'અમે ક્યારેક ઊંઘમાંથી જાગી જઈએ છીએ', કિર્ગિસ્તાનમાં રહેતા ગુજરાતના વિદ્યાર્થીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'અમે અમારા ફ્લૅટની નીચે ભારતીય, પાકિસ્તાની અને બાંગ્લાદેશી મેડિકલ વિદ્યાર્થીઓને માર ખાતાં જોયા છે. એ પછી તમામ વિદ્યાર્થીઓએ એકબીજાને સલામતી માટે એમની પાસે આવેલા વીડિયો શૅર કર્યા છે. સરકારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હોવાથી અમે વધુ ડરી ગયા છીએ. હવે સ્થિતિ સામાન્ય છે પણ એ દિવસો યાદ કરીએ તો ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય છે.'
હાલ કિર્ગિસ્તાનમાં ભણતાં અને મૂળે પાલનપુરનાં અફરોઝ શેખ ત્યાંની સ્થિતિ અંગે વાત કરે છે.
પાલનપુરનાં અફરોઝ શેખના પિતા કાદર શેખ નાનો ધંધો કરે છે અને તેમણે દીકરીને ડૉક્ટર બનાવવા કિર્ગિસ્તાન ભણવા મોકલી હતી.
કાદર શેખે કિર્ગિસ્તાનના બિશ્કેક શહેરમાં આઈએસએમ મેડિકલ કૉલેજમાં ભણતી દીકરી અફરોઝ શેખ સાથે મોબાઇલ કૉન્ફરન્સ કોલમાં બીબીસી સાથે વાત કરાવી.
અફરોઝ કહ્યું કે "13થી 15 તારીખ સુધી અમારા માટે જહન્નુમથી ખરાબ હતી. અમારી હૉસ્ટેલની બહારથી અવાજો આવતા હતા. અમારી પાસે ખાવાનું કંઈ નહોતું, બહાર નીકળતા ડર લાગતો હતો. બે દિવસ અમે બિસ્કિટ અને બ્રૅડ વહેંચીને ખાધાં."

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
તેમના કહેવા અનુસાર હવે કિર્ગિસ્તાનની પોલીસે તેમને રક્ષણ આપ્યું છે અને ભારતીય દૂતાવાસે એક ઍડવાઇઝરી અને હેલ્પલાઇન નંબર જાહેર કરીને કહ્યું હતું કે દિલ્હી આવવાની ફલાઇટની વ્યવસ્થા થઈ ગઈ છે.
આ દરમિયાન વાલીઓનું કહેવું હતું કે વિદ્યાર્થીઓ માટે 26 તારીખની ટિકિટ બુક થઈ છે.
ગત દિવસોમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકો અને બહારના વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો અને તેના કારણે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ પેદા થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન ગત સોમવારે કિર્ગિસ્તાનમાં દસ લોકોની હિંસા સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે.
કિર્ગિસ્તાનના શિક્ષણમંત્રીએ બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથેની વાતચીતમાં કહ્યું કે જે વિદ્યાર્થીને હુમલામાં નુકસાન થયું છે તેમની સરકાર મદદ કરશે. કિર્ગિસ્તાન સરકારે દાવો કર્યો હતો કે સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે.
કિર્ગિસ્તાનમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કિર્ગિસ્તાનમાં રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓ અંગે બીબીસીએ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. એમની કચેરીમાંથી જાણવા મળ્યું કે મંત્રી વ્યસ્તતાના કારણે આ અંગે તાત્કાલિક માહિતી નહીં આપી શકે.
ગુજરાતી વિદ્યાર્થીઓને ભારત સહીસલામત પરત લાવવા માટે પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
સુરતનાં રિયા લાઠિયાએ સૌથી પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો મૂકી સલામતી માટે માગણી કરી હતી.
બીબીસીએ એમનાં માતા શર્મિષ્ઠા લાઠિયાની મદદથી રિયા સાથે ફોન પર વાત કરી.
રિયાએ કહ્યું કે "બે દિવસ અહીં અમારા માટે નર્ક સમાન હતા, અમે બે દિવસ ભૂખ્યાં રહ્યાં, સખત ડરી ગયાં હતાં , અમે કૉલેજમાં ભણતી ત્રણ છોકરીઓ એક ફૅલેટમાં રહીએ છીએ, મેડિકલ હૉસ્ટેલના હુમલાના વીડિયો અને ફોટા ભયાવહ હતા, મારા સંબંધીઓએ સુરતથી સરકાર સાથે અમારી સલામતીની રજૂઆત કરી પછી અહીં પોલીસ રક્ષણ મળ્યું અને શાંતિ થઈ."
આ ઘટનાથી ડરી ગયેલાં અમદાવાદમાં રહેતાં મહિલા શબાનાબહેને બીબીસીને એમના દીકરા સાથે વાત કરાવી હતી.
તેમના દીકરાએ કહ્યું કે "અમારી હૉસ્ટેલ નજીક થયેલા હુમલાને જોયો હતો. હવે અહીં શાંતિ હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓને મારશે એ ડરથી રાત્રે ઊંઘ નથી આવતી. મને થાય છે કે મારાં માતાપિતાએ પૈસા ખર્ચીને મને અહીં ભણવા મોકલ્યો છે, તો હું ભણવાનું પૂરું કરી શકીશ કે નહીં."
તો કાદર શેખ કહે છે કે "મેં લોન લઈને દીકરીને ભણવા મોકલી હતી, હવે એની સલામતી મારા માટે અગત્યની છે. તો શર્મિષ્ઠા લાઠિયાએ કહ્યું કે "અમારી દીકરીના બધા પ્રોફેસર એની સલામતીના તમામ પ્રયાસો કરતા હતા . હવે એ થોડા દિવસ ભારતમાં રહે પછી એને ફરી ભણવા મોકલીશું."
ભારત સરકારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, X/IndiaInKyrgyz
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું કહેવું છે કે ભારત સરકારે કિર્ગિસ્તાન સરકારનો ઉચ્ચ સ્તરે સંપર્ક કર્યો છે અને ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ભારત સરકારનું કહેવું છે કે હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા પણ વધારી છે.
ભારત સરકારે એક પ્રેસનોટ બહાર પાડીને કહ્યું છે કે ભારત સરકારે અહીંની કૉલેજ, પોલીસ સાથે વાત કરી છે.
વિદ્યાર્થીઓને ખોટી અફવામાં નહીં આવવા વિનંતી કરતા કહ્યું છે કે વિદ્યાર્થીઓ માટે ઍરપૉર્ટ સુધી જવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ હવાઈ માર્ગે આસાનીથી દિલ્હી પરત ફરી શકશે.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઍક્સ પર કહ્યું છે કે કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની ઘટનાના અહેવાલ છે. કિર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના દૂતાવાસ સાથે સંપર્કમાં છે.
તો ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બીબીસીએ વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહેલા રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારનો સંપર્ક કર્યો હતો.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની સલામતી અને પરત લાવવાની વ્યવસ્થા થઈ ગઈ છે. એમની સલામતીની જાણકારી માટે ખાસ 055710041 અને 055005538 નંબર પણ જાહેર કરાયા છે.
ભારત સરકારની સત્તાવાર યાદી મુજબ 17,000 વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ભણી રહ્યા છે.
કિર્ગિસ્તાનમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, MUHAMMAD BILAL
બીબીસીએ કિર્ગિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો તરફ નજર કરી તો જાણવા મળ્યું કે 17 મેની રાતે બિશ્કેકમાં સ્થાનિક લોકો તરફથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેના તાર 13 મેની ઘટના સાથે જોડાયેલા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, 13 મેના રોજ બિશ્કેકની મુસ્તફા કેફે પાસે હૉસ્ટેલમાં રહેતા એક વિદેશીએ અનેક સ્થાનિક લોકો સાથે મારઝૂડ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
પોલીસને માહિતી અપાઈ કે હૉસ્ટેલમાં રહેતા લોકો અને મહેમાનો વચ્ચે ઝઘડો થયો હતો.
આ મામલે ટેલીગ્રામ પર પોલીસે જણાવ્યું કે હૉસ્ટેલમાં થયેલા ઝઘડા અંગે જાણ થઈ છે. બધા લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે અને તેમણે પોતપોતાનાં નિવેદનો આપ્યાં છે.
ટેલીગ્રામ પોસ્ટમાં એ પણ કહેવાયું કે વિવાદનું સ્થળ જણાવાયું નથી, પણ કેસ નોંધાઈ ગયો છે અને પોલીસની તપાસ ચાલુ છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 મેની આ ઘટના બાદ બિશ્કેકમાં સોશિયલ મીડિયા પર ઘટના અંગે અનેક સમાચારો વહેતા થયા, જેથી સ્થાનિક લોકોમાં વિદેશીઓ પ્રત્યે ગુસ્સો વધી ગયો.
પછી 17 મેની સાંજે સેંકડો લોકો વિદ્યાર્થીઓની હૉસ્ટેલ પાસે પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા.
બિશ્કેકમાં મેડિકલ યુનિવર્સિટીની કેટલીક હૉસ્ટેલ અને પાકિસ્તાનીઓ સમેત અન્ય દેશોના વિદ્યાર્થીઓના ખાનગી આવાસો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ હૉસ્ટેલોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ રહે છે.












