ધોરણ 10-12ની પરીક્ષા : કિશોરોને ભણવામાં રસ લેતા કરવા માતાપિતાએ શું કરવું જોઈએ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'બે વર્ષ પહેલાં નેવું ટકા લાવનારો મારો દીકરો હવે ભણવામાં ધ્યાન નથી આપતો', 'ભણવામાં હોશિયાર મારી છોકરીને હવે હું ભણવાનું કહું તો ગુસ્સો કરે છે', 'મારી દીકરીને ભણવાનું કહું તો અચાનક હિંસક થઈને વસ્તુઓ તોડવા લાગે છે.'

ઉપર્યુક્ત વ્યથા અને મૂંઝવણ ગુજરાતના અસંખ્ય વાલીઓ અનુભવી રહ્યા છે, જેમનાં સંતાનો બે વર્ષથી ઑનલાઇન પરીક્ષા આપીને વધુ માર્ક મેળવી ચૂક્યાં છે, પણ હવે પહેલાંની જેમ 'ચોટલી બાંધીને' ભણતાં નથી.

બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક વિદ્યાર્થીઓ તેમના વાલીઓને કહે છે કે બે વર્ષથી વાંચ્યા વગર પરીક્ષામાં સારા માર્ક્સ મળ્યા છે, એટલે હવે વારંવાર ટોકશો નહીં.

બાળકોની આ સમસ્યા-મૂંઝવણનો માત્ર વાલીઓ જ નહીં શિક્ષણવિદો અને મનોચિકિત્સકો પણ ઉકેલ લાવવા મથી રહ્યા છે.

અમદાવાદમાં 15 સ્કૂલોમાં ટ્રસ્ટી તરીકે કામ કરતાં શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર ધારિણી શુક્લે બીબીસી સાથેની વાતચીતમાં બાળકોની વર્તમાન સ્થિતિ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું કે "દસ અને બારમા ધોરણમાં આવેલાં કિશોરોમાં આ વખતે નવી સમસ્યા ઊભી થઈ છે. અમે અમારી સ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ગ્રૂપમાં બેસાડીને કાઉન્સિલિંગ કરાવીએ છીએ, કારણ કે નાનપણથી બાળકો સ્કૂલમાં ફિઝિકલી આવતાં હતાં અને એક શિસ્તનું વાતાવરણ હતું."

"સવારની સ્કૂલ હોય તો વહેલા ઊઠીને સ્કૂલે આવવાનું હોય એટલે રાત્રે વહેલા સૂઈ જવું એ ટેવ છૂટી ગઈ છે, કારણ કે ઑનલાઇન શિક્ષણને કારણે શિક્ષકો સાથેનો આઈ કૉન્ટેક્ટ નહીં રહેવાને કારણે હવે જવાબદારી નથી રહી.

line

ઑનલાઇન શિક્ષણને લીધે બાળકોમાં શું ફેરફાર થયા?

શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર ધારિણી શુક્લ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર ધારિણી શુક્લ

શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર ધારિણી શુક્લ કહે છે ઑનલાઇન પરીક્ષાને કારણે લખવાની ટેવ તો છૂટી ગઈ છે. પરીક્ષામાં એ લોકો પુસ્તક સાથે રાખીને કે ગૂગલ કરીને જવાબ આપીને વધુ માર્ક લાવ્યા હોય તો એમનામાં કારણ વગરનો ઓવર કૉન્ફિડન્સ આવી ગયો છે.

"વિદ્યાર્થીઓમાં લખવા બેસે ત્યારે યોગ્ય જવાબ નિયત સમયમાં આપી શકવાનો કૉન્ફિડન્સ ઓછો થયો છે. એટલે આવાં બાળકોને જ્યારે માતાપિતા ભણવાનું કહે ત્યારે ગુસ્સે થઈ જાય છે. ઘણી વાર કાયમ શાંત અને શિસ્તબદ્ધ રહેતું બાળક હિંસક થઈ ઘરમાં પોતાનું મનમાન્યું કરવા માટે ચીજવસ્તુઓની તોડફોડ કરે છે."

ધારિણી શુક્લ કહે છે કે દસમા-બારમાની પરીક્ષા જાહેર થઈ અને માતાપિતાએ એમને ભણવાનું દબાણ શરૂ કર્યું ત્યારથી એમના વર્તનમાં ફરક આવી ગયો છે.

"અમારા ઘણા વિદ્યાર્થી 90થી 93% લાવતા હતા એ 72થી 73% લાવતા થયા એટલે અમે એમને સ્કૂલે બોલાવીને દસથી બાર પ્રશ્નપત્ર સૉલ્વ કરાવીએ છીએ. પરીક્ષાખંડનું હાયપોથિટિકલ ઍન્વાયરમેન્ટ ઊભું કરીએ છીએ, તેનાથી બાળકો મૂળ વાતાવરણમાં પરત ફરે છે."

તેઓ કહે છે, "માત્ર શાળાના શિક્ષકોને નહીં, વિદ્યાર્થીઓનાં માતાપિતાને પણ ઇન્વૉલ્વ કરીએ છીએ, જેથી એ લોકો પણ બાળકો પર ગુસ્સો કરવાને બદલે સહાનુભૂતિથી કામ લે. અમારી આ નવ દિવસની મહેનત બાદ અમને સારાં પરિણામ પણ મળી રહ્યાં છે."

નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે 14 વર્ષની ઉંમરે કિશોરોમાં હોર્મોનલ ચેન્જિસ આવતા હોય છે અને આ મૂંઝવણનો સમય પણ હોય છે. શાળામાં તેઓ પોતાના મિત્રો સાથે આ અંગે વાત કરી લેતા હોય છે પણ બે વર્ષથી શાળાઓ બંધ હતી, જે એમની મૂંઝવણ વધવાનું કારણ બની શકે એમ છે.

ધારિણી શુક્લ કહે છે, "સામાન્ય રીતે એ એમનાં મિત્રવર્તુળોમાં આ અંગેની ચર્ચા કરતા હોય છે અને એમને એમ લાગે છે કે એમની સાથે જે થાય છે એ બીજાની સાથે પણ થાય છે, આ કોઈ મોટી સમસ્યા નથી. પણ કોરોનાકાળમાં ઘરમાં રહેવાને કારણે દોસ્તોથી દૂર રહેવાથી આ સમસ્યા અંગે જાણી શક્યા નથી, આથી પોતાની સાથે અજુગતું થઈ રહ્યું છે એવા ભાવ સાથે તેઓ ગુસ્સો કરતાં થઈ જાય છે."

"એમનાં માતાપિતાને પણ સમજાવીએ છીએ કે આ બાળકો સાથે એની ચર્ચા કરે, આ કરવાથી ઘણાં બાળકોમાં પરિવર્તન આવી રહ્યું છે અને હવે એ અભ્યાસ પર ધ્યાન પણ આપી રહ્યાં છે."

line

કોરોના, બાળકો અને અવસ્થા

જાણીતા સાયકોલૉજિસ્ટ ડૉક્ટર જ્યોતિક ભચેચ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, જાણીતા સાયકોલૉજિસ્ટ ડૉક્ટર જ્યોતિક ભચેચ

તો જાણીતા સાયકોલૉજિસ્ટ ડૉક્ટર જ્યોતિક ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં આ વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે બે વર્ષના આ ગાળા પછી બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળી છે. હોમોર્નલ ચેન્જિસની જાણકારી ન હોવાને કારણે એ અંદરથી મૂંઝાતા હોય છે.

તેઓ કહે છે, "એમની ઉંમર એવી હોય છે કે શૅરિંગ ઓછું હોય છે ત્યારે મનની મૂંઝવણને વ્યક્ત કરી નહીં શકવાને કારણે ચીડિયા થઈ જાય છે, કારણ કે માતાપિતા અને બાળકો વાતચીત કરવાને બદલે ટેકનૉલૉજી તરફ વળી ગયાં છે. બે વરસ ઘરમાં હોવા છતાં માતાપિતા સાથેનો સંવાદ ઘટી ગયો છે અને બાળકોમાં 'ડીસઓબિનિયન્સ' (કહ્યું ન માનવાની એક ખોટી ટેવ) ઘર કરી ગઈ છે."

"માતાપિતાની વાતને ઝડપથી માનતા નથી અને બાળકો પહેલાં કરતાં જીદ્દી થઈ જાય છે. માતાપિતા એવું સમજે છે કે બાળક ઘરમાં રહે છે, બહાર જતું નથી એટલે જીદ્દી થયું છે, પણ એને ચાઈલ્ડ સાયકોલૉજીમાં કંડક્ટ ડિસઑર્ડર કહેવાય છે. પણ માતાપિતાને ખબર ન હોવાથી એને મનાવવા માટે એની શક્ય એટલી માગો પૂરી કરે છે અને આ બે વર્ષમાં લગભગ એમની ડિમાન્ડ ઑનલાઇન શૉપિંગથી પૂરી કરાઈ છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તેઓ કહે છે, "આ સંજોગોમાં બાળક પણ ઑનલાઇન ખરીદી કરવાનું શીખી જાય છે એટલે બાળક જરૂર કરતાં વધુ ઓવર ડિમાન્ડિંગ થઈ જાય છે. આવા સંજોગોમાં બાળકોની માતાપિતા ડિમાન્ડ પૂરી ન કરે તો ઘણી વાર જુઠ્ઠું બોલવાની ટેવ પડે છે."

ડૉક્ટર ભચેચ કહે છે આના કારણે બાળકોમાં 'ઇમોશનલ ગૅપ' સર્જાય છે કારણ કે 'વર્ક ફ્રૉમ હોમ'ના કારણે માતાપિતા ઓરડામાં ભરાઈને પોતાનું કામ કરે અને એમાંથી થાકે એટલે બીજી પ્રવૃત્તિમાં લાગે ત્યારે બાળકોને વાત કરવા માટે કોઈ મળતું નથી. આવા સંજોગોમાં બાળકોને સમજાવવા માટે એને સલાહ આપવાને બદલે એમને સાંભળવાં જોઈએ.

"બાળકોને એમની સોસાયટીમાં મિત્રો-પિતરાઈઓએ સાથે રમતો રમવા દો, જેથી હારજીતને કારણે એમનામાં સ્પર્ધાનો ભાવ પેદા થશે અને એમનામાં લાગણી વધશે. " "જો એ ભણવામાં પાછળ ગયા તો એને એનાં કારણો સમજાવશો તો એ ઝડપથી બહાર આવશે, કારણ કે કોરોના અને પોસ્ટ કોરોનાને કારણે બાળકો અંતર્મુખી વધુ બન્યાં છે અને વર્ચ્યુઅલ દુનિયામાં લાઇક મળે અથવા એમને શૅર કરેલા ડ્રૉઈંગ કે ડાન્સ જેવા વીડિયોને એમનાં સગાં વખાણે તો એમનામાં કારણ વગરની ગુરુતાગ્રંથિની ભાવના આવી જાય છે."

"માતાપિતા કોઈ સલાહ આપે તો સામે વળતો જવાબ આપે છે અને માતાપિતા એની સામે આક્રમક વર્તન કરે તો એ ગુસ્સો કરે છે. આ સંજોગોમાં માતાપિતાએ એમની સાથે નાની નાની રમતો રમવી જોઈએ અને બાળકોની ભાવના સમજવી જોઈએ, એમને વધુ સાંભળવા જોઈએ, જેથી એમની સમસ્યા ઝડપથી દૂર થાય."

line

બાળકોની સમસ્યા કેવી રીતે હલ કરવી જોઈએ?

ગુજરાત પોલીસના સાયકોલૉજિસ્ટ ડૉક્ટર ગોપાલ ભાટિયા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસના સાયકોલૉજિસ્ટ ડૉક્ટર ગોપાલ ભાટિયા

ગુજરાત પોલીસના સાયકોલૉજિસ્ટ ડૉક્ટર ગોપાલ ભાટિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ બે વર્ષ દરમ્યાન મારી પાસે પોલીસકર્મીઓનાં બાળકો ઉપરાંત ઇમર્જન્સી સેવા આપનારા લોકોનાં બાળકો પણ આવ્યાં છે."

"પણ આ બે વર્ષના ગાળામાં ટીનએજર પર (જેમનાં માતાપિતા પોલીસમાં હોય અથવા મેડિકલ કે બીજી ઇમર્જન્સી સેવામાં હોય) પર વર્ચ્યુઅલ મીડિયાએ ઘણી માનસિક અસર છોડી છે."

"આવા સંજોગોમાં અમે માતાપિતાને સાથે રાખી વધુ સમય બાળકો સાથે કાઢવાની સલાહ આપીએ છીએ. જો એમની ઇમર્જન્સી ડ્યૂટીને કારણે બાળકો સાથે સમય ના વિતાવી શકે તો દિવસમાં જ્યારે સમય મળે ત્યારે વીડિયો કૉલિંગથી એમની સાથે વાત કરવાની સલાહ આપીએ છીએ."

"ટીનએજ બાળકોને નાનાં કામ સોંપવાનું કહીએ છીએ કે જેના કારણે માતાપિતા પાસે એમનું મહત્ત્વ હોવાનો અહેસાસ થાય."

  • માતા અથવા પિતા નોકરીને કારણે ઘરે મોડા આવવાના હોય અને તરુણ દીકરીને રસોઈ બનાવતા ન આવડતી હોય તો એક કપ ચા થર્મોસમાં મૂકી રાખવાનું કહે
  • સંતાને ભરેલું ટિફિન કે ચા ઑફિસ લાવ્યા બાદ વીડિયો કૉલ કરીને એના કામને વખાણીએ. આથી એનો દિવસ ઉત્સાહમાં જાય છે અને એ માતાપિતાની મજબૂરી પણ સમજી શકે
  • લૉન્ડ્રીમાં આપવાને બદલે સંતાન પાસે યુનિફોર્મને ઈસ્ત્રી કરાવવી કે ઑફિસ જતી વખતે જરૂરી વસ્તુઓની કામગીરી કરાવવી, સમય મળે ત્યારે વીડિયો કૉલ કરી એણે કરેલી મદદની ઑફિસમાં પ્રશંસા કરાઈ એની વાત કરવી કે સાથી કર્મર્ચારી સાથે વાત કરાવવી

"આથી એમના અને માતાપિતા વચ્ચે જે ખાઈ ઊભી થઈ હશે એ દૂર થશે અને એનું ધ્યાન બીજી તરફ જવાને બદલે ભણવામાં અને બીજા રચનાત્મક કામમાં લાગશે, આ પ્રયોગથી ઘણાં બાળકોની સમસ્યા અમે દૂર કરી શક્યા છીએ."

line

ટોકન ઇકૉનૉમી એટલે શું?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તો અમદાવાદની સરકારી મેન્ટલ હૉસ્પિટલનાં સાયકિયાટ્રીસ્ટ સુનીતા મહેરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોના પછી ઑનલાઇન શિક્ષણ અને વર્ચ્યુઅલ માધ્યમમાં મૂકેલા વીડિયો, ફોટોથી મળેલી વાહવાહીને કારણે મધ્યમ અને નીચલા-ગરીબવર્ગનાં તરુણ બાળકો પર ઘણી માઠી અસર પડી છે.

"એ લોકો માટે બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ ઘડિયાળ, જીન્સ-ગૉગલ્સ વગેરે જીવનજરૂરિયાતની ચીજ બની ગયાં હોય એવું વર્તન કરે છે."

"આ બાળકો ઓવર ડિમાન્ડિંગ બની જાય છે અને પોતે માતાપિતાથી હોશિયાર છે એવી ગુરુતાગ્રંથિ (સુપીરિયારિટી કૉમ્પ્લેક્સ)થી પીડાય છે. આવાં બાળકો ભણવામાં રસ નથી લેતાં. પોતાનું મહત્ત્વ બતાવવા અને બીજા લોકોનું ધ્યાન ખેંચવા માટે ઘણી વાર પાનના ગલ્લા પર સિગારેટ ફૂંકવી, મસાલા ખાવા જેવી હરકત કરતા થઈ જાય છે અને એ બતાવવા પ્રયાસ કરે છે કે એમના આસપાસના લોકોથી એ અલગ છે. જેના કારણે માતાપિતા સાથે ઝઘડા થવા, ભણવામાં ધ્યાન ના આપવું, જેવી ખામીઓ જોવા મળે છે."

"આવાં બાળકોને અમે ટોકન ઇકૉનૉમી થૅરપીથી ટ્રીટ કરીએ છીએ અને માતાપિતાને પણ શીખવીએ છીએ. જેમાં માતાપિતાએ બાળકોને એક ટાસ્ક આપવાનો હોય છે અને ટાસ્ક પૂરો કરે એટલે ટોકન આપવાના રહે છે. ટાસ્કમાં એમને મનગમતા કામની સાથે અભ્યાસનો પૉર્શન આપવાનો હોય છે."

"બાળકને ગમતાં પાંચ ગીત હોય, ડ્રૉઈંગ કે કોઈ પણ ઍક્ટિવિટી હોય, એની સાથે એને ત્રણ ગમતા વિષયના ચેપ્ટર હોય એ પૂરા કરવાનાં રહે છે. એમાં બ્રૉન્ઝ , સિલ્વર અને ગોલ્ડ ટોકન રાખવાનાં હોય છે. જો ટાસ્ક પૂરો કરે તો એને એ પ્રમાણે ગિફ્ટ આપવાની, જેને અમે સાયકોલૉજીની ભાષામાં ટોકન ઇકૉનૉમી કહીએ છીએ, સમય જતાં ટાસ્ક વધારતા જવાથી એ આપોઆપ ગુસ્સો અને જીદ છોડી દેશે અને રચનાત્મક પ્રવૃત્તિ તરફ વળી જશે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો