તાલિબાનના વિદેશમંત્રીએ બીબીસી ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'અમે ભારત સાથે સંઘર્ષ નથી ઇચ્છતા'

    • લેેખક, ફરહત જાવેદ
    • પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કોમ, ઇસ્લામાબાદ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વચગાળાના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ સ્વીકાર કર્યો છે કે તેઓ પાકિસ્તાન તથા તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની વચ્ચે સમાધાન થાય તે માટે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યા છે.

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેમની સરકાર 'બંને પક્ષની ઇચ્છા'થી આ સમાધાનમાં ત્રીજા પક્ષકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે તાલિબાન ભારત સાથે વેરઝેર નથી ઇચ્છતું.

તાલિબાન સરકારના અંતરિમ વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી
ઇમેજ કૅપ્શન, તાલિબાન સરકારના અંતરિમ વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી

ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સત્તા ઉપર પુનર્રાગમન થયું હતું અને તાલિબાનના વચગાળાના વિદેશમંત્રી મુત્તકી તેમના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ-દિવસીય પાકિસ્તાનયાત્રા પર પહોંચ્યા હતા.

આ મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, વિદેશમંત્રી શાહ મહમૂદ કુરશી સહિત વિવિધ સરકારી અધિકારીઓ, પત્રકારો તથા થિન્ક ટૅન્ક્સ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો, જે કોઈ પણ મહિલા પત્રકાર સાથે તેમનો પ્રથમ ઇન્ટરવ્યૂ છે.

line

'ભારત સાથે વેર નથી ઇચ્છતા'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારત સાથેના સંબંધ મુદ્દે તાલિબાનના કાર્યકારી વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ કહ્યું કે અફઘાનિસ્તાન ભારત સહિત કોઈ પણ દેશ સાથે સંઘર્ષ નથી ઇચ્છતું.

તેમણે કહ્યું, "અફઘાનિસ્તાનની વર્તમાન સરકારની નીતિ છે કે દુનિયાના કોઈ પણ દેશ સાથે અમારો ટકરાવ ન થાય અથવા પડકાર ઊભા ન થાય. જે અમારા દેશને અસર પહોંચાડે. આ માટે અમે કામ કરતા રહીશું."

જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત સાથેના ઘનિષ્ઠ સંબંધો અંગે પાકિસ્તાન અથવા ચીન દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે, ત્યારે તેમણે મૉસ્કો ખાતે યોજાયેલી બેઠકોની યાદ અપાવતા કહ્યું, "

"જ્યારે અમે મૉસ્કો કૉન્ફરન્સમાં સામેલ થયા ત્યારે ત્યાં ભારત, પાકિસ્તાન તથા અન્ય દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. ત્યાં સકારાત્મક વાટાઘાટ થઈ હતી. અમને આશા છે કે અમે કોઈ દેશનો વિરોધ નહીં કરીએ."

line

ઇસ્લામિક સંગઠનનું સંકટ

તાલિબાનની સરકારના પ્રતિનિધિઓ

ઇમેજ સ્રોત, PRESS INFORMATION DEPARTMENT

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રતિનિધિઓ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે

ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં તેમની સરકાર માટે કેટલું જોખમી છે, તેના વિશે મુત્તકીએ કહ્યું કે આઈએસનું જોખમ તો છે, પરંતુ તેમની સરકારે દેશના મોટા ભાગના વિસ્તારમાંથી તેનો ખાતમો બોલાવી દીધો છે.

સાથે જ ઉમેર્યું, "છૂટીછવાઈ ઘટનાઓ દુનિયામાં ક્યાંય પણ થઈ શકે છે. અગાઉ 70 ટકા અફઘાનિસ્તાન ઉપર ઇસ્લામિક અમિરાતનું નિયંત્રણ હતું. આ વિસ્તારમાંથી તાલિબાને આઈએસનો સંપૂર્ણપણે સફાયો કરી નાખ્યો છે. અગાઉની કાબૂલ સરકારના પ્રભુત્વવાળા અમુક વિસ્તારોમાં તેમનું અસ્તિત્વ હતું."

"અમે જ્યારે કાબુલને નિયંત્રણ હેઠળ લીધું ત્યારે આઈએસે આ વિસ્તારોમાં માથું ઊંચક્યું હતું, પરંતુ અમારી સરકારે તેમને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લીધાં છે. અમે મોટા ભાગના વિસ્તારોમાં મર્યાદિત કરી દીધું છે. ક્યારેક-ક્યારેક મસ્જિદો જેવી જગ્યાઓએ કોઈ ઘટના થાય છે, જે દુનિયામાં ક્યાંય પણ થઈ શકે છે."

મુત્તકીએ આશા વ્યક્ત કરી હતી કે આ મુદ્દે કોઈ મુશ્કેલી નહીં આવે તથા ટીટીપી અને પાકિસ્તાન વચ્ચે નિકટતા વધશે.

મુત્તકીએ કહ્યું, "હજુ સુધી સમાધાન નથી થયું, પરંતુ શરૂઆત સારી રહી છે અને સંઘર્ષવિરામ ઉપર સહમતી સધાઈ ગઈ છે. બંને પક્ષકાર વાતચીત માટે પણ સહમત થયા હતા."

line

મહિલાઓને અધિકારનો દાવો

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓ શી હાલતમાં જીવી રહી છે?

બીબીસીએ મુત્તકીને તેમની સરકારના કાર્યકાળ દરમિયાન મહિલાઓના અધિકારભંગ વિશે પણ સવાલ પૂછ્યા હતા અને શા માટે મહિલાઓને મૂળભૂત અધિકારો નથી અપાઈ રહ્યાં તેમ પૂછતા મુત્તકીએ આ પ્રકારના અહેવાલોને નકાર્યા અને કહ્યું, "મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં જોવા નથી મળી રહી, તે વાત સાચી નથી. આરોગ્યક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા ટકા છે, તેઓ ભણાવે છે. અમે આ મુદ્દે સુધાર કર્યા છે. જ્યાં જરૂર હોય તેવા દરેક ક્ષેત્રમાં પ્રયાસ કરી રહ્યાં છીએ. કોઈ ચોક્કસ ક્ષેત્રમાં મહિલાઓને હક ન મળે, તેવી અમારી કોઈ નીતિ નથી."

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મોટા ભાગના પ્રાંતોમાં છોકરીઓ માટેની શિક્ષણ સંસ્થાઓ બંધ થઈ ગઈ હોવાના તથા તેમને કામ પર જતા અટકાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

line

'મીડિયા દ્વારા ખોટું રિપોર્ટિંગ'

મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાને સત્તા પર આવ્યા બાદ કહ્યું હતું કે મહિલાઓને શરિયા કાયદા મુજબ અધિકાર આપવામાં આવશે

માનવ અધિકાર માટે કામ કરતી મહિલાઓની હત્યાના અહેવાલો મીડિયામાં આવ્યા છે, તેને મુત્તકીએ નકારી કાઢ્યા હતા અને મીડિયા પર ખોટું રિપોર્ટિંગ કરવાના આરોપ મૂક્યા હતા.

મોટા ભાગના પ્રાંતોમાં છોકરીઓ માટેના શિક્ષણસંસ્થાન ફરીથી ખૂલવા તથા નોકરી કરવાની છૂટ મળવા અંગે તેમણે, "બધું બરાબર છે" જેવી વાતોનો પુનર્રોચ્ચાર કર્યો હતો.

તેમણે સ્વીકાર્યું હતું કે અનેક વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, જોકે આને માટે તેમણે કોરોના વાઇરસની મહામારીને જવાબદાર ઠેરવી હતી.

'દેશના કોઈ પણ પ્રાંતમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ નથી. અમે શાળાઓને ત્રણ શ્રેણીમાં વહેચી છે. દેશભરમાં છોકરાઓ માટેની તમામ શાળાઓ તથા ધો. છ સુધી છોકરીઓની શાળાઓ ખુલ્લી છે.'

'અમુક પ્રાંતોમાં ઉચ્ચસ્તરીય સ્કૂલો ખુલ્લી છે. કેટલાક વિસ્તારોમાં કોરોનાને કારણે છેલ્લા કેટલાક મહિનાથી શાળાઓ બંધ હતી, ત્યાં મુશ્કેલી છે. અમે નવેસરથી શાળાઓ ખોલી છે અને 75 ટકા શાળાઓ ખુલ્લી ગઈ છે. અમે દિવસે-દિવસે વિકાસ કરી રહ્યાં છીએ.'

અફઘાનિસ્તાનમાં સરકારી તથા અન્ય કાર્યાલયોમાં કામ કરતી મહિલાઓને ફરી કામ કરવાની મંજૂરી નહીં મળવા વિશે તેમણે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ અગાઉની સરકાર દરમિયાન કામ કરનારાં કોઈ પણ મહિલાને કામમાંથી કાઢવામાં નથી આવ્યા.

મુત્તકીએ કહ્યું, "આ મહિલાઓના પગાર, શિક્ષણ કે રોજગારની તકોમાં કોઈ ઘટાડો નથી થયો."

line

સરકાર કેટલી સમાવેશક?

માનવ અધિકાર માટે કામ કરતી મહિલાઓની હત્યાના અહેવાલો મીડિયામાં આવ્યા છે, તેને મુત્તકીએ નકારી કાઢ્યા હતા અને મીડિયા ઉપર ખોટું રિપોર્ટિંગ કરવાના આરોપ મૂક્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવ અધિકાર માટે કામ કરતી મહિલાઓની હત્યાના અહેવાલો મીડિયામાં આવ્યા છે, તેને મુત્તકીએ નકારી કાઢ્યા હતા અને મીડિયા ઉપર ખોટું રિપોર્ટિંગ કરવાના આરોપ મૂક્યા હતા.

તાલિબાન સરકારનો દાવો છે કે તેમની વચગાળાની સરકાર સમાવેશક સરકાર છે, જે આંતરરાષ્ટ્રીય શરતોનું પાલન કરે છે તથા તેમાં તમામ પક્ષકાર સામેલ છે.

જોકે યુએને સ્પષ્ટપણે કહ્યું છે કે 'સમાવેશક સરકાર' એટલે એવી સરકાર જેમાં તમામ દળ તથા મહિલાઓ સમાનપણે સામેલ હોય.

તાલિબાનની વચગાળાની કૅબિનેટમાં કોઈ પણ મહિલા પ્રધાન નથી તેના વિશે મુત્તકીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની સરકારમાં મહિલાઓને સ્થાન નથી મળતું એવું તેમને નથી લાગતું.

મુત્તકીના મતે અફઘાનિસ્તાનનું અર્થતંત્ર તથા સરકારી તંત્ર આંતરરાષ્ટ્રીય સહાય પર આધાર રાખે છે. જે બંધ થઈ ગઈ છે. વિદેશોમાં અફઘાનિસ્તાનની સંપત્તિઓ ફ્રીઝ કરી દેવામાં આવી છે, જેના કારણે દેશમાં માનવીય સંકટ વકરી રહ્યું છે.

અફઘાનિસ્તાનની સરકારને માન્યતા ન મળે અને સહાય ફરી શરૂ ન થાય તો અફઘાન સરકારની શું યોજના છે, તેના વિશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે દુનિયા સાથે તાલિબાન સરકારના સંબંધ મજબૂત તશે. તેમણે કહ્યું, "સરકારમાં તમામ પ્રાંત તથા કબિલાના લોકો સામેલ છે, જેથી દુનિયાએ આ સરકારને માન્યતા આપવી જોઈએ. જો આની પહેલાંની સરકારને 'સમાવેશક સરકાર' તરીકે માન્યતા આપવામાં આવી હતી, તો અમારી સરકારને કેમ માન્યતા નથી આપવામાં આવતી?"

line

મહિલા પત્રકાર હોવાને કારણે ઇન્ટરવ્યૂનો ઇન્કાર

બીબીસીનાં મહિલા પત્રકાર ફરહત જાવેદે તાલિબાન સરકારના વિદેશ મંત્રીનો ઇન્ટરવ્યૂ કર્યો. તાલિબાન સરકારના મંત્રી સાથે કોઈ મહિલા પત્રકારનો આ પહેલો સાક્ષાત્કાર છે.
ઇમેજ કૅપ્શન, બીબીસીનાં મહિલા પત્રકાર ફરહત જાવેદે તાલિબાન સરકારના વિદેશ મંત્રીનો ઇન્ટરવ્યૂ કર્યો. તાલિબાન સરકારના મંત્રી સાથે કોઈ મહિલા પત્રકારનો આ પહેલો સાક્ષાત્કાર છે.

અગાઉ એવું અનેક વખત બન્યું છે કે મારી પર ફોન આવ્યો હોય તથા સામેની વ્યક્તિએ મહિલાનો અવાજ સાંભળીને કહ્યું હોય 'ફરહતસાહેબ' સાથે વાત કરવી છે, જ્યારે હું એમ કહું કે હું ફરહત વાત કરી રહી છું, તો અમુક ક્ષણ માટે મૌન છવાઈ જાય છે.

મારું નામ તાલિબાનને પણ મૂંઝાવી દેશે એવું મન નહોતું લાગતું. અફઘાનિસ્તાન, તુર્કી તથા ઇરાન સહિત અનેક દેશોમાં 'ફરહત' નામ પુરુષોનું પણ હોય છે.

તાલિબાન સરકારના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકી બે દિવસની પાકિસ્તાનયાત્રાએ આવ્યા હતા ત્યારે અન્ય પત્રકારોની જેમ મેં પણ ઇન્ટરવ્યૂનો પ્રયાસ કર્યો અને તેના માટે અનુમોદન પણ મળી ગયું.

સાંજે આઠથી સાડા નવની વચ્ચેનો સમય આપવામાં આવ્યો, એટલે હું મારી ટીમ સાતે હોટલ પર પહોંચી. ત્યારે અનેક પાકિસ્તાની અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સ્થાનિક તથા વિદેશી પત્રકારો ત્યાં હાજર હતા અને એવું જણાવવામાં આવ્યું કે મુત્તકીસાહેબ પ્રતિનિધિઓ તથા પત્રકારો સાથે બેઠક કરી રહ્યાં છે.

મારા સિવાય અમેરિકાની સમાચાર સંસ્થા સીએનએન સાથે જોડાયેલા સોફિયા સૈફી પણ ત્યાં હાજર હતા.

પત્રાકોએ મુત્તકી સાથે સવાલ-જવાબ કર્યા. તેમણે મોટા ભાગની વાતચીત ઉર્દૂ કે પશ્તો ભાષામાં કરી હતી. તેમની સાથે તેમના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખી પણ હતા, જેઓ અંગ્રેજીમાં તરજૂમો કરી રહ્યા હતા. ઇસ્લામિક સ્ટેટ અંગે મારા સવાલના જવાબ તેમણે ઉર્દૂમાં જ આપ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પત્રકારો સાથે મુલાકાતની યોજના વિદેશ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી હતી. પાછળથી માલૂમ પડ્યું કે અફઘાન પ્રતિનિધિમંડળને એ વાતની માહિતી ન હતી કે કોણ-કોણ વિદેશી પત્રકાર સામેલ હશે.

દરમિયાન તેમના સ્ટાફની એક વ્યક્તિએ મને કહ્યું કે મુત્તકીસાહેબ તમને ઇન્ટરવ્યૂ આપવા નથી માગતા, જેના માટે અમે માફી માગીએ છીએ. આ મારા માટે આશ્ચર્યજનક બાબત હતી, મેં તેની સામે વિરોધ નોંધાવ્યો. મને જણાવવામાં આવ્યું કે આવું બીબીસીના કારણે છે.

બાદમાં નામ ન છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે તેમન સ્ટાફને લાગતું હતું કે એક પુરુષ પત્રકાર સાથે ઇન્ટરવ્યૂ છે, નહીં કે એક મહિલા સાથે.

થોડા પ્રયાસ પછી મુત્તકી અમને અમુક મિનિટનો ઇન્ટરવ્યૂ આપવા માટે તૈયાર થઈ ગયા, છતાં તેમના સ્ટાફના કેટલાક લોકો એક મહિલા પત્રકારને ઇન્ટરવ્યૂ અંગે વિરોધ કરતા જણાયા.

મુત્તકીની વર્તણૂક પરથી એવું ન લાગ્યું કે તેઓ ઇન્ટરવ્યૂ આપવા માગતા ન હતા. અફઘાન તાલિબાન તથા અનેક પાકિસ્તાની મંત્રીઓનું કહેવું છે કે અગાઉની સરખામણીમાં તાલિબાન બદલાઈ ગયું છે. ખુદને સમયને અનુકૂળ બનાવી રહ્યું છે.

તાલિબાનના વિદેશમંત્રીનો ઇન્ટરવ્યૂ લેવાના પ્રયાસ દરમિયાન મને એ વાતનો અહેસાસ થયો કે તાલિબાનના અમુક સભ્યો બદલવા ચાહે તો પણ આજુબાજુમાં કટ્ટરવાદીઓ મોટી સંખ્યામાં હાજર છે, જે તાલિબાન સરકાર તથા તેના કાર્યકરોને મહિલાઓ પ્રત્યે વલણમાં ફેરફાર લાવવામાં મોટો અવરોધ ઊભો કરે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.