અંદમાન-નિકોબારના સસ્પેન્ડેડ મુખ્ય સચિવના ઘરે 'સેક્સ બદલે નોકરી'નું રૅકેટ ચલાવાયાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images

સંક્ષિપ્તમાં
- અંદમાન-નિકોબારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને લેબર કમિશનર વિરુદ્ધ ચાલી રહેલ તપાસમાં 'નોકરીને બદલે સેક્સ' રૅકેટ ચલાવાયાના પુરાવા મળ્યા હોવાનો દાવો કરાયો
- પીડિતાનો દાવો છે કે તેમને સરકારી નોકરી આપવાની લાલચ બતાવી અને તેમનું શારીરિક ઉત્પીડન કરાયું
- આ મામલાની તપાસ માટે બનાવાયેલ એસઆઈટીને કેસ અંગે પૂરતા પુરાવા મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે
- આરોપી અધિકારીએ આરોપોથી ઇનકાર કર્યો છે

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એકસ્પ્રેસે દાવો કર્યો છે કે અંદમાન અને નિકોબારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણ અને લેબર કમિશનર આરએલ ઋષિ વિરુદ્ધ ગૅંગરેપ અને શારીરિક ઉત્પીડનના આરોપોની તપાસ દરમિયાન 'નોકરી બદલે સેક્સ' રૅકેટની ખબર પડી છે.
ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે સામે આવેલાના નવા આરોપ પર વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં 21 વર્ષીય મહિલા તરફથી લગાવાયેલા ગૅંગરેપ અને શારીરિક હિંસાના મામલાની તપાસ દરમિયાન અંદમાન અને નિકોબાર પોલીસની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ને મળેલ પુરાવા મુખ્ય સાક્ષીનાં નિવેદનો કથિત 'જૉબ-ફૉર-સેક્સ' રૅકેટ તરફ ઇશારો કરી રહ્યાં છે.
આ રૅકેટ અતંર્ગત 20 કરતાં વધુ મહિલાઓ એક વર્ષથી વધુ સમયની અંદર કથિતપણે પૉર્ટ બ્લેરસ્થિત જિતેન્દ્ર નારાયણના ઘરે લઈ જવાયા. તપાસકર્તાઓને જણાવાયું કે તેઓ પૈકી કેટલાકને શારીરિક શોષણ બદલ નોકરી અપાઈ.
આ મામલે જિતેન્દ્ર નારાયણ 28 ઑક્ટોબરના રોજ એસઆઈટી સામે રજૂ થઈ શકે છે. કલકત્તા હાઈકોર્ટે તેમના રજૂ થવા માટે આ જ તારીખ નક્કી કરી હતી.
આ જ મહિને અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવાયું છે કે બંને અધિકારીઓના કૉલ ડેટા રેકૉર્ડ અને 21 વર્ષીય મહિલાએ આરોપોમાં બે દિવસની ઘટનાઓ જે ક્રમમાં આપવામાં આવી છે, તે એકબીજા સાથે મેળ ખાય છે.
સૂત્રોએ અખબારને એવું જણાવ્યું છે કે મુખ્ય સચિવના ઘરમાં લાગેલા સીસીટીવીના હાર્ડ ડિસ્કમાંથી પહેલાંથી બધું હઠાવી દેવાયું અને પછી અધિકારીઓની પૉર્ટ બ્લેરથી દિલ્હી બદલી સમયે ડિજિટલ વીડિયો રેકૉર્ડર પણ ગાયબ કરી દેવાયા હતા.
મનાઈ રહ્યું છે કે કથિતપણે આ ઇલેક્ટ્રૉનિક પુરાવાનો નાશ કરવા વિશે પીડબ્લ્યુડી અધિકારી અ સ્થાનિક સીસીટીવી વિશેષજ્ઞોએ પોતાનાં નિવેદન રજૂ કર્યાં છે અને આરોપોની પુષ્ટિ કરી છે.
જિતેન્દ્ર નારાયણની જામીનઅરજી વિરુદ્ધ દલીલ કરતાં, અંદમાન અને નિકોબાર તરફથી ઍડ્વોકેટે દિલ્હી ઉચ્ચ ન્યાયાલય સામે કહ્યું હતું કે પીડિતના નિવેદનની એક 'સંરક્ષિત સાક્ષી' અને ઇલેક્ટ્રૉનિક પુરાવાથી પુષ્ટિ થઈ છે. 20 ઑક્ટોબરના રોજ આવેલા આદેશમાં એવું પણ કહેવાયું છે કે અરજદાર જિતેન્દ્ર નારાયણ તરફથી 'પુરાવા સાથે ઘણી વાર છેડછાડ પણ કરાઈ છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિતેન્દ્ર નારાયણનો આરોપો અંગે ખુલાસો

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે આરોપોને નકારતા નારાયણે ગૃહમંત્રાલય અને અંદમાન-નિકોબાર પ્રશાસને લખેલ એક પત્રમાં કહ્યું છે કે તેમના વિરુદ્ધ 'કાવતરું' કરાઈ રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે "તેમની પાસે એવા પુરાવા છે જેનાથી આ કેસ નકલી ખોટા સાબિત થશે."
જિતેન્દ્ર નારાયણએ એફઆઈઆરમાં નોંધાયેલ બે પૈકી એક તારીખને પડકારતાં કહ્યું છે કે તેઓ એ દિવસે પૉર્ટ બ્લેરમાં નહોતા. તેમણે આદવાની પુષ્ટિ માટે પ્લેન ટિકિટ અને પોતાની પૂર્વનિર્ધારિત બેઠકોની જાણકારીનો હવાલો આપ્યો છે અને કહ્યું છે કે તેઓ એ દિવસે દિલ્હીમાં હતા. બુધવારે જિતેન્દ્ર નારાયણના વકીલોએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરીને આ પુરાવા સાથે છેડછાડ થવાની આશંકા વ્યક્ત કરી છે.
જોકે એવું મનાઈ રહ્યું છે કે 21 વર્ષીય મહિલાના પરિવારના સભ્યોએ પોલીસને ઝણાવ્યું છે કે પીડિત તરફથી અપાયેલી તારીખોમાં ગરબડ થઈ અને તેમણે આ વિશે તેમના નિવેદનમાં એસઆઈટી સામેના પોતાના નિવેદનમાં બધું જણાવી દીધું છે.
નવી દિલ્હીમાં જ્યારે જિતેન્દ્ર નારાયણનો આ મામલે અખબારે સંપર્ક કર્યો તો તેમણે હાલના ઘટનાક્રમ પર એવું કહેતાં ઇનકાર કરી દીધો કે મામલો અદાલતમાં છે. પૉર્ટ બ્લેરમાં બુધવારે નવી અરજી દાખલ કરનારા જિતેન્દ્ર નારાયણના વકીલે પણ આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી દીધી.
આરોપોને લઈને સમાચાર આવ્યાના બે દિવસની અંદર જ ગૃહમંત્રાલયે જિતેન્દ્ર નારાયને સસ્પેન્ડ કરી દીધા હતા. નારાયણને 14 નવેમ્બર સુધી વચગાળાના જામીન મળ્યા છે. બીજા અધિકારી આરએલ ઋષિને પણ ફરજમોકૂફ કરાયા છે અને પૉર્ટ બ્લેરમાં તેમની જામીન અરજી ખારિજ થયા બાદ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરાયો છે.

પોલીસે જપ્ત કર્યાં અધિકારીના ફોન-લૅપટૉપ
અંદમાન-નિકોબાર પોલીસની ટીમ 18 ઑક્ટોબરના રોજ દિલ્હી પોલીસ સાથે નવી દિલ્હીમાં નારાયણના ઘરે તેમને એસઆઈટી સામે રજૂ થવાની નોટિસ આપવા માટે પહોંચી હતી.
જોકે, નારાયણ એ વખતે ઘરે હાજર નહોતા પરંતુ તપાસ ટીમે લૅપટૉપ અને મોબાઇલ ફોન લઈ લીધો અને તેને ફૉરેન્સિક તપાસ માટે પૉર્ટ બ્લેર મોકલી દેવાયા. જોકે, આ પુરાવામાં પણ તે ડીવીઆર પ્લેયર ન મળ્યો, જેની શોધ પોલીસની ટીમ કરી છે.
અંદમાન-નિકોબારના ડીજીપી નીરજ ઠાકુરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે હાલ 21 વર્ષીય મહિલા તરફથી એક ઑક્ટોબરના રોજ દાખલ કરાયેલ એફઆઈઆરમાં લગાવાયેલ ગૅંગરેપના આરોપની તપાસ કરવી પ્રાથમિકતા છે.
નીરજ ઠાકુરે એક્સપ્રેસને જણાવ્યું, "અમે એસઆઈટી બનાવી છે અને અમને વિશ્વાસ છે કે ટીમે તમામ પુરાવા એકત્રિત કરી લીધા છે. તપાસ આગળ વધી રહી છે, અમે કોર્ટમાં એક મજબૂત કેસ રજૂ કરીશું."
તપાસ દરમિયાન એસઆઈટી સામે નોંધાયેલ સૌથી વધુ નિવેદન જે સાક્ષીઓનાં છે તેમાં ભૂતપૂર્વ મુખ્ય સચિવના સ્ટાફના લોકો પણ સામેલ છે. તેમના ડ્રાઇવર, કૂક અને અન્ય નોકરોનાં નિવેદનો પણ નોંધી લેવાયાં છે. આ પૈકી ઓછામાં ઓછા એકની સુરક્ષાના ખતરાને જોતાં એસઆઈટીએ 'સંરક્ષિત સાક્ષી' તરીકે યાદીમાં સમાવ્યા છે.
એક સ્ટાફે જણાવ્યું, "મને ભૂતપૂર્વ મુખ્ય સચિવે ધમકી આપી હતી કે જો મેં તમના ઘરે આવનારી મહિલા મહેમાનો વિશે કંઈ પણ કહ્યું તો મારા જીવને ખતરો હશે."
અખબાર સાથે વાતચીત દરમિયાન સ્ટાફના સભ્યે આરોપ લગાવ્યો હતો કે ઓછામાં ઓછી 20-25 મહિલાઓને તેઓ જ ભૂતપૂર્વ મુખ્ય સચિવના ઘરે લાવ્યા હતા. આ સભ્યે જે ઘટનાક્રમ જણાવ્યો, તે પીડિતાની પોલીસમાં નોંધાયેલ ફરિયાદથી મેળ ખાય છે.
અખબાર અનુસાર સ્ટાફની ઓછામાં ઓછી એક વ્યક્તિએ એસઆઈટીને જણાવ્યું છે કે કેવી રીતે તેમને 'મહિલાઓને લાવવા' અને સ્થાનિક રેસ્ટોરાંમાંથી અવારનવાર ભોજન લાવવાની સૂચના મળતી હતી. બાદમાં આ સ્ટાફ મહિલાઓને લઈને પૂર્વનિર્ધારિત જગ્યા પર છોડી આવતા હતા. પીડિત મહિલા પણ એપ્રિલ અને મેમાં પૂર્વ પ્રમુખ સચિવના ઘરે ગયાં હતાં.

"સ્ટાફને અંદર બંધ રાખવા માટે કિચન લૉક રહેતું"
21 વર્ષીય મહિલાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેમણે 'પળેપળની જાણકારી' એસઆઈટીને આપી છે. તેમણે જણાવ્યું કે બંને વખત જ્યારે અધિકારીના ઘરે ગયાં હતાં ત્યારે તેમણે જોયું હતું કે કિચનનો દરવાજો બહારથી બંધ હતો જેથી સ્ટાફ અંદર જ રહે અને તેમને 'ડ્રાઇવર'એ ભોજન-નાસ્તો પીરસી આપ્યો હતો.
પીડિત મહિલાએ જણાવ્યું કે ઘરમાં ઘૂસતાં જ એક કટોરીમાં તેમનો મોબાઇલ ફોન મૂકવા જણાવવામાં આવ્યું. એક હોટલના માલિક રિંકુએ મહિલાને લેબર કમિશનર ઋષિ સાથે મળાવ્યાં હતાં.
તેમણે કહ્યું, "મને ચીફ સેક્રેટરી અને લેબર કમિશનર તરફથી વારંવાર આશ્વાસન અપાતું હતું કે મારી નોકરી પાકી છે. આ બાદ આ બધું થયું અને જ્યારે ઋષિએ મને કહ્યું કે ચીફ સેક્રેટરીની બદલી થઈ ગઈ છે અને હવે નોકરી નહીં મળી શકે, તો મેં પોલીસ પાસે જવાનો નિર્ણય કર્યો."
મહિલાના પરિવારના સભ્યોએ કહ્યું કે હવે તેઓ કલકત્તા હાઈકોર્ટથી નારાયણને મળેલ વચગાળાના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવશે.
એસઆઈટી અધિકારીઓએ કહ્યું છે કે તેમણે તમામ સંભવિત પુરાવા એકત્રિત કરી લીધા છે અને આગામી અમુક અઠવાડિયાંની અંદર તેઓ ચાર્જશીટ દાખલ કરવા માટે તૈયાર છે.
પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે નોકરીની શોધમાં, તેઓ રિંકુ મારફતે ઋષિને મળ્યાં અને ઋષિ તેમને નારાયણના ઘરે લઈ ગયા. મહિલાએ કહ્યું કે ત્યાં તેમને દારૂ પીવાનું સૂચન કરાયું, જે માટે તેમણે ના પાડી દીધી. તેમને સરકારી નોકરીનું આશ્વાસન અપાયું. મહિલાએ આરોપ લગાવ્યો કે બંને અધિકારીઓએ તેમનું શારીરિક ઉત્પીડન કર્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














