ભારતની વધતી વસતિ ગરીબી દૂર કરવામાં સૌથી મોટો પડકાર છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રે જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારત ચીનને પાછળ મૂકીને વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની ગયો છે.
વર્ષના મધ્ય ભાગ સુધી ભારતની વસતિ 142 કરોડ 86 લાખ સુધી થઈ જવાની આશા હતી જે ચીનની 142 કરોડ 57 લાખની વસતિ કરતાં 29 લાખ જેટલી વધુ છે.
વર્ષ 2011 બાદથી ભારતમાં વસતિગણતરી નથી થઈ તેથી હાલ ભારતની વસતિ કેટલી છે, એ વિશે કોઈ આધિકારિક જાણકારી ઉપલબ્ધ નથી.
પરંતુ વર્ષ 2020માં નેશનલ કમિશન ઑન પૉપ્યુલેશને વસતિનાં અનુમાનો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કેહવાયું છે કે વર્ષ 2011 અને 2036 વચ્ચેનાં 25 વર્ષોમાં ભારતની વસતિ 121 કરોડ દસ લાખથી વધીને 152 કરોડ 20 લાખ થઈ જશે.
આનું પરિણામ એ આવશે કે વસતિની ઘનતા 368થી વધીને 463 વ્યક્તિ પ્રતિ વર્ગ કિલોમિટર થઈ જશે.
પરંતુ જાણકારોનું કહેવું છે કે ભારતમાં ઘણા લોકો પહેલાંની સરખામણીએ લાંબી ઉંમર સુધી જીવી શકે છે અને દેશમાં ઓછાં બાળકો પેદા થઈ રહ્યાં છે જેના કારણે ભારતનો વસતિવૃદ્ધિદર નીચે જઈ રહ્યો છે.
વૃદ્ધિદર ઘટવા છતાં ભારતની વસતિ વધવાનું ચાલુ છે અને આગામી ઘણાં વર્ષો સુધી આ ચાલતું રહેશે.
આવી સ્થિતિમાં દેશ સામે કેટલાક પડકારો હશે, આવો તેના પર એક નજર કરીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સંસાધનો પર દબાણ

સતત વધતી જઈ રહેલી વસતિના કારણે સૌથી મોટો પડકાર સંસાધનો પર વધતા જઈ રહેલા દબાણનો છે.
આ પ્રાકૃતિક સંસાધનોમાં જમીન, પાણી, જંગલ અને ખનિજ સમાવિષ્ટ છે. વસતિ વધવાના કારણે આ સંસાધનોનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ થાય છે.
જેના પરિણામે કૃષિ ઉત્પાદકતા અને પાણીની અછત સાથે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની સંભાવના વધી જાય છે.

- ભારતમાં વસતિવધારાનો દર ઘટી રહ્યો છે પરંતુ વસતિ વધવાનું સતત ચાલુ છે
- વર્ષના મધ્ય ભાગ સુધીમાં ભારતની વસતિ 142 કરોડ 86 લાખ સુધી પહોંચી જશે જે ચીનની વસતિ કરતાં 29 લાખ વધુ હશે
- વધતી જતી વસતિ સાથે દેશનાં સંશાધનો પર પણ દબાણ વધશે, જેથી નીતિનિર્માણને લઈને પડકાર વધશે
- દબાણ ઘટાડવાને લઈને આવાસ, પરિવહન, સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ સાથે જોડાયેલી માળખાગત વ્યવસ્થાઓનું વિસ્તરણ થશે
- વધતી જતી વસતિના કારણે ગરીબી રેખા નીચે રહેતા લોકોની સંખ્યા વધી શકે છે
- ભારતની વૃદ્ધ થતી જતી વસતિ (65 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો) કુલ વસતિના સાત ટકા છે
- વૃદ્ધ વસતિ માટે સ્વાસ્થ્ય સુવિધાઓ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે

ઇન્ફાસ્ટ્રક્ચર પર દબાણ

વધતી જતી વસતિને કારણે આવાસ, પરિવહન, સ્વાસ્થ્ય અને શિક્ષણસુવિધાઓ સાથે જોડાયેલી માળખાગત વ્યવસ્થાઓનો વિસ્તાર કરવાની જરૂરત પણ વધી જશે.
એક મોટી આબાદીની જરૂરિયાતો પૂરી કરવાનું કામ પડકારજનક બની જાય છે અને આબાદીનો એક મોટો વર્ગ બદહાલ હાલતમાં જીવવા મજબૂર થઈ શકે છે.

બેરોજગારી
એક મોટી વસતિના કારણે કામ કરવાની ક્ષમતા ધરાવતા લોકોની મોટી સંખ્યા સામે આવવા લાગે છે. આ લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવો એ પડકાર તરીકે સામે આવે છે.
આજની તારીખે પણ ભારતમાં બેરોજગાર એક મોટી સમસ્યા છે. સતત વધતી જઈ રહેલી વસતિના કારણે આ સમસ્યા ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
રોજગારની અછત આર્થિક સમાનતા અને ગરીબી વધારવાનું કામ કરી શકે છે જેનાથી સામાજિક અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ

ઇમેજ સ્રોત, RAHUL KOTYAL/BBC
વસતિના એક મોટા વર્ગને શિક્ષિત અને કુશળ બનાવવાનું કામ પડકારભર્યું હોઈ શકે છે કારણ કે સમય સાથે જેટલા લોકોને શિક્ષિત અને કૌશલ્યવાન બનાવવાની જરૂરિયાત હશે એટલી ક્ષમતા કદાચ શૈક્ષણિક સંસ્થાનો પાસે કદાચ નહીં હોય.
આનું સીધું પરિણામ એવું થઈ શકે કે ઘણા ઓછા લોકો સારું શિક્ષણ હાંસલ નહીં કરી શકે અને ઘણા લોકો પાસે જે કૌશલ્ય હશે એ નોકરીની બજારમાંગને અનુલક્ષીને નહીં હોય.

ગરીબી અને અસમાનતા
વધતી જતી વસતિના કારણે ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા વધી શકે છે. સાથે જ આવકની અસમાનતા પણ વધવાનો ખતરો છે.
એક મોટો પડકાર ગરીબી ઘટાડવાના પ્રયાસોને સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડવનો પણ હશે.
કુલ્લે લોકોનો જીવનસ્તર અને સ્વાસ્થ્ય-શિક્ષણ સુધી તેમની પહોંચમાં ભારે અસમાનતાઓ પેદા થઈ શકે છે.

પર્યાવરણસંબંધી પડકારો
વધતી જતી વસતિની સીધી અસર પર્યાવરણ પર પણ પડશે.
વનોમાં વૃક્ષચ્છેદન, વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ પર્યારણના રક્ષણ માટે મોટા પડકાર તરીકે સામે આવી શકે છે.
ભારતના વસતિવૃદ્ધિ દરમાં ઘટાડો થયો પરંતુ નીતિઓનું શું થશે?
વૃદ્ધિદર ઘટવા છતાં ભારતની વસતિ વધવાનું ચાલુ છે અને આગામી ઘણાં વર્ષો સુધી ચાલુ રહેશે.
આવી સ્થિતિમાં સરકારો માટે એક પડકાર લોકો માટે નવી અસરકારક નીતિઓ અને યોજનાઓ બનાવવી અને તેને લાગુ કરવાનો હશે.
ભારતની વધતી જતી વસતિને જોતાં સરકારો માટે આવી નીતિઓ અને યોજનાઓ બનાવવાનું વધુ મુશ્કેલ થઈ પડશે જેનાથી એ વાત સુનિશ્ચિત કરી શકાય કે સંશાધનોની વહેંચણી સમાનપણે થાય અને સામાજિક અને આર્થિક વિષમતાને દૂર કરી શકાય.

સામાજિક પડકારો

વધતી જતી વસતિ સાથે સંકળાયેલી એક ચિંતા એ વ્યક્ત કરાય છે કે આના કારણે ઘણા પ્રકારના સામાજિક પડકારો સામે આવી શકે છે.
એક મોટી વસતિ ભીડભાડ તો વધારશે જ પરંતુ સાથે જ શહેરીકરણને પણ વેગ આપશે જેના કારણે ગુનાખોરીમાં વધારો થઈ શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું મુશ્કેલ બની જશે.

વધતી જતી વસતિ, વધતા જઈ રહેલા સવાલ
સંઘમિત્રાસિંહ પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયામાં પૉલિસી ઍન્ડ પ્રોગ્રામ્સ લીડ તરીકે કાર્યરત છે.
તેઓ કહે છે કે એ વાતને નકારી ન શકાય કે એક મોટી વસતિ એ સંસાધનો અને પર્યાવર્ણ પર દબાણ સર્જે છે. આ જ કારણે વસતિને લઈને ચિંતાજનક વિમર્શ થઈ રહ્યો છે.
તેઓ કહે છે કે, “જોકે એ વાત પણ ધ્યાને લેવાની જરૂર છે કે ભારત એક લાંબા સમય સુધી વિશ્વનો બીજા ક્રમનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ રહી ચૂક્યો છે અને એ સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બનવાનો જ હતો. તેથી આ કોઈ આશ્ચર્યજનક વાત નથી.”
ભારતની વધતી જતી વસતિને લઈને ઘણા પ્રકારની ચિંતાઓ વ્યક્ત કરાય છે. તો શું કોઈ દેશ માટે કોઈ આદર્શ વસતિની સ્થિતિ હોવી જોઈએ?

સંઘમિત્રાસિંહ આ વિશે કહે છે કે, “કોઈ પણ દેશ માટે કોઈ આદર્શ વસતિ જેવું કંઈ નથી. જ્યારે તમે વસતિની વાત કરો છો ત્યારે તમે લોકો વિશે વાત કરી રહ્યા હો છો અને લોકો નંબર કરતાં પહેલાં આવતે છે. તેથી સંખ્યાને લોકો કરતાં વધુ મહત્ત્વ આપવો એ માનવાધિકાર આધારિત દૃષ્ટિકોણ નથી.”
“વધુ જરૂરી વાત એ છે કે લોકોનું સ્વાસ્થ્ય સારું છે, શું તેમની પાસે યોગ્ય તકો છે, શું તેમને પર્યાપ્ત શિક્ષણ મળ્યું છે? આ બધી વાતો અંગે પ્રશ્ન પુછાવા જોઈએ.”

પ્રજનનદરમાં ઘટાડો
ચર્ચાનો વધુ એક વિષય ભારતનો પ્રજનનદર પણ છે. નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આંકડા અનુસાર ભારતનાં તમામ ધાર્મિક સમૂહોમાં પ્રજનનદર ઘટી રહ્યો છે.
સંઘમિત્રાસિંહ પ્રમાણે વસતિને માત્ર પ્રજનનદર સાથે જોડીને જોવાનો અર્થ એ છે કે બધો બોજો મહિલાઓ પર નાખવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું, “આનાથી એવો વિચાર ઘડાય છે કે જ્યારે વસતિ ઓછી થઈ રહી હોય ત્યારે મહિલાઓએ વધુ બાળકો પેદા કરવાં જોઈએ અને જ્યારે વસતિ વધી રહી હોય ત્યારે મહિલાઓએ ઓછાં બાળકો પેદા કરવાં જોઈએ. શું આપણે એક મહિલાની પસંદ અને તેની શારીરિક સ્વાયત્તતાનું સન્માન કરી રહ્યા છીએ?”
“શું આપણે ભારત જેવા એક દેશમાં જ્યાં આજે પણ લૈંગિક અસમાનતા અને પિતૃસત્તાનો પ્રબળ પ્રભાવ છે, ત્યાં મહિલાઓને કેટલાં બાળકો પેદા કરવા એ બાબતનો અધિકાર હોવાના અને ગર્ભનિરોધક સુધી તેમની પહોંચને લગતા મુદ્દાને સંબોધિત કરી રહ્યા છીએ.”
“શું ગ્રામીણ ભારતમાં તેઓ પ્રજનનસંબંધી નિર્ણય પોતાની મેળે લઈ રહી છે? આ બધા પ્રશ્નો ઉઠાવવાની જરૂરિયાત છે.”

વૃદ્ધ વસતિને લઈને ચિંતા

ભારતમાં 25 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકોની સંખ્યા કુલ વસતિ કરતાં લગભગ 40 ટકા છે. તેમજ દેશની લગભગ અડધોઅડધ વસતિની ઉંમર 25થી 64 વર્ષ સુધીની છે. ભારતમાં વૃદ્ધોની વસતિ (65 વર્ષ કરતાં વધુ) કુલ વસતિના સાત ટકા જેટલી છે.
પરંતુ ભારતનો વસતિવૃદ્ધિ દર ઘટતો જઈ રહ્યો છે તેથી એ વાત ચિંતાજનક બની છે કે આગામી દાયકામાં ભારતની વસતિનો એક મોટો ભાગ વૃદ્ધ હશે.
સંઘમિત્રા કહે છે કે જો આજે એક સરેરાશ ભારતીયની ઉંમર 28 વર્ષ હોય તો 30 વર્ષ પછી સરેરાશ ભારતીયની ઉંમર 58 વર્ષ હશે.
“તેથી જ્યારે વધતી જતી વસતિના કારણે સર્જાઈ રહેલ તકોની વાત કરાય છે ત્યારે અમે કહીએ છીએ કે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવા માટે આપણી પાસે 30 વર્ષ છે.”
તેમના પ્રમાણે સમય સાથે ગમે એ દેશની સરેરાશ વસતિ વૃદ્ધ થતી જશે આ વાતથી બચી ન શકાય. તેઓ કહે છે કે, “વિશ્વના કોઈ પણ ભાગમાં વસતિ યુવાન હશે અને પછી એ વૃદ્ધ થશે, ક્યારેક ઘટશે અને ક્યારે વધશે પણ ખરી.”

તેમનું કહેવું હતું કે આજે એ વાત મહત્ત્વપૂર્ણ છે કે આપણે આગામી 30 વર્ષ બાદ જે થવાનું છે તેના માટે તૈયાર રહેવાની જરૂરિયાત છે.
તેઓ કહે છે કે, “આપણે સામાજિક સુરક્ષાના ઉપાયોમાં રોકાણ કરવાની જરૂર છે. આપણે વૃદ્ધ લોકોની દેખરેખ અને તેમના સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ પૂરી પાડવાના ક્ષેત્રે રોકાણ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં દેશમાં પ્રવર્તી રહેલ લૈંગિક અસમાનતાની સ્થિતિને કારણે મોટી ઉંમરની મહિલાઓએ વિશેષ પડકારોનો સામનો કરવો પડશે.”
“તેમને વિશેષ પ્રકારની દેખરેખની જરૂરિયાત હશે. તેમની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાને લઈને નીતિઓ ડિઝાઇન કરવી પડશે.”














