બીબીએની ડિગ્રી ધરાવતો શિક્ષિત યુવાન પરિવારના ગુજરાન માટે બે-બે નોકરી કરવા મજબૂર

સંકેત શાહ

ઇમેજ સ્રોત, LAXMI PATEL

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • મોટા ભાઈ અને પિતા સાથે સંકેતનો ત્રણ સભ્યોનો પરિવાર છે
  • સંકેતની ઉંમર 24 વર્ષ છે, તેઓ બીબીએની ડિગ્રી ધરાવે છે, ઇન્વેસ્ટમૅન્ટ કોર્સના ઑનલાઈન અભ્યાસ પાછળ રોજ એક કલાક ફાળવે છે
  • સંકેત 20 હજાર રૂપિયાના પગારે લૉજિસ્ટિક કંપનીમાં નોકરી કરે છે, નોકરી ઉપરાંત રાત્રે મસાજનાં સાધનો વેચીને મહિને 10 હજાર રૂપિયાની આવક રળે છે
બીબીસી ગુજરાતી

"હું સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી એક લૉજિસ્ટિક કંપનીમાં નોકરી કરું છું. નોકરીથી પરિવારનું પૂરું નથી થતું એટલે રાત્રે 9થી રાતના 1.30 વાગ્યા સુધી માણેકચોકમાં મસાજનાં સાધનો વેચું છું. આ રીતે મહિને 30 હજાર જેટલા કમાઈ લઉં છું."

આ શબ્દો વિદેશમાં ભણવા અને નોકરી કરવાનું સપનું જોતાં અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સંકેત શાહના છે.

મોટા ભાઈ અને પિતા સાથે સંકેતનો ત્રણ સભ્યોનો પરિવાર છે. ગયા વર્ષે તેમનાં માતાનું અવસાન થયું હતું.

પિતા માતાના અવસાનથી ગમગીન રહે છે. ભાઈની નોકરી પણ છૂટી ગઈ છે.

આમ ભાઈ અને પિતાની જવાબદારી તેમના માથે છે અને ત્રણ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ બે પાળીમાં કામ કરે છે.

સંકેત કહે છે, "મારી ઉંમર 24 વર્ષ છે. હું બીબીએની ડિગ્રી ધરાવું છું. ઇન્વેસ્ટમૅન્ટ કોર્સનો ઑનલાઇન અભ્યાસ કરું છું, રોજ એક કલાક ઑનલાઇન અભ્યાસ પાછળ ફાળવું છું."

પરિવારની સ્થિતિ અંગે તેઓ કહે છે, "અમે પરિવાર સાથે ઘીકાંટામાં માસિક 5 હજાર રૂપિયાના ભાડાના મકાનમાં રહીએ છીએ. પહેલાં પિતા માણેકચોકમાં મસાજનાં સાધનો વેચીને પરિવારને મદદરૂપ થતા હતા પણ હવે તેમની ઉંમર થઈ છે અને અચાનક ગત વર્ષે માતાના અવસાનથી તેઓ માનસિક રીતે થોડા વ્યથિત રહે છે."

પોતાના સંઘર્ષ અંગે વાત કરતા સંકેત શાહ કહે છે, "હું 20 હજાર રૂપિયાના પગારે લૉજિસ્ટિક કંપનીમાં નોકરી કરું છું. નોકરી ઉપરાંત રાત્રે મસાજનાં સાધનો વેચીને મહિને 10 હજાર રૂપિયાની આવક રળી લઉં છું. આમ, માસિક 30 હજાર રૂપિયા જેટલી મારી આવક છે."

"પહેલાં મારા મોટા ભાઈ પણ સાડીની દુકાનમાં નોકરી કરતા હતા. વ્યક્તિગત કારણોને લઈને તેમણે નોકરી છોડવી પડી છે. જેથી ઘરમાં થોડી આર્થિક સંકડામણ ઊભી થઈ હતી. મોટા ભાઈ બીજી નોકરી શોધી રહ્યા છે પણ મળતી નથી, જેથી હાલ તો આખા પરિવારની જવાબદારી મારા માથે છે."

બીબીસી ગુજરાતી

“એમબીએ નથી કરવું”

સંકેત પટેલ

ઇમેજ સ્રોત, LAXMI PATEL

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલના સમયમાં મોંઘવારીમાં અનેક પરિવારો એવા છે, જેમને આર્થિક નિર્વાહ માટે ભારે મુશ્કેલનો સામનો કરવો પડે છે.

બે પાળીમાં કામ કરવાની સ્થિતિ અંગે તેઓ કહે છે, "હાલમાં મોંઘવારી વધી છે, અમારું પોતાનું ઘર નથી જેથી દર મહિને ઘરનું ભાડું ચૂકવવા અને ઘર ચલાવવા માટે એક પગારમાં પૂરું થતું નથી, આથી બે પાળીમાં કામ કરવું પડે છે. પહેલાં હું માત્ર નોકરી કરતો હતો પણ હવે નોકરીની સાથે મસાજનાં સાધનો વેચવાનું કામ પણ શરૂ કર્યું છે."

પોતાના અભ્યાસ અને સપના વિશે વાત કરતા સંકેત કહે છે, " હું બીબીએની ડિગ્રી ધરાવું છું. પહેલાં બીબીએ કર્યા બાદ હું એમબીએ કરવાનું વિચારતો હતો પણ મેં મારી આસપાસ જોયું કે, એમબીએ ડિગ્રી ધરાવતાં યુવાનો પણ હાલ હું જેટલું કમાઉં છું તેટલો જ પગાર મેળવી રહ્યા છે જેથી મેં એમબીએ કરવાનું માંડી વાળ્યું.”

તેઓ ઉમેરે છે, “મારા મોટા ભાગના મિત્રો વિદેશમાં ભણવા અને નોકરી કરવા માટે ગયા છે. મારી પણ વિદેશમાં ભણવા અને નોકરી કરવાની ઇચ્છા છે. જોકે તે અઘરું છે. હું પણ ભવિષ્યમાં વિદેશ જવા માટે પ્રયત્નશીલ છું. હાલ તો પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. મારા માટે પરિવાર એ પ્રાથમિકતા છે."

પોતાના આગામી આયોજન અંગે વાત કરતા સંકેત કહે છે, "હું કપડાનો બિઝનેસ કરવાનું સપનું જોઈ રહ્યો છું. એક વાર ધંધો જામી જાય તો ભાઈને ચલાવવા આપી દઈશ, જેથી મારી ઘરની જવાબદારી ઓછી થશે અને ત્યારબાદ હું કદાચ વિદેશ જઈ શકીશ."

બીબીસી ગુજરાતી

લગ્નનો પ્રશ્ન

સંકેત શાહ

ઇમેજ સ્રોત, LAXMI PATEL

સામાજિક જટિલતા અંગે વાત કરતા તેઓ કહે છે કે કોટ વિસ્તારમાં સસ્તા મકાન ભાડામાં રહીએ છીએ અને એટલે માસિક 25થી 30 હજાર રૂપિયામાં પરિવારનું ગુજરાન ચાલે છે.

"જો કોટ વિસ્તાર છોડીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેવા જઈએ તો ભાડાનો ખર્ચ વધી જાય અને સાથે ઘર ચલાવવું અઘરું થઈ પડે. પરંતુ કોટ વિસ્તારમાં રહેવાની સમસ્યા એ છે કે અહીં રહેવાથી લગ્ન કરવામાં તકલીફ પડે તેમ છે, કેમ કે મોટે ભાગે યુવતીઓ લગ્ન બાદ કોટ વિસ્તારમાં રહેવાનુ પસંદ કરતી નથી."

તેઓ ઉમેરે છે, "લગ્ન માટે કોઈ યુવતી સાથે વાત ચાલે ત્યારે પહેલો સવાલ કમાણીનો અને બીજો સવાલ ક્યાં રહો છો તેનો આવે છે. યુવતીઓ કોટ વિસ્તારમાં રહેવા માગતી નથી એટલે હાલ તો લગ્ન કરવામાં પણ તકલીફ પડી રહી છે."

સંકેત માને છે કે કોઈ ધંધો નાનો નથી હોતો. કોરોનાની મહામારીનો સમય બધા માટે અઘરો હતો. કોરોનામાં લોકો પાસે નોકરીઓ ન હતી. લોકો નોકરી ગુમાવી રહ્યા હતા.

કોરોનાકાળમાં સંકેત પાસે પણ નોકરી ન હતી. તેઓ લોકલ ટેમ્પોચાલક સાથે કામ કરતા હતા.

સંકેતનું માનવું છે કે, કૉલેજમાં ભણતા યુવકોએ ફાઇનાન્સિયલ ઍજ્યુકેશન પણ મેળવવું જોઈએ તેમજ વ્યવસાય અંગે પણ વિચારવું જોઈએ.

હાલમાં બે નોકરીના કારણે તેઓ મિત્રોને પણ નિયમિત મળી શકતા નથી.

તેઓ કહે છે, "અત્યારે અમે મિત્રો મહિનામાં બે વાર જ મળી શકીએ છીએ."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી