'કૂખ ભાડે મળશે'- દક્ષિણ અમેરિકામાં કૉમર્શિયલ સરોગસીનો ધંધો કેમ ફૂલ્યોફાલ્યો છે?

ઘણી કોલમ્બિયન મહિલાઓ ઑનલાઇન સરોગસી સર્વિસ પુરી પાડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણી કોલમ્બિયન મહિલાઓ ઑનલાઇન સરોગસી સર્વિસ પુરી પાડે છે
    • લેેખક, મિમિ સ્વાબી
    • પદ, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી

દક્ષિણ અમેરિકામાં માતાપિતા બનવા ઇચ્છતા લોકોને પોતાની કૂખ ભાડે આપવા માટે તત્પર યુવતીઓની કોઈ કમી નથી

બીબીસી ગુજરાતી
  • કોલમ્બિયામાં ઘણી યુવતી જીવનનિર્વાહ માટે કૉમર્શિયલ સરોગસી એટલે કે અન્ય માટે સંતાનને જન્મ આપવા પોતાની કૂખનો ઉપયોગ આર્થિક ઉપાર્જનના હેતુથી કરી રહી છે
  • કોલમ્બિયામાં દેશમાં કૉમર્શિયલ સરોગસી કાયદેસર છે
  • પરંતુ કોઈ સત્તાવાર નિયંત્રણ ન હોવાને કારણે તેનો ઉપયોગ અનિયંત્રિતપણે વધી રહ્યો છે
  • કહેવાય છે કે અહીં ગર્ભાશય ભાડેથી મેળવવું તે સેકન્ડ હેન્ડ કાર ઓનલાઇન ખરીદવા જેટલું આસાન છે
  • આવું એટલા માટે કે ઘણી મહિલાઓ પાસે ઘર ચલાવવા માટે આ સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી
  • અહીં યુવતીઓ પોતાની કૂખ ભાડે આપવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાહેરાત કરે એ સામાન્ય વાત છે
બીબીસી ગુજરાતી

કોલમ્બિયામાં ગર્ભાશય ભાડેથી મેળવવું તે સેકન્ડહૅન્ડ કાર ઑનલાઇન ખરીદવા જેટલું આસાન છે. દેશમાં આ સામાન્ય બાબત છે, કારણ કે બે છેડા ભેગા કરવા માટે અનેક યુવતીઓ પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.

“હું બોગોટામાં રહું છું. ગર્ભાશય ભાડે આપું છું.” એક યુવતીએ આવી જાહેરાત ફેસબુક પરના એક પબ્લિક ગ્રૂપમાં આપી હતી અને તેનો આ મૅસેજ અસામાન્ય નથી.

સમગ્ર દક્ષિણ અમેરિકામાં માતા-પિતા બનવા ઇચ્છતા લોકોને પોતાની કૂખ ભાડે આપવા ઓનલાઇન ઑફર કરતી અનેક યુવતીઓમાં હાલ કોલમ્બિયામાં રહેતાં વેનેઝુએલાનાં 22 વર્ષની મેરીનો સમાવેશ થાય છે.

ગ્રે લાઇન

ઑનલાઇન વેચાણ

22 વર્ષીય સરોગેટ મેરી કહે છે, "હું આર્થિક લાભ માટે આ કામ કરી રહી છું."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 22 વર્ષીય સરોગેટ મેરી કહે છે, "હું આર્થિક લાભ માટે આ કામ કરી રહી છું."

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાહેરાત કરતી મોટા ભાગની સ્ત્રીઓની માફક મેરીનો મુખ્ય હેતુ પણ નાણાકીય છે.

મેરી કહે છે કે, “હું મારા પાર્ટનરથી અલગ થઈ પછી મેં આ શરૂ કર્યું હતું. અમે લગભગ પાંચ વર્ષ સુધી સાથે રહ્યાં હતાં અને અમારાં બે સંતાન પણ છે. તેથી હું નિ:સંતાન યુગલોને ગર્ભધારણ કરવામાં મદદરૂપ થવા ઉપરાંત ખુદને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આવું કરી રહી છું.”

મેરીએ સરોગસી વિશે સૌપ્રથમ વાર એક પોડકાસ્ટમાં સાંભળ્યું હતું, પરંતુ તેની પરિસ્થિતિ પલટાઈ ત્યાં સુધી તેમણે એ બાબતે ખાસ વિચાર કર્યો ન હતો. વધતી મોંઘવારી અને નાણાકીય અસલામતી વચ્ચે સરોગસી અચાનક સધ્ધર વિકલ્પ બની ગઈ છે.

કેટલીક મહિલાઓ આ માટે 12,000 ડૉલર ચાર્જ કરે છે, જ્યારે કેટલીક 4,000 ડૉલર જેટલા ઓછા વળતરમાં પણ આ કામ કરવા તૈયાર હોય છે.

પોતે કેટલા પૈસા લેવા જોઈએ તેનો મેરીને ખ્યાલ નથી. સરોગસી માટે 8,000 ડૉલરથી માંડીને 40,000 ડૉલર લેવામાં આવતા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. તેથી મેરીએ 10,000થી 12,000 ડૉલર વચ્ચેની ઑફર સ્વીકારવાનું નક્કી કર્યું છે.

મેરી કહે છે કે, “તેનાથી મને મારાં સંતાન સાથે જીવન જીવવામાં મદદ મળશે.”

ગ્રે લાઇન

ધીકતો ધંધો

કેટલીક મહિલાઓ 12,000 ડૉલર લે છે તો કેટલીક માત્ર 4,000 ડૉલરમાં તૈયાર થઈ જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલીક મહિલાઓ 12,000 ડૉલર લે છે તો કેટલીક માત્ર 4,000 ડૉલરમાં તૈયાર થઈ જાય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોલમ્બિયામાં વિવાદાસ્પદ ઉદ્યોગોની તપાસ કરતાં પત્રકાર લુસિયા ફ્રાન્કો જણાવે છે કે ગર્ભાશય ભાડે આપનારાઓ અને ઑફર શોધતા લોકોની ભાળ મેળવવાનું કેટલું આસાન બની ગયું છે એ જાણીને તેઓ ચોંકી ગયાં હતાં.

લુસિયા ફ્રાન્કો કહે છે કે, “આ કામ આટલું ખુલ્લેઆમ ચાલશે તેની મેં ક્યારેય કલ્પના કરી ન હતી. ગુજરાન ચલાવવા માટે ગર્ભાશય ભાડે આપવું તે એકમાત્ર વિકલ્પ હોવાથી ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર મહિલાઓ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. એ જાહેરાતોની સંખ્યા ચોંકાવનારી છે. એ એકદમ સસ્તામાં મળી રહે છે.”

આ દક્ષિણ અમેરિકન દેશમાં સરોગસી કાયદેસર છે. તેના પર કોઈ નિયંત્રણ નથી અને આ ધંધો ગેરકાયદે રીતે ધમધમી રહ્યો છે.

બીબીસીએ આ સંબંધે પ્રતિભાવ આપવા કરેલી વિનંતીના જવાબમાં કોલમ્બિયાના આરોગ્ય તથા સામાજિક રક્ષણ મંત્રાલયે કબૂલ્યું હતું કે તેમાં કાયદાકીય છીંડાં છે.

મંત્રાલયે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરોગસીને નિયંત્રિત કરવાના કાયદાના મુસદ્દા પર સરકાર હાલ કામ કરી રહી છે.”

મંત્રાલયે સ્વીકાર્યું હતું કે નાણાકીય બાબતો અને નિયંત્રણો સંબંધી નિર્ણય હાલ મોટા ભાગે ફર્ટિલિટી ક્લિનિકો કરે છે, કારણ કે એ વિશેના નિયમો બન્યા નથી.

દાખલા તરીકે, સરોગેટની સંખ્યા કે કોઈએ આ પ્રક્રિયા કેટલી વાર કરાવી છે તેનો કોઈ સત્તાવાર રેકૉર્ડ રાખવામાં આવતો નથી.

લુસિયા ફ્રાન્કો જણાવે છે કે નિયમોના અભાવે માતા તથા બાળક બન્ને પર જોખમ અને સરોગેટના માનવાધિકારના ઉલ્લંઘનની શક્યતા સર્જાય છે.

ઈઆઈ પાઇસ અખબાર સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ સંસદસભ્ય સાન્ટિયાગો વેલેન્સિયાએ જણાવ્યું હતું કે સરોગેટ સાથે ઘણી વાર દુર્વ્યવહાર કરવામાં આવે છે અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તેમને નિયંત્રિત કરવા એજન્સીઓ ભાડાના એપાર્ટમેન્ટમાં પૂરી રાખે છે.

બીબીસીએ સરોગસી સાથે સંકળાયેલાં ક્લિનિક્સનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની પાસેથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

ઘણા યુરોપિયન દેશોમાં પ્રતિબંધિત કોલમ્બિયન એજન્સીઓ અને ક્લિનિક્સ, શક્ય તેટલી ઓછી સરકારી કનડગત સાથે ગર્ભાશય ભાડે લેવા ઇચ્છતા વિદેશીઓને અપીલ કરે છે.

બીબીસી ગુજરાતી

સરોગસીના વિકલ્પ

કેટલાક દેશોમાં સમલિંગી કપલને સરોગસીનો ઉપયોગ કરતા રોકવા માટે કાયદા બનાવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક દેશોમાં સમલિંગી કપલને સરોગસીનો ઉપયોગ કરતા રોકવા માટે કાયદા બનાવ્યા છે

કોલમ્બિયામાં સરોગસીના બે વિકલ્પ છે. મહિલા ગર્ભ સાથે આનુવાંશિક સંબંધ રાખી શકતી નથી.

તેણે માત્ર ફર્ટિલાઇઝ્ડ એગ્ઝનું વહન કરવાનું હોય છે અથવા તેણી પોતાના એગ્ઝનું દાન કરી શકે છે અને કૃત્રિમ વીર્યદાન વડે ગર્ભાધાન કરી શકે છે.

કોલમ્બિયામાં કોઈ પણ સરોગેટ માતા બાળકને જન્મ આપે ત્યારે બાળકના જન્મના પ્રમાણપત્ર પર તેનું નામ હોવું આવશ્યક છે. જોકે, લાંચ અહીં બહુ સામાન્ય બાબત છે.

ઘણા લોકો બાળક ‘ખરીદતા’ માતા-પિતાનું નામ તેમાં લખાવવા માટે ક્લિનિક્સ તથા ડૉક્ટર્સને પૈસા આપતા હોય છે. એ પછી જૈવિક માતાનું નામ જન્મ પ્રમાણપત્રમાં કે બીજા કોઈ પણ સરકારી રેકૉર્ડ પર ક્યારેય દેખાતું નથી.

જન્મના પ્રમાણપત્રની નોંધણીમાં રહેલા કથિત છીંડાં બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે આરોગ્ય તથા સામાજિક રક્ષણ મંત્રાલયે કબૂલ્યું હતું કે એ સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે “જન્મ પ્રમાણપત્ર પરની માહિતી ગર્ભાવસ્થા પૂર્ણ કરનારી અને જન્મ આપનારી વ્યક્તિના ડેટાને સુસંગત હોવો જોઈએ. તે બાળકના જન્મ પછીની કાળજીના નિયમોને અનુરૂપ હોવી જોઈએ.”

મેરી પણ મેડિકલ સ્ટાફને લાંચ આપવા વિચારી રહ્યાં છે. તેમ કરવાથી બાળક ખરીદતા યુગલ માટે બાળકને કોલમ્બિયામાંથી બહાર જવાની પ્રક્રિયા સસ્તી, આસાન અને ઝડપી બનશે. તેમણે સંતાન દત્તક લેવાની સર્વસાધારણ પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. તેથી મેરીની ઑફર વધારે આકર્ષક છે.

પોતે જેને જન્મ આપવા ઇચ્છે છે તે બાળકનાં માતા-પિતા ભલે ગમે તે બને, પરંતુ મેરી તેમને સરોગસી સેવા આપવા અને “ખરેખર સંતાન ઇચ્છતા લોકોને મદદ કરવા ઇચ્છે છે.”

બીબીસી ગુજરાતી

માર્કેટિંગ

સરોગેટ માતાની શોધ કરતા કપલની ઑનલાઇન જાહેરાત, જેમાં લખ્યું છે: "અમે કૂખ ભાડે આપનાર (સરોગેટ મધર) શોધી રહ્યા છીએ, અમારી પાસે કોલંબિયામાં ગર્ભ તૈયાર છે, મને ડીએમ કરો."
ઇમેજ કૅપ્શન, સરોગેટ માતાની શોધ કરતા કપલની ઑનલાઇન જાહેરાત, જેમાં લખ્યું છે: "અમે કૂખ ભાડે આપનાર (સરોગેટ મધર) શોધી રહ્યા છીએ, અમારી પાસે કોલંબિયામાં ગર્ભ તૈયાર છે, મને ડીએમ કરો."

સરોગસી માટેની ઑફર મેળવવાનું મુશ્કેલ નથી. સંતાન ઇચ્છુકોને તેમની પસંદગી મુજબની વ્યવસ્થા કરી આપવાની બડાઈ મારતા ઘણા ફેસબુક ગ્રુપ્સ છે. તેમાં પ્રવેશ કરવાથી અનેક દરખાસ્તો જોવા મળે છે. જેમ કે, “હું મારું ગર્ભાશય ભાડે આપું છું. 22 વર્ષની છું. મને કોઈ સંતાન નથી.”

“હું કોઈ પરિવારને તેનું સપનું સાકાર કરવામાં મદદ કરવા ઇચ્છું છું. હું સ્વસ્થ છું. મારામાં કોઈ દુર્ગુણ નથી.”

“ગર્ભાશય ભાડે લેવા ઇચ્છતા ઇક્વાડોરના લોકો, ખાસ કરીને તમે અમેરિકાનો પ્રવાસ શકો તેમ હો તો મને ઇનબોક્સ કરો.”

કેટલીક સ્ત્રીઓ સંભવિત નિઃસંતાન યુગલને આકર્ષવા માટે પોતાના સંતાનને ફોટોગ્રાફ્સ પણ પોતાની ફેસબુક પોસ્ટ્સમાં અટેચ કરે છે અને લખે છે કે “મારી દીકરીને આંખો લાઇટ બ્લ્યુ છે. વધારે ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે.”

આ ઉદ્યોગને નિયંત્રિત કરવા માટે તાજેતરમાં દબાણ કરવામાં આવી રહ્યું છે. ડેમૉક્રેટિક સેન્ટર જેવા વિવિધ રાજકીય પક્ષોના સંસદસભ્યોએ વ્યાપારી હેતુ સિવાયની સરોગસીને કાયદેસર બનાવવા માટે 16 ખરડા સંસદમાં રજૂ કર્યા છે. આ ખરડામાં બાબતે પ્રાથમિક ચર્ચાથી વિશેષ કોઈ કાર્યવાહી થઈ નથી.

સરોગસી સંબંધી મુદ્દાઓને મહત્ત્વના ગણાવીને આ બાબતે છ મહિનામાં કાયદો ઘડવાનો આદેશ કોલમ્બિયાની બંધારણીય અદાલતે સપ્ટેમ્બર, 2022માં આપ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી. અલબત્ત, મુસદ્દો ઘડવાનું કામ ચાલી રહ્યું છે.

આ કાયદાનો હેતુ “ગર્ભાવસ્થા માટે સરોગસીના નિયમન ઉપરાંત તબીબી સારસંભાળ તથા પ્રક્રિયા, પક્ષકારો વચ્ચેના કરારના પ્રકાર અને સરોગેટ માતાના રક્ષણ સહિતની બાબતોના માપદંડ નક્કી કરવાનો છે.”

લુસિયા ફ્રાન્કો એવી દલીલ કરે છે કે આ સમસ્યાસર્જક ઉદ્યોગનું નિયંત્રણ કરવું એ તેના પૂરપાટ વિકાસ પર લગામ તાણવાનું તેમજ ગરીબ સ્ત્રીઓને આ કામમાં ધરાર ધકેલાતી રોકવા સામેનું સૌપ્રથમ અને મહત્ત્વનું પગલું છે.

બીબીસી ગુજરાતી

જીવતા રહેવાનો વિકલ્પ

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલીક મહિલાઓ પરોપકાર અર્થે નિશૂલ્ક કૂખ ભાડે આપે છે, જ્યારે મોટાભાગની મહિલાઓ કહે છે કે તેઓ નાણાથી પ્રેરિત થઈને આ કામ કરે છે

આ પ્રથાનો વ્યાપ કોલમ્બિયા કે દક્ષિણ અમેરિકા કરતાં પણ મોટો છે. તે વિશ્વવ્યાપી છે.

જે દેશોમાં સરોગસી ગેરકાયદે છે ત્યાં અથવા તો સરોગસી કાયદેસર છે એવા દેશોમાં પણ ભાડાનું ગર્ભાશય શોધતા યુગલોએ અસંખ્ય અવરોધોનો સામનો કરવો પડે છે. સંતાનને પોતાના દેશમાં લઈ જવાનું અમલદારો તેમના માટે મુશ્કેલ બનાવી શકે છે.

જોકે, કોલમ્બિયામાં તે સરળ છે, કારણ કે અહીં બહુ ઓછા કાયદાકીય અવરોધ છે અને સંતાનવાંચ્છુ માતા-પિતાના નામ બાળકના અસલી માતા-પિતા તરીકે અહીં સરળતાથી લખાવી શકાય છે.

પોતાના સંતાનને જન્મ આપવામાં અસમર્થ હોય તેવા લોકોને મદદ કરવા ઇચ્છતી મહિલાઓ માટે સરોગસી એક લાભદાયક સાહસ બની શકે છે. ઘણી સ્ત્રીઓ એ પૈસા કમાવા માટે નહીં, પણ વ્યક્તિગત પૂર્ણતા પામવા માટે કરે છે.

ચિલીની ડેનિયેલાએ કહ્યું હતું કે “માતા-પિતા બનવાનું સપનું સાકાર કરવા ઇચ્છતા લોકોને મદદ કરવા માટે હું ગર્ભાશય ભાડે આપું છું. માતૃત્વ ખરેખર ખાસ હોય છે અને હું તેનો હિસ્સો બનવા ઇચ્છું છું.”

જોકે, કોલમ્બિયામાં બીજી હજારો મહિલાઓની માફક મેરી પણ પોતાનું ગર્ભાશય ગુજરાન ચલાવવા માટે ભાડે આપી રહી છે.

રેડ લાઇન
રેડ લાઇન