ગુજરાતમાં ‘શિક્ષણના અધિકાર હેઠળ એડમિશનના નામે પૈસા પડાવવા’નો વિવાદ શું છે? RTE દ્વારા થનારા એડમિશન વારંવાર વિવાદમાં કેમ આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકોને ખાનગી સ્કૂલમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે સરકારનો ‘રાઇટ ટુ એજ્યુકેશન’નો કાયદો છે.
પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માગતા વાલીઓ સાથે એડમિશનના નામે વિવિધ માધ્યમોથી પૈસા પડાવી તેમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનો વિવાદ સામે આવ્યો છે.
બોગસ દાખલા બનાવી એડમિશનો થયાના અહેવાલો પણ જોવા મળતા હોય છે.
હાલમાં આવા એક કેસમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુદ નોંધ લીધી હતી.
જ્યારે બીજો કેસ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાને આવતાં તેમના વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તાજેતરમાં પત્રકારોને સંબોધતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું, “ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે એના માટે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઈ)ની યોજના છે. પરંતુ કેટલાક લેભાગુ તત્ત્વો નવા કીમિયા શોધીને પૈસા પડાવવાની કોશિશ કરતા હોય છે.”
“મેં મારા ધ્યાનમાં આવેલા કિસ્સા પર કાર્યવાહી માટે કામગીરી આદરી છે. સુરતમાં પણ જિલ્લાશિક્ષણાધિકારીને મેં ફરિયાદ ફૉરવર્ડ કરી હતી.”

આરટીઈની ‘ફૅક વેબસાઇટ’?

ઇમેજ સ્રોત, Getty Images
અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઈ એડમિશન માટે સરકાર પોતાની એક વેબસાઇટ ચલાવે છે. https://rte.orpgujarat.com આરટીઈ એડમિશન માટે સરકારની સત્તાવાર વેબસાઇટ છે. અહીંથી પ્રવેશ પ્રક્રિયા વિશેની માહિતી મળી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે, જેમાં એક અન્ય વેબસાઇટ પ્રવેશપ્રક્રિયા વિશે માહિતી આપતી અને ફૉર્મ ચકાસણી તથા દસ્તાવેજોના વેરિફિકેશનની સેવા આપતી હોવાનું બહાર આવ્યું છે.
આરટીઈ કાફૅ નામની વેબસાઇટ વિવાદમાં આવી છે. જેમાં શિક્ષણમંત્રીએ એની નોંધ લેતા તેની સામે ગાંધીનગરના સૅક્ટર-7માં ફરિયાદ નોંધાઈ છે.
આ વિશે બીબીસી સાથેની વાતચીતમાં ગાંધીનગર સૅક્ટર-7ના પોલીસ અધિકારી પી. બી. ચૌહાણે જણાવ્યું કે,“શિક્ષણવિભાગ (સચિવાયલ)માંથી ધ્યાનજોગ એક અરજી આવેલી છે. જેમાં ઉપરોક્ત વેબસાઇટ વિશે ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેની ગતિવિધિની ચકાસણી કરવા વિનંતી કરાઈ છે.”
“એ વિશે કોઈ એફઆઈઆર નથી દાખલ થઈ. અમે એ અરજીને પગલે વધુ તપાસ કરી રહ્યા છીએ. જે વ્યક્તિ વેબસાઇટ ચલાવે છે તેમના નિવેદન અને પૂછપરછ માટે તેમને પોલીસ મથકે પણ બોલાવ્યા હતા.”
“હાલ તપાસ અને ચકાસણી ચાલુ છે. વધુ પૂછપરછ કર્યા પછી વધુ વિગતો આપી શકાશે. પરંતુ હાલ આ વિશે અમે કામગીરી કરી રહ્યા છે.”
બીબીસીએ આ વેબસાઇટ ચલાવતી વ્યક્તિ સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી.
આ વેબસાઇટ હેતલ સોની નામની વ્યક્તિ ચલાવે છે. બીબીસીએ તેમનો સંપર્ક કર્યો અને તેમને સવાલ કર્યો કે તેમની વેબસાઇટને એક ‘ફૅક વેબસાઇટ’ ગણવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી થઈ રહી છે, એ વિશે તેમનું શું કહેવું છે.
બીબીસી સાથેની વાતચીતમાં વેબસાઇટ ચલાવનાર હેતલ સોની કહે છે, “મને પોલીસે બોલાવી. હું મારા તમામ પુરાવા-દસ્તાવેજો સાથે ત્યાં હાજર થઈ. મેં તો માત્ર સેવાનું કામ કરવા કોશિશ કરી જેથી વંચિત બાળકોનાં માતાપિતા સરકારના લાભથી વંચિત ન રહી જાય.”
“અમે છેલ્લાં 6 વર્ષથી વેબસાઇટ ચલાવીએ છીએ અને એક સેવા આપીએ છે. જેમાં વાલીઓની મૂંઝવણ દૂર કરવી, ફૉર્મ ભરી આપવા, ડૉક્યુમેન્ટ્સ વેરિફિકૅશન, ડૉક્યુમેન્ટ્સ જમા કરાવવા, પ્રવેશ પ્રક્રિયાનું માર્ગદર્શન સહિતની મદદ કરીએ છીએ. એના માટે અમે ચાર્જ વસૂલ કરીએ છે. અમે એડમિશનની કોઈ ગેરંટી નથી આપતા.”
જોકે, બાદમાં હવે આરટીઈકાફૅ નામની વેબસાઇટ બંધ કરી દેવાઈ છે. કેમ આ વેબસાઇટ બંધ કરી દેવાઈ એ વિશે જાણવા બીબીસીએ હેતલ સોનીનો ફરી સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

સુરતમાં ‘એડમિશનના નામે પૈસા પડાવવાનો’ મામલો?

ઇમેજ સ્રોત, FAMILY ALBUM
હાલ રાજ્યમાં આર્થિકરીતે નબળા વર્ગના વિદ્યાર્થિઓ માટે ધોરણ-1માં રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઈ - RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.
આરટીઈમાં એડમિશન મેળવવાની પ્રક્રિયામાં વિવિધ ફૉર્મ ભરવાના હોય છે, દસ્તાવેજો પૂરા પાડી એડમિશનની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.
તાજેતરમાં જ સુરતમાં એજન્ટ મારફતે આરટીઈ એડમિશનની લાલચ અને ખાતરી આપી પૈસા પડાવવામાં આવતા હોવાના અહેવાલ સ્થાનિક મીડિયામાં જોવા મળ્યા હતા.
શિક્ષણમંત્રીએ ખુદ સુરત જિલ્લા શિક્ષણાધિકારીનું આ મામલામાં ધ્યાન દોર્યું હતું.
આ વિશે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ડી. આર. દરજીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “સુરતમાં લેભાગુ તત્ત્વો અને એજન્ટો મારફતે પૈસા પડાવવાના લોભામણા કિસ્સા સામે આવતા અમે જે પણ પુરાવા હતા એ સાથે રાખીને પોલીસમાં ફરિયાદ કરેલ છે.”
“હું વાલીઓને કહેવા માગીશ કે કોઈ પણ માધ્યમથી છેતરાશો નહીં અને સાવચેતીપૂર્વક નિર્ણય કરજો. માત્ર સરકારી વેબસાઇટ પરથી પારદર્શી પ્રક્રિયાથી જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કોઈ પણ બાહ્ય વ્યક્તિ તેમાં દખલગીરી નથી કરી શકતી.”
“ખરેખર કોઈ પણ વ્યક્તિ કે એજન્સી આરટીઈને લગતી કામગીરી ન કરી શકે. એનાથી વાલીઓ ગેરમાર્ગે દોરાતા હોય છે. વાલીઓએ પણ લાલચમાં આવીને આવા લેભાગુ તત્ત્વોનો સંપર્ક ન કરવો. આરટીઈ એડમિશનની પ્રક્રિયા પારદર્શી છે અને માત્ર સરકાર દ્વારા જ એનું નિયમન થાય છે.”
“કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પ્રવેશ આપવાનો દાવો ન કરી શકે. કોઈપણ વાલીઓએ લાલચમાં ન આવવું જોઈએ. આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ કોઈપણ પ્રકારની ઑનલાઈન ફી ભરવાની નથી હોતી.”

આરટીઈના એડમિશન અને વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
આરટીઈ મુદ્દે વાલી, સ્કૂલ સંચાલકો અને સરકાર વચ્ચે ખટરાગ થયા જ કરે છે. આ વિશે શિક્ષણ સંબંધિત નીતિઓ પર નજર રાખતા સુરતના પત્રકાર ચંદ્રકાન્ત સોલંકી પોતાનો અલગ મત રજૂ કરે છે.
સુરતના ગુજરાત ગાર્ડિયનના પત્રકાર ચંદ્રકાન્ત સોલંકી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે,“હું વર્ષોથી એજ્યુકેશનનું રિપોર્ટિંગ કરતો આવ્યો છું અને જ્યારથી આ આરટીઈ કાયદો આવ્યો છે, ત્યારથી એમાં વિવાદ થતો રહ્યો છે.”
“હિંદી મીડિયમ ફિલ્મ જેવા કિસ્સા પણ બન્યા છે. જેમાં બાળકને સારી સ્કૂલમાં એડમિશન માટે બોગસ દાખલા બનાવાયા અને પાછળથી કૌભાંડ બહાર આવે છે. વળી, બીજી બાજુ જે બાળકો આરટીઈ હેઠળ એડમિશન લે છે એમની સાથે ભેદભાવ થયાના પણ દાખલા બહાર આવ્યા છે.”
ચંદ્રકાન્ત સોલંકી વધુમાં જણાવે છે, “ખરેખર સરકારે આ આરટીઈનું ભંડોળ આ રીતે ખર્ચ કરવા કરતા એનાથી નવી સ્કૂલો બનાવી દેવી જોઈએ. જો ગુજરાતમાં 1 હજાર કરોડનું બજેટ હોય, તો એના કરતા એટલી નવી સ્કૂલો બનાવી દેવી જોઈએ અને એમાં બાળકોને ભણાવવા જોઈએ.”

આરટીઈની નીતિ અને સ્કૂલ સંચાલકોના વાંધા

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં જ સુરતની એક શાળાએ આરટીઈ હેઠળ ભણતા કેટલાંક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને સ્કૂલમાંથી બરતરફ કરી દીધાં હતાં. જે મામલો પોલીસ સ્ટેશન અને ડીઈઓ (જિલ્લા શિક્ષણાધિકારી) સુધી પહોંચ્યો હતો.
આમ સમગ્ર આરટીઈની નીતિ વિવાદમાં કેમ રહેતી આવી છે? કેમ આ નીતિ હેઠળ પ્રવેશ મેળવેલાં બાળકો સાથે ભેદભાવ થતા હોવાની ફરિયાદો ઊઠે છે? આ સવાલના જવાબ મેળવવાની બીબીસીએ કોશિશ કરી.
આ મામલે બીબીસીએ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ – ગુજરાતના પ્રવક્તા ડૉ. દીપક રાજ્યગુરુ સાથે વાત કરી ઉપરોક્ત પ્રશ્નો પાછળનાં કારણો સમજવાની કોશિશ કરી.
આરટીઈની નીતિ અને એના હેઠળ થયેલા પ્રવેશો કેમ વિવાદમાં રહે છે એના જવાબમાં ડૉ. દીપક કહે છે, “સરકાર આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને ભણાવવા માટે સ્વનિર્ભર સ્કૂલને 10 હજાર રૂપિયા આપે છે. બીજી તરફ સરકાર ખુદ સ્વીકારે છે કે એક વિદ્યાર્થીને ભણાવવા પાછળ સરકાર ખુદ 20-40 હજારનો વાર્ષિક ખર્ચ કરે છે.”
"આમ સરકારે હજારો બાળકોને ભણાવવાનો આર્થિક બોજ એક રીતે સ્વનિર્ભર સ્કૂલો પર નાખી દીધો છે. છેલ્લાં 10 વર્ષોમાં લાખો બાળકો આ નીતિ હેઠળ ભણ્યા. એનો ખર્ચ ખાનગી સ્કૂલોએ ઉઠાવ્યો છે."
"બીજી બાજુ સરકાર ફી રેગ્યુલેટરી કમિટી (એફઆરસી) દ્વારા મંજૂર ફી લાગુ કરે છે. સરકાર આરટીઈ હેઠળ ઉઠાવવો પડતો વધારાનો ખર્ચ બાકીના વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરી સરભર કરવાની પણ મંજૂરી નથી આપતી. સરવાળે સ્કૂલોએ નાણાકીય સંચાલનના પડકારો વેઠવા પડે છે.”
“આરટીઈની આવક મર્યાદા પણ એક મોટો સવાલ છે. 1.30 લાખની વાર્ષિક આવક નક્કી છે. પણ ખરેખર જે વાલી જુનિયર કેજીમાં બાળકની ફી 40 હજાર ચૂકવતા હોય, એ એકાએક પહેલા ધોરણમાં કેવી રીતે ગરીબ થઈ જાય છે. સાધન સંપન્ન વાલીઓ પણ આવી નીતિનો લાભ લઈ લેતા હોય એવું જોવા મળતું હોય છે.”

ઇમેજ સ્રોત, Getty Images
‘વાલીઓ મજબૂર’

ઇમેજ સ્રોત, SOPA IMAGES
વાલી સ્વરાજ મંચના પ્રમુખ અમિત પંચાલ આ સમગ્ર મુદ્દે કહે છે કે આ બધા વચ્ચે વાલી હંમેશાં મજબૂર સ્થિતિમાં રહેતાં હોય છે.
તેઓ વધુમાં જણાવે છે,“વાલીને ઇન્ટરનેટ અને અન્ય પ્રક્રિયાઓ વિશે વધુ સમજ નથી હોતી. એટલે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા માટે તેણે બીજાનો આધાર લેવો પડે છે. જેમાં તે ઘણી વાર લેભાગુ તત્ત્વોનો શિકાર બને છે. અથવા તેણે વધારાના નાણાં ખર્ચ કરવા પડે છે.”
“સરકારે નાગરિક સુવિધા કેન્દ્રમાં આની સેવા શરૂ કરી દેવી જોઈએ. વાલીઓ મજબૂર હોય છે, તેમણે ગમે તેમ કરી પ્રવેશ લઈ બાળકોને ભણાવવાના હોય છે એટલે યેનકેન પ્રકારે કોશિશ કરતા રહે છે.”
“સરકાર અને શાળા સંચાલકો એક રીતે ઇચ્છતા જ હોય છે કે આરટીઈ હેઠળ ઓછા એડમિશન થાય. એમાં એમનું પણ ગણિત રહેલું છે.”

આરટીઈ (રાઇટ ટુ એજ્યુકેશન) શું છે?
બાળકના પ્રાથમિક શિક્ષણ માટે સામુહિક પ્રયાસો થાય અને જે તે કક્ષાએ જવાબદારી પણ સુનિશ્ચિત થાય એ માટે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ- 2009 સંસદ દ્વારા બનાવાયો હતો. આ કાયદો એટલે કે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) 2009. એને “શિક્ષણના અધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાયદો સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે. “ફરજીયાત” શિક્ષણ એટલે, 6 થી 14 વર્ષનાં તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવાં.
કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસૂલવામાં આવશે નહીં, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામાં આવશે.
આ નીતિ હેઠળ પ્રવેશ માટે સરકારે પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે.
જે ગ્રામ્યવિસ્તાર માટે લગભગ 1.20 લાખ રૂપિયા સુધીની છે. અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા લગભગ 1.50 લાખ રૂપિયાની છે.














