સજાતીય લગ્નઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે આજથી શરૂ કરી સુનાવણી, તેના પાંચ જજ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી હિંદી માટે
સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ ડૉ. ધનંજય યશવંત ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય ખંડપીઠે ભારતમાં સજાતીય લગ્નને કાયદેસરના ગણવાની માગણી કરતી અરજીઓ વિશે આજે 18 એપ્રિલથી સુનાવણી શરૂ કરી છે.
આ અગાઉ સપ્ટેમ્બર, 2018માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધી હતી. તે ચુકાદામાં અદાલતે જણાવ્યું હતું કે બે વયસ્ક વ્યક્તિ વચ્ચે પારસ્પરિક સંમતિથી બાંધવામાં આવેલા સમલૈંગિક સંબંધને હવે ગુનો ગણવામાં આવશે નહીં.
એ પછી સમલૈંગિક લગ્નને કાયદેસરના ગણવાની માગણી કરતી અનેક અરજી અદાલત સમક્ષ આવી હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની ખંડપીઠે એ અરજીઓ બંધારણીય ખંડપીઠને સોંપવાની ભલામણ કરી હતી.
જેને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે વડા ન્યાયમૂર્તિના નેતૃત્વમાં પાંચ જજની એક બંધારણીય ખંડપીઠ બનાવી છે. તેના ચાર અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટ, ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ હિમા કોહલીનો સમાવેશ થાય છે. આ બધા જજની કાયદાકીય કારકિર્દી ઘણી લાંબી છે.

- • સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે સપ્ટેમ્બર, 2018માં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધી હતી.
- • અદાલતના આદેશ મુજબ, બે વયસ્ક વ્યક્તિ વચ્ચે પારસ્પરિક સંમતિથી બાંધવામાં આવેલા સમલૈંગિક સંબંધને હવે ગુનો ગણવામાં આવશે નહીં.
- • વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડે તે ચુકાદા બાદ જણાવ્યું હતું કે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બાકાત રાખવાથી સમાનતા આવશે નહીં. તેને સમાજના દરેક ક્ષેત્રમાં વિસ્તારવી પડશે.
- • એ પછી સમલૈંગિક લગ્નને કાયદેસરના ગણવાની માગણી કરતી અનેક અરજી અદાલત સમક્ષ આવી હતી. સુપ્રીમ કોર્ટે એ અરજીઓ બંધારણીય ખંડપીઠને સોંપવાની ભલામણ કરી હતી.
- • એ અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યની ખંડપીઠે સમલૈંગિક લગ્નને ‘મૌલિક મુદ્દો’ ગણાવતાં તેને પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠને સોંપવાની ભલામણ કરી હતી.
- • દેશના ઘણાં ધાર્મિક સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. એમનું કહેવું છે કે સમલૈંગિક લગ્ન અકુદરતી છે.
- • બીજી તરફ સમલૈંગિક અધિકારો માટે કામ કરનારાં સંગઠનોનું કહેવું છે કે તેમને પણ કુદરતે જ બનાવ્યા છે અને તેઓ તેમના અધિકાર માટે લડતા રહેશે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ

જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ બંધારણીય અધિકારો અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારના સમર્થક તરીકે જાણીતા છે. તેઓ માને છે કે LGBTQ+ સમુદાયને પણ સમાનતાનો અધિકાર છે.
એક વકીલ તરીકે જસ્ટિસ ચંદ્રચૂડના સૌથી વધુ મહત્ત્વના કેસ બંધારણીય અને વહીવટી કાયદાઓ સાથે જોડાયેલા છે. એ ઉપરાંત તેમણે એઇડ્સ પીડિતો, ધાર્મિક તથા ભાષાકીય લઘુમતીઓના અધિકારો અને શ્રમ તથા ઔદ્યોગિક કાયદાઓ સંબંધી કેસમાં પણ વકીલાત કરી છે.
આધાર સંબંધી કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે એવો ચુકાદો આપ્યો હતો કે આ કાયદો ગેરબંધારણીય રીતે નાણા ખરડા તરીકે પસાર કરવામાં આવ્યો હતો. તેમણે આ કાયદાની, લોકોની ગોપનિયતા, ગૌરવ તથા સ્વાયતતા સંબંધી કેટલીક ખાસ જોગવાઈની સમીક્ષા પણ કરી હતી.
બહુચર્ચિત નવતેજ જોહાર કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે સમલૈંગિકતાને અપરાધ ગણાવતી ભારતીય દંડ સંહિતા(આઇપીસી)ની કલમ ક્રમાંક 377ને રદ કરતાં સમલૈંગિક જાતીય સંબંધને કાયદાકીય મંજૂરી આપી હતી. પોતાના ચુકાદામાં જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આઇપીસીની કલમક્રમાંક 377 ‘જરીપુરાણો વસાહતી કાયદો’ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સબરીમાલા મંદિર કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે 10થી 50 વર્ષની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશતાં અટકાવવી તે બંધારણીય નૈતિકતાની વિરુદ્ધ છે. તેનાથી મહિલાઓની સ્વાયતતા, સ્વતંત્રતા અને ગૌરવને ઠેસ લાગે છે.
ભીમા કોરેગાંવ હિંસામાં પાંચ માનવાધિકાર કાર્યકારની ધરપકડ સંબંધી રોમિલા થાપર કેસમાં જસ્ટિસ ચંદ્રચૂડે ખંડપીઠથી અલગ ચુકાદો આપ્યો હતો. પોતાના ચુકાદામાં તેમણે સવાલ કર્યો હતો કે શું આ આરોપીઓની ધરપકડ બંધારણની કલમ ક્રમાંક 19 અને 21 મુજબના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંધન કરે છે?
જૉસેફ શાઇન કેસમાં વડા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે ખંડપીઠના બહુમતી ચુકાદા સાથે સહમત થતાં વ્યભિચારને ગુનાની શ્રેણીમાંથી દૂર કર્યો હતો.
મોહમ્મદ ઝુબેરના કેસમાં પણ જસ્ટિસ ચંદ્રચૂડે તેમને જામીન પર મુક્ત કરતાં જણાવ્યુ હતું કે ધરપકડના અધિકારનો ઉપયોગ બહુ સમજી-વિચારીને કરવો જોઈએ. કોઈ વ્યક્તિ સામે નક્કર પુરાવા ન હોય તો તેને કસ્ટડીમાં રાખવી વાજબી ગણી શકાય નહીં.

કોણ છે જસ્ટિસ ચંદ્રચૂડ?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જસ્ટિસ ચંદ્રચૂડ 2022માં તત્કાલીન વડા ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિત નિવૃત્ત થયા પછી ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ 2024ની 10 નવેમ્બરે નિવૃત્ત થશે.
જસ્ટિસ ચંદ્રચૂડે ગત નવમી નવેમ્બરે દેશના પચાસમા વડા ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લીધા ત્યારે ઇતિહાસ રચાયો હતો. પિતા પછી પુત્ર પણ ચીફ જસ્ટિસ બન્યા હોય તેવી દેશના ઇતિહાસમાંની એ પહેલી ઘટના હતી.
તેમના પિતા જસ્ટિસ વાય. વી. ચંદ્રચૂડ 1978માં દેશના સોળમા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ સૌથી લાંબા કાર્યકાળ એટલે કે સાત વર્ષ સુધી ચીફ જસ્ટિસ રહ્યા હતા અને 1985માં નિવૃત્ત થયા હતા.
જસ્ટિસ ચંદ્રચૂડે કાયદાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીમાં કર્યો હતો. એ પછી તેમને પ્રતિષ્ઠિત ઇનલેક્સ સ્કોલરશિપ મળી હતી અને આગળના અભ્યાસ માટે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ગયા હતા. હાર્વર્ડમાં તેમણે માસ્ટર્સ ઇન લૉ અને ડૉક્ટરેટ ઇન જ્યુડિશિયલ સાયન્સીસનો અભ્યાસ કર્યો હતો.
ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક થઈ એ પહેલાં તેમણે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત, કોલકાતા, મધ્ય પ્રદેશ તથા દિલ્હી હાઈ કોર્ટમાં વકીલાત કરી હતી.
બૉમ્બે હાઈકોર્ટે 1998માં જસ્ટિસ ચંદ્રચૂડને સીનિયર ઍડ્વોકેટનો દરજ્જો આપ્યો હતો. 1998થી 2000 સુધી તેમણે દેશના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે કામ કર્યું હતું.
બૉમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે તેમની નિમણૂક 29 માર્ચ, 2000ના રોજ કરવામાં આવી હતી. 2013ની 31 ઑક્ટોબરે તેમણે અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લીધા હતા.

જસ્ટિસ સંજય કિશન કૌલ

ઇમેજ સ્રોત, ANI
જસ્ટિસ સંજય કિશન કૌલે વકીલ તરીકે મુખ્યત્વે બિઝનેસ, સિવિલ અને કોર્પોરેટ અધિકારો સંબંધી કેસમાં પ્રતિનિધિત્વ કર્યું છે.
તેઓ 2017માં સુપ્રીમ કોર્ટની નવ ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠના મહત્ત્વના સભ્ય હતા. એ ખંડપીઠે નિજતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. એ ચુકાદો ભારતના બંધારણીય ન્યાયના ઇતિહાસમાં એક સીમાચિહ્ન બની રહ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ કૌલે વિખ્યાત ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન પર મૂકવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. હુસૈન પર એક મહિલાનું અશ્લીલ ચિત્ર બનાવવાનો આરોપ હતો, જેને બાદમાં ‘ભારત માતા’ કહેવામાં આવ્યાં હતાં. જસ્ટિસ કૌલે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે હુસૈનના ચિત્રમાં દેખાડવામાં આવેલાં મહિલા ‘એક ચિંતિત મહિલા તરીકે એક રાષ્ટ્રની અભિવ્યક્તિ હતી.’
જસ્ટિસ કૌલે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને બોલવાના અધિકાર પર મહોર મારી હતી. પોતે જાણીજોઈને કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો ન હતો, એવી એમ એફ હુસૈનની દલીલ સાથે તેઓ સહમત થયા હતા.
જસ્ટિસ કૌલે 2017માં નવા ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી ઍક્ટ, 2016 બાબતે ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ આઈસીઆઈસીઆઈ બૅન્ક કેસમાં ચુકાદો આપ્યો હતો.

કોણ છે જસ્ટિસ કૌલ?

ઇમેજ સ્રોત, ANI
જસ્ટિસ સંજય કિશન કૌલે 1979માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી તેમણે 1982માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એ જ વર્ષે તેમણે દિલ્હીમાં વકીલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
તેઓ 1987માં સુપ્રીમ કોર્ટના ઓન રેકૉર્ડ વકીલ બન્યા હતા અને ડિસેમ્બર, 1999માં તેમને સીનિયર ઍડ્વોકેટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
જસ્ટિસ કૌલની નિમણૂક દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે 2001ની ત્રીજી મેએ કરવામાં આવી હતી અને બીજી મે, 2003ના રોજ તેમને સ્થાયી જજ બનાવવામાં આવ્યા હતા. એ જ વર્ષે ડિસેમ્બરમાં જસ્ટિસ કૌલે થોડા સમય માટે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સંભાળી હતી.
એ પછી 2013માં જસ્ટિસ કૌલને પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતા. જુલાઈ, 2014માં તેમની બદલી મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કરવામાં આવી હતી.
જસ્ટિસ કિશન કૌલ આ વર્ષે 25 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થશે. તેમને થિયેટર, સંગીત અને ગોલ્ફમાં ઊંડો રસ છે.

જસ્ટિસ શ્રીપતિ રવીન્દ્ર ભટ્ટ

ઇમેજ સ્રોત, SUPREME COURT OF INDIA
દિલ્હીહાઈ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ભટ્ટે કેટલાક ઐતિહાસિક ચુકાદા આપ્યા છે, જે બૌદ્ધિક સંપદા અધિકાર, ડ્રગ રેગ્યુલેશન અને માહિતીના અધિકાર સંબંધી હતા.
રોશે વિરુદ્ધ સિપ્લાના કેસમાં રોશે તરફથી વચગાળાના સ્ટેની અપીલ કરવામાં આવી ત્યારે જસ્ટિસ ભટ્ટે તેને લોકહિત વિરુદ્ધની ગણાવીને ફગાવી દીધી હતી.
એ કેસ જેનરિક દવાઓ બનાવતી સિપ્લા વિરુદ્ધનો હતો, જેમાં રોશેએ પોતાના પેટન્ટના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો.
આવા કેસમાં વચગાળાનો સ્ટે આપવાના ચલણથી વિપરીત નિર્ણય લઈને જસ્ટિસ ભટ્ટે રોશેને એ કારણસર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો કે રોશે અને સિપ્લાની દવાઓની કિંમતમાં મોટો ફરક હોવાથી વચગાળાનો સ્ટે આપવાથી લોકોના હિતને મોટું નુકસાન થશે.
સીપીઆઈ વિરુદ્ધ સુભાષચંદ્ર અગ્રવાલ કેસમાં પણ જસ્ટિસ ભટ્ટે એક ઉલ્લેખનીય ચુકાદો આપ્યો હતો. એ ચુકાદામાં જસ્ટિસ ભટ્ટે જણાવ્યું હતું કે દેશના વડા ન્યાયમૂર્તિનું પદ પણ માહિતીના અધિકારના કાયદાના દાયરામાં આવે છે. તે ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આખરે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ભટ્ટના એ ચુકાદા સાથે શરતી સહમતી વ્યક્ત કરી હતી.

કોણ છે જસ્ટિસ ભટ્ટ?

ઇમેજ સ્રોત, ANI
જસ્ટિસ શ્રીપતિ રવીન્દ્ર ભટ્ટ દિલ્હી યુનિવર્સિટીની 1982ની બેચના કાયદા શાખાના વિદ્યાર્થી છે. એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.
એક ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ભટ્ટની છબી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય તથા બોલવાની આઝાદીના સમર્થક તરીકેની છે.
તેમને અત્યંત કડક જજ માનવામાં આવે છે, પરંતુ જરૂરતમંદો અને સામાન્ય લોકોના મામલાઓમાં તેમણે એ લોકોની તરફેણમાં ચુકાદા આપ્યા છે.
જસ્ટિસ ભટ્ટ બૌદ્ધિક સંપદા અધિકાર સંબંધી કેસમાં તેમના ચુકાદા માટે જાણીતા છે. વકીલ તરીકે તેઓ જાહેર કાયદા, શિક્ષણ, શ્રમ તથા સેવાઓ અને પરોક્ષ કર સંબંધી કેસો સાથે જોડાયેલા રહ્યા છે.
22 વર્ષ સુધી વકીલાત કર્યા પછી 2004માં તેમની નિમણૂક દિલ્હી હાઈ કોર્ટમાં એડિશનલ જજ તરીકે કરવામાં આવી હતી.
બે વર્ષ પછી તેમને દિલ્હી હાઈકોર્ટમાં જ સ્થાયી જજ બનાવવામાં આવ્યા હતા. એ પદ પર તેઓ 2019 સુધી કાર્યરત્ રહ્યા હતા. મે, 2019માં તેમની નિમણૂક રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી હતી.
તેઓ આ વર્ષે 20 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થવાના છે.

જસ્ટિસ પી એસ નરસિમ્હા
જસ્ટિસ પામીદિગંતમ શ્રી નરસિમ્હાએ સૈન્ય તથા હવાઈ દળમાં, અગ્રિપથ યોજનાની જાહેરાત પહેલાંથી ચાલતી ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવાની માગણી કરતી અરજીઓને ફગાવી દીધી હતી.
અગ્નિપથ યોજનાના અમલ પછી ભરતીની એ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી.
એક અન્ય ચુકાદામાં જસ્ટિસ નરસિમ્હાએ નેશનલ ગ્રીન ટ્રાઈબ્યુનલ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારને અન-ટ્રીટેડ કચરાના નિકાલ બદલ ફટકારવામાં આવેલો રૂ. 120 કરોડનો જુર્માનો રદ કર્યો હતો.
જસ્ટિસ નરસિમ્હા શિવસેના વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે જૂથની આપસી લડાઈના કેસની સુનાવણી પણ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, SUPREME COURT OF INDIA
કોણ છે જસ્ટિસ નરસિમ્હા?
સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ બન્યા એ પહેલાં જસ્ટિસ નરસિમ્હા સુપ્રીમ કોર્ટમાં સીનિયર ઍડ્વોકેટ તરીકે કાર્યરત્ હતા. 2014માં તેમની નિમણૂક દેશના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે કરવામાં આવી હતી. 2018માં તેમણે એ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
તેઓ સમાજના નબળા વર્ગના લોકોને કાયદાકીય મદદ આપતી નેશનલ લીગલ સર્વિસ ઑથોરિટીના સભ્ય પણ હતા.
એક સીનિયર ઍડ્વોકેટ તરીકે જસ્ટિસ નરસિમ્હાએ અયોધ્યા વિવાદમાં દલીલ કરતાં જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે આસ્થા એક હકીકત છે અને તેને સાબિત કરી શકાય છે.
તેમણે કહ્યું હતું કે બાબરી મસ્જિદના નિર્માણ પહેલાં જ અયોધ્યાનું વિવાદિત સ્થળ ભગવાન રામનું જન્મસ્થાન હતું એવું હિંદુઓ કાયમ માનતા રહ્યા છે.
ક્રિકેટ વહીવટ સંબંધી વિવાદમાં જસ્ટિસ નરસિમ્હાની નિમણૂક અદાલતના મિત્ર (ઍમિકસ ક્યૂરી) તરીકે કરવામાં આવી હતી.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં સુધારા સંબંધિત સમિતિની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે જસ્ટિસ નરસિમ્હાને અદાલતના મિત્ર બનાવવામાં આવ્યા હતા.
જસ્ટિસ નરસિમ્હા 2028ની બીજી મેએ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થવાના છે.

જસ્ટિસ હિમા કોહલી
કોઈ પણ આરોપી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ થયા પહેલાં સુનાવણીના અધિકારનો દાવો કરી શકે નહીં, એવો ચુકાદો જસ્ટિસ હિમા કોહલીએ જ આપ્યો હતો.
તેમણે એવો ચુકાદો પણ આપ્યો હતો કે લોન લેનારાઓના ખાતાને બોગસ જાહેર કરતાં પહેલાં બૅન્કોએ તેમને રજૂઆતની તક આપવી જોઈએ.
મહિલાઓ સંબંધી મોટા ભાગના કેસમાં પુરુષ ન્યાયમૂર્તિઓ જ ચુકાદો લખતા હોય છે અને આવા કેસમાં રૂઢિબદ્ધ ધારણાઓથી બચવું જોઈએ, એવો ચુકાદો પણ તેમણે આપ્યો હતો.
એક અન્ય ચુકાદામાં જસ્ટિસ હિમા કોહલીએ જણાવ્યું હતું કે વૃદ્ધ માતા-પિતાની સેવા માત્ર દીકરાઓ જ કરી શકે એમ વિચારવું ખોટું છે.
‘કાસ્ટિંગ કાઉચ’ કેસની સુનાવણી કરતી વખતે તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ આરોપી વિરુદ્ધની એફઆઈઆરમાં બાદમાં ગંભીર આરોપ ઉમેરવામાં આવે તો તેના જામીન રદ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, ANI
કોણ છે જસ્ટિસ હિમા કોહલી?
જસ્ટિસ હિમા કોહલીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. એ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં જ કાયદાનો અભ્યાસ કર્યો હતો. જસ્ટિસ કોહલીએ 1984માં દિલ્હી બાર કાઉન્સિલમાં વકીલ તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું.
દિલ્હી સરકાર તરફથી 1999માં તેમની નિમણૂક નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલનાં વકીલ તરીકે કરવામાં આવી હતી. 2004માં સિવિલ કેસમાં દિલ્હી સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ બન્યાં ત્યાં સુધી તેઓ એ હોદ્દા પર કાર્યરત હતાં.
જસ્ટિસ હિમા કોહલીની 2006માં દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એ પછી 2008ની 29 ઑગસ્ટે તેમને દિલ્હી હાઈકોર્ટમાં સ્થાયી જજ બનાવવામાં આવ્યા હતા.
તેમણે કાયદાકીય મદદની, જેલમાં કેદીઓની ભીડ ઓછી કરવાની, મધ્યસ્થતા કરવાની અને દિલ્હી ન્યાયિક અકાદમીની તમામ સમિતિના સભ્ય તરીકે કામ કર્યું છે.
જસ્ટિસ હિમા કોહલીને 2021માં તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યાં હતાં. તેઓ તેલંગાણા હાઈ કોર્ટના સૌપ્રથમ ચીફ જસ્ટિસ બન્યાં હતાં.
જસ્ટિસ હિમા કોહલી 2024ની પહેલી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થવાનાં છે.














