વડોદરા : અસલ ઉમેદવારના અંગૂઠાની ચામડી લગાડી પરીક્ષા દેવા આવ્યો ડમી ઉમેદવાર, કઈ રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, Laxmi Patel
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- સરકારી નોકરી મેળવવા માટે જેનો વિચાર પણ ન આવે તેવી ઘટના
- વડોદરામાં રેલવેની નોકરી મેળવવા માટે બિહારના યુવકે રચ્યો પ્લાન
- ડમી ઉમેદવાર વૅરિફિકેશનમાં ન પકડાય તે માટે પોતાના અંગૂઠાની ચામડી કાઢીને તેના અંગૂઠે ચિપકાવી
- પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે બંનેનું જૂઠ પકડાઈ ગયું
- હવે પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે

દેશભરમાં 22મી ઑગસ્ટના રોજ મંગળવારે યોજાયેલી રેલવે રિક્રૂટમૅન્ટ લેવલ-1ની પરીક્ષા દરમિયાન વડોદરા શહેરમાં આવેલા એક સેન્ટર ખાતે ડમી ઉમેદવાર મોકલી પરીક્ષામાં ગેરરીતિ આચરવાનો કિસ્સો નોંધાયો હતો.
જે રીતે પરીક્ષામાં ચોરી કરાઈ હતી તેને કારણે આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
વાત એમ છે કે વડોદરાના લક્ષ્મીપુરમાં પરીક્ષાકેન્દ્રમાં અસલી ઉમેદવારના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠા પર ગુંદરથી લગાડીને પરીક્ષા આપવા આવેલો એક ડમી ઉમેદવાર પકડાયો હતો.
પોલીસે મૂળ બિહારના રહેવાસી એવા પરીક્ષા આપવા આવેલા આ ડમી ઉમેદવાર અને તેની સાથે અસલી ઉમેદવારની પણ ધરપકડ કરી છે.
પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે અસલી ઉમેદવારના અંગૂઠાને ગરમ તવા ઉપર લગાવીને ફોલ્લો પાડ્યો હતો અને પછી અંગૂઠાની ચામડી નીકાળીને ડમી ઉમેદવારના અંગૂઠા ઉપર લગાવાઈ હતી.
એ બાદ આ ડમી ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યો હતો.
ડમી ઉમેદવારે પરીક્ષાકેન્દ્ર પર ફિંગરપ્રિન્ટ થકી પ્રવેશ પણ લઈ લીધો પણ બે-ત્રણ વાર સેનેટાઇઝર લગાડવાના લીધે અંગૂઠા ઉપર લગાડેલી ચામડી ઉખડી ગઈ અને ફરી ફિંગરપ્રિન્ટ લેતાં પકડાઈ ગયો.
આ સમગ્ર ઘટનામાં વડોદરા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા. બન્નેના ત્રણ દિવસ માટે રિમાન્ડ મંજૂર રખાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે પકડાયા આરોપી?

ઇમેજ સ્રોત, Laxmi Patel
આ સમગ્ર ઘટનામાં પોલીસ અસલ ઉમેદવારના ડીએનએનની તપાસ કરાવશે.
પોલીસે ડમી ઉમેદવાર પાસેથી પકડાયેલી અંગૂઠાની ચામડીને એફએસએલ લૅબોરેટરીમાં પણ પરીક્ષણ માટે મોકલી આપી છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અનંતા ટ્રેડર્સ ખાતેના સેન્ટરમાં ઑનલાઇન પરિક્ષા દરમિયાન સંબંધિત ઘટના ઘટી હતી.
આ કેન્દ્ર ખાતે પરીક્ષાનું સંચાલન કરી રહેલાં ટીસીએસ કંપનીના અધિકારીએ બોગસ ઉમેદવારને પકડીને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મૂળ બિહારના એક જ ગામના બે આરોપીઓની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના વાસણા કોતરિયા ખાતે રહેતા જસ્મીનકુમાર ગજ્જર ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ )માં ઑપરેશન ઍક્ઝેક્યુટિવ તરીકે ફરજ બજાવે છે.
ટીસીએસ દ્વારા સરકારના વિવિધ વિભાગોની ઑનલાઇન પરીક્ષા ફાળવાયેલાં કેન્દ્રોમાં યોજાતી હોય છે. જે અંતર્ગત વડોદરાના લક્ષ્મીપુરા ખાતેના સેન્ટરમાં ઑનલાઇન રેલવે, બૅન્ક સ્ટાફ, સિલેક્શન બોર્ડ, ઓએનજીસીમાં રિક્રૂટમેન્ટની પરીક્ષા યોજાતી હોય છે.
રેલવે રિક્રૂટમેન્ટ લેવલ પરીક્ષા દરમિયાન નિરીક્ષક અખિલેન્દ્રસિંહ સિકવિઝન ડિવાઇસ મારફતે વિદ્યાર્થીઓનું વૅરિફિકેશન કરી રહ્યા હતા. તે સમયે ઉમેદવાર મનીષકુમાર શંભુપ્રસાદના ફિંગરપ્રિન્ટનું વૅરિફિકેશન થયું નહોતું.
જેને પગલે શંકા જતાં ઉમેદવારે તપાસમાં અંગૂઠા ઉપર ચામડી લગાવી હોવાનું બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસને બોલાવવામાં આવી હતી.
પોલીસ દ્વારા ઉમેદવારની પૂછપરછ કરાતાં મનીષકુમારના નામે આવેલો ઉમેદવાર બિહારનો રહેવાસી રાજ્યગુરુ ગુપ્તા હોવાનું અને તે મનીષકુમારને બદલે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર પરીક્ષાકેન્દ્ર ખાતે ઉમેદવારોનો પ્રવેશ થાય એ બાદ ઓળખપત્રો ચકાસી, મૅટલ ડિટેક્ટરથી ફિક્સિંગ તેમજ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.
જે બાદ ઉમેદવારોને કઈ લૅબમાં જવાનું છે તે નક્કી થાય છે. આ પ્રક્રિયામાં બાયોમૅટ્રિકથી સિકવિઝન ડિવાઇસ મારફતે પરિક્ષાર્થીના ફિંગરપ્રિન્ટને જનરેટ કરવામાં આવે છે.
આ પ્રક્રિયા દરમિયાન પહેલીવાર ફિંગરપ્રિન્ટની તપાસ કરાઇ ત્યારે તો ડમી ઉમેદવાર પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં સફળ થઈ ગયો હતો.
જોકે, એ બાદ બે-ત્રણ વાર સેનિટાઇઝ લગાવાતાં એના અંગૂઠાની ચામડી ઉખડી હતી. એ પછી ફિંગરપ્રિન્ટ ડિવાઇસમાં ફરી ચકાસણી કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આરોપીઓ કહ્યું 'કોઈ નિષ્ણાતની મદદ લીધી ન હતી'

ઇમેજ સ્રોત, Getty Images
ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે," ઑનલાઇન પરીક્ષા દરમિયાન નિરીક્ષક અખિલેન્દ્રસિંહ સિકવિઝન ડિવાઇસ મારફતે ઉમેદવારોનું વૅરિફિકેશન કરી રહ્યા હતા. તે સમયે ઉમેદવાર મનીષકુમાર શંભુપ્રસાદની ફિંગર પ્રિન્ટનું વૅરિફિકેશન થયું ન હતું પછી 30 મિનિટ બાદ મનીષકુમારના અંગૂઠાનું બે વાર વૅરિફિકેશન કરાયા બાદ ત્રીજી વાર પણ વૅરિફિકેશન થયું નહોતું. "
"ત્યારે ઉમેદવાર મનીષકુ્મારે પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી કંઇક છુપાવતો હોય તેવું લાગતાં તેના ડાબા હાથના અંગૂઠા પર સેનિટાઇઝર નાખવામાં આવ્યું હતું અને ડાબા અંગૂઠા પર અન્યની નકલી ચામડી લગાડી હોવાનું ધ્યાને આવ્યું હતુ. "
પોલીસે બંને આરોપીઓની વિરુદ્ધમાં આઇપીસીની કલમ 419, 464, 465, 468 અને 120(બી) હેઠળ ફરિયાદ નોંધી વધારાની તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર અને તપાસ અધિકારી પૂજા. જી. તિવારીએ બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું, "આ પરીક્ષાનો મૂળ ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંને બિહારથી સાથે જ આવ્યા હતા. ડમી ઉમેદવાર એક વાર થમ્બ ઇમ્પ્રેશન આપીને ઍન્ટ્રી કરી હતી ત્યારબાદ બીજી વાર થમ્બ ઇમ્પ્રેશન લેવાની થઈ ત્યારે થમ ઇમ્પ્રેશન આવતી ન હતી."
"બે ત્રણ-વાર સેનેટાઇઝર કરવાનો કારણે ચામડી ઉખાડવા લાગી હતી પછી આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. કોર્ટે બને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાછે. "
વડોદરા બી ડિવિઝનના એસીપી એસ. એમ.વારોતરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, " રેલવેની પરીક્ષામાં આવેલાં ઉમેદવારે ગરમ તવા પર પોતાનો અંગૂઠો મૂક્યો હતો જેથી અંગૂઠાની ચામડી દાઝી ગઈ હતી. ચામડી દાઝી ગયા બાદ અંગૂઠા પર ફોલ્લા પડી ગયા હતા."
"આ ફોલ્લા પડી ગયેલી ચામડીને ઉખાડી લેવામાં આવી હતી. આ ચામડીને ફિંગરપ્રિન્ટ બનવવામાં આવી હતી. આરોપીએ કોઈ તબીબી મદદ લીધી નથી. "
"આરોપીઓને આ આઇડિયા પોતાની દિમાગની હોવાનું કહી રહ્યા છે. "

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












