જાપાનમાં અઢળક આર્થિક સુવિધા આપવા છતાં લોકો બાળકો પેદા કેમ નથી કરવા માગતા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત જલદી જ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા તરફ અગ્રેસર છે. વધતી વસ્તી ભારત માટે ચિંતાનો વિષય છે તો એવા કેટલાક દેશો ઘટતી વસ્તી અને પ્રજનન દરમાં એટલે કે બાળકો પેદા કરવાની ક્ષમતામાં ઘડાટાને કારણે ચિંતામાં છે.
આવો જ એક દેશ છે જાપાન.
દેશમાં પ્રજનન ક્ષમતામાં તીવ્ર ઘટાડાના સંદર્ભમાં જાપાનના વડાપ્રધાને હાલમાં જ ચેતવણી આપી હતી કે “ આ કરો યા મરો”નો સમય છે.
એટલું જ નહીં તેમણે કહ્યું કે 'જો આવુંજ ચાલતું રહ્યું તો એક દિવસ જાપાન ગાયબ થઈ જશે.'
ફુમિયો કિશિદાએ થોડા સપ્તાહ પહેલાં જણાવ્યું હતું કે જન્મદર ઐતિહાસિક રીતે નીચા સ્તરે પહોંચી ગયો હોવાને કારણે દેશ એક સમાજ તરીકે કામ નહીં કરી શકવાની અણી પર આવી ગયો છે. સત્તાવાર આંકડા મુજબ, એક સદીથી વધારે સમયમાં પહેલી વખત, ગયા વર્ષે જાપાનમાં કુલ આઠ લાખથી ઓછાં બાળકોનો જન્મ થયો હતો. 1970ના દાયકામાં આ પ્રમાણ 20 લાખથી વધુનું હતું.
કિશિદાએ સંસદસભ્યોને કહ્યું હતું કે “બાળકો અને બાળઉછેર સંબંધી નીતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાના મુદ્દે રાહ જોવાનું કે તેને મોકૂફ રાખવાનું શક્ય નથી. તે આ ગૃહની કાર્યસૂચિ પરના સૌથી મહત્ત્વના મુદ્દાઓ પૈકીનો એક છે.”
ઘટી રહેલા જન્મદરની સમસ્યા કેટલાય વિકસિત દેશોમાં છે, પરંતુ જાપાન માટે આ સમસ્યા વધારે ગંભીર છે, કારણ કે જાપાનમાં તાજેતરના દાયકાઓમાં લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. તેનો અર્થ એ કે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને કામ કરી શકે તેવા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
વર્લ્ડ બૅન્કના આંકડા અનુસાર, જાપાન, નાનકડા દેશ મોનાકો પછી વિશ્વમાં વૃદ્ધોની સૌથી વધુ વસ્તી ધરાવતો બીજો દેશ બની ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વસ્તીનો એક મોટો હિસ્સો નિવૃત્ત થાય અને આરોગ્ય સેવાઓ તથા પેન્શન વ્યવસ્થા પર મહત્તમ દબાણ આવે ત્યારે કોઈ પણ દેશ માટે આર્થિક રીતે ટકવું મુશ્કેલ બની જાય છે.
જાપાન આવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે કિશિદાએ જાહેરાત કરી હતી કે બાળકોના ઉછેર માટે સહાય આપીને જન્મદરમાં વૃદ્ધિને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમ માટે સરકાર બમણો નાણાકીય ખર્ચ કરશે.
આ જાહેરાતનો અર્થ એવો થાય કે સરકારી ખર્ચમાં કુલ ઘરેલુ ઉત્પાદનના લગભગ ચાર ટકા જેટલો વધારો કરવામાં આવશે.
જાપાન સરકારે અગાઉ પણ આવી વ્યૂહરચના અજમાવી હતી, પરંતુ તેનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થયું નથી.

- વિશ્વમાં વૃદ્ધોની સૌથી વધુ વસતી ધરાવતો દેશ જાપાન બની ગયો છે
- હાલ પ્રત્યેક જાપાની મહિલા સરેરાશ 1.3 બાળકને જન્મ આપે છે
- જાપાન અને સિંગાપોરની સાથે દક્ષિણ કોરિયા, તાઇવાન, હૉંગકૉંગ અને ચીનના શાંઘાઈ જેવા શહેરોમાં પણ પ્રજનન દરમાં ઘટાડો થઈ રહ્યો છે
- યુનાઈટેડ કિંગ્ડમ જેવા અન્ય દેશોના 15 ટકાની સરખામણીએ જાપાનની માત્ર ત્રણ ટકા વસ્તીનો જન્મ વિદેશમાં થયો છે

વસ્તી વિષયક ટાઈમ બોમ્બ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રત્યેક જાપાની મહિલા હાલ સરેરાશ 1.3 બાળકને જન્મ આપે છે. આ જન્મ દર વિશ્વમાં સૌથી નીચા જન્મ દર પૈકીનો એક છે. (દક્ષિણ કોરિયામાં સૌથી નીચો, 0.78નો જન્મ દર છે.)
આ વસ્તી વિષયક કટોકટીનાં ઘણાં કારણ છે. એ પૈકીનાં કેટલાંક તો વિકસીત દેશોમાં સર્વસામાન્ય છે, જ્યારે બીજાં કારણોને જાપાનની સંસ્કૃતિ સાથે સંબંધ છે. એ કારણો નીચે મુજબ છે.
- ઘરેલુ કામ અને બાળ સંભાળમાં લૈંગિક અસમાનતા
- મોટાં શહેરોમાં નાના એપાર્ટમેન્ટ્સ, જેમાં પરિવાર વિસ્તારવાની મોકળાશ હોતી નથી.
- સંતાનોને શ્રેષ્ઠ સ્કૂલ્સ તથા યુનિવર્સિટીઝમાં શિક્ષણ અપાવવાનો ઊંચો ખર્ચ અને જોરદાર દબાણ.
- જીવનનિર્વાહનો વધતો ખર્ચ
- નોકરી કરતી સ્ત્રીઓની વધી રહેલી સંખ્યા.
- ઑફિસમાં કામ માટે વધતો સમય અને બાળઉછેર માટે ઘટતો સમય.
- શિક્ષિત યુવતીઓમાં અપરિણીત અને નિઃસંતાન રહેવાનું વધતું વલણ.
- મોટી ઉંમર સુધી સંતાનને જન્મ આપવાનું ટાળવાનું વલણ અને તેને કારણે બાળકને જન્મ આપી શકવાની ક્ષમતામાં થતો ઘટાડો.
ઑસ્ટ્રિયાના વિયેનાસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફૉર ડેમોગ્રાફીના ડેપ્યુટી ડાયરેક્ટર ટૉમસ સોબોટ્કાએ જણાવ્યું હતું કે આ બધાં કારણોસર જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે “જાપાનમાં દંડાત્મક વર્ક કલ્ચર છે. તેમાં કર્મચારીઓએ વધુ કલાક કામ કરવું પડે છે. કામ પ્રત્યે ચુસ્ત રીતે પ્રતિબદ્ધ રહેવું પડે છે અને તેમની પાસેથી સર્વોત્તમ કાર્યક્ષમતા અપેક્ષિત હોય છે. આ બધામાં સંતાન પેદા કરવા માટે બહુ ઓછ સમય બચે છે.”
“તેથી પરિવારોના નાણાકીય સહાય આપવાથી, દેશમાં બહુ જ ઓછા પ્રજનન દરની સમસ્યા પાછળના કારણોનું નિરાકરણ આંશિક રીતે જ કરી શકાશે,” એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે વળી બાળકના ઉછેરના ખર્ચને સરભર કરવા માટે માત્ર નાણાકીય ઉપાય પૂરતા નથી.

સંભવિત ઉકેલ તરીકે ઇમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images
કામ કરી શકે તેવા લોકોની તીવ્ર અછત અને આરોગ્ય તથા સામાજિક સલામતી ફંડિગ પર વધતા દબાણના એક સંભવિત ઉકેલ તરીકે ઇમિગ્રેશનને જાપાન સરકારે નકારી કાઢ્યું છે.
બીબીસીના જાપાન ખાતેના ભૂતપૂર્વ સંવાદદાતા રુપર્ટ વિંગફિલ્ડ-હેયસ કહે છે કે “ઇમિગ્રેશન સામેનો વિરોધ ઓસર્યો નથી.”
યુનાઈટેડ કિંગ્ડમ જેવા અન્ય દેશોના 15 ટકાની સરખામણીએ જાપાનની માત્ર ત્રણ ટકા વસ્તીનો જન્મ વિદેશમાં થયો છે.
રુપર્ટ વિંગફિલ્ડ હેયસ કહે છે કે “યુરોપ અને અમેરિકામાં જમણેરી ચળવળો ઇમિગ્રેશનને વંશીય શુદ્ધતા અને સામાજિક સંવાદિતાનું ઝળહળતું ઉદાહરણ ગણાવે છે, પરંતુ જાપાન વંશીય રીતે એટલું શુદ્ધ નથી. ઘટતા પ્રજનન દરના નિરાકરણ તરીકે ઇમિગ્રેશનને નકારતા દેશનું શું થાય છે એ જોવું હોય તો જાપાનનું ઉદાહરણ ઉપયુક્ત છે.”
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સેન્ટર ફૉર ગ્લોબલ માઇગ્રેશનના સ્થાપક અને ડાયરેક્ટર તથા કેમ્બ્રિજ, મેસેચ્યુએટ્સ ખાતેના નેશનલ બ્યુરો ઑફ ઇકોનોમિકના રિસર્ચ આસિસ્ટંટ જીઓવાની પેરી માને છે કે ઇમિગ્રેશન જાપાનની સમસ્યાનું નિરાકરણ છે.
અલબત, તેઓ એવી ચેતવણી પણ આપે છે કે “જાપાનમાં વસ્તી વધારવા માટે જરૂરી ઇમિગ્રન્ટસને મોટા પ્રમાણમાં આવકારવા સરકાર તૈયાર હોય એવું મને લાગતું નથી.”
જાપાનમાં જે થઈ રહ્યું છે તે વિકસિત દેશોને અસર કરતી વૈશ્વિક ઘટનાનો એક ભાગ છે.
જીઓવાની પેરીના જણાવ્યા મુજબ, વસ્તી વિષયક દૃષ્ટિકોણથી આધુનિક અર્થતંત્રોમાં, ખાસ કરીને યુવા લોકોના ઇમિગ્રેશનમાં વધારો ઇચ્છનીય હોય છે. વધુ ઇમિગ્રન્ટ્સને લીધે કામ કરી શકે તેવા લોકોની સંખ્યા ઘટતી અટકશે અને કરની આવક પણ વધશે.

પૈસા જ ઉકેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જાપાન સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે ઇમિગ્રેશન એક માત્ર ઉકેલ નથી. જાપાન સરકારે પૈસાનો વિકલ્પ પસંદ કર્યો છે. વડાપ્રધાન કિશિદાની યોજના બાળ ઉછેરના કાર્યક્રમોને ટેકો આપવા માટે સરકારી ખર્ચ બમણો કરવાની છે.
જોકે, સિંગાપુર નેશનલ યુનિવર્સિટી ખાતેની લી કુઆન યૂ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના વિદ્વાન પોહ લિન ટેન જેવા કેટલાક વિશ્લેષકો એવી દલીલ કરે છે કે સિંગાપુર જેવા એશિયાના અન્ય દેશોમાં જન્મ દર વધારવા માટે નાણાકીય ખર્ચમાં વધારો ઉપયોગી સાબિત થયો નથી.
એ દેશમાં સરકાર પ્રજનન દરમાં ઘટાડાના પ્રવાહ સામે છેક 1980ના દાયકાથી ઝઝૂમી રહી છે. 2001માં તેણે જન્મ દરમાં વધારો કરવા માટે આર્થિક પ્રોત્સાહનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.
પોહ લિન ટેન જણાવે છે કે તે આર્થિક પ્રોત્સાહન પૅકેજમાં પેઈડ મેટરનિટી લીવ, બાળઉછેર સબસિડી, કર રાહતો, વળતર, રોકડ ભેટો અને કામ માટે લવચિક વ્યવસ્થા કરતી કંપનીઓ માટે ગ્રાન્ટ્સનો સમાવેશ થાય છે.
તેઓ કહે છે કે “આટઆટલા પ્રયાસો છતાં પ્રજનન દરમાં સતત ઘટાડો થતો રહ્યો છે.”
જાપાન અને સિંગાપોરની સાથે દક્ષિણ કોરિયા, તાઈવાન, હૉંગકૉંગ અને ઉચ્ચ આવક ધરાવતા ચીનના શાંઘાઈ જેવાં શહેરોમાં પણ પ્રજનન દરમાં ઘટાડો થઈ રહ્યો છે.

‘સફળતાનો વિરોધાભાસ’

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોર અને એશિયાના અન્ય દેશોમાં સફળતાનો એક પ્રકારનો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
પોહ લિન ટેન કહે છે કે “પ્રજનન દરમાં વધારો કરવાની અસમર્થતા બિનઅસરકારક બાળ-જન્મ પ્રોત્સાહન નીતિઓનું પરિણામ નથી, કારણ કે અત્યંત સફળ આર્થિક તથા સામાજિક પ્રણાલી સિદ્ધિને બિરદાવે છે, પરંતુ મહત્વાકાંક્ષાના અભાવને દંડે છે.”
આ કારણસર, નાણાકીય પ્રોત્સાહન પર આધારિત ન હોય તેવા અમુક ફેરફાર કરવા જરૂરી છે, એમ જણાવતાં પોહ લિન ટેન દલીલ કરે છે કે નાની વયના યુવતીઓને ગર્ભધારણ કરવા માટે પ્રોત્સાહિત કરવાને બદલે કમસેકમ બે સંતાન પેદા કરવા ઇચ્છતાં યુગલોને તેમનું લક્ષ્યાંક હાંસલ કરવામાં વધુ સારી નીતિના અમલથી મદદ મળશે.
આ વાત સાથે હૉંગકૉંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉોૉજી અને દુબઈની ખલિફા યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાનના પ્રોફેસર સ્ટુઅર્ટ ગીટેલ-બેસ્ટન સહમત છે.
તેઓ જણાવે છે કે પ્રજનન દર ખરેખર વધારવા માટે, એક કે બે બાળકોને જન્મ આપવા ઇચ્છતા લોકોને ટેકો આપવો જરૂરી છે.
તેઓ કહે છે કે “પ્રજનન સંબંધી નીતિઓ નિષ્ફળ રહી છે કારણ કે તેમાં સમસ્યાના મૂળને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. સમસ્યાના મૂળમાં અસ્થિર રોજગાર, ઘરમાં સ્ત્રી-પુરુષની અસમાન ભૂમિકા, કામના સ્થળે ભેદભાવ કે ગુજરાનના ઊંચા ખર્ચ જેવી બાબતો છે. આ સંદર્ભમાં ઓછો પ્રજનન દર અન્ય સમસ્યાઓનું લક્ષણ છે.”

ભૂતકાળમાં અટવાયેલો સમાજ

ઇમેજ સ્રોત, Getty Images
ટૉમસ સોબોટકાના જણાવ્યા મુજબ, જન્મ દરને પ્રોત્સાહિત કરવા માટે લોકોની જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. વધુ શ્રમ સુગમતા, વધુ સારી ગુણવત્તાયુક્ત બાળ સંભાળ, સારા વળતર સાથેની પેરન્ટલ લીવ અથવા પોસાણક્ષમ આવાસ જેવાં પગલાં લેવાય તે જરૂરી છે.
આ બધું પણ જાપાનમાં જન્મ દરમાં વધારો કરવા માટે પૂરતું નથી એવી ચેતવણી આપતાં ટોમસ સોબોટકા જણાવે છે કે દેશમાં વધુ સઘન પરિવર્તનની જરૂર છે, કારણ કે સમાજના લિંગ તથા પારિવારિક ધારાધોરણો અને અપેક્ષાઓ ભૂતકાળની પકડમાં છે.
તેમણે ઉમેર્યું હતું કે “ઘણી વખત પરિવારની સંભાળની, ઘરના કામની, સંતાનોના ઉછેર, સુખાકારી તથા શૈક્ષણિક સફળતાની જવાબદારી માત્ર માતાના શિરે જ હોય છે.”
તેમના જણાવ્યા મુજબ, યુરોપના કેટલાક દેશો જન્મ દરમાં સતત વધારો હાંસલ કરી શક્યા છે. અમુક અંશે તે જર્મનીમાં પણ બન્યું છે. જર્મનીએ છેલ્લાં 20 વર્ષથી નોર્ડિક શૈલીની પારિવારિક નીતિ અપનાવી છે. ત્યાંના જે દંપતિઓ બાળકને જન્મ આપવાનું નક્કી કરે છે તેમના માટે કામ કરવાની પરિસ્થિતિ તથા બાળ સંભાળની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. એસ્ટોનિયાને પણ આવાં પગલાં લેવાથી સફળતા મળી છે.
તેમના કહેવા મુજબ, “કમસેકમ યુરોપમાં જે દેશોએ લાંબા ગાળાની પારિવારિક નીતિઓમાં વધારે સંસાધનોનું રોકાણ કર્યું છે તેમના સરેરાશ પ્રજનન દરમાં વધારો થયો છે.”
ટોમસ સોબોટકાના જણાવ્યા મુજબ, યુરોપમાં ફ્રાન્સ સૌથી ફળદ્રુપ દેશો પૈકીનો એક દેશ છે અને તેણે પણ આવું જ કર્યું છે.
આ મુદ્દે કરેલા સંશોધનમાં તેમને જાણવા મળ્યું છે કે સંકુચિત અભિગમ સાથેની વસ્તી વધારાની નીતિ સફળ થતી નથી. સરકારો માતા-પિતા માટે આર્થિક પ્રોત્સાહનો પર કેન્દ્રિત ચોક્કસ પ્રજનન લક્ષ્યાંક નક્કી કરે છે ત્યારે આવું થાય છે.
ટોમસ સોબોટકા દલીલ કરે છે કે આર્થિક પ્રોત્સાહન “જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અથવા ગર્ભપાતની સુવિધા પરના નિયંત્રણ સાથેનાં હોય ત્યારે ઓછા અસરકારક સાબિત થઈ શકે છે.”
જન્મ દર વધારવા માટે રાજકોષીય ખર્ચ બમણો કરવાની કિશિદાની યોજના જાપાનમાં ટૂંકા ગાળામાં સફળ થાય છે કે કેમ તે જોવાનું રહેશે. એવું નહીં થાય તો જાપાનને સમજાશે કે તેણે જાપાની સમાજના પરંપરાગત મૂલ્યોના ચોક્કસ પાસાંઓમાં પરિવર્તન લાવવું પડશે અને વધારે લવચિક ઇમિગ્રેશન નીતિ અપનાવવી પડશે. જોકે, આ બધું કરવામાં ઘણો સમય લાગી શકે છે.














