ગિરનાર ઉપર દત્તાત્રેયનાં પગલાંને લઈને હિંદુઓ-જૈનો કેમ આમનેસામને આવી ગયા? શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, GURUDATTATREYA.ORG
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેય શિખર સંબંધિત વિવાદને પગલે ફરી એકવાર હિન્દુ અને જૈન સમુદાય આમનેસામને આવી ગયો છે.
આ શિખરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને વિવાદ ફરી ઉગ્ર બની ગયો છે. આ કથિત વાઇરલ વીડિયોમાં એક મહિલા ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકા પર કેટલાક લોકોએ ખુરશી ફેંકવા પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર 200થી વધુ જૈન સંઘ સેવકોના સમૂહે સૂત્રોચ્ચાર કરીને દત્તાત્રેય ધર્મસ્થાનને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. આ લોકો કથિતપણે દિગંબર જૈન સંઘ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં લોકો ‘જય નેમિનાથ’ અને ‘ગિરનાર પર્વત હમારા હૈ’ નો સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. આ મામલે ગુરુ દત્તાત્રેય મંદિરના પૂજારીએ પોલીસને ફરિયાદ કરી પગલાં લેવાની માંગણી કરી છે.
નોંધનીય છે કે દત્તાત્રેય શિખરની જગ્યા માટે હિન્દુ તથા જૈન સમુદાય વચ્ચે સમયાંતરે વિવાદ થતો રહ્યો છે.
ગિરનારના દત્તાત્રેય શિખર પર દત્તાત્રેયના પગલાં આવેલાં છે, જેની હિન્દુઓ પૂજા કરે છે. જ્યારે જૈનોના મતે એ પગલાં છે તેમના આરાધ્ય નેમિનાથનાં છે.
આ મામલે બન્ને પક્ષોએ હાઇકોર્ટમાં દાવાઓ પણ કરેલા છે. જોકે હાલમાં હિન્દુઓ જ આ શિખર પર પૂજા કરી રહ્યા છે.
ફરિયાદીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR
‘ગુરુ દત્તાત્રેય- ગિરનાર ચેરિટેબલ ટ્રસ્ટ’ માં ટ્રસ્ટી કૈલાશભાઈ પુરોહિતે આ મામલે પત્ર લખી પોલીસને ફરિયાદ કરી છે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું હતું કે, “દત્તાત્રેય શિખર પરથી મને પૂજારીનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે અહીં દિગમ્બર જૈનોનો સંઘ આવ્યો છે જેમાં 200થી 250 લોકો સામેલ છે. આ લોકોએ સમગ્ર ભારતના સાધુસંતોના આસ્થારૂપ એવા દત્તાત્રેયના ધાર્મિક સ્થાન પર હુમલો કર્યો છે. તેમણે ‘દત્તશિખર હમ લેકે રહેંગે’, ‘ગિરનાર હમ લેકે રહેંગે’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં હાજર સુરક્ષા જવાને પણ તેમણે અવગણ્યો હતો. તેમણે ખુરશી ઊપાડીને દત્તાત્રેય ભગવાન પર ફેંકવાની કોશિશ કરી હતી.”
“આ ઘટના ખરેખર દુ:ખદાયી છે. આ સમગ્ર હિન્દુ સમાજ માટે કાળો દિવસ છે. ગિરનારના કોઇ પણ મંદિર પર ક્યારેય આ પ્રકારની ઘટના ઘટી નથી. આ કૃત્યમાં માત્રને માત્ર દિગમ્બર સમાજ જ સામેલ છે. અમે ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.”
આ મામલે અનેક સાધુસંતોએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને આ ઘટનાને વખોડી છે.
પોલીસે નિવેદનમાં શું કહ્યું?

બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખર સાથે વાતચીત કરતા ભવનાથ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
તેમણે વાત કરતાં કહ્યું કે, “ગિરનારના દત્તાત્રેય શિખરના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ અંગે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે અને તપાસ ચાલી રહી છે. બન્ને પક્ષોએ અલગ-અલગ ફરિયાદ કરી છે. જબલપુરથી આ સંઘ દર્શન કરવા માટે આવ્યો હતો.”
પોલીસના જણાવ્યા અનુસાર સંઘે પણ વળતી ફરિયાદ કરી છે કે તેમને દર્શન કરવાં નહોતાં દેવાયાં.
જૈનોના અગ્રણીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR
જૈન દિગંબર સમાજના અગ્રણી કિરીટ સંઘવીએ આ મામલે તેમનું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે, “ગિરનાર પર ઘટેલી આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. ત્યાં જે પગલાં આવેલાં છે તે જૈનોના કહેવા મુજબ નેમિનાથનાં છે અને હિન્દુઓના કહેવા પ્રમાણે દત્તાત્રેયનાં છે. આ મામલે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી અને હાઇકોર્ટે એવું કહ્યું હતું કે બંને ધર્મો ત્યાં પોતપોતાની આસ્થા પ્રમાણે પગલાંની પૂજા કરે. એટલે ઘણાં વર્ષોથી આ પ્રમાણે ત્યાં પૂજા કરવામાં આવે છે. ”
તેમના અનુસાર, “વાઇરલ વીડિયો પ્રમાણે ત્યાં જે બન્યું તે પોલીસ-તપાસનો વિષય છે. પરંતુ આ ઘટના દુ:ખદ છે. મારું એવું માનવું છે કે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ફક્ત કોર્ટથી આવી શકે નહીં. તેનો કાયમી ઉકેલ હવે આપણે શોધવો જોઇએ. કારણ કે આ પ્રકારનાં છમકલાં વારંવાર થતા રહે છે. બંને ધર્મના લોકો પોતપોતાની લાગણી દુભાતી હોવાનો વારંવાર દાવો કરે છે. આ પ્રશ્ન કોર્ટ કે પોલીસથી ઊકલાશે નહીં. બંને પક્ષોના વરિષ્ઠ સંતો આ મામલે ચર્ચા કરીને કંઇક કરે તો જ આ મામલાનું સમાધાન આવશે.”
હિન્દુઓ-જૈનો વચ્ચે વિવાદ નવો નથી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં શેત્રુંજય પર્વત પર આવેલા જૈન દેરાસરો અને શિવમંદિરને લઈને એક વિવાદ સામે આવ્યો હતો. ત્યાં થયેલા વિવાદનું એક કારણ શિવમંદિર છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે. વર્ષ 2017માં વિશ્વ હિંદુ પરિષદે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરી હતી, જેનો ચુકાદો જૈન સમુદાયની તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદાને વિશ્વ હિંદુ પરિષદે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.
પાલિતાણાનાં જૈન દેરાસરોનું સંચાલન લગભગ 400 વર્ષોથી આનંદજી કલ્યાણજીની પેઢી કરી રહી છે. આ પેઢી દેરાસરો ઉપરાંત સમગ્ર પર્વતનું જતન કરી રહી હોવાનો જૈન સમુદાયનો દાવો છે. અને આ દાવામાં શિવમંદિરનો પણ સમાવેશ થાય છે અને અહીંથી જ વિવાદ સર્જાતો હોવાનું મનાઈ રહ્યું છે.
આ શિવમંદિરનું સંચાલન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટ નહીં પણ હિંદુ સંગઠનને સોંપવું જોઈએ એવી દાદ માગતી અરજી વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે આ માગને ફગાવી દીધી હતી અને મંદિરનું સંચાલન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટ પાસે જ રહે એવો આદેશ આપ્યો હતો. આ સાથે જ મંદિરમાં પૂજારીની નિમણૂક રાજ્ય સરકાર ટ્રસ્ટ સાથે રહીને કરી શકે એવો નિર્દેશ પણ આપ્યો હતો.
તાજેતરમાં ગિરનાર પર બનેલી ઘટના પછી ફરિયાદને આધારે ભવનાથ પોલીસ દત્તાત્રેય શિખર પર પહોંચી છે અને ફરિયાદની અરજીને આધારે તપાસ હાથ ધરી છે. દત્તાત્રેય શિખરના પૂજારીને મળીને તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.












