સત્યપાલ મલિકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ મૂકનાર પૂર્વ રાજ્યપાલ કોણ છે?

સત્યપાલ મલિક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને કેન્દ્રશાસિત પ્રદેશમાં કથિત ઇન્શ્યૉરન્સ ગોટાળા મામલે કેટલાક સવાલોના જવાબ જાણવા માટે નોટિસ પાઠવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર છેલ્લા સાત મહિનામાં મલિકને સીબીઆઈએ બીજી વખત પૂછપરછ માટે બોલાવ્યા છે.

સીબીઆઈએ જમ્મુ-કાશ્મીરમાં સરકારી કર્મચારીઓ માટે એક ગ્રૂપ મેડિકલ ઇન્શ્યૉરન્સ અને સિવિલ કામકાજના કૉન્ટ્રાક્ટને લઈને મલિકના આરોપો પર બે ફરિયાદો દાખલ કરી હતી.

તો સત્યપાલ મલિકને સીબીઆઈની નોટિસ મળવા પર કૉંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

કૉંગ્રેસે એક ટ્વીટમાં કહ્યું, "અંતે પીએમ મોદીથી રહેવાયું નહીં. સત્યપાલ મલિકજીએ દેશ સામે તેમની પોલ ખોલી દીધી. હવે સીબીઆઈએ મલિકજીને બોલાવ્યા છે. આ તો થવાનું જ હતું. વધુ એક વસ્તુ થશે...'ગોદી મીડિયા' હજી પણ ચૂપ રહેશે. લખીને રાખી લો."

જ્યારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું, "સમગ્ર દેશ તમારી સાથે છે. ભયના આ માહોલમાં તમે ઘણું સાહસ દેખાડ્યું છે, સર. તેઓ કાયર છે, સીબીઆઈની પાછળ સંતાયેલા છે."

"જ્યારે જ્યારે આ મહાન દેશ પર સંકટ આવ્યું છે, તમારા જેવા લોકોએ પોતાના સાહસથી તેનો સામનો કર્યો છે. તેઓ અભણ છે, ભ્રષ્ટ છે, દેશદ્રોહી છે. તેઓ તમારો સામનો કરી શકે તેમ નથી. તમે આગળ વધો સર."

ગયા વર્ષે તેમને ઑક્ટોબરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. થોડાક દિવસો પહેલાં સત્યપાલ મલિકે ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર'ના વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂઝ ચેનલોથી માંડીને અખબારોનાં મુખ્ય મથાળાં અને ફેસબુકથી માંડીને ટ્વિટર સુધી- પાછલા ઘણા દિવસથી પ્રયાગરાજમાં થયેલા અતીક હત્યાકાંડની ચર્ચા ચારે તરફ ચાલતી હતી.

જોકે, રાજકીય વર્તુળોમાં એ ઉપરાંત એક ઇન્ટરવ્યૂ બાબતે પણ તીક્ષ્ણ સવાલ-જવાબ થઈ રહ્યા છે, પરંતુ એ સમાચાર દેશનાં મોટાં અખબારો અને મેઇન સ્ટ્રીમ મીડિયામાંથી લગભગ ગાયબ હતા.

વિરોધ પક્ષો એ ઇન્ટરવ્યૂના સહારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યા છે અને તે ઇન્ટરવ્યૂ યૂ-ટ્યૂબ પર અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

તે ઇન્ટરવ્યૂ ચાર રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ધ વાયર નામની ન્યૂઝ વેબસાઇટના વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપ્યો હતો.

એ ઇન્ટરવ્યૂમાં સત્યપાલ મલિકે પુલવામા હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે એટલું જ નહીં, ભ્રષ્ટાચારના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક ગંભીર આક્ષેપ પણ કર્યા છે.

તે આક્ષેપો બાબતે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. અલબત્ત, તે ઇન્ટરવ્યૂ બાદ સત્યપાલ મલિક સામે પણ અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે.

સત્યપાલ મલિકના નિવેદન બાબતે ધમાલ થઈ હોય તેવી આ પહેલી ઘટના નથી. તેમનાં નિવેદનોને કારણે તેમના જ પક્ષ ભાજપે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય તેવી અનેક ઘટના અગાઉ પણ બની છે.

સવાલ એ છે કે સત્યપાલ મલિક આખરે આવું શા માટે કરી રહ્યા છે? એ પણ એવા પક્ષ સાથે કે જેણે તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી એટલું જ નહીં, તેમને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષથી માંડીને ચાર રાજ્યના રાજ્યપાલ પણ બનાવ્યા હતા.

આમ કરવામાં તેમનું કોઈ રાજકીય હિત સમાયેલું છે? તેમના શબ્દોનું મહત્ત્વ કેટલું છે? તેઓ તેમને કયા જાટ સમાજ અને ખેડૂતોનું સમર્થન હોવાનો દાવો કરે છે? તેમના દાવામાં આખરે કેટલો દમ છે? આ સવાલોના જવાબ મેળવતા પહેલાં સત્યપાલ મલિક કોણ છે તે જાણી લેવું જરૂરી છે.

તેમની 50 વર્ષ લાંબી રાજકીય સફર પર નજર કરવાથી આ સવાલોના જવાબ મેળવવાનું સરળ થઈ જશે.

ગ્રે લાઇન

અનેક પક્ષ બદલ્યા

સત્યપાલ મલિક

ઇમેજ સ્રોત, Getty Images

સત્યપાલ મલિક ખુદને લોહિયાવાદી ગણાવે છે.

રામમનોહર લોહિયાના સમાજવાદથી પ્રભાવિત થઈને તેમણે વિદ્યાર્થી નેતા તરીકે મેરઠ કૉલેજ વિદ્યાર્થી સંઘથી શરૂઆત કરી હતી.

તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બાગપતમાં 1946ની 24 જુલાઈ થયો હતો. તેમના જણાવ્યા મુજબ, તેઓ બે વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું.

વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીના જણાવ્યા મુજબ, સત્યપાલ મલિકને રાજકારણમાં લાવવાનું કામ ચૌધરી ચરણસિંહે કર્યું હતું. તેઓ 1974માં ચૌધરી ચરણસિંહના ભારતીય ક્રાંતિ દળની ટિકિટ પર બાગપત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને માત્ર 28 વર્ષની વયે વિધાનસભામાં પહોંચ્યા હતા.

વિધાનસભાના આ સૌપ્રથમ ચૂંટણી સત્યપાલ મલિક દસેક હજાર મતની સરસાઈથી જીત્યા હતા.

1980માં તેઓ લોકદલ પક્ષમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા, પરંતુ ચાર વર્ષ પછી તેમણે એ જ કૉંગ્રેસનો હાથ પકડ્યો હતો, જેના શાસનકાળમાં લાદવામાં આવેલી કટોકટીના વિરોધમાં તેઓ જેલમાં ગયા હતા.

1987માં રાજીવ ગાંધી પર બોફોર્સ કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે તેમની સામે પડેલા વી. પી. સિંહને સત્યપાલ મલિકે સાથ આપ્યો હતો.

કૉંગ્રેસ છોડીને સત્યપાલ મલિકે જન મોરચા પક્ષ બનાવ્યો હતો, જે 1988માં જનતા દળમાં વિલીન થઈ ગયો હતો.

1989માં દેશમાં સંસદીય ચૂંટણી યોજાઈ હતી અને તેમાં સત્યપાલ મલિક ઉત્તર પ્રદેશની અલીગઢ બેઠક પરથી ચૂંટાઈને પહેલી વાર લોકસભામાં પહોંચ્યા હતા.

1996માં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા અને અલીગઢથી ચૂંટણી લડ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીએ કહ્યું હતું કે, “જાટ નેતા તરીકે અલીગઢમાં તેમનો બહુ ખરાબ રીતે પરાજય થયો હતો. તેઓ ચોથા નંબરે રહ્યા હતા. તેમને લગભગ 40,000 મત મળ્યા હતા, જ્યારે વિજેતા ઉમેદવારને લગભગ 2.30 લાખ મત મળ્યા હતા. એ ચૂંટણીએ દર્શાવ્યું હતું કે તેઓ મોટા જાટ નેતા નથી.”

સત્યપાલ મલિક લગભગ 30 વર્ષ સુધી મુખ્યત્વે સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ 2004માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પક્ષની ટિકિટ પર ચૌધરી ચરણસિંહના પુત્ર અજિતસિંહ સામે બાગપત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

એ ચૂંટણી પણ તેમની જાટ નેતાની છબિ માટેની પરીક્ષા જેવી હતી. એમાં પણ તેઓ નાપાસ થયા હતા. અજિતસિંહને લગભગ સાડા ત્રણ લાખ મત મળ્યા હતા, જ્યારે ત્રીજા નંબરે રહેલા સત્યપાલ મલિકને લગભગ એક લાખ મત મળ્યા હતા.

2005-06માં તેમને ઉત્તર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને 2009માં ભાજપના કિસાન મોરચાના અખિલ ભારતીય ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા.

હેમંત અત્રીએ કહ્યું હતું કે, “સત્યપાલ મલિક હાર્યા હોવા છતાં ભાજપે તેમને પોતાની સાથે રાખ્યા હતા. 2012માં તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એ સમયે ભાજપ ઉત્તર પ્રદેશમાં પોતાના પગ જમાવવાના પ્રયાસ કરતી હતી અને જાટ નેતાને શોધી રહી હતી. એ સમયે સત્યપાલ મલિકની નરેન્દ્ર મોદી સાથે વ્યક્તિગત વાતચીત થઈ હતી અને સંબંધ બંધાયો હતો.”

નરેન્દ્ર મોદી 2014માં બહુમતી સાથે વડા પ્રધાન બન્યા હતા અને 2017ની 30 સપ્ટેમ્બરે સત્યપાલ મલિકને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 11 મહિના કામ કર્યા બાદ ઑગસ્ટ, 2018માં તેમને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

સત્યપાલ મલિકના કાર્યકાળમાં જ જમ્મુ-કાશ્મીર વિધાનસભા વિખેરી નાખવામાં આવી હતી. એ પછી સમગ્ર રાજ્યનો વહીવટ તેમના હાથમાં આવી ગયો હતો. એ દરમિયાન 2019ની પાંચમી ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ક્રમાંક 370 હઠાવી દેવાઈ હતી.

નવેમ્બર, 2019થી ઑગસ્ટ, 2020 સુધી તેમણે ગોવાના અને ઑગસ્ટ, 2020થી ઑક્ટોબર, 2022 સુધી તેમણે મેઘાલયના રાજ્યપાલ તરીકે કામ કર્યું હતું.

બીબીસી ગુજરાતી
  • ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કરતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે
  • આ ઇન્ટરવ્યૂમાં તેમણે પુલવામા હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવ્યા હતા
  • તેઓ ભાજપના એક સમયના ટોચના નેતાઓમાં સામેલ હતા
  • અવારનવાર ભાજપ તેમનાં નિવેદનોના કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાતો આવ્યો છે
  • જાણો સત્યપાલ મલિકની 50 વર્ષ લાંબી રાજકીય સફર વિશે
બીબીસી ગુજરાતી

નરેન્દ્ર મોદી પર કર્યા ગંભીર આક્ષેપ

સત્યપાલ મલિક સરકારના મંતવ્યથી વિપરીત નિવેદન વર્ષોથી આપતા રહ્યા છે, પરંતુ ન્યૂઝ વેબસાઇટ ધ વાયરને 14 એપ્રિલે આપેલી મુલાકાતમાં તેમણે એવી ઘટનાઓની વિગતવાર વાત કરી હતી, જેને લીધે કેન્દ્રની ભાજપ સરકાર માટે જ નહીં, પરંતુ ખુદ વડા પ્રધાન માટે પણ સમસ્યા સર્જાઈ શકે છે.

‘કેન્દ્રની બેદરકારીને લીધે થયો હતો પુલવામા હુમલો’

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વિસ્ફોટકો ભરેલી એક મોટરકાર સીઆરપીએફના જવાનોને લઈ જતી 70 બસના કાફલામાંની એક બસ સાથે અથડાવવામાં આવી હતી. તે આત્મઘાતી હુમલામાં 40 જવાનોનાં મોત થયાં હતાં.

સત્યપાલ મલિક

એ હુમલા માટે સત્યપાલ મલિકે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે.

તેમણે જણાવ્યું હતું કે સીઆરપીએફને જમ્મુથી શ્રીનગર પહોંચવા માટે પાંચ વિમાનની જરૂર હતી. તેમણે ગૃહમંત્રાલય પાસે વિમાન માગ્યાં હતાં, પરંતુ એ તેમને ફાળવવામાં આવ્યાં ન હતાં. વિમાન ફાળવવામાં આવ્યાં હોત તો આટલા મોટા કાફલાએ સડક માર્ગે જવું જ ન પડ્યું હોત, એવું તેમણે જણાવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ માહિતી તેમણે વડા પ્રધાનને આપી અને ભૂલ બાબતે જણાવ્યું ત્યારે વડા પ્રધાને તેમને કહ્યું હતું કે “આ બાબતે તમે ચૂપ રહો.”

દૈનિક ભાસ્કરના વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીએ 17 ફેબ્રુઆરીના પોતાના રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે લખ્યું હતું કે, “ચોથી ફેબ્રુઆરીથી સતત બરફવર્ષા થતી હોવાને કારણે જમ્મુમાં ફસાયેલા સીઆરપીએફના જવાનોને હવાઈમાર્ગે શ્રીનગર પહોંચાડવા માટે મંજૂરી માગવામાં આવી હતી. સીઆરપીએફે તેની દરખાસ્ત મુખ્યાલયને મોકલી હતી અને ત્યાંથી એ દરખાસ્ત ગૃહમંત્રાલયને મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળવાને કારણે એ કાફલો 14 ફેબ્રુઆરીએ સાડા ત્રણ વાગ્યે જમ્મુથી શ્રીનગર જવા રવાના થયો હતો અને બપોરે સવા ત્રણ વાગ્યે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો.”

હેમંત અત્રીએ કહ્યું હતું કે, “પુલવામા હુમલા વખતે કનેક્ટિંગ રોડ પર જવાનો તહેનાત ન હતા. એ સમયે પોલીસ અંદર જ હતી તો તેમની પાસે તેના વિશે કોઈ જાણકારી કેમ ન હતી? તેઓ જાણતા હતા તો તેમણે એ બાબતે કોઈ કાર્યવાહી કરી હતી? બાદમાં તેમણે કોઈ પ્રકારની તપાસ કરાવી હતી?”

બીબીસી ગુજરાતી

‘પાકિસ્તાન પર આરોપ શિફ્ટ કર્યો’

બીબીસી ગુજરાતી

તેમના કહેવા મુજબ, “દોષનો ટોપલો પાકિસ્તાન પર ઢોળવાનો છે એટલે ચૂપ રહેવાનું છે એ હું જાણી ગયો હતો.”

એ ઘટનાના 11 દિવસ બાદ ભારત સરકારે દાવો કર્યો હતો કે પુલવામા હુમલાના બદલામાં ભારતીય હવાઈદળે નિયંત્રણરેખા પાર કરીને પાકિસ્તાનના બાલાકોટ શહેરમાંની આતંકવાદી તાલીમ શિબિરો પર તબક્કા વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.

બે મહિના પછી એટલે કે એપ્રિલ, 2019માં દેશમાં યોજાનારી સંસદીય ચૂંટણીમાં ભાજપે બાલાકોટ સ્ટ્રાઇકને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. પ્રચારમાં બાલાકોટ સ્ટ્રાઇકનો ઉલ્લેખ વારંવાર સાંભળવા મળ્યો હતો.

મે, 2019માં ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ભાજપે પોતાની જીતનું પુનરાવર્તન કરતાં 300નો આંકડો પાર કર્યો હતો અને કેન્દ્રમાં બહુમત સરકાર રચી હતી.

ઇન્ટરવ્યૂમાં સત્યપાલ મલિકે પરોક્ષ રીતે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપે પુલવામા હુમલાનો ઉપયોગ ચૂંટણી માટે કર્યો હતો.

બીબીસી ગુજરાતી

પારદર્શકતાની કમી

સત્યપાલ મલિક

કેન્દ્રની ભાજપ સરકારે 2019ની પાંચમી ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ ક્રમાંક 370 હઠાવી લીધી હતી. આટલા મોટા નિર્ણયની જાણ તેમને માત્ર એક દિવસ પહેલાં કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે “કોઈ ખબર ન હતી. એક દિવસ પહેલાં સાંજે ગૃહમંત્રીનો ફોન આવ્યો હતો કે સત્યપાલ, હું એક પત્ર મોકલી રહ્યો છું. સવારે તમારી કમિટી પાસે મંજૂરી મેળવીને 11 વાગ્યા પહેલાં મોકલી આપજો.”

વરિષ્ઠ રાજકીય પત્રકાર અજોય આશીર્વાદે કહ્યું હતું કે, “સત્યપાલ મલિકના આક્ષેપ એકતરફી છે, પરંતુ કેન્દ્ર સરકારની અપારદર્શક કાર્યરીતિ ચિંતાજનક છે. તેમણે તેમના સિનિયર નેતાને અંધારામાં રાખ્યા હતા.”

ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરતાં સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે તેઓ જમ્મુ-કાશ્મીર અને ગોવાના રાજ્યપાલ હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો વડા પ્રધાન સમક્ષ અનેક વખત ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાનની નજીકના લોકો તેમની પાસે જમ્મુ-કાશ્મીરમાં દલાલીનું કામ લઈને આવ્યા હતા. તેમાં રૂ. 300 કરોડની ઑફર હતી. એ કામ કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

સત્યપાલ મલિકે કહ્યું હતું કે, “વડા પ્રધાનને ભ્રષ્ટાચારથી કોઈ ખાસ નફરત નથી, એવું હું આસાનીથી કહી શકું છું.”

અજોય આશીર્વાદે કહ્યું હતું કે, “આ ગંભીર આરોપ છે અને તે ભાજપના એક સિનિયર નેતા મૂકી રહ્યા છે. એક એવી વ્યક્તિ, જે સિસ્ટમની અંદર છે અને ચાર રાજ્યના રાજ્યપાલ તરીકે કામ કરી ચૂકી છે. યુરોપમાં આવી કોઈ મુલાકાત પ્રકાશિત થઈ હોત તો વડા પ્રધાને રાજીનામું આપી દીધું હોત.”

હેમંત અત્રીએ કહ્યું હતું કે, “સત્યપાલ મલિકે કથિત ઑફરની વાત રેકૉર્ડ પર લેવી જોઈતી હતી, પરંતુ તેમણે એવું કર્યું નહીં.”

બીબીસી ગુજરાતી

અગાઉ પણ કર્યાં છે વિવાદાસ્પદ નિવેદન

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

22, ઑગસ્ટ 2022 - સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલ તરીકે કાર્યરત્ હતા.

બાગપતના ખેકડામાં આયોજિત કિસાન મઝદૂર સભામાં તેમણે કહ્યું હતું કે “દિલ્હીની સીમા પર 700 ખેડૂત મરી ગયા હતા. રાજ્યપાલ હોવાને કારણે હું તેમાં ઝંપલાવું તેટલો મૂરખ નથી, પરંતુ 700 લોકો મરી ગયા ત્યારે પણ દિલ્હીથી સંવેદનાનો એક પત્ર સુધ્ધાં આવ્યો ન હતો. વડા પ્રધાન તો કૂતરી મરી જાય ત્યારે પણ સંવેદનાસંદેશ મોકલે છે. તેમને વાત મોડેથી સમજાઈ. પછી માફી માગીને ત્રણેય કાયદા પાછા લઈ લીધા, પરંતુ વ્યવહારમાં એ વખતે પણ ઇમાનદારી ન હતી.”

જાન્યુઆરી, 2022 - “ખેડૂતોના મુદ્દે હું વડા પ્રધાનને મળવા ગયો ત્યારે પાંચ જ મિનિટમાં મારો ઝઘડો થઈ ગયો હતો. તેઓ બહુ ગુમાનમાં હતા. અમારા 500 લોકો માર્યા ગયા છે એવું મેં કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મારા માટે મર્યા છે? મેં કહ્યું તમારા માટે મર્યા છે, તમે રાજા બન્યા છો એ કારણથી.”

“તેમણે મને કહ્યું હતું કે તમે અમિત શાહને મળો. હું અમિત શાહને મળ્યો. તેમણે કહ્યું કે એમની મતિ મારી ગઈ છે. તમે નચિંત રહો, મળતા રહો. કોઈને કોઈ દિવસે આ સમજાઈ જશે.”

જોકે, એ પછી સત્યપાલ મલિકે તેમના નિવેદન બાબતે ફેરવી તોળ્યું હતું. કરણ થાપર સાથેના ઇન્ટરવ્યૂમાં પણ તેમણે એ વાતનો પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે, “અમિત શાહવાળું મારું નિવેદન ખોટું હતું. અમિત શાહે મને એવું કશું કહ્યું ન હતું. હું તે નિવેદન પાછું લઉં છું. તેમણે એવું ક્યારેય કહ્યું ન હતું. મેં ખોટું કહ્યું હતું. એ મારી ભૂલ હતી.”

જાન્યુઆરી, 2019 - “જમ્મુ-કાશ્મીર પણ દેશનાં બીજાં રાજ્યો જેવું છે. અહીં કોઈ કતલેઆમ ચાલતી નથી. કાશ્મીરમાં જેટલાં મૃત્યુ એક સપ્તાહમાં થાય છે એટલી હત્યા તો પટણામાં એક દિવસમાં થાય છે. કાશ્મીરમાં પથ્થરમારા અને આતંકી સંગઠનોમાં છોકરાઓનું સામેલ થવાનું હવે બંધ થઈ ગયું છે.”

“અહીં છોકરાઓ ખુલ્લેઆમ હથિયાર લઈને ફરે છે અને રાજ્યના પોલીસ કર્મચારીઓની હત્યા કરે છે. તમે તેમની હત્યા શા માટે કરો છો? મારવા હોય તો એમને મારો કે જેમણે તમારા દેશ અને કાશ્મીરને લૂંટ્યું છે. તમે એવા કોઈ શખસને માર્યો છે?”

બીબીસી ગુજરાતી

જૂન, 2022માં અગ્નિપથ યોજનાનો વિરોધ

સત્યપાલ મલિક

ઇમેજ સ્રોત, @SATYAPALMALIK6

તેમણે કહ્યું હતું કે, “અગ્નિપથ યોજના આપણા સૈન્યને, જવાનોને નીચા દેખાડવાનું કામ કરશે. તેમની કારકિર્દી ખતમ કરી નાખશે. ચાર વર્ષમાં છ મહિના તાલીમ લેશે. છ મહિના રજા પર રહેશે. ત્રણ વર્ષ નોકરી કરશે પછી ક્યાં જશે? તેમનાં તો લગ્ન પણ નહીં થાય. તેમનામાં દેશ માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાનો મિજાજ ક્યાંથી હોય? આ બહુ ખોટું કર્યું છે. તેને ઝડપથી પાછી ખેંચી લેવી જોઈએ.”

માર્ચ, 2020 – ગવર્નર દારૂ પીવે છે

ઉત્તર પ્રદેશના બાગપતની મુલાકાત દરમિયાન એક જાહેરસભામાં તેમણે કહ્યું હતું કે, “ગવર્નર પાસે કોઈ કામ હોતું નથી. કાશ્મીરમાં જે રાજ્યપાલ હોય છે તે દારૂ પીવે છે અને ગોલ્ફ રમે છે.”

બીબીસી ગુજરાતી

હુમલાનું કારણ શું છે?

સત્યપાલ મલિકના રાજકારણને સારી રીતે સમજતા લોકોનું કહેવું છે કે તેઓ ભડભડિયા માણસ છે. દિલમાં હોય એ કહી દે છે.

અજોય આશીર્વાદે કહ્યું હતું કે, “તેમણે કૅમેરા સમક્ષ નિવેદન આપ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. તેઓ ગોવાના રાજ્યપાલ હતા ત્યારે પણ તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.”

બીજી તરફ હેમંત અત્રીએ કહ્યું હતું કે, “આજે માહિતીના અધિકારનો યુગ છે. સત્યપાલ મલિક રાજ્યપાલ હતા ત્યારે તેમણે હમણાં કહેલી વાતોને રેકૉર્ડ પર લાવી શક્યા હોત. એ બાબતે આગામી સમયમાં તપાસ કરી શકાઈ હોત, પરંતુ તેમણે એવું એકેય કામ કર્યું નહીં. રૂ. 300 કરોડના ભ્રષ્ટાચારની વાત સંબંધે તેઓ એ લોકોની ત્યાં જ ધરપકડ કરાવી શક્યા હોત.”

“મને લાગે છે કે તેમને ભ્રષ્ટાચાર સામે લડવું હતું, પરંતુ તેમની વાત કોઈ સાંભળતું ન હતું અને રાજભવનમાં જે રીતે હસ્તક્ષેપ થતો હતો તેને કારણે તેમનો એ પદ પ્રત્યે મોહભંગ થઈ ગયો હતો.”

બીબીસી ગુજરાતી

સત્યપાલ મલિકનો પ્રભાવ કેટલો?

સત્યપાલ મલિક

ઇમેજ સ્રોત, @SATYAPALMALIK6

પોતાને જાટ લોકો અને ખેડૂતોનું મોટું પીઠબળ હોવાનો અને ભાજપ તેમને હેરાન કરશે તો પક્ષની દુર્ગતિ થશે તેવો દાવો સત્યપાલ મલિક કરે છે. આ વાત સાચી છે? પશ્ચિમ ઉત્તર પ્રદેશના સત્યપાલ મલિક વાસ્તવમાં એટલા શક્તિશાળી છે?

વરિષ્ઠ પત્રકાર બૃજેશ શુક્લાએ કહ્યું હતું કે, “પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મોટું પરિવર્તન થવાનું છે, એવું તેમણે ખેડૂત આંદોલન વખતે કહ્યું હતું, પણ એવું કશું થયું નહીં. તેને બદલે સમાજવાદી પાર્ટી અને ખેડૂતોનો પક્ષ ગણાતા રાષ્ટ્રીય લોકદળ વચ્ચે મજબૂત યુતિ હતી. સત્યપાલ મલિક જાટ અને ખેડૂત નેતા તરીકે પોતાનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે.”

બૃજેશ શુક્લા માને છે કે સત્યપાલ મલિક રાષ્ટ્રીય લોકદળની મદદ વિના બાગપતથી ચૂંટણી લડે તો તેમને થોડા હજાર મત જ મળે.

હેમંત અત્રીએ કહ્યું હતું કે, “લોકો સત્યપાલ મલિકનું ભાષણ જરૂર સાંભળશે, પરંતુ તેને મતમાં પરિવર્તિત કરવાનું મુશ્કેલ છે.”

રેડ લાઇન
રેડ લાઇન