અમદાવાદની સ્કૂલમાં હિંસા: શાળામાં થતી મારામારીની બાળમાનસ પર કેવી અસર થાય?

ઇમેજ સ્રોત, LAXMI PATEL
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, અમદાવાદથી
"આપણાં બાળકો વટલાઈ જશે. મુસ્લિમ ધર્મ અપનાવી લેશે. આપણો હિંદુ ધર્મ ખતરામાં આવી જશે. આવી ચિંતા સાથે હિંદુ ધર્મના રક્ષકોએ શાળામાં હલ્લો કર્યો. શાળાના શિક્ષકને ખૂબ માર માર્યો, શિક્ષકોને જેમ ફાવે તેમ બોલ્યા અને નારેબાજી કરી. આ બધું બન્યું ત્યારે ધોરણ 1થી 4ના બાળકો શાળામાં ભણી રહ્યાં હતાં. મારા માટે તો વિચારવું મુશ્કેલ છે કે ત્યાં હાજર બાળકોના મન પર આ ઘટનાની કેવી અસર થઈ હશે."
આ શબ્દો એક વાલીના છે, તેમનું નામ ચાંદની ઝાલા છે. તેમની દીકરી અમદાવાદની ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમણે ફેસબુક પર પોતાની વ્યથા ઠાલવી હતી.
ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં ગત ત્રીજી ઑક્ટોબરના દિવસે સવારના સમયે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો અને અન્ય હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ધસી આવ્યા હતા. જ્યાં તેમણે કથિત નમાજ પઢાવવાના વાઇરલ વીડિયો સંદર્ભે "નહીં ચલેગા... નહીં ચલેગા... ધર્મપરિવર્તન નહીં ચલેગા..." એવા સૂત્રોચ્ચાર સાથે શાળાના પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
તો કેટલાક કાર્યકર્તાઓએ કેલોરેક્સ સ્કૂલના સંગીત શિક્ષક મૌલિક પાઠક પર હુમલો કર્યો હતો અને તેમને માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનાની અન્ય બાળકોના માનસ પર કેવી અસર થઈ હશે તેની ચિંતા એક વાલી તરીકે ચાંદની ઝાલા લાંબા કરી રહ્યાં છે.
એક વાલી તરીકે તેમણે મત રજૂ કર્યો હતો કે, શાળામાં બાળકોને એકબીજાનો સપોર્ટ કરવાનું અને એકબીજાના ધર્મ વિશે જાણવાનું શીખવવામાં આવે તેમાં કશું જ ખોટું નથી. જો સ્કૂલમાં કોઈ ધર્મ વિશે માહિતી આપવામાં આવે કે તેમની પ્રાર્થના કે નમાઝ વિશે માહિતી આપવામાં આવે તો તેને બાળકોને તેનાથી શીખવા મળી રહ્યું છે એ રીતે જ જોવું જોઈએ.
તેમની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં આ મુદ્દે ફરીથી વ્યાપક ચર્ચા થઈ રહી છે કે સ્કૂલમાં આવી ઘટના બને તે યોગ્ય છે કે નહીં.
વાલીએ શું તર્ક આપ્યા?

ઇમેજ સ્રોત, LAXMI PATEL
ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના ધોરણ-2માં અભ્યાસ કરતી દીકરીનાં માતા ચાંદની ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું હતું કે, "હું એક વાલી તરીકે માનું છું કે શાળામાં બાળકોને નમાજ પઢાવવામાં આવી ન હતી. વીડિયોમાં જે બાળક નમાજ પઢી રહ્યો છે, તે બાળક મુસ્લિમ છે અને તેણે કરેલી આ પ્રેયરમાં બીજાં બાળકો જોડાયાં હતાં. આ બાળક દોઢ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે. આ શાળામાં આ એક જ મુસ્લિમ બાળક છે. એ તો કાયમ હિન્દુઓની પ્રાર્થના સાંભળે છે. તેનાથી તેને કે તેના પરિવારને ક્યારેય કોઈ તકલીફ થઈ નથી. શાળામાં એક દિવસ માત્ર નમાજ વિશે વાત કરવાથી કેવી રીતે કોઈ ધર્મ પરિવર્તન કરાવી શકે.”
“શાળામાં દર અઠવાડિયે ઍસેમ્બલી થાય છે. અઠવાડિયામાં આવતા અલગઅલગ તહેવારો અને વિવિધ દિવસો વિશે માહિતી આપવામાં આવે છે. ગયા અઠવાડિયે ઈદનો તહેવાર હતો તો તેની માહિતી આપવાના ભાગરૂપે બાળકો પાસે નાનકડું સેગમેન્ટ કરવામાં આવ્યું હતું. શાળામાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા તેઓ નમાજ કેવી રીતે પઢે છે એ બતાવવામાં આવ્યું અને પછી બીજાં હિન્દુ બાળકોએ સાથે મળીને નાનકડી પ્રેયર કરી હતી જે સ્પષ્ટ રીતે વીડિયોમાં સાંભળી શકાય છે."
આ કાર્યક્રમ સમયે શાળાના સુંદર માહોલની પણ તેઓ વાત કરે છે.
તેઓ કહે છે, "આ કાર્યક્રમ પૂરો થયા પછી અન્ય બાળકો તાળીઓ અને કિલકારીઓ પાડી રહ્યાં છે. આ બધા પહેલા ધોરણથી ત્રીજા ધોરણનાં બાળકો છે. બધાં ખુશ છે. એમના માટે તો એમના મિત્રોએ કંઈક કર્યું છે જેને એમણે વધાવ્યું હતું. બધાં સાથે હળીમળીને રહેવાનું અને એકબીજાને સપોર્ટ કરવાનું શીખી રહ્યાં છે. શાળામાં આપણે આ શીખવા તો જઈએ છીએ."
તેઓ વધુમાં ઉમેરે છે, "એક હિન્દુ બહુમતી વિસ્તારમાં આવેલી શાળા કે જેમાં બહુમતી હિન્દુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે તેમાં શું આપણાં બાળકો વટલાઈ જશે? તેઓ મુસ્લિમ ધર્મ અપનાવી લેશે? શું આપણો હિંદુ ધર્મ ખતરામાં આવી જશે? આ મારામારીની ઘટના બની ત્યારે બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યાં હતાં. બાળકોના મનમાં આ ઘટનાની કેવી અસર થઈ હશે. ઘણાં બાળકો રડી રહ્યાં હતાં."
"વાલીઓ હાંફળાફાંફળા થઈ બાળકોને શાળાએ લેવા પહોંચી ગયા હતા. બાળકો આ જ હિંદુ ધર્મના રક્ષકોથી હેબતાઈ ગયાં હતાં. આમ જોવા જઈએ તો હું આર્ટ્સમાં ઇતિહાસ વિષય સાથે એમ.એ. સુધી ભણી છું. અમે પણ ઇતિહાસમાં મુઘલો વિશે ભણ્યા હતા. તો શું તેનાથી અમે બદલાઈ ગયા? અને શું હિન્દુ ધર્મનો પાયો તમે એટલો કાચો સમજો છો કે એક મિનિટની પ્રાર્થના માત્રથી તેનું અસ્તિત્વ જોખમમાં આવી જશે?"
તેઓ ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, "શાળામાં ડરનો માહોલ હતો. આગળ શું થશે એ મને ખબર નથી. આ બાળકોનું ભણતર બગડ્યું એના માટે કોણ જવાબદાર? આજીવન આ નાનાં બાળકો આ દિવસને કેવી રીતે યાદ રાખશે?"
બાળકોના માનસ પર કેવી અસર?

ઇમેજ સ્રોત, Getty Images
શાળામાં જ્યારે આ ઘટના બની ત્યારે જેમની ઉંમર 6થી 10 વર્ષની હોય તેવાં બાળકો જ અભ્યાસ કરી રહ્યાં હતાં.
આ પ્રકારની ઘટનાઓની બાળકોના મન પર કેવી અસર પડે તે અંગે મનોચિકિત્સક ડૉ. શાર્દૂલ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેઓ કહે છે, "નાનાં બાળકો માટે આ પ્રકારની ઘટના ખૂબ જ ડિસ્ટર્બિંગ હોય છે. કોઈ એક ધર્મની પ્રવૃત્તિને ખરાબ રીતે જોવામાં આવે તો તે ધર્મના બાળકના માનસપટલ પર તેની ખૂબ જ ખરાબ અસર થાય છે. તેના મનમાં વિચાર આવે છે કે હું જે ધર્મને અનુસરું છું તેને સારી રીતે જોવામાં આવતો નથી."
"કોઈ એક રિલિજિયસ ઍક્ટને ખરાબ રીતે જોવો અને કોઈ બીજા રિલિજિયસ ઍક્ટને ઉચ્ચ નજરે જોવો એ બાળકોના મગજ પર એક અસર છોડે છે. આ પ્રકારની ઘટનાઓથી બાળકોના મનમાં લાંબા સમય માટે પૂર્વગ્રહ રહી જાય છે. તેમજ બાળકો બે સમૂહમાં વહેંચાઈ જાય છે. આ પ્રકારની વાતોને કારણે બાળકો કોઈ સમાજને અલગ પ્રકારના કપડાં કે ટોપી જેવાં લક્ષણોથી અલગ રીતે જોવાની કોશિશ કરે છે. આ પ્રકારની ઘટનાઓથી હિન્દુ બાળકો અને મુસ્લિમ બાળકોમાં એકબીજા માટે પૂર્વગ્રહ ઊભો થાય છે અને તે પૂર્વગ્રહ લાંબા સમય સુધી રહી જાય છે."
તેઓ વધુ સમજાવતાં કહે છે, "આ પ્રકારની ઘટનાઓથી બાળકો ડરી જાય છે. નાનાં બાળકો સાથે થતાં ભેદભાવના કારણે તેમની માનસિક સ્થિતિ પર થતી અસરો અંગે ઘણાં સંશોધનો કરવામાં આવ્યાં છે. આ સંશોધનોમાં જે તારણો બહાર આવ્યાં છે તે કહે છે કે બાળકો સાથે થતા ખરાબ વર્તન કે ભેદભાવને કારણે બાળકોને ડિપ્રેશન થવાની સંભાવના વધી જાય છે. જે બાળકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવામાં આવે તે બાળકોના આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે છે."
તમામ ધર્મોનું જ્ઞાન કેમ જરૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ્ ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, "આપણાં પાઠ્યપુસ્તકોમાં પહેલા પાને પ્રતિજ્ઞાપત્ર આપવામાં આવેલું હોય છે. જેમાં લખેલું હોય છે કે, ભારત મારો દેશ છે અને બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. બધા જ ધર્મના લોકો સમાન છે અને દરેક નાગરિકે દરેક ધર્મનું સન્માન કરવું."
તેઓ કહે છે, "ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. દરેક ધર્મ અંગેની સમજ હોવી એ દેશના નાગરિકને ઘડવા માટે ખૂબ જ જરૂરી છે. બાળકોને હિન્દુ ધર્મની પ્રાર્થના, મુસ્લિમ ધર્મની નમાજ કે ચર્ચની પ્રાર્થના અંગે સમજ આપવી એ પણ શિક્ષણનો જ એક ભાગ છે. આ પ્રકારનું શિક્ષણ બાળકોને શાળામાં જ આપવામાં આવે તો તેમને ગૂગલ કરીને ન સમજવું પડે. દરેક ધર્મનું જ્ઞાન એ બાળકનો ‘વર્લ્ડ વ્યૂ’ વધારે છે."
તેઓ ઇતિહાસની પણ વાત કરતા કહે છે કે, "આપણા દેશની આઝાદી માટે સ્વતંત્રતાનાં આંદોલનોમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા. તમામ ધર્મના લોકો જરૂર પડી ત્યારે લડ્યા પણ હતા અને જેલમાં પણ ગયા હતા ત્યારે આ આઝાદી મળી છે. દેશની એકતા માટે જરૂરી છે કે વર્ગમાં અલગઅલગ ધર્મ અને જાતિનાં બાળકો એકસાથે ભણે. એકબીજાની સંસ્કૃતિ, ધર્મ અને રીતરિવાજોથી માહિતગાર થાય. એ દેશના વર્તમાન અને ભવિષ્યના હિતમાં છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "શાળાઓમાં બાળકોની ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન રાખવામાં આવે છે, જેમાં કોઇ બાળક ડૉક્ટર, એન્જિનિયર, નેતા કે કોઈ ધર્મના પરિવેશમાં આવે છે. તેના કારણે બાળકો અલગઅલગ કિરદારથી માહિતગાર થાય છે. શાળામાં નમાજ અંગે વાત કરવી એ આપણા પડોશી અંગે વાત કરવા જેટલી જ સહજ વાત છે."
સ્કૂલમાં થયેલી હિંસા કેટલી યોગ્ય? કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍડવોકેટ કે.આર. કોષ્ટિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આપણા દેશનો કોઈ ધર્મ નથી. આપણે બિનસાંપ્રદાયિક દેશ છીએ. જો શાળામાં નમાજ માટે વાંધો હોય તો હિન્દુ ધર્મની પ્રાર્થના કેમ કરવામાં આવે છે. જે બીજા ધર્મના લોકો હોય તે પણ શાળામાં હિન્દુ ધર્મની પ્રાર્થનામાં ભાગ લે છે. શાળામાં ભણતા બીજા ધર્મના લોકો પણ આ પ્રાર્થનાને એક પ્રૅક્ટિસ અને શિસ્તના ભાગરૂપે માને છે."
તેઓ કહે છે, "શાળાની અંદર શિક્ષકે અલગઅલગ ધર્મને લગતી સમજ આપતા આવું કંઈ કર્યું હોય તો તે કોઈ ગુનો બનતો નથી. મુસ્લિમ ધર્મમાં નમાજ પાંચ ટાઈમની હોય છે. જો કોઈ શિક્ષક બાળકને પાંચ ટાઈમની નમાજ પઢવા માટે ફરજ પાડે તો તે ખોટું કહેવાય, પરંતુ નમાજ વિશે માહિતી આપવી તેમાં કંઈ જ ખોટું નથી."
તેઓ કહે છે કે, "પોલીસની હાજરીમાં શિક્ષક સાથે હિંસા થઈ છે. એ શિક્ષક કદાચ આવા કોઈ સંગઠનોથી ડરતા હોય અથવા તેમની સામે પડવા માગતા ન હોય તો પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી સરકારની અને સરકાર વતી પોલીસની છે. પોલીસની હાજરીમાં જો શિક્ષક સાથે હિંસા થઈ હોય તો પોલીસે સુઓમોટો પોલીસ ફરિયાદ કરવી જોઈએ. બધાને પકડીને જેલમાં નાખવા જોઈએ. પોલીસે CrPCની કલમ 154/3 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ."












