોઝર રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેવાઈ હતી.
ઝકિયા જાફરીનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ 'એક મોટા કાવતરા'નો ભાગ હતા.
પરંતુ સુપ્રીમ કોર્ટના જજ એ. એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સી. ટી. રવિકુમારની બેન્ચે આ આરોપો અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ એક મોટા કાવતરાનો ભાગ છે તે સિદ્ધ કરવા માટે પૂરતા પુરાવાનો અભાવ છે.
તેમજ આ કેસમાં મેરિટની ઊણપ જોવા મળી રહી છે. નોંધનીય છે કે તિસ્તા સેતલવાડના એનજીઓ સિટીઝન ફૉર પીસ એન્ડ જસ્ટિસને મળેલ ફંડનો દુરુપયોગ કરવાના આરોપ લાગ્યા હતા. જેને તેઓ નકારતાં આવ્યાં છે.

તે દિવસે ગુલબર્ગ સોસાયટીમાં શું થયું હતું?

- ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન 28 ફેબ્રુઆરીની સવારે તોફાનીઓએ ગુલબર્ગ સોસાયટીને ઘેરી લીધી હતી.
- અહીં ઘણા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. માર્યા ગયેલાઓમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત કુલ 69 લોકોનો સમાવેશ થાય છે.
- અહેસાન જાફરીની પત્ની ઝકિયા જાફરીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ પોલીસ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ તેની મદદ કરી ન હતી.
- 2006માં તેમણે ગુજરાત પોલીસના મહાનિર્દેશકને નરેન્દ્ર મોદી સહિત કુલ 63 લોકો સામે એફઆઈઆર નોંધવાની અપીલ કરી હતી. આ અપીલ ફગાવી દેવામાં આવી હતી.
- આ પછી ઝકિયાએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. 2007માં હાઈકોર્ટે પણ તેની અપીલ ફગાવી દીધી હતી.
- 2008માં ઝાકિયા જાફરી અને એનજીઓ 'સિટિઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ' સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
- 2009માં, સુપ્રીમ કોર્ટે રમખાણોની તપાસ માટે પહેલેથી જ રચાયેલી SITને તપાસના આદેશ આપ્યાં હતાં.
- 2012માં, SITએ અમદાવાદની નીચલી કોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. SITએ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતા કહ્યું કે SIT પાસે નરેન્દ્ર મોદી પર કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













