સુપ્રીમ કોર્ટે ટુ-ફિંગર ટેસ્ટ પર લાદ્યો પ્રતિબંધ, તપાસ કરનાર ગણાશે દોષી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્રા મોહંતી
- પદ, બીબીસી હિંદી માટે

- કોર્ટે ચેતવણી આપી છે કે ટુ-ફિંગર ટેસ્ટ કરનારને દોષી ગણવામાં આવશે
- ટુ-ફિંગર ટેસ્ટનો ઉપયોગ રેપના આરોપોની તપાસ માટે થતો રહ્યો છે
- સ્વાસ્થ્ય મંત્રાલયના 'ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ' એ યૌન હિંસાના પીડિતોની ફોરેન્સિક તપાસ માટે દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા

વર્ષ 2013માં જ્યારે નિર્ભયા (જ્યોતિ પાંડે)ના બળાત્કાર બાદ એવી હિંસા માટે બનેલા કાયદા પર ચર્ચા થઈ હતી, ત્યારે ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
કોર્ટે તપાસની આ રીતને મેડિકલ અભ્યાસથી દૂર કરવાનો આદેશ કર્યો છે અને આને 'પિતૃસત્તાક અને અવૈજ્ઞાનિક' ગણાવી છે.
કોર્ટે સોમવારે પોતાના આદેશમાં કહ્યું કે ટુ-ફિંગર ટેસ્ટને મેડિકલ કૉલેજની અધ્યયન સામગ્રીમાંથી દૂર કરવામાં આવે. કોર્ટે કહ્યું કે બળાત્કાર પીડિતાની તપાસ માટે અપનાવાતી આ રીત અવૈજ્ઞાનિક છે જે પીડિતાને ફરી વાર પ્રતાડિત કરે છે.
એક બળાત્કાર કેસમાં સજા બરકરાર રાખવા સાથે ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હિમા કોહલીની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો હતો કે આજે પણ ટુ-ફિંગર ટેસ્ટ કરવામાં આવે છે જે મહિલાઓ માટે ભેદભાવપૂર્ણ છે. કોર્ટે ચેતવણી આપી છે કે ટુ-ફિંગર ટેસ્ટ કરનારને દોષી ગણવામાં આવશે.
ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું, "એક મહિલા યૌન સંબંધોમાં સક્રિય હોવાના કારણે એવું ન માનવામાં આવે કે તેમની સાથે બળાત્કાર નથી થયો, આ પિતૃસત્તાક અને લૈંગિક રૂપે પણ ભેદભાવપૂર્ણ છે."
"કોર્ટે વારંવાર ટુ-ફિંગર ટેસ્ટના ઉપયોગને હતોત્સાહિત કર્યો છે. આ પરીક્ષણનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી બલકે આ રીત પીડિતને ફરી વાર પ્રતાડિત કરે છે, ટુ-ફિંગર પરીક્ષણ ન થવું જોઈએ. આ ટેસ્ટ એવી ખોટી ધારણા પર આધારિત છે કે યૌન સંબંધોમાં સક્રિય મહિલાઓ સાથે બળાત્કાર નથી થઈ શકતો."
સુપ્રીમ કોર્ટમાં બળાત્કારના જે મામલા અંગે આ નિર્ણય આપ્યો છે એ મામલામાં તેલંગાણા હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને બદલીને આરોપીઓને છોડી મૂક્યા હતા. ટ્રાયલ કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઇકોર્ટના આ નિર્ણયને બદલીને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું છે ટુ-ફિંગર ટેસ્ટ?

ટુ-ફિંગર ટેસ્ટનો ઉપયોગ બળાત્કારના આરોપોની તપાસ માટે થતો રહ્યો છે.
ટુ-ફિંગર ટેસ્ટ પીડિતાના ગુપ્તાંગમાં આંગળીઓ નાખીને કરવામાં આવે છે. તેમાં ડૉક્ટર એ જાણવાની કોશિશ કરે છે કે શું પીડિતા શારીરિક સંબંધ બાબતે સક્રિય હતાં કે કેમ?
આનો આધિકારિક હેતુ માત્ર એ સાબિત કરવાનો છે કે બળાત્કારની કથિત ઘટનામાં 'પેનિટ્રેશન' થયું છે કે નહીં.
આ પરીક્ષણમાં ગુપ્તાંગની માંસપેશીઓનું લવચીકપણું અને હાઇમન (યોનીપટલ)ની તપાસ થાય છે. જો હાઇમન હાજર થાય છે તો કોઈ પણ પ્રકારના શારીરિક સંબંધ ના હોવાની ખબર પડે છે. જો હાઈમનને નુકસાન થાય તો તેનાથી મહિલાના સેક્સુઅલી એક્ટિવ હોવાની પુષ્ટિ થાય છે.
પરંતુ આ પદ્ધતિના આલોચકોનું કહેવું છે કે, હાઇમન તૂટવાના કોઈ બીજા પણ કારણ હોઈ શકે છે.
ડૉક્ટરો અનુસાર યોનીમાં એક મેબ્રેન (પટલ) હોય છે જેને હાઇમન કહેવામાં આવે છે. સેક્સ તેમજ રમત રમતી વખતે મેબ્રેનને નુકસાન થઈ શકે છે.

નિર્ભયા કેસ બાદ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2013માં જ્યારે નિર્ભયા (જ્યોતિ પાંડે)ના બળાત્કાર બાદ એવી હિંસા માટે બનેલા કાયદા પર ચર્ચા થઈ હતી, ત્યારે ટૂ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયના 'ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ' એ જાતીય હિંસાના પીડિતોની ફોરેન્સિક તપાસ માટે દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, "ટૂ-ફિંગર ટેસ્ટ હવેથી ગેરકાયદેસર ગણાશે. કારણ કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી અને તેનો ઉપયોગ થઈ શકશે નહીં. આ પદ્ધતિ મેડિકલની રીતે બેકાર છે અને મહિલાઓ માટે અપમાનજનક છે."
જાતીય હિંસાના કાયદાની સમીક્ષા કરવા માટે બનાવવા આવેલી વર્મા કમિટીએ પણ સ્પષ્ટ કર્યું છે કે, "બળાત્કાર થયો છે કે નહીં, આ એક કાનૂની તપાસ છે, મેડિકલ મૂલ્યાંકન નથી."
વર્ષ 2013માં 'સેન્ટર ફૉર લૉ એન્ડ પૉલિસી રિસર્ચ' એ કર્ણાટકમાં જાતીય હિંસાના કેસમાં સુનાવણી માટે બનાવવામાં આવેલા ફાસ્ટ ટ્રેક કોર્ટસના નિર્ણયનો અભ્યાસ કર્યો છે.
20 ટકાથી વધુ નિર્ણયોમાં તેમણે ટૂ-ફિંગર ટેસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ અને પીડિતાના ભૂતકાળના જાતીય આચરણ પર ટિપ્પણીઓ પણ મળી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















