રાજસ્થાનના કોટામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે કોણ જવાબદાર? માતાપિતા, કોચિંગ સેન્ટર કે બીજું કંઈ?

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, કોટાથી
જાન્યુઆરીનો એ મહિનો હતો. 21 વર્ષીય યુવક વિજય રાજ (નામ બદલાવેલ છે) અતિશય પરેશાન અને ચિંતાતુર હતા.
તેઓ બે વાર નીટની પરીક્ષા આપી ચૂક્યા હતા અને મે મહિનામાં ત્રીજી વખત પરીક્ષા આપવાના હતા. તેમને અસફળતાનો ડર કોરી ખાતો હતો.
લાંબા સમયથી તેમના માટે ફિઝિક્સ માથાનો દુખાવો બની ચૂક્યું હતું. એ સિવાય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે લીધેલી ઇન્ટરનલ પરીક્ષામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે તેમના આત્મવિશ્વાસ પર અસર પડી હતી.
વિજય એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ તણાવ, ચિંતા અને છાતીમાં દુખાવાથી પરેશાન હતા. ઘણી વાર તેઓ આ બધી મુશ્કેલીમાંથી પોતાનું ધ્યાન હઠાવવા માટે મોબાઇલ પર રીલ્સ કે શોર્ટ્સ જોતા જેના કારણે તેમનો વધુ સમય બરબાદ થતો હતો. એટલા માટે તેમણે ઘણી વાર તેમના ઘરે પણ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન અંગે ખોટું બોલ્યું હતું.
કોટામાં ઘણાં વર્ષોથી અભ્યાસ કરી રહેલા વિજયે કહ્યું કે, “માનસિક દબાવની પરિસ્થિતિમાં પહેલી વાર મને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. મેં આ વિશે મારાં માતાપિતાને કહ્યું ન હતું. હું નહોતો ઇચ્છતો કે તેઓ ચિંતા કરે.”
પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એક વાર તેઓ આત્મહત્યાની અત્યંત નજીક પહોંચી ગયા.
તેમણે કહ્યું, “મને એવું લાગ્યું કે મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી. મને લાગતું હતું કે મેં મારા પરિવારના પૈસા બરબાદ કરી દીધા છે. તેમની આબરુ ધૂળધાણી કરી દીધી છે.”
નીટમાં તેઓ ત્રીજી વાર પણ સફળ થઈ શક્યા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંતાનો કોઈ મોટી એન્જિનિયરિંગ કે મેડિકલ કૉલેજમાં એડમિશન લે એ ભારતીય પરિવારો માટે ગર્વની વાત હોય છે પરંતુ તેમની નિષ્ફળતાને બહુ ખરાબ નજરે જોવામાં આવે છે.
મદદ માગવી પણ જરૂરી છે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમના ડિપ્રેશનની પરિસ્થિતિ વિશે જાહેરમાં વાત કરી હતી.
વિજયને તેમાંથી પ્રેરણા મળી હતી અને સામાજિક બંધનોને નજરઅંદાજ કરીને તેમણે એક મનોચિકિત્સકનો સંપર્ક કરવાનું વિચાર્યું. આજે તેઓ ઘણી સારી અવસ્થામાં છે.
પરંતુ 18 વર્ષીય આદર્શ રાજ એટલા ભાગ્યશાળી ન હતા. તેઓ ડૉક્ટર બનવા માગતા હતા. ખેતી સાથે જોડાયેલો તેમનો પરિવાર અંદાજે 900 કિલોમીટર દૂર બિહારમાં રહે છે. આદર્શના મૃત્યુ પછી તેમનો પરિવાર આઘાતમાં છે.
તેમના કાકા હરિશંકર પ્રસાદ સિંહે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી તેમના ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવી રહ્યા હતા.
તેઓ કહે છે, “અમને લાગે છે કે રિઝલ્ટમાં ઓછા માર્ક્સ આવવાના કારણે ડિપ્રેશનમાં આવીને તેણે આવું પગલું ભર્યું હતું. તેનો સ્વભાવ આવો ન હતો. પરંતુ સારા લોકો પણ ક્યારેક તેમના માર્ગ પરથી વિચલિત થઈ જાય છે. પરંતુ સમસ્યાનું સમાધાન આત્મહત્યા તો નથી જ. જેઓ નીટની પરીક્ષા આપે છે તેઓ બધા ડૉક્ટર બનતા નથી.
પોલીસના જણાવ્યા અનુસાર કોટામાં છેલ્લાં 10 વર્ષમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 25 વિદ્યાર્થીઓનાં મોત થયાં છે, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. ગયા વર્ષે આ આંકડો 15 હતો.
શું પ્રેશર સૌથી મોટું કારણ છે?

એક વિશ્લેષણ અનુસાર, માર્યા ગયેલા મોટા ભાગના પુરુષ વિદ્યાર્થીઓ હતા જેઓ નીટની તૈયારી કરી રહ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના પરિવારોમાંથી હતા.
આંકડાઓ અનુસાર, કોટામાં મોટા ભાગના વિદ્યાર્થીઓની ઉંમર 15થી 17 વર્ષની વચ્ચે છે. તેમના પરિવારજનોની અપેક્ષાઓ, દરરોજ 13-14 કલાકનો અભ્યાસ અને ટૉપર્સ સાથેની ગળાકાપ સ્પર્ધાના દબાણ સાથે શહેરમાં એકલા રહેવું તેમના માટે જરાય સરળ નથી.
આદર્શના કાકાના કહેવા પ્રમાણે તેણે કોટાની આત્મહત્યાઓ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું અને તેમણે ક્યારેય આદર્શ પર કોઈ દબાણ કર્યું ન હતું.
સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં વર્ષ 2021માં લગભગ 13 હજાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ આંકડો વર્ષ 2021ના આંકડા કરતા 4.5 ટકા વધુ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અનુસાર, દર વર્ષે અંદાજે સાત લાખ લોકો આત્મહત્યા કરે છે અને 15-29 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ છે.
કોરોના પણ જવાબદાર?

કોટામાં સાડા ત્રણ હજાર હૉસ્ટેલ અને હજારો ઘરોમાં લગભગ બે લાખથી વધુ વિદ્યાર્થીઓ રહે છે.
કોટામાં કેટલીય જિંદગીઓ થંભી ગઈ છે. લોકો દુઃખી છે અને આ વર્ષે આત્મહત્યાની વધેલી સંખ્યા માટે કોરોનાને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે.
એક એવો વિચાર પણ ચર્ચાઈ રહ્યો છે કે કોરોના દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણું નુકસાન થયું હતું અને જ્યારે તેઓ કોટા પહોંચ્યા ત્યારે અત્યંત કઠિન સ્પર્ધા વચ્ચે ઘણા વિદ્યાર્થીઓ નિરાશાનો શિકાર બન્યા.
તાજેતરમાં પ્રકાશિત થયેલા એક વિશ્લેષણ મુજબ, કોવિડ દરમિયાન શાળાએ જતાં બાળકોની શીખવાની પ્રક્રિયા નોંધપાત્ર રીતે ધીમી પડી છે.
શિક્ષણશાસ્ત્રી ઉર્મિલ બક્ષી યાદ કરતાં કહે છે, “જ્યારે બાળકો કોરોના પછી શાળાએ પાછા ફર્યા ત્યારે તેમની લખવાની ક્ષમતા જ જાણે કે ગાયબ થઈ ગઈ હતી. બાળકોની વાતચીત કરવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ હતી. અમારે બાળકોને એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરવી, શિક્ષકો સાથે કેવી રીતે વાતચીત કરવી તે શીખવવા માટે જાણે કે ફરીથી જ એકડો ઘૂંટવો પડ્યો હતો."
કોટાની અગ્રણી કોચિંગ સંસ્થા ‘મોશન ઍજ્યુકેશન’ના મૅનેજિંગ ડિરેક્ટર નીતિન વિજય કહે છે, "કોવિડ પછી જે બાળકો આવ્યાં છે, તેમની તણાવ સહન કરવાની ક્ષમતા થોડી ઓછી છે પરંતુ સમય સાથે તેમાં જરૂર સુધારો આવશે."
કોરોના દરમિયાન તમામ અભ્યાસ ઑનલાઇન થઈ ગયો અને બાળકો જાણે કે બહારની દુનિયાથી આઇસોલેટ થઈ ગયાં. માતાપિતાએ તેમનાં બાળકોને સ્માર્ટફોન આપવા પડ્યા.
મનોચિકિત્સકો શું કહે છે?

મનોચિકિત્સક ડૉક્ટર એમ.એલ. અગ્રવાલ કહે છે, “બધાના હાથમાં સ્માર્ટફોન આવી ગયો. કેટલાંક બાળકોએ તેનો દુરુપયોગ કર્યો. જેના કારણે ઘણાને તેનું વળગણ થઈ ગયું. તેઓ ક્લાસમાંથી બંક મારવા લાગ્યા. તેઓ અભ્યાસમાં પણ પાછા પડવા લાગ્યા. જ્યારે બાળકો પાછાં પડે છે ત્યારે તેઓ ડિપ્રેશનમાં ચાલ્યાં જાય છે અને પછી આત્મહત્યા ભણી જાય છે. અહીંના કોચિંગ પણ અતિશય ઝડપે ચાલતા હોય છે. જો બે-ચાર દિવસ તમે ન ગયા તો પછી તમે પાછળ રહી જાઓ છો.”
જો તમે એક વાર 200-300 વિદ્યાર્થીઓથી ભરેલા વર્ગમાં પાછળ રહી જાઓ છો તો પછી અભ્યાસક્રમ સાથે તાલમેલ બેસાડવો અધરો પડે છે અને પછી તણાવ વધતો જાય છે. જેની અસર પછી ટેસ્ટમાં વર્તાય છે અને તણાવ વધે છે.
જાણકારોના મતે કોટામાં મોટા ભાગના વિદ્યાર્થીઓની ઉંમર 15-17 વર્ષની હોય છે. એ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ સમયગાળો હોય છે પરંતુ તે અંતે તો બાળકો જ છે.
ડૉ. એમ.એલ. અગ્રવાલ કહે છે, “જ્યારે બાળકો અહીં આવે છે ત્યારે તેમની ઉંમર શારીરિક, માનસિક અને હોર્મોનલ બદલાવોની હોય છે.”
હેલ્પલાઇન અને કાઉન્સેલિંગ

એક વેપારી સંગઠનના જણાવ્યા અનુસાર શહેરની અર્થવ્યવસ્થા પાંચ હજાર કરોડથી વધુની છે અને આ અર્થવ્યવસ્થા અહીં આવતા વિદ્યાર્થીઓ પર નિર્ભર છે.
કોટા હૉસ્ટેલ ઍસોસિયેશનના વડા નવીન મિત્તલના જણાવ્યા અનુસાર, શહેરમાં આત્મહત્યાના કેસમાં વધારો થયો હોવા છતાં તેમના વ્યવસાયને કોઈ અસર થઈ નથી અને વિદ્યાર્થીઓએ કોટા આવવાનું ચાલુ જ રાખ્યું છે.
સ્પર્ધા અઘરી છે અને પરિવારોનું દર્દ પણ ઓછું નથી. શહેરમાં આત્મહત્યા અટકાવવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, માનસિક સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કરવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આપઘાતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ઘણા તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓ શહેરમાં ‘આશા’ હેલ્પલાઇન પર ફોન કરે છે.
હેલ્પલાઇન કાઉન્સેલર પ્રમિલા સખાલાના જણાવ્યા અનુસાર, "પીડિત બાળકો ફોન પર વાત કરતી વખતે રડવા લાગે છે. તેમને જોઈને ખૂબ જ દુ:ખ થાય છે. ત્યારબાદ તેમનાં માતા-પિતા સાથે વાત કરવામાં આવે છે. અમે તેમને સમજાવીએ છીએ કે તેઓ બાળકો પર આટલું દબાણ કેમ કરે છે. શું તેઓ ઇચ્છે છે કે તેમનું બાળક ડૉક્ટર બને? જો તમારું બાળક જ આ દુનિયામાં નહીં રહે તો તેઓ શું કરશે?"
બજારીકરણની કેટલી મોટી ભૂમિકા?

શિક્ષણવિદ્ ઉર્મિલ બક્ષી બાળકોની સમસ્યાઓ માટે કોટાના વધતા ‘બજારીકરણ’ને જવાબદાર ગણે છે.
તેઓ કહે છે, "કોચિંગ ક્લાસમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે. શિક્ષકોને બાળકોનાં નામ પણ ખબર હોતાં નથી. એક ક્લાસમાં 300 કે તેનાથી વધુ બાળકો બેઠાં હોય છે. શું તેઓ તેમનાં નામ જાણે છે? કોઈને કોઈનું નામ ખબર નથી. એ બાળક નવા લોકો સાથે મિત્રતા કરવામાં પણ અસમર્થ છે. બાળકો એકલાં પડી જાય છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે."
"પૈસા, પૈસા, કેટલા પૈસા. આપણને કેટલા પૈસાની જરૂર છે? આપણને એટલા પૈસાની જરૂર નથી કે આપણે બાળકોને ગુમાવવા પડે. આપણે આપણાં બાળકોને ક્યારેય ગુમાવવા નથી માગતા. આપણે બાળકોને કંઈક બનાવવા છે, તેમને સારા માણસો બનાવવા છે."
પરિવારોના જણાવ્યા અનુસાર, આ સંસ્થાઓની ફી દર વર્ષે 1થી 1.5 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.
‘મોશન ઍજ્યુકેશન’ કોચિંગના એમ.ડી. નીતિન વિજય સહમત છે કે વર્ગખંડનું કદ મોટું છે, પરંતુ તેમના મતે, "સમસ્યા એ છે કે સ્પર્ધાના માહોલને કારણે ફી ઘણી ઓછી છે. કોઈ બીજા લોકો શિક્ષકો ખેંચી ન જાય તેના માટે શિક્ષકોની કિંમત પણ ખૂબ જ વધી ગઈ છે."
કોટામાં દરેક કોચિંગ સેન્ટર એવા શિક્ષકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે જેમની વિદ્યાર્થીઓમાં ફેન ફોલોઈંગ હોય.
નીતિન વિજય કહે છે, "મીડિયા અમને બતાવી રહ્યું છે કે કોટા એક માફિયા બની ચૂક્યું છે. તે એક મોટો ધંધો છે. પણ તમે જ મને કહો કે જો કોટામાં એટલો મોટો ધંધો હોય તો છેલ્લાં 10 વર્ષમાં 25 કોચિંગ સેન્ટર બંધ થઈ જાય ખરા? એ પણ 50 કરોડના નુકસાન સાથે."
નીતિન વિજયના જણાવ્યા અનુસાર, મોશનમાં અત્યાર સુધીમાં આત્મહત્યાની કોઈ ઘટના બની નથી. આ સમસ્યાનો સામનો કરવા માટે મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવું, અભ્યાસક્રમો ટૂંકા રાખવા, કાઉન્સેલિંગ કરવું, વિદ્યાર્થીઓની હાજરી પર દેખરેખ રાખવી વગેરે જેવાં પગલાં લેવામાં આવ્યાં છે.
કેટલું અધરું છે બાળકોનું જીવન?

કોટામાં અનેક જિંદગીઓ થંભી ગઈ, લોકો દુઃખી છે, પરંતુ સપનાંની ઉડાન અટકી નથી.
અહીં દર મહિને 20-25 હજાર રૂપિયાના ભાડાવાળાં મકાનો છે જ્યાં ઉચ્ચવર્ગના વિદ્યાર્થીઓ રહે છે. પરંતુ આ મકાનો દરેકને પરવડે તેવાં નથી.
શહેરના વિજ્ઞાનનગરમાં એક સાંકડા, અંધારા કોરિડોરમાંથી પસાર થઈને અમે સીડીઓ ચડીને એક ઘરના બીજા માળે અર્ણવ અનુરાગના રૂમમાં પહોંચ્યા.
બિહારના અર્ણવનું ડૉક્ટર બનવાનું સપનું છે. તેમના પિતા શિક્ષક છે. આ રૂમ હવે આવતા કેટલાક મહિનાઓ માટે તેમનું ઘર છે. અર્ણવની વાર્ષિક કોચિંગ ફી 1 લાખ 20 હજાર રૂપિયા છે અને માસિક ખર્ચ 12થી 13 હજાર રૂપિયા છે.
આ રૂમ માટે તે સાડા આઠ હજાર રૂપિયા ભાડું ચૂકવે છે.
ઓરડો કોઈ બેચલર રૂમ જેવો જ છે. જેમાં ભેજવાળી અભરાઈઓ, પલંગ પર પુસ્તકોનો ઢગલો, ટેબલ પર લૅપટૉપ સાથે ઇન્ડક્શન હીટર, મીઠાનો ડબ્બો, ગ્લાસ, બાજુની દીવાલ પર ચીપકાવેલું પીરિયોડિક ટેબલ, પરસેવા સાથે પનારો પાડવા રાખેલું કૂલર અને બીજું ઘણું બધું.
તે કહે છે, "હું (રૂમમાં) ગૂંગળામણ અનુભવું છું, પરંતુ મારે અહીં જ મહેનત કરવાની છે. આ ગૂંગળામણ પછી જ્યારે પરિણામ આવશે, જ્યારે મારી પસંદગી થઈ જશે અને પછી જ્યારે હું અહીં મુલાકાત લેવા આવીશ ત્યારે હું લોકોને કહીશ કે આ પણ એક રૂમ હતો જ્યાં હું ભણ્યો હતો. ત્યારે મને સારું લાગશે."
કોટામાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ કોટાની આબોહવા સાથે તાલમેલ બનાવી લે છે પરંતુ દરેક લોકો તેમાં સફળ થતા નથી.
બાળકોના મનને સમજવાની સલાહ

અમે કોટામાં હતા ત્યારે જ અમને સમાચાર મળ્યા કે ત્યાંની હૉસ્ટેલમાં રહેતી એક છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. હૉસ્ટેલમાં બધા લોકો આઘાતમાં હતા. હૉસ્ટેલના કેરટેકરે કહ્યું કે, "તે અમારી દીકરી જેવી હતી."
અમે જ્યારે તેમના પિતા સાથે વાત કરી ત્યારે તેઓ કોટા આવવા માટે રસ્તામાં હતા.
તેમણે કહ્યું, "દીકરીએ કોટામાં થઈ રહેલી આત્મહત્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ અમે કહ્યું હતું કે દીકરા, આ બધી બાબતો પર ધ્યાન ન દે... અમારી બે દીકરી છે, તેમાંથી એક અમને છોડીને ચાલી ગઈ."
રાજસ્થાન પોલીસના કોટા સ્ટુડન્ટ સેલના પ્રભારી ચંદ્રશીલે કહ્યું કે, “આત્મહત્યા રોકવા માટે તેમની ટીમ સતત હૉસ્ટેલ વગેરેની મુલાકાત લે છે અને એ જાણવાનો પ્રયાસ કરે છે કે કોઈ વિદ્યાર્થીના વર્તનમાં કોઈ ફર્ક કે ફેરફાર છે કે કેમ. તેઓ હૉસ્ટેલના વોર્ડન અને રસોઈ બનાવતા લોકો સાથે પણ વાત કરે છે.”
ઘણાં બાળકોની માતાઓ પણ અહીં વિદ્યાર્થીઓ સાથે રહે છે જેથી તેમની એકલતા દૂર થાય અને તેમને ઘરનો રાંધેલો ખોરાક અને વાતાવરણ મળે.
નિષ્ણાતોના મતે, એ મહત્ત્વનું છે કે માતાપિતા તેમનાં બાળકોના મનની તપાસ કરતા રહે, તેમની સાથે વાત કરે, તેમની સાથે લાંબો સમય વિતાવે, જેથી આ બાળકો તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે ખૂલીને કહી શકે.
(કેટલાક લોકોની ઓળખ છુપાવવા માટે તેમનાં નામ બદલવામાં આવ્યાં છે.)
નોંધ: દવા અને થૅરપીથી માનસિક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. તમારામાં અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ માનસિક પરેશાનીનાં લક્ષણો દેખાતાં હોય તો નીચે આપેલી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ લેવી જોઈએ.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય - 1800-599-0019 (13 ભાષામાં ઉપલબ્ધ)
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્મુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 9868396824, 9868396841, 011-22574820
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સીઝ - 080 - 26995000
વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 011 2980 2980












