ગાંધીનગર : 'ભાવિ શિક્ષકો છીએ, આતંકવાદી નથી', ટેટ પાસ ઉમેદવારોને પ્રદર્શન કેમ કરવું પડ્યું?

શિક્ષકોની કાયમી ભરતી મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહેલાં ઉમેદવારો
ઇમેજ કૅપ્શન, શિક્ષકોની કાયમી ભરતી મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહેલાં ઉમેદવારો
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

“અમે આવેદનપત્ર આપીને શિક્ષકોની કાયમી ભરતીની માગ કરવા આવ્યા છીએ. સરકાર પોલીસ મોકલીને અમને દર વખતે ઢસડી ઢસડીને એવી રીતે લઈ જાય છે જાણે અમે આતંકવાદીની જેમ ગુનો કર્યો હોય.” ટેટ પાસ ઉમેદવાર બનાસકાંઠાની એક યુવતીએ બીબીસીને આ વાત કહી હતી.

21 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં મંગળવારે બપોરે એક વરવું દૃશ્ય જોવા મળ્યું હતું. કેટલાંક યુવક-યુવતીઓને ટિંગાટોળી કરીને પોલીસ લઈ જતી હતી.

આ યુવક-યુવતીઓ ટેટ(ટીચર્સ ઍલિજિબિલિટી ટેસ્ટ) પાસ ઉમેદવારો હતાં. તેઓ શિક્ષકોની કાયમી ભરતી માટેની માગ સાથેનું આવેદનપત્ર શિક્ષણસચિવને આપવા માગતાં હતાં.

સરકારે થોડા સમય પહેલાં જાહેર કરેલી ‘જ્ઞાનસહાયક યોજના’નો તેઓ વિરોધ કરી રહ્યા હતા. આ અગાઉ પણ આ મુદ્દે અવાજ ઉઠાવવાનું પરિણામ સમાન જ આવેલું. આ યુવાનોની માગ હતી કે જ્ઞાનસહાયકને જગ્યાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. નોંધનીય છે કે ‘જ્ઞાનસહાયક’ એ કામચલાઉ શિક્ષકોની ભરતી માટે ઊભી કરાયેલી વ્યવસ્થા છે.

અટકાયત કરાયેલા લોકો પોતાની રજૂઆત માટે ગુજરાતના અલગઅલગ જિલ્લામાંથી આવ્યા હતા.

ઉમેદવારોનો લંબાતો જતો વિલંબ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પોલીસે પ્રદર્શન કરવા આવેલાં ઉમેદવારોની ટિંગાટોળી કરી હતી

પાટણથી આવેલા રાજુ દેસાઈના ટીશર્ટ પર લખ્યું હતું - કાયમી શિક્ષકોની ભરતી કરો.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું છ વર્ષથી તૈયારી કરતો હતો. 2017 પછીની ભરતી થઈ જ નથી. 2022-23માં જે ભરતી થઈ એ ઉમેદવારો જૂના છે. નવા ઉમેદવાર પાંચ વર્ષથી ભેગા થયા છે. તેમને કોઈ ચાન્સ મળ્યો નથી. પાંચ વર્ષે પરીક્ષા લેવાઈ, તેની સામે ઉમેદવાર પણ ઘણા છે. તેથી સરકારને વિનંતિ છે કે કાયમી ભરતી કરો.”

અમદાવાદથી આવેલાં એક મહિલા ઉમેદવારે નોકરી માટેનો વિલંબ વધુ ને વધુ લંબાતો જતો હોવાની ફરિયાદ કરતાં બીબીસીને જણાવેલું :

“અમે છ-સાત વર્ષથી ભરતીની રાહ જોતાં હતાં અને તૈયારી કરતાં હતાં. પરીક્ષા આવી પાસ થયા તો હવે કાયમી શિક્ષકની ભરતી નથી કરતા. અમે લોકો મધ્યમવર્ગીય પરિવારમાંથી છીએ. માબાપે પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા છે.”

બહેન આટલું બોલ્યાં ત્યાં જ તેમને ટિંગાટોળી કરીને પોલીસે વાહનમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. પોલીસ ટિંગાટોળી કરીને લઈ જઈ રહી હતી ત્યારે અન્ય એક મહિલા ઉમેદવારે કહ્યું કે, “અમે અમારો હક માગવા આવ્યા છીએ, ભીખ નથી માગતા. આ કયા પ્રકારની તાનાશાહી છે?”

પોલીસની ગાડીમાં અટકાયત પછી દિલીપસિંહ રાજપૂતે મોટે સાદે કહ્યું હતું કે, “શિક્ષણને ખાડે નાખવાનું કામ સરકાર કરી રહી છે. ગુજરાત મૉડલનાં બણગાં ફૂંકી સરકાર અહીં શિક્ષકોની ભરતી નથી કરી રહી. સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે છતાં સરકાર કાયમી ભરતી કરવા તૈયાર નથી.”

ગુજરાતમાં 32 હજારથી વધુ શિક્ષક – આચાર્યોની ઘટ

પોલીસવાનમાંથી ઉમેદવારોએ પોતાની વેદના જણાવી હતી
ઇમેજ કૅપ્શન, પોલીસવાનમાંથી ઉમેદવારોએ પોતાની વેદના જણાવી હતી

ગુજરાતમાં સરકારી તેમજ અનુદાન આધારિત શાળાઓમાં શિક્ષકોની 32 હજારથી વધુ જગ્યા ખાલી છે. જેમાંથી 20,687 શિક્ષકોની ઘટ સરકારી શાળામાં છે. રાજ્યમાં 906 શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. આ વિગતો ડીસેમ્બર 2022 સુધીની છે જે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં રજૂ કરી હતી.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો સવાલ છે કે જો આટઆટલી જગ્યા ખાલી પડી હોય તો શા માટે શિક્ષકોની કાયમી ભરતી નથી કરવામાં આવતી?

ટેટ-2 પાસ ઉમેદવાર પારસ પટેલે જણાવ્યું હતું :

“મારા સહિત અનેક ઉમેદવારોએ કાયમી ભરતી માટે જ મહેનત કરીને પરીક્ષાઓ આપી હતી. સરકારે પણ કાયમી ભરતી માટે જ પરીક્ષા લીધી હતી તો પછી જ્ઞાનસહાયક નામની કરાર આધારિત વચગાળાની વ્યવસ્થા કરવાનું કારણ શું છે?”

“અમે જ્યારે પણ ગાંધીનગર આવીએ ત્યારે અમારી પાછળ પોલીસ ગોઠવાઈ જાય છે”

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્ઞાનસહાયક યોજનાની વેબસાઇટ પર જણાવ્યું છે કે ટેટ પાસ ઉમેદવારો ધોરણ એકથી આઠ માટે કરાર આધારિત જ્ઞાનસહાયકની ખાલી જગ્યા માટે અરજી કરી શકશે.

જ્ઞાનસહાયકને માસિક 21 હજાર ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર હોય છે. જ્ઞાનસહાયકોની કામગીરીનો કરાર વર્ષ 2023-24 (એપ્રિલ) સુધીનો રહેશે. કરારનો સમય પૂર્ણ થતા કરાર આપોઆપ રદ ગણાશે.

અગાઉ પણ જ્ઞાનસહાયક યોજના સામે સપ્ટેમ્બરમાં ઊહાપોહ થયો હતો. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના સંચાલક મહામંડળના સૌરાષ્ટ્ર ઝોનનાં મંત્રી નરેન્દ્રભાઈ જાડેજાએ એ વખતે બીબીસીને જણાવ્યું હતું કે, “ટેટ-ટાટનો હેતુ જ કાયમી શિક્ષક ભરતીનો છે. એ પારદર્શી છે. જ્ઞાનસહાયક યોજના શોષણ છે.”

ટેટ પાસ ઉમેદવાર તેજસ મજીઠિયાએ બીબીસીને કહ્યું હતું : “પાછલા છ મહિનાથી અમે રજૂઆત કરી રહ્યા છીએ પણ સરકાર વાત સાંભળવા તૈયાર નથી. અમે જ્યારે પણ ગાંધીનગર આવીએ ત્યારે અમારી પાછળ પોલીસ ગોઠવાઈ જાય છે. સરકારને અમારી વિનંતી છે કે તમે અમારી સાથે વાત કરો.”

વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે જ્ઞાનસહાયકના વિરોધમાં ઑક્ટોબર માસમાં દાંડીથી સાબરમતી સુધી યાત્રા કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ઉમેદવારો ચર્ચા કરવા અને રાહ જોવા તૈયાર છે, પરંતુ શિક્ષણમંત્રી કે શિક્ષણસચિવ તેમની સાથે સંવાદ કરવા જ તૈયાર નથી.”

તેજસ મજીઠિયાએ કહ્યું હતું કે, “સરકાર દર વખતે કહે છે કે આ એક વૈકલ્પિક વ્યસ્થા છે, પણ કાયમી ભરતી ક્યારે કરાશે એના વિશે કશું કહેતી નતી. સરકાર અમને માત્ર તારીખ અને ભરતીનું કૅલેન્ડર આપે એટલી જ અમારી રજૂઆત છે.”

બીબીસી ગુજરાતીએ ઉમેદવારોની કાયમી ભરતીની માગ અને અટકાયત વિશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ ટેટ પાસ કર્યા પછી ઉમેદવાર વિદ્યાસહાયક તરીકે શિક્ષકની નોકરી માટે અરજી કરી શકતા હતા. 2021માં પણ ટેટ પાસ ઉમેદવારોએ રસ્તા પર ઊતરીને તેમજ સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવ્યું હતું. ઉમેદવારોએ "#વિદ્યાસહાયકની_જાહેરાત_આપો" એવા હૅશટેગ સાથે ટ્વિટર પર ઝુંબેશ ચલાવી હતી.

ટેટની પરીક્ષાઓ શું છે?

બીબીસી ગુજરાતી

ધોરણ એકથી પાંચમાં વિદ્યાસહાયક - શિક્ષક થવા માટે ટેટ-1ની પરીક્ષા પાસ કરવી પડે છે.

ધોરણ છથી આઠમાં વિદ્યાસહાયક - શિક્ષક થવા માટે ટેટ-2 પરીક્ષા પાસ કરવી પડે છે. એમાં પછી મેરિટને આધારે વિદ્યાસહાયકોની ભરતી થાય છે.

હરદેવ વાળા ટેટ પાસ ઉમેદવારોના મંડળના પ્રતિનિધિ છે. તેઓ જણાવે છે કે, "પીટીસી કરેલા ઉમેદવારો ટેટ-1 પરીક્ષા આપવા લાયક ગણવામાં આવે છે. ગ્રૅજ્યુએશન પછી બી. એડ. તથા અન્ય સમકક્ષ કોર્સ કરેલા ઉમેદવાર ટેટ-2 પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે."

19 એપ્રિલ 2021 મુજબ ટેટ-1 અંતર્ગત ધોરણ એકથી પાંચમાં ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા બિનઅનામત(ઓપન)માં પુરુષ માટે 18થી 33 વર્ષ, મહિલા તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી), સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (એસઇબીસી) અને આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યૂએસ) પુરુષ માટે 18થી 38 વર્ષ છે. એસસી, એસટી, એસઇબીસી અને ઇડબલ્યુએસ મહિલા માટે 18થી 43 વર્ષ છે.

ટેટ-2 અંતર્ગત ધોરણ છથી આઠમાં ભરતી માટે ઉમેદવારની વયમર્યાદા બિનઅનામત (ઓપન)માં પુરુષ માટે 18થી 35 વર્ષ, મહિલા તેમજ એસસી, એસટી, એસઇબીસી અને ઇડબલ્યુએસ પુરુષ માટે 18થી 40 વર્ષ છે. એસસી, એસટી, એસઇબીસી અને ઇડબલ્યુએસ મહિલા માટે 18થી 45 વર્ષ છે.

રેડ લાઇન
રેડ લાઇન