ભારત વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા દેશ બનવાને રસ્તે, વસતીવધારો સમજો પાંચ ચાર્ટમાં

ભારતમાં વસતીવધારો

વર્ષ 2023માં ભારત 142.8 કરોડ લોકો સાથે ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. આ આંકડો યુરોપની વસતી (74.4 કરોડ)થી લગભગ બમણો છે.

વર્ષ 1960 અને 1980ની વચ્ચે ભારતમાં વસતી ઉછાળો જોવા મળ્યો હતો અને છેલ્લાં 70 વર્ષમાં ભારતની વસતીમાં 100 કરોડથી વધુ લોકો ઉમેરાયા છે.

ભારતમાં વસતીવધારો તો છે જ, પણ તેનો દર એટલો વધારે નથી, જેટલો 40 વર્ષ પહેલાં હતો.

તો શું એનો અર્થ એ છે કે ભવિષ્યમાં વસતીમાં ઘટાડો જોવા મળશે?

અહીં આપણે પાંચ ચાર્ટમાં સમજીશું કે ભારત વસતીની દૃષ્ટિએ હાલની પરિસ્થિતિ સુધી કેવી રીતે પહોંચ્યો અને ભવિષ્યમાં શું થશે?

ગ્રે લાઇન

70 વર્ષમાં 100 કરોડ લોકોનો ઉમેરો, એક રેકૉર્ડ

ભારતમાં વસતીવધારો

હાલની દૃષ્ટિએ દેશની વસતી ચોક્કસ કેટલી છે, તે કહેવું શક્ય નથી. કારણ કે 2011 બાદ વસતીગણતરી હાથ ધરવામાં આવી નથી.

જોકે, પાછલાં વર્ષોમાં થયેલી વસતીગણતરી મુજબ વર્ષ 1950 અને 1980 વચ્ચે ભારતની વસતી લગભગ બમણી થઈ ગઈ હતી.

વર્ષ 1951માં દેશની કુલ વસતી 36.1 કરોડ હતી, જે 1981માં વધીને 68.3 કરોડ થઈ ગઈ હતી. એટલે કે ત્રણ દાયકામાં દેશમાં લગભગ 32 કરોડ લોકોનો ઉમેરો થયો હતો.

જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા સંભવિત આંકડા મુજબ ભારતમાં છેલ્લા સાત દાયકામાં લગભગ 100 કરોડ લોકો ઉમેરાયા છે.

પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં વસતીવધારો સ્થિર છે અને તેના વૃદ્ધિદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સિસના પ્રોફેસર ડૉ. ઉદયશંકર મિશ્રા મુજબ ભારતની વસતી ઘટી છે, પરંતુ તે વધતી રહેશે.

વસતીના મામલે ચીન વર્ષો સુધી પ્રથમ ક્રમાંકે હતું પરંતુ તેની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે ભારતની વસતી સતત વધી રહી છે.

ડૉ. મિશ્રા કહે છે, "વર્તમાન વસતી ગતિને જોતા આપણે સ્થિરતા સુધી પહોંચવા માટે ઓછામાં ઓછા ચાર દાયકા સુધી વૃદ્ધિ ચાલું રાખીશું. ત્યાર પછી સ્થિરતા આવી શકે છે."

ગ્રે લાઇન

વસતી જેટલી ઝડપથી વધી, એટલી ઝડપથી ઘટી રહી નથી

ભારતમાં વસતીવધારો

વર્ષ 1950 અને 1990 વચ્ચે ભારતનો વસતી વૃદ્ધિદર 2 ટકા હતો.

દેશનો વસતી વૃદ્ધિદર તેના મૃત્યુદર અને જન્મદર વચ્ચેના અંતર વડે માપવામાં આવે છે. જેમાં સ્થળાંતર દર પણ ધ્યાને લેવામાં આવે છે.

ડૉ. મિશ્રાના કહેવા પ્રમાણે, દેશના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે, પ્રજનનક્ષમતામાં ઘટાડો એ તાજેતરનાં વર્ષોમાં ભારતના ઘટી રહેલા વસતી વૃદ્ધિદર માટે જવાબદાર સૌથી મોટું પરિબળ છે.

2021માં ભારતનો વસતી વૃદ્ધિદર 0.68 ટકા હતો. પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લે 2017માં થયેલી થયેલી વસતી ગણતરી અનુસાર એ બે ટકાથી વધુ હતું.

તેનો સ્પષ્ટ અર્થ એ છે કે હાલ લોકો વધુ જીવે છે અને ઓછાં બાળકો પેદા કરે છે, જેના લીધે વસતી વૃદ્ધિદર ઘટી રહ્યો છે.

યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા આંકડા સૂચવે છે કે 2050 સુધી ઊંચો પ્રજનનદર ધરાવતા દેશો અને સબ-સહારન આફ્રિકન અને એશિયાના કેટલાક દેશો સહિત એકંદરે ગીચ વસતી ધરાવતા દેશોમાં મોટા ભાગનો વસતીવધારો જોવા મળશે.

છેલ્લા બે દાયકાથી ભારતનો પ્રજનનદર સતત ઘટી રહ્યો છે.

ભારતમાં વસતીવધારો

પ્રજનનદર ઘટી રહ્યો છે

ભારતમાં વસતીવધારો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં તમામ ધર્મનાં જૂથોમાં પ્રજનનદરમાં ઘટાડો જોવા મળ્યો છે.

હિંદુઓ, જે ભારતમાં સમગ્ર વસતીના લગભગ 80 ટકા હિસ્સો ધરાવે છે, તેમનો પ્રજનનદર સ્ત્રીદીઠ 1.9 જન્મ છે.

જો તેને 1992 સાથે સરખાવવામાં આવે તો તે 3.3 જન્મનો હતો. એટલે કે 27 વર્ષમાં તેમાં 1.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

એ જ રીતે સૌથી વધુ પ્રજનનદર ધરાવનાર ધાર્મિક જૂથ મુસ્લિમોના પ્રજનનદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ અને હિંદુ - તમામ લોકો પહેલાંની સરખામણીએ હાલ ઓછા બાળકોને જન્મ આપે છે.

પણ તેનો અર્થ એ નથી કે આવનારા સમયમાં દેશની વસતીમાં ઘટાડો જોવા મળશે.

ડૉ. મિશ્રા કહે છે, "પ્રજનનદરમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે, તે યુવાન સ્ત્રીઓમાં છે. જ્યારે ઉંમરલાયક સ્ત્રીઓ હજુ પણ ઊંચો પ્રજનનદર ધરાવે છે, જે ઓછામાં ઓછા 40 વર્ષ સુધી દેશમાં વસતી વધારાની ગતિ જાળવી રાખશે."

યુએનના પ્રક્ષેપણ મુજબ, જો હાલની જેમ સમયાંતરે પ્રજનનદરમાં સતત ઘટાડો થતો રહેશે તો વર્ષ 2100 સુધીમાં ભારતની વસતી વધીને 150 કરોડ સુધી પહોંચી જશે.

ડૉ. મિશ્રાએ એમ પણ કહ્યું કે લોકોનાં બાળકો પેદા ન કરવા પાછળ વિવિધ આર્થિક અને સામાજિક કારણો પણ છે, જે વસતી વૃદ્ધિદરના ઘટાડા પાછળ જવાબદાર છે.

હાલમાં ભારતનો પ્રજનનદર અમેરિકા અને ચીન કરતાં વધારે છે. પરંતુ ખુદના 1992 અને 1950ના પ્રજનનદર કરતા ઘણો ઓછો છે.

ભારતમાં વસતીવધારો

યુવાઓનો દેશ

ભારતમાં વસતીવધારો

ભારત એ યુવાઓનો દેશ છે અને આવનારાં 50 વર્ષ સુધી રહેશે. દેશની કુલ વસતીના 40 ટકા લોકોની ઉંમર 25 વર્ષ કે તેથી ઓછી છે.

દેશની અડધી વસતી 25થી 64 વર્ષ હોવા છતાં ભારતીયોની સરેરાશ ઉંમર માત્ર 28 વર્ષ છે.

અમેરિકા અને ચીન સાથે તેની સરખામણી કરીએ તો તેમની સરેરાશ ઉંમર 38 અને 39 વર્ષ છે.

ભારતની વૃદ્ધ વસતી (65 વર્ષથી વધુ) અત્યંત ઓછી છે, જે સમગ્ર વસતીના માત્ર સાત ટકા છે. પરંતુ જો ભારતનો વસતી વૃદ્ધિદર ઘટતો રહેશે તો વૃદ્ધ લોકોની સંખ્યા પણ વધશે.

ભારતમાં વસતીવધારો

યુવાનોની સામે વૃદ્ધ વસતી

ભારતમાં વસતીવધારો

અમેરિકા, ચીન કે જાપાનની જેમ ભારતમાં વધારે પડતા વૃદ્ધ લોકો નથી.

ચીનમાં દર 10માંથી 1.4 વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધારે છે. જ્યારે અમેરિકામાં આ આંકડો 1.8 છે.

ભારતમાં માત્ર સાત ટકા વસતી 65 વર્ષ કે તેથી વધુ છે અને વર્ષ 2100 સુધીમાં તે વધીને 23 ટકા સુધી પહોંચી શકે છે.

ડૉ. મિશ્રા જણાવે છે, "તમારે દરેક વયજૂથ તરફ જોવાની જરૂર છે. યુવાનો પણ વૃદ્ધ થશે જ. આ વયજૂથો વચ્ચેનું કોઈ ક્રૉસઓવર નથી જે એકબીજા પર કબજો કરશે."

હાલમાં ભારતની 40 ટકા વસતી 25 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે અને યુએનના પ્રક્ષેપણ મુજબ વર્ષ 2078 સુધીમાં તે ઘટીને 23. 9 ટકા થઈ જશે.

જોકે, તેને હજુ 50 વર્ષની વાર છે. પણ 2063 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 20 ટકાથી નીચે રહેશે અને ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ યુવા દેશ રહેશે.

રેડ લાઇન
રેડ લાઇન