ગુજરાતમાં બાળકોનાં ઑનલાઇન યૌનશોષણ મામલે દરોડા, બાળકોને કઈ રીતે બચાવશો?
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં ઑનલાઇન બાળ યૌનશોષણના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે સીબીઆઈએ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તાજેતરના ઇતિહાસની સૌથી મોટી અને સંકલિત દેશવ્યાપી રેડ કરીને બાળકોના જાતીય શોષણની ઑનલાઇન સામગ્રી સામે કાર્યવાહી કરી હતી.
ગુજરાતમાં જામનગર ભાવનગર તથા જુનાગઢમાં સીબીઆઈએ રેઇડ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
સીબીઆઈએ 14 રાજ્યો (અને કેન્દ્રશાસિત પ્રદેશો)માં કાર્યવાહી કરીને 83 શખ્સો સામે 23 કેસ દાખલ કર્યા હતા. સીબીઆઈએ 50 જેટલા ગ્રૂપના પાંચ હજાર જેટલા શખ્સોને ઓળખી કાઢ્યા છે, જેઓ બાળકોના જાતીય શોષણની સામગ્રી શેર કરતા હતા.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, કેટલાક વિદેશીઓની પણ ઓળખ કરવામાં આવી છે. મોબાઇલ ફોન, લૅપટોપ સહિત મોટાપાયા ઉપર ઇલેક્ટ્રૉનિક સાધનો જપ્ત કર્યાં છે.
સીબીઆઈએ દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તામિલનાડુ, હરિયાણા, છત્તીસગઢ ઉપરાંત ગુજરાતમાં કાર્યવાહી કરી હતી. ગુજરાતમાં જામનગર ભાવનગર તથા જુનાગઢમાં સીબીઆઈએ રેઇડ કરી હતી.
સંદિગ્ધો પર આરોપ છે કે તેઓ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઍક્સ્પ્લૉઇટેશન લિંક, વીડિયો, ટેકસ્ટ,ફોટોગ્રાફ, પોસ્ટ વગેરે માધ્યમથી સોશિયલ મીડિયા ગ્રૂપ તથા પ્લૅટફૉર્મ ઉપર પોસ્ટ કરતા હતા. થર્ડ પાર્ટી હોસ્ટિંગ તથા સ્ટોરેજ ઉપર કરતા હતા

બાળકોના ઑનલાઇડ શોષણના વધતા કેસ

ઇમેજ સ્રોત, Mayur Kakade
અગાઉ જુલાઈ 2020માં આસમ પોલીસને એક 'શંકાસ્પદ' ફેસબુક પેજની ફરિયાદ મળી. એક સેવાભાવી સંસ્થાના માધ્યમથી આ જાણકારી મળી હતી.
આ સંસ્થાના ટ્વિટર પેજ પર આ ફેસબુક પેજ વિશે ચેતવણી આપવામાં આવી હતી, જે આ પ્રકારની હતી – આ પેજ પર બાળકોના વીડિયો અને પોસ્ટ છે તથા આ પેજ બાળકોના યૌનશોષણના વીડિયો કે CSAM (ચાઇલ્ડ સેક્શ્યુઅલ અબ્યૂઝ મટિરિયલ – બાળકોના યૌનશોષણની સામગ્રી)ને કદાચ પ્રોત્સાહન આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસ તપાસ માટે સીઆઈડીને સુપરત કરવામાં આવ્યો.
તપાસ કરતાં આ કેસનો તાર ગૌહાટીથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલા એક ગામમાં રહેતી 28 વર્ષની એક વ્યક્તિ સુધી પહોંચ્યો, જેની સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી.
પછી આ વ્યક્તિને જામીન પર છોડી દેવામાં આવી. એમના પર એ ફેસબુક પેજ શરૂ કરવાનો આરોપ છે.
પોલીસનો આરોપ છે કે, આરોપીના મોબાઇલમાં પણ બાળકોના યૌનશોષણના વીડિયો કે CSAM ઉપલબ્ધ હતી, જોકે આરોપી એનો ઇનકાર કરે છે.

ભારતના કડક કાયદાઓ અંતર્ગત CSAMનું પ્રકાશન, પ્રસાર અને એને પોતાની પાસે રાખવી ગેરકાયદેસર છે.
આ વ્યક્તિએ એના ઘરમાં કુટુંબીજનોની હાજરીમાં બીબીસીને જણાવ્યું, "મેં બાળકોના યૌનશોષણના વીડિયો ક્યારેય ડાઉનલોડ કર્યા નથી. ન મેં ક્યારેય આ પ્રકારના વીડિયો શૅર કર્યા છે, ન તો એ બાળકો ક્યારેય મને મળ્યાં છે."
પોલીસનો આરોપ છે કે, આ વ્યક્તિએ આ ફેસબુક પેજ પરથી કથિત સ્વરૂપે નાણાં કમાવવાનો પ્રયાસ કરવાની સાથે ઍપનો ઉપયોગ કરીને CSAM ફેલાવવાનો પ્રયાસ પણ કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ફેસબુક પેજ ટેલિગ્રામ ઍપની એક લિંક હતી, જેના પર તમે ક્લિક કરો તો તમે એક ટેલિગ્રામ ચૅનલ પર પહોંચી જાઓ છો.
રશિયામાંથી દેશનિકાલની સજા ભોગવતી એક પોવેલ ડૂરોફની સોશિયલ મીડિયા ઍપ ટેલિગ્રામ પર 50 કરોડથી વધારે યૂઝર છે.
મૂળભૂત રીતે મૅસેજ મોકલવા માટે ઉપયોગમાં લેવાતી આ ઍપનું સૌથી ખાસ ફીચર 'ચેનલ્સ' છે, જે અનેક લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે છે.
અહીં અને બીજી ઍપ્સ પર CSAM વીડિયોનું આદાનપ્રદાન થતું હોવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ટેલિગ્રામ ચૅનલ પર નાણાં કમાવવાની યોજના હતી, પણ પોલીસે આવું થાય એ અગાઉ જ આ વ્યક્તિની ધરપકડ કરી લીધી. જોકે નાણાં આ વ્યક્તિને કેવી રીતે મળ્યાં હોત એ સ્પષ્ટ નથી.
આ કેસની તપાસ કરતી અસમ સીઆઈડીમાં એડિશનલ એસપી ગીતાંજલિ ડોલે જણાવે છે કે, "વિવિધ વીડિયો (કન્ટેન્ટ કે સામગ્રી) જોયા પછી મારી ઘણી રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી."
આ ફેસબુક પેજ હવે ઑફલાઇન છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

CSAMમાં વધારો

એક રિપોર્ટ મુજબ કોરોના મહામારી પહેલાં વર્ષ 2018માં દરરોજ 109 બાળકોનું યૌનશોષણ થયું.
કાર્યકર્તાઓ અને પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતમાં કોરોના મહામારી દરમિયાન CSAMની ઑનલાઇન માગ અને પ્રસારમાં વધારો થયો છે.
ભારતની સાઇબર સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી કેરળની પોલીસ સાયબરડોમના પ્રમુખ મનોજ અબ્રાહમના જણાવ્યા અનુસાર, મહામારી દરમિયાન આ માગમાં 200થી 300 ટકાનો વધારો થયો છે.
જાણકારોના માનવા મુજબ, CSAMની જાણકારી મેળવવાની ટેકનિકના ઉપયોગમાં બીજા રાજ્યોની સાયબર પોલીસની સરખામણીમાં કેરળ સાઇબરડોમ આગળ છે. એટલે અમે કેરળ તરફ વળ્યા હતા.
મનોજ અબ્રાહમને ચિંતા છે કે, ઑનલાઇન ભારતમાં બનેલા CSAM વીડિયોનો પ્રસાર વધ્યો છે.
મનોજ અબ્રાહમનું કહેવું છે, "મહામારી દરમિયાન અમે તમામ સ્થાનિક (CSAM) સામગ્રી જોઈએ, જેમાં તમે મલયાલમ મનોરમાનું કૅલેન્ડર કે પછી એવી ચીજવસ્તુઓ જોઈ શકો છો, જે કેરળ કે પછી ભારતનો આભાસ આપે છે"
એટલે કે બાળકોના યૌનશોષણના વીડિયો કે CSAMને કેરળમાં કે પછી ભારતના કોઈ અન્ય ભાગમાં શૂટ કરવામાં આવ્યા હતા.
તેમાંથી ઘણા વીડિયો ઘરની અંદર બનાવવામાં આવે છે એની ચિંતા પણ છે.
મનોજ અબ્રાહમ ઉમેરે છે કે, "તમને વીડિયોમાં ઘરની અંદરનો ભાગ જોવા મળે છે. એટલે સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ઘરની અંદર કોઈ છોકરા કે છોકરીની નજીક હોય એવી વ્યક્તિ આ વીડિયો બનાવે છે."
હકીકતમાં કોવિડના કારણે બાળકોને મળતી પોલીસની સહાય પર અસર પડી છે.
બાળકોના અધિકારો માટે કાર્યરત્ કાર્યકર્તા મિગએલ દાસ ક્વિહા કહે છે કે, "કોવિડના ગાળામાં પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત હતી. ઘણા પોલીસ કર્મચારીઓ પોતે કોવિડનો ભોગ બન્યા હતા."

દુનિયાભરમાં સ્થિતિ

એપ્રિલ, 2020માં સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, "અવરજવરનાં નિયંત્રણો અને ઓનલાઇન યૂઝરની સંખ્યામાં વધારો પીડોફાઇલ્સની ઑનલાઇન સેક્સ્યુઅલ ગ્રૂમિંગ વધી શકે છે, બાળ યૌનશોષણનું લાઇવ સ્ટ્રીમિંગ વધી શકે છે અને બાળ યૌનશોષણની સામગ્રીનું નિર્માણ અને વિતરણ વધી શકે છે."
ગ્રૂમ કરવું એટલે દોસ્તી કરવી, પછી લાગણીભર્યો સંબંધ સ્થાપિત કરવો અને ત્યારબાદ કૅમેરાની સામે યૌનકૃત્ય કરવા માટે લલચાવવું.
વર્ષ 2020માં અમેરિકાસ્થિત નેશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રનની સાયબર ટિપલાઇનને અંદાજે બે કરોડ 17 તસવીરો, વીડિયો અને બીજી ફાઇલ્સને લઈને રિપોર્ટ મળી. તેમાં CSAM અને એની સાથે સંબંધિત સામગ્રી હતી.
રિપોર્ટ મુજબ, વર્ષ 2019ની સરખામણીમાં આ વધારો 28 ટકા હતો.
ભારત આ વધારો અનુભવતા દેશોની આ યાદીમાં ટોચના સ્થાને હતું. આ માટે જવાબદાર કારણો શોધવા સરળ છે.
લાંબા સમય સુધી ઘરોમાં પુરાયેલા રહેવાથી બાળકોની ઑનલાઇન હાજરી વધી છે.
કાર્યકર્તાઓ અને અધિકારીઓનાં જણાવ્યા મુજબ, પીડોફાઇલ્સની પણ ઑનલાઇન સુલભતામાં વધારો થયો છે.

ખતરનાક સ્થિતિ

ઑગસ્ટના શરૂઆતના દિવસોમાં મુંબઈમાં કાર્યકર્તા સિદ્ધાર્થ પિલ્લઈ પાસે 16 વર્ષના એક ચિંતિત કિશોર આવ્યા.
મોબાઇલ ચેટથી એને જાણકારી મળી હતી કે, એમની દસ વર્ષની બહેનને પ્રથમ એક ગેઇમિંગ ઍપ પર અને પછી એક સોશિયલ મીડિયા પર ગ્રૂમ કરવામાં આવી હતી.
સેવાભાવી સંસ્થા આરંભના સિદ્ધાર્થ પિલ્લઈ જણાવે છે કે, "આ પ્રકારના કિસ્સાઓમાં શરૂઆત હાય, હેલ્લોથી થાય છે. પછી પ્રશંસા કરવામાં આવે છે, જેમ કે હું તમારાં વિશે હંમેશાં વિચારું છું. પછી ધીમેધીમે વાતચીત અલગ સ્વરૂપ ધારણ કરે છે."
તેઓ ઉમેરે છે કે, "આ ક્લાસિક ગ્રૂમિંગ સ્ટ્રેટેજી છે, જેમાં ગ્રૂમ કરનાર વ્યક્તિ બાળકની સંવેદનશીલતાને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. એટલે કે બાળકને અસંવેદનશીલ બનાવવા પ્રયાસ કરે છે."
ડિસેમ્બર, 2019 અને જૂન, 2020 વચ્ચે સંસ્થા ઇન્ડિયા ચાઇલ્ડ પ્રૉટેક્શન ફંડને એક રિસર્ચમાં આ જાણકારી મળી:
- ભારતમાં CSAM સામગ્રીના યૂઝરમાં 90 ટકા પુરુષ છે, એક ટકા મહિલાઓ છે અને બાકીના નવ ટકાની ઓળખ થઈ શકી નથી
- વધારે લોકોને 'સ્કૂલ સેક્સ વીડિયો' અને 'ટીન સેક્સ' જેવા CSAM કન્ટેન્ટમાં રસ હતો
- મોટા ભાગનાં લોકોએ પોતાનું લૉકેશન છુપાવવા માટે, સરકારી કાયદાઓથી બચવા માટે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીપીએનનો ઉપયોગ કર્યો હતો
- આઇસીપીએફ અને એના ટેકનિકલ પાર્ટનરોએ CSAMની માગને સમજવા માટે 100 શહેરો પર નજર રાખી હતી

CSAMના વિતરણની જાણકારી મેળવવી

જાણકારોના જણાવ્યા મુજબ, બાળકોના યૌનશોષણના અનેક વીડિયો સોશિયલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ, વીપીએન, ફાઇલ શૅરિંગ ઍપ્લિકેશન વગેરે પર શૅર થાય છે.
અધિકારીઓનું કહેવું છે કે, ઘણી CSAM સામગ્રી ડાર્ક વેબના બંધ ચેટરૂમમાં પણ શૅર થાય છે, જ્યાં લેવડદેવડ માટે બિટકોઇનનો ઉપયોગ થાય છે.
ડાર્ક વેબ ઇન્ટરનેટનો એવો ભાગ છે, જ્યાં અનેક ગેરકાયદેસર ધંધા ચાલે છે.
આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ તો વેબની દુનિયાનો અતિ નાનો ભાગ છે, જેને સરફેસ વેબ કહેવામાં આવે છે. એની નીચે છુપાયેલા ભાગને ઇન્ટરનેટ ડીપ વેબ કહેવામાં આવે છે.
ડીપ વેબમાં એ દરેક પેજ સામેલ હોય છે, જેને સામાન્ય સર્ચ એન્જિન શોધી શકતાં નથી, જેમ કે યૂઝર ડેટાબેઝ, સ્ટેજિંગ સ્તરની વેબસાઇટ, પેમેન્ટ ગેટવે વગેરે.
ડાર્ક વેબ આ જ ડીપ વેબનો એ ભાગ છે, જ્યાં હજારો વેબસાઇટ ગુમનામ બનીને અનેક પ્રકારના ગોરખધંધા ચલાવે છે.
એમાં વેચાણ કરનારને ગ્રાહક કોણ છે એની ખબર હોતી નથી અને એ જ રીતે ગ્રાહકને વિક્રેતાની જાણ હોતી નથી.

અધિકારીઓનું કહેવું છે કે, આ કન્ટેન્ટ કે સામગ્રી શૅર કરનાર એક જ પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે. તેઓ વિવિધ મૅસેજિંગ ઍપ પર CSAM કન્ટેન્ટ શૅર કરે છે. આ કોઈ સંગઠિત ગૅંગનું કામ નથી.
મનોજ અબ્રાહમનું કહે છે કે, "કોઈ ગૅંગ આવશે, બાળકીને લલચાવશે, કિડનેપ કરશે અને એની સાથે આવું કૃત્ય કરશે એવું નથી."
કાઉન્ટર ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લૉઇટેશન સેન્ટરમાં સૉફ્ટવૅર આઇકાકૉપ્સ અધિકારીઓને કથિત દોષીઓના આઈપી ઍડ્રેસ શોધવામાં કેરળ પોલીસની વિશેષ પાંખ મદદ કરી રહી છે.
આઇકાકૉપ્સ (ICACOPS) એટલે ઇન્ટરનેટ ક્રાઇમ્સ અગેઇન્સ્ટ ચિલ્ડ્રન ઍન્ડ ચાઇલ્ડ ઓનલાઇન પ્રોટેક્ટિવ સર્વિસિસ.
એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષથી આ સોફ્ટવૅરનો ઉપયોગ શરૂ થયો છે અને અત્યાર સુધી 1500 શોધ અભિયાનો પૂર્ણ કરવામાં આવ્યાં છે અને 350 લોકોની ધરપકડ થઈ છે.
આ અધિકારીએ ઉમેર્યું કે, "એક પિતા સ્વરૂપે આ બહુ પીડાદાયક અનુભવ છે. આપણે આપણાં બાળકો સાથે આવું કશું થાય એવું ઇચ્છતાં નથી.
જ્યારે આપણે CSAM જોઈએ છીએ, ત્યારે આપણને આપણાં બાળકો યાદ આવે છે. અમારો એનાથી વધારે મોટો ઉદ્દેશ છે કે અમે પીડિત બાળકોની ઓળખ કરીએ, કારણ કે અમને દરોડા દરમિયાન જાણકારી મળી છે કે, સ્થાનિક બાળકોનું શોષણ થઈ રહ્યું છે."
દેશના જ વિકસેલાં સૉફ્ટવૅર ગ્રેપનેલને પણ આ જ કામમાં લગાડવામાં આવ્યું છે. આ સોફ્ટવૅરનો વિકાસ એક હેકેથોનનું પરિણામ છે.
આ સોફ્ટવૅર ડાર્ક વેબમાં કોઈ સર્ચની જેમ છે, જ્યાં કીવર્ડ ટાઇપ કરતાં CSAM કન્ટેન્ટ ધરાવતી લિંક મળે છે. પછી પોલીસ લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરે છે.

ભવિષ્યનો માર્ગ

ઇમેજ સ્રોત, Getty Images
યૌનશૌષણની સામગ્રી કે CSAM, પીડોફીલિયા ભારતમાં સંવેદનશીલ મુદ્દો છે.
પૂણેની સરકારી કેઈએમ સંશોધન સંસ્થા સેવાભાવી સંસ્થાઓમાં ડૉક્ટરોની એક ટીમ પીડોફીલિયાને લઈને જાગૃતિ લાવવાનું અને એને એક માનસિક સ્વાસ્થ્ય તરીકે જોવામાં આવે તેને લઈને પાંચ વર્ષથી વધારે સમયથી કાર્યરત્ છે.
તેમણે આ વિશે મૂવી થિયેટરો, જાહેર પરિવહનનાં માધ્યમો પર અભિયાન પણ ચલાવ્યું છે.
આ પ્રોજેક્ટમાં સામેલ અને મનોરોગ ચિકિત્સા વિભાગના પ્રમુખ ડૉક્ટર વાસુદેવ પારાલિકરે કહે છે કે, "લૉકડાઉનમાં બધા ચોતરફથી એકલતા અને અનિશ્ચિતતાનો અનુભવ કરતા હતા. સામાન્ય રીતે વ્યક્તિ આ પ્રકારના સ્થિતિ-સંજોગોમાં સેક્સ્યુલિટીની મદદ લે છે, ખાસ કરીને ચોતરફ કોઈ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ ન હોય ત્યારે."

તેઓ ઉમેરે છે કે, "આ પ્રકારની સ્થિતિમાં એક પીડોફાઇલ પણ બાળકો પ્રત્યે યૌનઇચ્છાઓ વધારી શકે છે. જોકે અમે લોકોને એ જણાવ્યું નથી કે, તેઓ કોવિડગાળામાં CSAM સામગ્રી વધારે જોઈ રહ્યા છે."
આપણે લૉકડાઉનમાંથી ધીમેધીમે બહાર નીકળી રહ્યાં છીએ, પણ બાળકોનો ઑનલાઇન દુનિયા પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે.
મનોજ અબ્રાહમ ભારપૂર્વક કહે છે કે, માતાપિતાએ નજર રાખવી જોઈએ કે તેમનાં બાળકો ઑનલાઇન શું કરી રહ્યાં છે, શું જોઈ રહ્યાં છે. તેમને ઇન્ટરનેટ પર શું સુરક્ષિત છે અને શું નહીં એ શીખવવું જોઈએ.
સાથેસાથે માતાપિતાએ બાળકોને સમય ફાળવવો જોઈએ અને તેમની આસપાસ કોણ છે એના પર નજર રાખવી જોઈએ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












