ગુજરાત: ત્રણ વર્ષથી નાનાં બાળકોને બાળમંદિરમાં મોકલવાં પર બાળમાનસ પર શી અસર પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદની એક ચાલીમાં રહેતાં તનુબહેન કહે છે કે, "મારા છોકરાનો જન્મ સાતમા મહિનામાં થયો છે અને થોડાક દિવસોનો ફેર પડતો હોવાથી અમે તેને શાળામાં ન મૂકી શક્યા અને તેનું આખું વર્ષ બગાડવું પડ્યું છે. અમારી પાસે ફરીથી બાળમંદિરની ફી ભરવાના પૈસા નથી."
માતાપિતા તેમનાં બાળકોના ભવિષ્ય માટે ચિંતિત હોય છે અને તેના માટે તેઓ સતત અભ્યાસ પર ભાર આપતા હોય છે. કેટલાક કિસ્સામાં માતાપિતા તેમનાં બાળકોને અઢી વર્ષે પણ બાળમંદિરમાં મોકલતા હોય છે.
જોકે ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલા ધોરણમાં બાળકોના પ્રવેશ માટે લઘુતમ વયમર્યાદા છ વર્ષ નક્કી કરી છે.
આ નિયમ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના નિયમો, 2012 (આરટીઈ નિયમો, 2012)ના કાયદાનો અસરકારક અમલ કરવા માટેનું વધુ એક પગલું મનાય છે.
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કાયદા, 2009 (આરટીઈ નિયમો, 2009) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરી ગુજરાત સરકાર દ્વારા આ કાયદો ઘડવામાં આવેલ છે.
જોકે, વાલીઓનું એક જૂથ (જેમનાં બાળકોની વય છ વર્ષથી ઓછી છે પરંતુ જેમણે બાળમંદિરના ત્રણ વર્ષ પૂર્ણ કરી દીધાં છે) આ વાતનો વિરોધ કરે છે, કારણ કે તેઓ તેમનો પ્રવેશ શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલા ધોરણમાં કરાવવા ઇચ્છે છે.
આથી તેમણે ગુજરાત સરકારના આ નિર્ણયને પડકારવા માટે પિટિશન પણ દાખલ કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાએ આ નિયમને પડકારતી અરજીઓને ફગાવી દેતા જણાવ્યું હતું કે, બાળમંદિરમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું નામાંકન કરાવતા વાલીઓ ‘ગેરકાયદેસર કૃત્ય’ કરી રહ્યા છે.
આ વાલીઓના જૂથે 31 જાન્યુઆરી, 2020 ના રોજ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાને પડકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઈકોર્ટે ગયા મહિને અરજીઓ ફગાવી દીધી હતી, પરંતુ તેના આદેશની નકલ તારીખ પાંચમી સપ્ટેમ્બર, 2023ના રોજ ઑનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ગુજરાતમાં આરટીઈ નિયમો 2010થી અમલમાં છે.

સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરટીઈ, 2012ના નિયમ 8 અંતર્ગત, ધોરણ 1માં પ્રવેશ મેળવવાની વય 6 વર્ષ નક્કી કરવામાં આવી છે. જે બાળકને 6 વર્ષ પૂરાં થયાં નથી તેમને ચાલુ વર્ષમાં પ્રવેશ મળી શકશે નહીં.
બાળમંદિર માટે શિક્ષણ પ્રણાલીમાં 3 વર્ષ ફાળવેલ છે જે 3થી 6 વર્ષના બાળકની સારસંભાળ માટે છે. પરંતુ કેટલાંક માતાપિતા અઢી વર્ષે જ બાળકને બાળમંદિર કે પ્રી-સ્કૂલમાં પ્રવેશ અપાવી દે છે, જેના કારણે બાળક 6 વર્ષ પહેલાં જ બાળમંદિર પૂર્ણ કરી લે છે.
સમગ્ર દેશમાં એકરૂપતા લાવવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ની માર્ગદર્શિકા સાથે નિર્દેશ આપવામાં આવ્યો છે કે બાળકોની ધોરણ 1માં પ્રવેશની ઉંમરને છ વર્ષ કરી દેવામાં આવે એટલે કે જે બાળકે છ વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકે નહીં.
6 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપી શકાતો નથી, કારણ કે તા. 31.01.2020ના નૉટિફિકેશનને આધારે ગુજરાત સરકારે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના નિયમો, 2012માં સુધારા કર્યા છે.
અરજદારોએ દલીલ કરી હતી કે ધોરણ 1માં પ્રવેશ માટે જૂન 1ની જે કટઑફ તારીખ રાખવામાં આવી છે તે બંધારણની કલમ 21A અને આરટીઈ ઍક્ટ હેઠળ લગભગ નવ લાખ બાળકોના શિક્ષણના અધિકારને નકારશે.
તેમણે કોર્ટને વિનંતી કરી છે કે બાળમંદિરનાં ત્રણ વર્ષ જે બાળકોએ પૂર્ણ કર્યાં હોય તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવે.

ગુજરાત હાઈકોર્ટે ઑર્ડરમાં શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આરટીઈ નિયમો, 2009ની કલમ 2(સી), 3, 4, 14, અને 15 એ વાત સ્પષ્ટ કરે છે કે છ વર્ષથી વધુ ઉંમરનાં બાળકને ઔપચારિક રીતે શાળામાં શિક્ષણથી વંચિત કરી શકાય નહીં. કોર્ટ આ વાતનો ઉલ્લેખ કરે છે.
અદાલતે જણાવ્યું હતું કે, "આર્ટિકલ 21-એ અને આરટીઈ ઍક્ટ, 2009ની કલમ 3ની બંધારણીય જોગવાઈ દ્વારા બાળકને આપવામાં આવેલા અધિકાર છ વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ શરૂ થાય છે."
કોર્ટની ડિવિઝન બેંચના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે જે શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓને ઍડવાન્સમાં પ્રવેશ આપ્યા છે તેઓ ફી પરત કરે.
“જો 5 વર્ષનાં બાળકોને ધોરણ 1માં પ્રવેશ લેવાની પરવાનગી આપવામાં આવે તો તે વર્ગખંડને ભારે અસંતુલન તરફ દોરી જશે. 5 વર્ષના બાળકનો પ્રવેશ જે બાળક લગભગ 7 વર્ષનું છે તેની સાથે થાય તો એ અત્યંત અનિચ્છનીય પરિસ્થિતિ છે.”
રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2020 એ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને 'પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ'ની જરૂર છે.
અરજદાર બાળકોનાં માતાપિતા કે જેમનાં સંતાનોએ વર્ષ 2023ની 1લી જૂનના રોજ 6 વર્ષની વય પ્રાપ્ત કરી નથી તેમને આ નિયમને કારણે કોઈ પણ પ્રકારની રાહત મળશે તેની સંભાવના નથી, કારણ કે તેઓ આરટીઈ નિયમો, 2012ના આદેશના ઉલ્લંઘન માટે દોષિત છે. આ નિયમોનો આરટીઇ ઍક્ટ, 2009માં પણ ઉલ્લેખ છે.
હાઇકોર્ટ કહે છે કે, “3 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને બાળમંદિર જવા માટે દબાણ કરવું એ અમારી સમક્ષ પિટિશન કરનારાં માતાપિતાએ કરેલું ગેરકાયદેસર કૃત્ય છે. આથી અરજદારોનાં સંતાનોએ બાળમંદિરમાં 3 વર્ષનું શિક્ષણ પૂર્ણ કર્યું છે તે દલીલ અમને જરાય પ્રભાવિત કરતી નથી.”

બાળમંદિર માટે 3થી વધુ વય શા માટે જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુનિસેફ કહે છે, “પ્રારંભિક બાળપણનો સમયગાળો કેટલાક તદ્દન વિશિષ્ટ તબક્કાઓને સમાવે છે: જેમ કે 'ગર્ભાવસ્થાથી જન્મ સુધી' અને 'જન્મથી લઈને 3 વર્ષ સુધી', જેમાં પ્રથમ 1,000 દિવસો (ગર્ભાવસ્થાથી 24 મહિના સુધી) પર ભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ 'પ્રી-સ્કૂલ તબક્કો આવે છે અને પછી પ્રી-પ્રાઇમરી સ્કૂલ (3થી 5 અથવા 6 વર્ષ સુધી અથવા શાળામાં પ્રવેશની ઉંમર) આવે છે.
પહેલાંની રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં 3 વર્ષથી 6 વર્ષની વયજૂથનાં બાળકોને ઔપચારિક શાળાના 10+2 માળખામાં નહોતાં આવરી લેવાયાં.
તેથી નવા માળખા હેઠળ 3થી 8 વર્ષની વયનાં બાળકોને ત્રણ વર્ષ બાળમંદિર અને બે વર્ષ પ્રાથમિક શાળા એમ પાંચ વર્ષના પહેલા તબક્કામાં આવરી લેવાયાં છે. ત્યારબાદ 3+3+4 ફોર્મ્યુલામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ આવે છે.
આમ, નવી શિક્ષણનીતિના 5+3+3+4 માળખામાં 3 વર્ષની ઉંમરથી અર્લી ચાઇલ્ડહુડ કૅર ઍન્ડ એજ્યુકેશન (ઈસીસીઈ)નો એક મજબૂત આધાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈસીસીઈમાં સામાજિક ક્ષમતાઓ, સંવેદનશીલતા, સારું વર્તન, સૌજન્ય, નીતિશાસ્ત્ર, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા, ટીમ વર્ક અને સહકાર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
તેમાં રમત-આધારિત, પ્રવૃત્તિ-આધારિત અને પૂછપરછ-આધારિત શીખવાની વિભાવનાઓનો સમાવેશ થાય છે. તેમજ મૂળાક્ષરો, ભાષાઓ, સંખ્યાઓ, ગણતરી, રંગો, આકાર, ઘરમાં રમાતી રમતો અને બહાર મેદાનમાં રમાતી રમતોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત ઉદ્દેશને ધ્યાનમાં રાખીને, અભ્યાસક્રમનું માળખું આ રીતે બનાવવામાં આવ્યું છે. “3-6 વર્ષ માટે પાયાનું શિક્ષણ જેમાં બાલવાટિકાનું 1 વર્ષ, આંગણવાડી/જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.ના 1-1 વર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 6થી 8 વર્ષની વયમાં ધોરણ 1 અને 2 એમ બે વર્ષ."
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2020ને ટાંકીને કોર્ટ કહે છે, "85 ટકાથી વધુ બાળકોના સંપૂર્ણ મગજનો વિકાસ 6 વર્ષની ઉંમર પહેલા થાય છે. તેથી તંદુરસ્ત મગજના વિકાસ અને વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે શરૂઆતનાં વર્ષોમાં મગજની યોગ્ય કાળજી ખૂબ મહત્ત્વની છે."
આરટીઈ કાયદાના નિયમ 8ને બતાવીને કોર્ટ કહે છે, “શૈક્ષણિક વર્ષની 1લી જૂનના રોજ 3 વર્ષ પૂર્ણ કર્યાં ન હોય તેવા બાળકના બાળમંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. બાળમંદિરમાં ત્રણ વર્ષ 'પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ' બાળકને ઔપચારિક રીતે શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ લેવા માટે તૈયાર કરે છે. તે કલમ 21-એ હેઠળ આપવામાં આવેલ અધિકારનું પણ સમર્થન કરે છે અને આરટીઈ કાયદો બાળક છ વર્ષનું થાય પછી શરૂ થાય છે.”

ટિપ્પણી વિશે મતમતાંતર

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા ગઝલકાર અને બાળરોગ નિષ્ણાત (એમ.ડી.) રઈશ મનીઆર બીબીસી સાથે વાત કરતા કહે છે, "હાઈકોર્ટનો ચુકાદો આવકાર્ય છે. શિક્ષણ એ બાળક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે 4 વર્ષના બાળકને લખવાનું શીખવવામાં આવે તો 100માંથી 50 બાળકો જ શીખી શકશે. તેથી બાળપણથી જ તેઓ નર્વસનેસ, ગુસ્સો અને ઈર્ષા અનુભવે એવું બની શકે. પરંતુ જો એ જ લખવાનું 6 વર્ષનાં બાળકોને શીખવવામાં આવે તો 100માંથી 90 બાળક આરામથી શીખી લેશે. તેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ રહે છે.”
ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ આ વિશે બીબીસી સાથે વાત કરતા કહે છે, "અઢી વર્ષે બાળકને શાળામાં મૂકવામાં આવે એ બાળકનું શોષણ છે. નાની ઉંમરમાં ઘરે જે બાળકને શીખવવામાં આવે તેનાથી તેની વૃદ્ધિ અને ઘડતર વધારે થાય છે. બાળકને કુદરતી રીતે જ્ઞાન માબાપ, દાદા-દાદીથી મળે તે જરૂરી છે."
“બાળકને 5 વર્ષ સુધી ઘરે કુટુંબના છાયા હેઠળ કુદરતી વાતાવરણમાં ઘડાવા દેવું જોઈએ.”
દર્શનાબહેન પરમાર છેલ્લાં 10 વર્ષથી પ્રી-સ્કૂલ ચલાવે છે. તેઓ કહે છે, “આ ચુકાદાથી અમને કોઈ ફરક પડતો નથી, કારણ કે આજકાલનાં માતા-પિતા ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોય છે અને તેઓ બીજા વાલીઓને અનુસરીને તેમના 3 વર્ષથી નાનાં બાળકોને પ્રી-સ્કૂલમાં મોકલવાનું ચાલુ રાખશે.”
છેલ્લા શૈક્ષણિક વર્ષમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં “6+”નો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. માતાપિતાના એક જૂથે આ આદેશને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકાર્યો હતો જેણે તેમની અરજીને આ આધાર પર રદ કરી હતી કે નિર્ણય એનઈપી પર આધારિત હતો.

તો પછી બાળકોને કેવી રીતે કેળવણી આપવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની પ્રખ્યાત શિક્ષણસંસ્થા લોકભારતી-સણોસરાના આચાર્ય રહી ચૂકેલા શિક્ષણશાસ્ત્રી, લેખક અને કેળવણીકાર મનસુખ સલ્લા બીબીસી સાથે વાત કરતા કહે છે, "હાઇકોર્ટનો ચુકાદો એકદમ વાજબી છે."
"બે વાતાવરણ હોય છે. એક છે ઘરનું, પરિવાર સાથે, આંગણાનું, મિત્ર સાથેનું, અને બીજું છે, બાળમંદિરનું, ઔપચારિક. બાળકને ઘરના કુદરતી વાતાવરણમાં વિકસવાનો મોકો આપવો જોઈએ. જ્યાં સુધી બાળક પોતાનાં અંગો ઉપર પૂરે પૂરો કાબૂ ના મેળવી લે ત્યાં સુધી તેને બાળમંદિર ના મોકલવું જોઈએ. માતાપિતા તરીકે, આપણી પ્રાથમિકતા હોવી જોઈએ કે બાળક તેની જરૂરિયાત સમજે, જેમ કે પેશાબ કરવા જવું."
"એ મનોવિજ્ઞાનનો નિયમ છે કે બાળક પહેલાં પોતાની ઇન્દ્રિયને સમજવાનું શીખે. જેમ કે, આંગળીઓનો વિકાસ, પેન્સિલ અથવા કલર પકડવા માટે થઈ સ્નાયુનો વિકાસ. પરંતુ આજકાલ મોટાં શહેરોમાં, માતાપિતા ઇચ્છે છે કે તેમનાં બાળકો મૂળભૂત જરૂરિયાતો શીખવાને બદલે પહેલા પેન્સિલ પકડે."
"પેન્સિલ અને ચોપડા ભણાવવાનું કામ પ્રાથમિક શાળાનું છે નહીં કે, બાળમંદિરનું."
વડોદરાની એમએસ યુનિવર્સિટી હેઠળ આવતી ચેતન બાલવાડીનાં સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રચના ભાનગાંવકર કહે છે, “બાળક શારીરિક અને માનસિક રીતે જ્યાં સુધી તૈયાર ન હોય ત્યાં સુધી તેને લખવા-વાંચવાની ફરજ પાડવી, એક જગ્યાએ લાંબા સમય સુધી બેસાડી રાખવું અને અયોગ્ય સંસ્થાઓ કે માળખામાં તેને ધકેલવું એ તેના પર વિપરીત અસર કરી શકે છે. જેના કારણે ક્યારેક તેનો શીખવામાંથી રસ ઊડી જાય છે અને ભવિષ્યમાં પણ અભ્યાસમાં તેને નબળું પરિણામ આવતું રહે છે.”
તેઓ વધુમાં કહે છે કે, “સંશોધનોને આધારે એવું માનવામાં આવે છે કે બાળક ત્રણ વર્ષ પૂરાં કરે ત્યાં સુધીમાં સામાન્ય સંજોગોમાં એ પ્રાથમિક વસ્તુઓ શીખવા અને લોકો સાથે વાતચીત કરવા સક્ષમ થઈ ગયું હોય છે. એટલે તે અનુભવ આધારિત, રમતો અને સંગીત આધારિત ભાર વિનાનું ભણતર લેવા માટે તૈયાર હોય છે. એટલે તેને એ પ્રકારનું શિક્ષણ આપી શકાય.”
હાઇકોર્ટની આ ટિપ્પણીને આવકારતાં ડૉ. રચના કહે છે કે, “ભારતમાં પ્રી-સ્કૂલિંગના ક્ષેત્રમાં શિક્ષકોની લાયકાતના સંદર્ભમાં અને અભ્યાસક્રમની ગુણવત્તાના સંદર્ભમાં બહુ ઓછા નિયમો અને ધારાધોરણો છે. એટલે નવી શિક્ષણનીતિ હેઠળ થઈ રહેલા બદલાવોના સંદર્ભમાં આ ખૂબ સમયસર આવેલો નિર્ણય છે.”
રઈશ મનીઆર કહે છે, “પણ હા, જે બાળકોના બંને વાલી કામ કરે છે તેમના માટે પ્રી-સ્કૂલ અનિવાર્ય છે. પરંતુ તેમણે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે બાળક સાથે કમસે કમ એક સંબંધી સાથે રહે. અન્યથા બાળક એકલવાયું અને ગુસ્સાવાળું થાય છે. માતાપિતાએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેમનું બાળક તંદુરસ્ત બાળપણ માટે તેમના નજીકના સંબંધી સાથે ઉછેરે."














