મુસ્લિમોની સૌથી વધુ વસ્તીવાળા દેશમાં ભારત અને હિન્દુ ધર્મનાં મૂળિયાં કેટલાં ઊંડાં છે?

ઈન્ડોનેશિયા, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પીટર કૈરે
    • પદ, ફેલો એમિરેટ્સ, ટ્રિનિટી કૉલેજ, ઑક્સફૉર્ડ અને ઍડજંક્ટ પ્રોફેસર

ઈન્ડોનેશિયા 17,000થી વધુ દ્વીપોમાં ફેલાયેલું છે, અહીં 700થી વધુ ભાષાઓ બોલાય છે અને 1340થી વધુ વંશીય સમુદાયો રહે છે.

તે દુનિયાના સૌથી વધુ વૈવિધ્યવાળા દેશ પૈકીનો એક છે. ઈન્ડોનેશિયાનો દ્વીપ સમૂહ એશિયાની બે મહાન સંસ્કૃતિ ભારત અને ચીન વચ્ચે આબાદ છે.

ઇસવીસન પૂર્વે 290 વર્ષથી પંદરમી સદી સુધી ઈન્ડોનેશિયા ભારતના સાંસ્કૃતિક પ્રભાવનો હિસ્સો રહ્યું હતું. એ દરમિયાન ઈન્ડોનેશિયાની રાજકીય વ્યવસ્થા પર હિંદુ અને બૌદ્ધ ધર્મનો ઊંડો પ્રભાવ પડ્યો હતો.

ભારતીય ઉપખંડના દક્ષિણ-પૂર્વમાં સ્થિત રાજવંશો, ખાસ કરીને ચોલ સામ્રાજ્ય (ઇસવી પૂર્વે 300થી 1279 સુધી)એ જાવા પર રાજ કરતા રાજાઓ સાથે વ્યાપારી, સાંસ્કૃતિક અને રાજકીય સંબંધ સ્થાપિત કર્યા હતા.

એ કારણે ઈન્ડોનેશિયન દ્વીપ સમૂહ ભારતના પ્રભાવક્ષેત્રમાં આવી ગયો હતો અને તેનું ભારતીયકરણ તથા સંસ્કૃતિકરણ થઈ ગયું હતું.

ઈન્ડોનેશિયા પર ભારતીય ભાષાઓનો પ્રભાવ

ઇન્ડોનેશિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટાપુઓમાં ફેલાયેલું ઇન્ડોનેશિયા

તેનું એક રસપ્રદ ઉદાહરણ ઈન્ડોનેશિયામાં બોલવામાં આવતી બોલીઓ પર ભારતીય ભાષાઓની અસર છે. એ બોલીઓ પર ભારતીય ભાષાઓની સ્પષ્ટ અસર જોવા મળે છે.

ઈન્ડોનિશયાના દ્વીપો પર ઑસ્ટ્રોનેશિયન પરિવારની બોલીઓ બોલવામાં આવે છે, પરંતુ જાવાની જૂની બોલી (ઓલ્ડ જાવા) બોલતા લોકો તામિલ શબ્દ ‘વાલુકુ’ (હળ જોતવું)નો ઉપયોગ વ્યાપક રીતે કરે છે.

ઓલ્ડ જાવા બોલીની શબ્દાવલી અને લિપિ તથા અક્ષર પ્રાચીન ભારતીય ભાષાઓ પર આધારિત છે. ઓલ્ડ જાવા ભાષાના સાહિત્ય, પ્રાર્થના અને શિલાલેખો એમ બધું પ્રાચીન ભારતીય ભાષાઓમાં લખવામાં આવ્યું છે.

દાખલા તરીકે, કકાવિન (ઓલ્ડ જાવા ભાષામાં પ્રશસ્તિકાવ્યોને સંસ્કૃત કવિતાઓની માફક છંદબદ્ધ રીતે લખવામાં આવે છે), પર્વ (સંસ્કૃત મહાભારત અને રામાયણનું ગદ્ય સંકલન), મંત્ર (અલગ-અલગ પ્રકારની પ્રાર્થનાઓ તથા પૂજા-પાઠના મંત્રો) અને પ્રશસ્તિ (કાંસા તથા પથ્થર પર ટાંકવામાં આવેલાં ફરમાન).

આજના ઈન્ડોનેશિયાનું સૂત્ર વાક્ય ભિન્નેકા તુંગલ ઇકા (એટલે કે વિવિધતામાં એકતા) બે મહાન ભારતીય ધર્મ હિંદુ તથા બૌદ્ધથી પ્રેરિત છે તેનાથી આપણને આશ્ચર્ય થવું ન જોઈએ.

ઈન્ડોનેશિયા પર બૌદ્ધ તથા હિંદુ રાજા-રાણીઓએ અલગ-અલગ સમયે શાસન કર્યું હતું. જેમ કે મહારાણી ગાયત્રી રાજપત્ની (1276-1350). ગાયત્રી, મજાપહિતના સંસ્થાપક અને પ્રથમ શાસક કેર્તારાજાસા જયવર્ધના (શાસનકાળ 1293-1309)નાં પત્ની હતાં.

તેમના પૌત્ર હયામ વુરુક (શાસનકાળ 1350-1389) શૈવ સંપ્રદાયમાં માનતા હતા. વિવિધતામાં એકતાની આ કલ્પના 14મી સદીમાં એમ્પુ તંતુલાર દ્વારા ઓલ્ડ જાવામાં લખવામાં આવેલા સુતસોમ કકાવિનમાંથી લેવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

રવીન્દ્રનાથ ટાગોર ઈન્ડોનેશિયાના જાવા પહોંચ્યા ત્યારે શું થયું હતું?

રવિન્દ્રનાથ ટાગોર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાવાના જ્વાળામુખી હિમાલયનો પડછાયો હોવાનું કહેવાય છે. આ વિચાર પણ ભારતમાંથી મળેલા સાંસ્કૃતિક વારસાનો હિસ્સો છે. એવી જ રીતે આજના ઈન્ડોનેશિયાના નાગરિકોમાં સરેરાશ છ ટકા ડીએનએ ભારતીય મૂળનું છે.

વહી, અસેહ અને બાલી જેવી જગ્યાઓમાં તો ઈન્ડોનેશિયન લોકોના ડીએનએમાં ભારતીય મૂળનો વારસો દસ ટકા સુધીનો છે. આ વિસ્તારો હિંદ મહાસાગરના વેપારી સંપર્ક મારફત ભારત સાથે માલસામાન, રીત-રિવાજો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સદીઓથી કરતા હતા.

દક્ષિણ બાલીના શાહી દરબારો પર બ્રાહ્મણવાદી પ્રભાવનો વારસો ઘણો મજબૂત હતો. ભાષા, સંસ્કૃતિ અને ધાર્મિક પ્રભાવ વ્યાપક હોવા છતાં જાવાના લોકો નકલ કરતા ગુલામો ન હતા.

આ વાત ઈન્ડોનેશિયાના પાડોશી સ્યામ (1932 પછી થાઇલૅન્ડ)થી બિલકુલ વિપરીત છે. સ્યામમાં તેના પાડોશી દેશો બર્મા તથા ચીનના સાંસ્કૃતિક પ્રભાવને સીધો અપનાવી લેવામાં આવ્યો હતો અને તેમાં સ્થાનિક સૌંદર્યબોધને જોડતું પરિવર્તન કરવામાં આવ્યું ન હતું.

બીજી તરફ જાવાના લોકોએ ભારત પાસેથી કળા અને અધ્યાત્મના ક્ષેત્રમાં જે પ્રેરણા લીધી હતી તેમાંથી પોતાની અલગ કળા અને સંસ્કૃતિની રચના કરી હતી. એમાં તેમની માટીની સુગંધ હતી.

ભલે તે સ્થાપત્ય કળા હોય કે સાહિત્યિક કે ધાર્મિક વિલક્ષણ પ્રતિભાના નમૂના હોય. તેની સૌથી સારી પ્રશંસા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કરી છે.

ટાગોર જાવાના સૌપ્રથમ સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન બોએડી ઓએટોમો (1908-1942)ના મહેમાન બનીને 1929માં જાવા ગયા ત્યારે તેમણે જાવાની સંસ્કૃતિને નજીકથી નિહાળી હતી.

જાવાના શાનદાર પ્રાચીન હિંદુ તથા બૌદ્ધ સ્મારકો નિહાળ્યા પછી ટાગોરે કહ્યું હતું, “હું અહીં ચારે તરફ ભારત જોઈ રહ્યો છું. તેમ છતાં તેને ઓળખી શકતો નથી.”

આનો અર્થ એ થાય કે દક્ષિણ-મધ્ય જાવામાં હિંદુ તથા બૌદ્ધ સ્મારકો નિહાળતાં ટાગોરને ભલે જાવાના ખૂણેખૂણામાં ભારતીય સંસ્કૃતિની છાપ દેખાઈ હોય, પરંતુ એવું લાગે છે કે એ ભારતીય પ્રભાવમાં પણ સૌંદર્યની દૃષ્ટિએ મોટા ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા હતા. શેક્સપિયરના નાટક ‘ધ ટેમ્પેસ્ટ’ના પાત્ર એરિયલે કહ્યું હતું તેમ “નવી ઓળખ આપનાર બહુ વિચિત્ર, પણ અદભુત અને સમૃદ્ધ પરિવર્તન.”

બીબીસી ગુજરાતી

અંગ્રેજોના રાજમાં થયેલું પરિવર્તન અને તેનો વારસો

ફ્રેન્ચ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રૅન્ચ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ

ઈન્ડોનેશિયા યુરોપિયન ઉપનિવેશ બન્યું તે પહેલાના દૌરમાં તેના પર દક્ષિણ એશિયન અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતાની છાપ તેમજ તેની પ્રેરણા ચારે તરફ જોવા મળે છે, પરંતુ ઉપનિવેશ કાળ તરફ આગળ વધતાં ઈન્ડોનેશિયામાં મોટા ફેરફાર અને અલગ જ પ્રકારનું દૃશ્ય જોવા મળે છે.

તેની શરૂઆત માર્શલ હર્મન વિલેમ ડાએડેલ્સ (1762-1818) ગવર્નર જનરલ બનીને ત્યાં પહોંચ્યા ત્યારથી થઈ હતી. માર્શલ હર્મનને નેપોલિયને ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા અને તેઓ 1808થી જાન્યુઆરી, 1811 સુધી તે પદ પર રહ્યા હતા.

એ સમય આંતરરાષ્ટ્રીય સંઘર્ષનો હતો. ફ્રાંસની ક્રાંતિ (1792-1802) અને તેના પછી નેપોલિયનના સમયગાળાના યુદ્ધનો દૌર (1803-1815), આંતરરાષ્ટ્રીય સમુદાય માટે પહેલા વિશ્વ યુદ્ધના અનુભવ જેવા હતા.

એ દરમિયાન નૌકાદળોનું યુદ્ધ જોવા મળ્યું. ઉપનિવેશ બનાવવા માટે યુરોપની શક્તિઓએ નવા-નવા દેશોની શોધમાં ટુકડીઓ મોકલી. એ પછી આર્જેન્ટિનાથી માંડીને દક્ષિણ-પૂર્વ એશિયા સુધી હુમલા કરવામાં આવ્યા હતા.

નેધરલૅન્ડ્ઝની રાજધાની એમ્સટર્ડમથી લગભગ 12,600 સમુદ્ર માઈલ દૂર આવેલા જાવા સુધી આ યુરોપિયન યુદ્ધનો એક મોટો મોરચો બન્યો હતો.

બ્રિટને ઑગસ્ટ-સપ્ટેમ્બર, 1811માં 12,000 સૈનિકો સાથે જાવા પર હુમલો કર્યો હતો. બ્રિટનના અડધાથી વધુ સૈનિકો બંગાળી હતા. ઘોડેસવાર તોપખાના અને એન્જિનિયરોની કેટલીક ટુકડીઓ મદ્રાસ કે આજના ચેન્નાઈની પણ હતી. એ બધાની ભરતી ખાસ જાવાના અભિયાન માટે વોલન્ટરી બટાલિયન તરીકે કરવામાં આવી હતી.

તેમાં બંગાળ લાઇટ ઇન્ફન્ટ્રી વોલન્ટિયર બટાલિયન (એલઆઇવીબી) ખાસ કરીને બ્રિટન માટે બોજ બની ગઈ હતી.

બીબીસી ગુજરાતી

ભારતીય સૈનિકો બન્યા યુદ્ધનો હિસ્સો

ઇન્ડોનેશિયા

ઇમેજ સ્રોત, Imperial War Museum

ઇમેજ કૅપ્શન, સુરાબાયાના યુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મી દ્વારા જાપાનીઓ પાસેથી કબજે કરાયેલી ટૅન્કનું રક્ષણ કરતો ભારતીય સૈનિક

બંગાળના એ સૈનિકો વિશે બ્રિટનના તત્કાલીન લેફટનન્ટ ગવર્નર થૉમસ સ્ટૅમફોર્ડ રેફલ્સે (1781-1826, કાર્યકાળ 1811-1826) કહ્યું હતું, “તેમની આદતો અને રીતભાત જાવાના લોકો માટે અપમાનજનક હતી. (જેને કારણે) વારંવાર મુશ્કેલી સર્જાતી હતી.” એ સૈનિકોની ભરતી પૂર્વીય સમુદ્રની વિશાળ બૅરેક એટલે કે ભારતમાંથી કરવામાં આવી હતી.

19મી સદી આવતાં સુધીમાં બ્રિટને ભારતમાંથી ભાડૂતી લડવૈયાઓએ લગભગ અઢી લાખ સૈનિકોની ફોજ બનાવી લીધી હતી. ભારતમાંથી ભરતી કરવામાં આવેલા એ સૈનિકોને સમગ્ર એશિયા અને મધ્ય-પૂર્વ (ઇજિપ્ત તથા સીરિયા) સુધી લડવા માટે મોકલવામાં આવતા હતા. અંગ્રેજો તરફથી જાવા લડવા માટે મોકલવામાં આવેલા ભારતીય સૈનિકોએ પાંચ વર્ષની સેવા દરમિયાન પોતાના લોહીથી બલિદાનની નવી ગાથા લખી હતી.

ઈન્ડોનેશિયાના મોરચે ભારતીય સૈનિકો બબ્બે લોહિયાળ જંગનો હિસ્સો બન્યા હોય તેવું આધુનિક યુગમાં ઓછામાં ઓછું બે વખત બન્યું હતું.

પહેલી વખત 1811ની 26 ઑગસ્ટે આજના જાકાર્તા (1942 પહેલાં બટાવિયાનું મિસ્ટર કૉર્નેલિસ)ના જતિનગેરામાં અને એ પછી 1945ની 10થી 27 નવેમ્બર દરમિયાન પૂર્વ જાવાના સુરાબાયામાં ભારતીય સૈનિકો બ્રિટન તરફથી લોહિયાળ યુદ્ધ લડ્યા હતા.

પહેલા યુદ્ધ દરમિયાન બ્રિટન સામેની જંગમાં ફ્રાંસ તથા ડચ સેનાના 50 ટકા સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે સ્થાનિક મદ્રાસી અને જાવાની સ્થાનિક સહયોગી ટુકડીઓ (હલ્પટ્રોયપેન)ના 80 ટકા સૈનિકો ખુવાર થયા હતા. ફ્રાંસના ગવર્નર જનરલ માર્શલ હર્મને એ યુદ્ધ માટે 18,000 સૈનિકોની ફોજ બનાવી હતી, પરંતુ 1811ની ચોથી ઑગસ્ટથી 18 સપ્ટેમ્બર દરમિયાનના છ સપ્તાહમાં એ પૈકીના 12,000 સૈનિકો માર્યા ગયા હતા.

જતિનેગારા-મિસ્ટર કોર્નેલિસમાં સૈનિકોની એટલી લાશો એકઠી થઈ હતી કે તેમને સામૂહિક કબરમાં દફનાવવા પડ્યા હતા. પાડોશના કાંપુંગ મેલાયૂના લોકોએ તેનું નામ રવા બાંગ્કે (લાશોનું કળણ) રાખ્યું હતું.

એ પછી જાવાના ગવર્નર અલી સાદિકિને (કાર્યકાળ 1966-1977) તેનું નામ રવા માવર એટલે કે ગુલાબોનું કળણ રાખીને તે કુખ્યાત સ્થળની ખૂનખાર સ્મૃતિ પર પાતળો પડદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી વખત એટલે નવેમ્બર, 1945નું સુરાબાયાનું યુદ્ધ, એ આખરી મોરચો હતું, જ્યારે કોઈ ઉપનિવેશી સંઘર્ષમાં ભારતીય સૈનિકો બ્રિટનના આદેશ હેઠળ લડ્યા હોય.

એ યુદ્ધનું પરિણામ બધા પક્ષો માટે ઘાતક સાબિત થયું હતું. સુરાબાયામાં જન્મેલા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રવાદી નેતા અને રાજકારણી ડૉક્ટર રુસલાન અબ્દુલગનીએ તે યુદ્ધ વિશે લખ્યું હતું, “તે એક એવી તબાહી હતી, જેણે સુરાબાયાના ઇતિહાસની જ નહીં, પરંતુ સમગ્ર ઈન્ડોનેશિયામાં અમારી આઝાદીની લડાઈની દશા તથા દિશા બદલી નાખી હતી.”

પરંતુ હવે અમે અમારી કહાણીથી અચાનક આગળ છલાંગ મારી રહ્યા છીએ.

બીબીસી ગુજરાતી

બંગાળના સૈનિકોનો વિદ્રોહ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Imperial War Museum

પહેલાં આપણે 19મી સદીના યુદ્ધની વાત કરવી જોઈએ. જાવા પરના પોતાના ટૂંકા શાસનકાળમાં એટલે કે 1811થી 1816 દરમિયાન અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ત્યાં 5,000 સૈનિકોનું થાણું બનાવી રાખવા માટે બંગાળના સૈનિકો પર વધારે પડતો ભરોસો કરવાનું તેમને બહુ મોંઘું પડ્યું હતું.

1816ની 19 ઑગસ્ટે બટાવિયામાંથી યુનિયન જૅક ઉતારીને જાવા ફરી ડચ સૈનિકોને હવાલે કરવામાં આવ્યું હતું, પરંતુ એ પહેલાં જાવામાં અંગ્રેજોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં તહેનાત બંગાળના સૈનિકોએ ઑક્ટોબર-નવેમ્બર, 1815 દરમિયાન બળવો કર્યો હતો.

દક્ષિણ-મધ્ય જાવાના યોગ્યાકાર્તા અને સુરાકાર્તાના દરબારોમાં થયેલા સૈનિકોના એ બળવાને સિપાહી ષડયંત્ર નામે ઓળખવામાં આવે છે.

એ બળવો એટલો ગંભીર હતો કે બ્રિટિશ સરકારના પાયા હચમચી ગયા હતા. તે ષડયંત્રમાં સુરાકાર્તાના શાસક સુનાન પાકુ બુવોનો ચતુર્થ (કાર્યકાળ 1788-1820) અને બંગાળની લાઇટ ઇન્ફન્ટ્રી વૉલન્ટિયર બટાલિયનના લગભગ 800 સૈનિકો સામેલ હતા.

એ સૈનિકો 1811થી તે દરબારોની સૈન્ય છાવણી પર સતત તહેનાત રહેતા હતા. સિપાહી ષડયંત્ર બનાવનારનો હેતુ બ્રિટિશ અધિકારીઓની હત્યા કરવાનો અને જાવામાં હાજર યુરોપના બીજા લોકોનો સફાયો કરવાનો હતો.

યુરોપિયન શાસકોને ઉખેડી ફેંકવામાં મદદ કરવાના બદલામાં સુનાને લાઇટ ઇન્ફન્ટ્રીના જવાનોના એક સુબેદાર કે કૅપ્ટનની રેન્કવાળા જેસીઓને નવા લેફટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવાના હતા.

એ સિવાય પશ્ચિમ જાવા અને ઉત્તરના તટીય જિલ્લા (પસિસિર) બ્રિટિશ ભારતીય સૈનિકોની દેખરેખ હેઠળ સોંપવાના હતા. સુરાકાર્તાના શાસક સુનાને પોતાની એક દીકરીનાં લગ્ન તે સુબેદાર સાથે કરાવવાનું વચન આપ્યું હોવાની વાતો પણ સંભળાતી હતી.

જાવામાં હિંદુ અને બૌદ્ધ અતીતના પ્રતીક સ્વરૂપે ત્યાં અનેક જૂનાં મંદિરો અને પુરાતત્ત્વીય અવશેષો મળે છે. અંગ્રેજોએ તેને કબજે કર્યું ત્યાર પછી તેમણે એ પ્રાચીન સ્મારકોની સફાઈ તથા સર્વેક્ષણ શરૂ કરાવ્યું હતું.

એ કારણસર જાવાના શાસક વર્ગને હિંદુ તથા બૌદ્ધ ઇતિહાસ અને ભારતીય વારસામાં રસ પડ્યો હોય એ શક્ય છે. દાખલા તરીકે, યોગ્યાકાર્તામાં રાજકુમાર ડિપોનેગોરો(1785-1855)એ તો આજુબાજુના અનેક મંદિરોની મૂર્તિ ઉઠાવીને પોતાના મહેલમાં રાખી લીધી હતી.

રાજકુમાર ડિપોનેગોરોને ડચ ઉપનિવેશવાદીઓ વિરુદ્ધના જાવાના યુદ્ધ (1825-1830)ના નેતા તરીકે યાદ કરવામાં આવે છે.

સૈનિકોએ બળવો કર્યો ત્યારે વાસ્તવિક સ્તરે બ્રિટનના પોતાના અધિકારીઓની સંખ્યા બહુ ઓછી હતી. સૈન્યના નિયમો મુજબ, પ્રત્યેક 800 સૈનિકો ઉપર કમસે કમ સાત બ્રિટિશ અધિકારી હોવા જોઈતા હતા.

એ સમયે તેનાથી પણ ઓછા બ્રિટિશ સૈન્ય અધિકારીઓ ત્યાં તહેનાત હતા. તેને કારણે અંગ્રેજોને સૈનિકોના બળવાના ષડયંત્રની કબર બહુ મોડેથી પડી હતી. બ્રિટિશ સૈન્ય કમાન્ડે ઝડપભેર પગલાં લીધાં હતાં અને બળવાખોર સૈનિકો સામે કાર્યવાહી કરી હતી.

17 સૈનિકોને તોપના મોં પર બાંધીને ફૂંકી મારવાની સજા કરવામાં આવી હતી. એ સિવાય 50 અન્ય સૈનિકોને હાથકડી-બેડીઓમાં ઝકડીને બંગાળ પાછા મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જાવામાં તહેનાત કરવામાં આવેલા છેલ્લા ભારતીય સૈનિકો ન હતા. બ્રિટિશ સૈન્યમાં ભરતી કરવામાં આવેલા અનેક સૈનિકો લશ્કર છોડીને ભાગી ગયા હતા.

તેમણે જાવાના સ્થાનિક પરિવારોમાં લગ્ન કરી લીધાં હતાં. ઘણા તો મહાવત બની ગયા હતા અથવા યોગ્યાકાર્તામાં સુલતાનના અંગરક્ષકોની ટુકડીમાં સામેલ થઈ ગયા હતા. રાજકુમાર ડિપોનેગોરોએ તેમની આત્મકથા (બાબડ)માં એ પૈકીના એક નૂરનગલી નામના સૈનિકને ‘બંગાળનો પરંપરાગત હકીમ’ ગણાવ્યો હતો. નૂરનગલી બાદમાં રાજકુમારના અંગત તબીબ બન્યા હતા.

ઇન્ડોનેશિયા

ઇમેજ સ્રોત, Imperial War Museum

ઇમેજ કૅપ્શન, ઈન્ડોનેશિયામાં ગોળીબાર કરી રહેલાં ભારતીય સૈનિકો

જોકે, બ્રિટનના તત્કાલીન વિદેશમંત્રી જ્યૉર્જ કૅનિંગ(1822-1827)ના સૂચનને પગલે બૅન્કનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ સંસદે સ્વીકાર્યું હતું કે બંગાળ પ્રૅસિડેન્સીના સૈન્ય સંસાધનોનો ઉપયોગ જાવાના યુદ્ધમાં કરવો અયોગ્ય છે.

પોતાની લોન ડૂબવાની આશંકાથી ચિંતિત જોન પામર ઍન્ડ કંપનીએ બંગાળના તત્કાલીન ગવર્નર જનરલ અર્લ એમહર્સ્ટને (કાર્યકાળ 1823-1828) જણાવ્યું હતું કે તેમણે ડચ સૈન્યની મદદ માટે 2,000 સૈનિકોને જાવા મોકલવા બાબતે વિચાર કરવો જોઈએ. બૅન્કની આ અરજી પછી બ્રિટનની સંસદમાં પણ તે બાબતે ચર્ચા થઈ હતી.

જાવાના સૌથી વધુ ઉપજાઉ પ્રાંત કેડૂના બદલામાં બૅન્કે તે લોન આપી હતી. રાજકુમાર ડિપોનેગોરોનું સૈન્ય ડચોને જાવામાંથી ખદેડી મૂકશે એવું 1826-27 દરમિયાન લાગવા માંડ્યું ત્યારે તે લોન મોટી સમસ્યા બની ગઈ હતી.

જાવામાં યુદ્ધ શરૂ થવાના એક વર્ષ પહેલાં 1824માં બંગાળ તથા તેના સૈનિકો ફરી એક વાર સમસ્યા બની ગયા હતા. તેનું કારણ હતી પૈસાની તંગીનો સામનો કરી રહેલા નેધરલૅન્ડઝના ઇંડીઝ શાસકોએ કલકત્તાની એક ખાનગી બૅન્ક જોન પામર ઍન્ડ કંપની પાસેથી લીધેલી 60 લાખ રૂપિયાના સિક્કાની (2023ના હિસાબે 35 કરોડ ડૉલર) લોન.

બીજી તરફ જાવામાં જ વસી ગયેલા બીજા ભારતીય સૈનિકોએ જાવા યુદ્ધ (1825-1830) દરમિયાન બન્ને પક્ષ એટલે કે ડચ અને જાવાના સૈન્ય તરફથી લડાઈ લડી હતી. બોયોલાલીમાં દૂધના વેપારની શરૂઆત પણ એક ભૂતપૂર્વ ભારતીય સૈનિકે ત્યારે જ કરી હતી. ત્યારે એ અંગ્રેજોના તાબામાં આવી ગયું હતું. તેની ડેરીમાં ઘી તથા બીજી ડેરી પ્રોડક્ટ્સ બનાવવામાં આવતી હતી. એ સિલસિલો આજ સુધી ચાલુ છે.

બીબીસી ગુજરાતી

સુરાબાયાનું યુદ્ધ અને ભારતીય રાષ્ટ્રવાદ

બોરોબુદુર બૌદ્ધ મંદિર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાવામાં 9મી સદીનું બોરોબુદુર બૌદ્ધ મંદિર

જાવા યુદ્ધના લગભગ સવાસો વર્ષ પછી બ્રિટનને ફરી એક વખત સમજાયું હતું કે જાવામાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રવાદી સૈન્ય સામે ભારતીય સૈનિકોનો ઉપયોગ કરવાનું કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે.

1945ની 25 ઑક્ટોબરે 4,000 ભારતીય સૈનિકોની એક બ્રિગેડ સિંગાપુરથી સુરાબાયા પહોંચી હતી. એ બ્રિગેડનું વડપણ બ્રિગેડિયર જનરલ ઓબર્ટિન વોલ્ટર સોદર્ન મેલેવી (1899-1945) સંભાળતા હતા. તેમને આ અશાંત શહેરમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

વાસ્તવમાં રાષ્ટ્રપતિ સુકર્ણો અને ઉપ-રાષ્ટ્રપતિ હત્તાએ 1945ની 17 ઑગસ્ટે જાકાર્તામાં આઝાદીનું એલાન કરી દીધું હતું. એ પછી 1945ની 22 ઑગસ્ટથી આઝાદીની લડાઈ લડી રહેલા તમામ સંગઠનોએ પૂર્વ જાવાના પોર્ટ સિટીમાં પોતાનો સ્વતંત્ર અધિકાર હાંસલ કરવા માટે સંઘર્ષ શરૂ કરી દીધો હતો.

એ સંગઠનોનું નેતૃત્વ મોટા ભાગે યુવાનો કરતા હતા. તેમને આંદોલનને ઝડપથી સફળતા મળી હતી. ઑક્ટોબરના પ્રારંભિક દિવસો સધીમાં સુરાબાયા શહેરનો જૂનો વિસ્તાર સંપૂર્ણપણે સ્વાતંત્ર્યસેનાનીઓના તાબામાં આવી ગયો હતો. તેમની સામે જાપાની સૈન્ય લાચાર જણાતું હતું. એ ઉપરાંત યુવાનોએ ગુબેંગમાં જાપાનના નૌકાદળનાં ગોદામમાંથી મોટા પ્રમાણમાં દારૂગોળો લૂંટી લીધો હતો અને તેની વહેંચણી સ્થાનિક લોકોમાં કરી આપી હતી.

આ બધાની જાણ બ્રિગેડિયર જનરલ મેલેબીને કરવામાં આવી ન હતી. 23મા ભારતીય ડિવિઝનના ઇતિહાસકારના શબ્દોમાં બ્રિગેડિયર મેલેબીએ ‘અજાણપણે મધપૂડો છંછેડ્યો હતો.’

મેલેબીએ તેમના 4,000 સૈનિકોને કંપની (100 સૈનિકો) અને પ્લાટૂન (30 સૈનિકો)માં વહેંચીને સમગ્ર વિસ્તારમાં ફેલાવી દીધા હતા, જેથી મહત્ત્વની ઇમારતો તથા સ્થળો પર નજર રાખી શકાય.

એક જ સપ્તાહમાં મેલેબીના સૈન્યે સ્વાતંત્ર્યસેનાનીઓ સામે ઘૂંટણીયે પડીને તાંજુંગ પેરાક બંદર વિસ્તારમાંથી પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં હતાં. સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે યુદ્ધવિરામની વાત કરવા પોતાની લિંકન કારમાં તેઓ મોરચા પર પહોંચ્યા ત્યારે એક બારીમાંથી એક સ્વાતંત્ર્યસેનાનીએ તેમને ગોળી મારી દીધી હતી અને 1945ની 30 ઑક્ટોબરે બ્રિગેડિયર મેલેવીનું નિધન થયું હતું.

અંગ્રેજોએ તેનો બદલો લેવામાં વિલંબ કર્યો ન હતો. મેજર જનરલ સર રોબર્ટ માનસર્ગ (1900-1970)ના વડપણ હેઠળ બ્રિટિશ ભારતીય સૈન્યની આખી પાંચમી ડિવિઝન 1945ની 10 નવેમ્બરે સુરાબાયા પહોંચી ગઈ હતી. એ ડિવિઝન પાસે ટેન્કો અને લડાયક વિમાનો પણ હતાં.

એ પછીના બે સપ્તાહ એટલે 1945ની 10થી 27 નવેમ્બર દરમિયાન એ ડિવિઝને શેરીઓ અને રસ્તાઓ પર સામસામે લડાઈ લડીને સુરાબાયા બંદરને ફરી પોતાના તાબામાં લીધું હતું.

27 નવેમ્બરે લડાઈ અટકી ત્યારે લગભગ સાડા ચાર લોકોની વસ્તીવાળા આ શહેરના લગભગ દોઢ લાખ લોકો બેઘર થઈ ગયા હતા અને આ યુદ્ધમાં લગભગ 16,000 પેમુદા અને ઈન્ડોનેશિયન સૈનિકો માર્યા ગયા હતા.

સામાન્ય નાગરિકો પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા હતા અને લગભગ 20,000 લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા લોકોમાં 588 અંગ્રેજો અને ભારતીયો હતા. તે શાહી બ્રિટિશ સૈન્યની છેલ્લી લોહિયાળ લડાઈ હતી અને તેનું પરિણામ (ઉપર રુસલાન અબ્દુલગનીએ લખ્યું છે તેમ) અત્યંત ઘાતક સાબિત થયું હતું.

બીબીસી ગુજરાતી

આવું કેમ થયું?

અર્લ એમ્હર્સ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્લ એમ્હર્સ્ટ, ભારતના ગવર્નર જનરલ.

જાપાને 1945ની 15 ઑગસ્ટે વિના શરત સમર્પણ કર્યું ત્યારે નેધરલૅન્ડ્ઝ અને વેસ્ટ ઇન્ડીઝના જૂના ઉપનિવેશોની જવાબદારી અમેરિકન જનરલ ડગલસ મેકઆર્થરના દક્ષિણ-પશ્ચિમ પેસિફિક કમાન્ડ પાસેથી લઈને બ્રિટનના એડમિરલ લૉર્ડ લુઈ માઉન્ટબેટનના દક્ષિણ-પૂર્વ એશિયા કમાન્ડને સોંપી દેવામાં આવી હતી.

માઉન્ટબેટનને જાવાની સ્થિતિનો જરાય ખ્યાલ ન હતો, જે તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છેઃ “મેં કોઈ ગુપ્તચર અહેવાલ વિના નેધરલૅન્ડ્ઝ અને વેસ્ટ ઇન્ડીઝને સાઉથ વેસ્ટ પેસિફિક કમાન્ડમાંથી મારા કમાન્ડમાં લીધા હતા. મને જાવામાં સર્જાયેલી પરિસ્થિતિની કોઈ માહિતી આપવામાં આવી ન હતી.”

“યુદ્ધ પહેલાંથી ઈન્ડોનેશિયામાં એક આંદોલન ચાલી રહ્યું છે અને તેને જાણીતા બુદ્ધિજીવીઓ સમર્થન આપી રહ્યા છે, એ વાત તો નિશ્ચિત રીતે જાણતો હતો. એ પૈકીના ડોક્ટર ટિજિપ્ટો મંગોએનકોએસોએમો, સુવાર્દી સુરયાનિનગ્રાટ, કી હાજદાર દેવાંતારા અને ઈએફઈ ડોઉવેસ ડેક્કર જેવા અનેકનો રાષ્ટ્રવાદી પ્રચારમાં ભાગ લેવા બદલ દેશનિકાલ કરવામાં આવ્યો હતો.”

“જોકે, જાપાનના કબજા દરમિયાન (1943-1945) એ આંદોલનનું શું થયું હતું તેની મને જરાય ખબર ન હતી. એનઈઆઈના લેફટનન્ટ ગવર્નર ડૉક્ટર એચ જે વાન મૂક (1864-1965, કાર્યકાળ 1942-1948) પહેલી સપ્ટેમ્બરે કેન્ડી (સિલોન) આવ્યા હતા.”

“તેમણે વાતચીત દરમિયાન એવો કોઈ સંકેત આપ્યો ન હતો કે જાવા ફરી કબજે કરવા દરમિયાન જાપાની સૈનિકોને બંધક બનાવવા સિવાયની બીજા કોઈ સમસ્યા સર્જાશે.”

ગુપ્ત માહિતી આપવાની આ નિષ્ફળતાનું સુરાબાયામાં અંગ્રેજો તથા ઈન્ડોનેશિયાના નાગરિકોએ કેટલું માઠું પરિણામ ભોગવવું પડશે એ અગાઉ જણાવી દેવાયું છે.

બીબીસી ગુજરાતી

ભારતીય સૈનિકોનું શું થયું?

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણેો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણેો

સુરાબાયામાં સ્વાતંત્ર્યસેનાનીઓ હાથે માર્યા ગયેલા બ્રિગેડિયર મેલેબી ખુદ બ્રિટિશ ભારતીય સૈન્યના અધિકારી હતા. તેઓ બ્રિટિશ ભારતીય સૈન્યની દ્વિતીય પંજાબ રેજિમેન્ટ સાથે સંકળાયેલા હતા.

તેમના કમાન્ડ હેઠળ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી (ચોથી અને છઠ્ઠી બટાલિયન) તથા રાજપૂતાના રાઇફલ્સ (પાંચમી બટાલિયન)ના સૈનિકો હતા, પરંતુ જનરલ માનસર્ગની પાંચમી ભારતીય ડિવિઝન સુરાબાયા પહોંચી ત્યારે તેમની સાથે 11 ઇન્ફન્ટ્રી બ્રિગેડ હતી.

તેમાં મોટી સંખ્યામાં ગોરખા (પહેલી, પાંચમી, આઠમી, નવમી તથા દસમી ગોરખા રાઇફલ્સ), પંજાબી (15મી પંજાબી રેજિમેન્ટ) સિખ (11મી શીખ રેજિમેન્ટ), જાટ (નવમી જાટ રેજિમેન્ટ), બિહારી (પ્રથમ બટાલિયન બિહાર રેજિમેન્ટ), બલૂચ (10મી બલૂચ રેજિમેન્ટ), મરાઠા (મરાઠા લાઇટ રેજિમેન્ટ), હૈદરાબાદી (19મી હૈદરાબાદ રેજિમેન્ટ) અને રાજપૂત (રાજપૂતાના રાઇફલ્સ)ના સૈનિકો પણ હતા.

ઈન્ડોનેશિયાની આઝાદીના લડવૈયાઓને કચડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે આ ભારતીય સૈનિકોએ કેવી પ્રતિક્રિયા આપી હતી? ભારતમાં કૉંગ્રેસના વડપણ હેઠળ જે રીતે સ્વદેશી તથા સ્વરાજ આંદોલન ચલાવવામાં આવતા હતા એવી જ રીતે ઈન્ડોનેશિયાના લડવૈયાઓ ઉપનિવેશવાદી શક્તિઓ સામે લડાઈ લડતા હતા.

આ વાત સમજવામાં ભારતીય સૈનિકોને જરાય મુશ્કેલી પડી ન હતી, કારણ કે ઈન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસેનાનીઓએ સુરાબાયાની તમામ દીવાલો પર શુદ્ધ અંગ્રેજીમાં અનેક પોસ્ટર્સ લગાવ્યાં હતાં.

તેના પર લખવામાં આવ્યું હતુઃ “ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા પંડિત જવાહરલાલ નેહરુએ આજે (30 સપ્ટેમ્બર, 1945) આદેશ આપ્યો છે કે ઈન્ડોનેશિયા તથા બીજા પક્ષોના વિદ્રોહને દબાવવા માટે ભારતીય સૈનિકોનો ઉપયોગ ન થવો જોઈએ. અમને એશિયા અને આફ્રિકામાં સ્વતંત્રતા માટે ચલાવવામાં આવતા આંદોલનમાં રસ છે તેમજ તેમને તેમનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદરૂપ થવાની અમારી ઇચ્છા છે. ઈન્ડોનેશિયાના લોકોએ પોતાની આઝાદીનું એલાન કરી દીધું છે અને અમે હવે તેની રક્ષા માટે લડી રહ્યા છીએ.”

આ પોસ્ટરને જોયા પછી ભારતીય સૈનિકોની પ્રતિક્રિયા કેવી રહી હશે? એ જાણવા માટે 1944માં બ્રિટિશ ભારતીય સૈન્યમાં કૅપ્ટન બનેલા પીઆરએસ મણિ એક સારું ઉદાહરણ આપી શકે તેમ છે.

કૅપ્ટન મણિને જનસંપર્ક વિભાગમાં તહેનાત કરવામાં આવ્યા હતા. તેમણે જાપાનના આત્મસમર્પણ કરવા સુધી બર્મા અને મલાયા (1962 પછી મલેશિયા)માં તહેનાત ભારતીય સૈનિકોના અનુભવનું બયાન કર્યું છે.

માઉન્ટબેટનના સાઉથ-ઇસ્ટ એશિયા કમાન્ડે મણિ સહિતના બીજા ભારતીય સૈનિકોને 15 ઑગસ્ટ પછી ઈન્ડોનેશિયા તથા વિયેતનામની રાષ્ટ્રવાદી સેના સામે તહેનાત કર્યા ત્યારે કૅપ્ટન મણિ બહુ નિરાશ થયા હતા. ખાસ કરીને, પોતે સુરાબાયામાં જનરલ માનસર્ગની પાંચમી ભારતીય ડિવિઝન સામે લડી રહ્યા છે એ જાણ્યા પછી તેઓ વધારે નિરાશ થયા હતા.

એ અનુભવથી કૅપ્ટન મણિના દિલમાં એટલો ઉચાટ સર્જાયો હતો કે જાન્યુઆરી, 1946માં તેમણે સૈન્યમાંથી રાજીનામું આપી દીધું હતું. પછી તેઓ મુંબઈના ફ્રી પ્રેસ જર્નલ અખબારમાં વિદેશી સંવાદદાતા બની ગયા હતા.

1928માં સ્થાપિત ફ્રી પ્રેસ જર્નલ ભારત અને ઈન્ડોનેશિયા બન્નેની આઝાદીની જોરદાર હિમાયત કરતું હતું. મણિએ 1946-47 દરમિયાન ઈન્ડોનેશિયાથી ફ્રી પ્રેસ જર્નલ માટે રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે આઝાદીની લડાઈનું જોરદાર સમર્થન કરતા લેખો લખ્યા હતા.

ભારત 1947ની 15 ઑગસ્ટે આઝાદ થયું ત્યારે મણિ વિદેશ વિભાગમાં જોડાઈ ગયા હતા અને તેમની નિમણૂક જાકાર્તામાં ભારતના પહેલા કોન્સલ જનરલ તરીકે કરવામાં આવી હતી.

1980માં ભારતીય રાજદ્વારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ મણિએ 1945થી 1947 દરમિયાન ઈન્ડોનેશિયામાં વિતાવેલા દિવસોના કાગળ એકઠા કર્યા હતા અને તેમણે ઈન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામની ગાથા ભારતના દૃષ્ટિકોણથી લખી હતી. તે પુસ્તકનું નામ હતુઃ ધ સ્ટોરી ઑફ ધ ઈન્ડોનેશિયન રિવોલ્યૂશન 1945-50.

એ પુસ્તક મદ્રાસ યુનિવર્સિટીના સેન્ટર ફૉર સાઉથ ઍન્ડ સાઉથ ઇસ્ટ એશિયન સ્ટડીઝે 1986માં પ્રકાશિત કર્યું હતું. એ પછી 1989માં આ પુસ્તકનો અનુવાદ ‘જેજાક રિવોલ્યૂસી 1945-સેબુઆહ કેસાકસિયાન સેજારાહ’ નામે ઈન્ડોનેશિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રવાદી આંદોલન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય તેવા કૅપ્ટન મણિ જેવા અનેક ભારતીય સૈનિકો હતા અને તેમણે ઈન્ડોનેશિયાના સશસ્ત્ર સંઘર્ષમાં મદદ માટે પોતાના સૈન્ય કૌશલ્યનો ઉપયોગ કર્યો હતો.

ઈન્ડોનેશિયાના લોકોને ભારતીય સૈનિકો માટે કેટલી હમદર્દી હતી તેનું સમગ્ર ચિત્ર સમજવા માટે આપણે કૅપ્ટન મણિ જેવા અન્ય ઘણા લોકોની કહાણી જાણવી જોઈએ. જેથી એ પણ જાણી શકાય કે બીજા વિશ્વયુદ્ધ પછી ઈન્ડોનેશિયા આઠ મહિના સુધી અંગ્રેજોના કબજામાં હતું ત્યારે પરિસ્થિતિ કેવી હતી.

પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ જનરલ મુહમ્મદ ઝિયા ઉલ હક (1924-1988) બ્રિટિશ ભારતીય સૈન્ય તરફથી એશિયા પ્રશાંતમાં અનેક મોરચે લડાઈ લડ્યા હતા. ઑપરેશન કૅપિટલ દરમિયાન તેઓ બર્મામાં તહેનાત હતા અને ઑપરેશન ઝિપર દરમિયાન તેઓ મલાયામાં હતા.

જનરલ ઝિયાને સપ્ટેમ્બર, 1945માં 23મા બ્રિટિશ ભારતીય ડિવિઝન સાથે જાવામાં તહેનાત કરવામાં આવ્યા હતા. જનરલ ઝિયાએ 1943માં ઇન્ડિયન મિલિટરી ઍકેડૅમી, દહેરાદૂનથી સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો.

જાવાના સૈન્ય અભિયાનમાં (1945-46) ભાગ લીધા બાદ ઝિયા ભારત પાછા ફર્યા હતા. 1947માં ભારત આઝાદ થયું ત્યારે તેમણે પાકિસ્તાની સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

ઈન્ડોનેશિયામાં ઝિયાનો અનુભવ કેવો હતો અને પછી તેમની સૈન્ય કારકિર્દી અને રાજકીય મહત્ત્વાકાંક્ષા પર તેની કેવી અસર થઈ હતી તેનું આપણે માત્ર અનુમાન જ કરી શકીએ.

બીબીસી ગુજરાતી

નિષ્કર્ષ

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણેો સાથે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણેો સાથે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ.

આધુનિક યુગમાં ઈન્ડોનેશિયન દ્વીપસમૂહમાં બ્રિટનની ભૂમિકા ભયંકર હિંસા અને ક્રૂરતાપૂર્ણ હતી. તેની અસર ભારતમાં બ્રિટનની છબી પર પણ થઈ હતી.

બ્રિટને 1811થી 1816 સુધી અને પછી નેપોલિયન રાજની લડાઈઓ દરમિયાન જાવામાં બંગાળ પ્રૅસિડેન્સીના સૈનિકોનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. એ પછી 1945-46 દરમિયાન પણ ઈન્ડોનેશિયામાં બ્રિટનની દખલગીરી મુશ્કેલીભરી રહી હતી.

આ બન્ને ઘટનાની ભારતીય ઉપખંડમાં બ્રિટનની રાજકીય હેસિયત પર ગંભીર અસર થઈ હતી. તેને લીધે ભારતની આઝાદીના અભિયાનને વેગ મળ્યો હતો.

ઓગણીસમી સદીમાં બંગાળના સૈનિકોએ જાવામાં શાસકો સાથે મળીને બ્રિટન સામે ઘાતક ષડયંત્ર રચ્યું હતું અને બળવો કર્યો હતો. જાવામાં બંગાળી સૈનિકોના ષડયંત્રના માત્ર નવ વર્ષ પહેલાં આરકોટમાં ભારતીય સૈનિકો બળવો (1806નો વેલ્લોર વિદ્રોહ) કરી ચૂક્યા હતા.

જાવામાં વિદ્રોહના માત્ર ચાર દાયકા બાદ 1857માં સૈનિકો અંગ્રેજો સામે આઝાદીની પહેલી લડાઈ લડ્યા હતા. 1945માં ભારતીય સૈનિકો ઈન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસેનાનીઓ સામે લડતા હતા ત્યારે ભારતમાં સ્વરાજ કે સ્વતંત્રતા આંદોલન રોકી ન શકાય તેવું અભિયાન બની ચૂક્યું હતું.

આ બન્નેએ ભારતમાં બ્રિટિશરાજના ખાત્માની ગતિ ઝડપી બનાવી દીધી હતી. એ બન્ને ઘટનાની સ્મૃતિ આજે પણ લોકોના મનમાં તાજી છે. જોકે, ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય મૂળના લોકો – ખાસ કરીને સિંધીઓની સંખ્યા બહુ ઓછી છે. 28 કરોડની વસતીવાળા ઈન્ડોનેશિયામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા માત્ર 1,20,000 છે, જ્યારે ચીન અને અરબી મૂળની મિશ્ર જાતિના ઈન્ડોનેશિયન નાગરિકોની એટલે કે પેરાનાકાન ચાઇનીઝ લોકોનું પ્રમાણ કુલ વસતીના 3.2 ટકા છે.

તેમ છતાં, ભારતની કહાણી હજુ પણ ઈન્ડોનેશિયાના લોકોને જણાવવાની જરૂર છે, કારણ કે ઈન્ડોનેશિયાના ભારતીય તથા હિંદુ-બૌદ્ધ ઇતિહાસનાં મૂળિયાં 2,000 વર્ષથી પણ વધુ ઊંડાં છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી